કૉલમ : જૈન નથી, પણ આ લોકો છે શ્રી મહાવીરના મહાચાહક

17 April, 2019 10:35 AM IST  |  | રુચિતા શાહ

કૉલમ : જૈન નથી, પણ આ લોકો છે શ્રી મહાવીરના મહાચાહક

મહાવીર જયંતિ

જૈન ધર્મમાં તીર્થંકરોની જન્મતિથિને જયંતી તરીકે નહીં, પણ કલ્યાણક તરીકે ઉલ્લેખવામાં આવે છે. જે કલ્યાણકારી છે એ તીર્થંકરના જન્મદિવસને કલ્યાણક કહેવાય. અહિંસા પરમો ધર્મમાં માનનારા અને સૂક્ષ્મતાપૂર્વક અહિંસાનું પાલન થાય એ પ્રકારની જીવનશૈલીનો પ્રચાર જૈન દર્શનની પરંપરામાં છે. શરીર અને મન બન્ને પર વૈજ્ઞાનિક રીતે અસર કરે અને પ્રત્યેક વ્યક્તિની આધ્યાત્મિક જગતમાં પ્રગતિ થાય એવી લાઇફસ્ટાઇલ આ ધર્મના પાયામાં છે. જૈન ધર્મમાં દર્શાવેલી વાતોનું અણિશુદ્ધ આચરણ આજે પણ થાય તો કદાચ દિવસે દિવસે વિકરાળ રૂપ લઈ રહેલો ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ન આપોઆપ ઉકેલાઈ જાય.

એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કે જ્યારે આપણે કોઈ ધર્મ પાછળ રહેલાં દર્શનને સમજવાની કોશિશ કરતા હોઈએ ત્યારે એમાં તમામ પૂર્વગ્રહોને મૂકીને એના હાર્દને પકડવાના પ્રયત્ન થવા જોઈએ. દર્શનશાસ્ત્રનું ધ્યેય પણ ટુ સી બિયૉન્ડ - પેલી પાર જોવાના પ્રયત્ન કરવો એવો થાય છે. જોવું અને દર્શન કરવું એ ફરક સમજવા જેવો છે. ફિલ્મ તમે જુઓ છો, પણ ભગવાનનાં તમે દર્શન કરો છો. જે છે એની તરફ આંખ હોય એ જોવું અને જે છે એનાથી પણ કંઈક વિશેષ જોવાની ચેષ્ટા એ દર્શન બને છે. નિયમો અને બંધનો એ જૈન દર્શનને સરળતાથી સમજવા અને આચરણમાં ઉતારવા માટે આપવામાં આવેલી લાઇફસ્ટાઇલ છે. એ જ ધર્મ નથી. રાત્રિભોજન ન કરવું, અભક્ષ્ય એટલે કે શરીરને રુચિકર ન હોય અને જીવોની હિંસાથી બનેલો વાસી, પ્રોસેસ થયેલો આહાર ન ખાવો, કંદમૂળ ન ખાવું વગેરે નિયમોમાં જેટલો અંહિસાનો પ્રબળ ભાવ છે એટલી જ એમાં વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યમાં સંવાદ જાળવી રાખવાના પ્રયાસો છે. પ્રતિક્રમણ મનમાં, વાણીમાં કે વર્તનમાં આવેલી તમામ હરકતોથી પાછા હટવાની પ્રોસેસ છે. ક્ષમા માગીને મનને તંદુરસ્ત રાખીને ખરેખર આત્માના વિકાસની દિશામાં મનને સક્રિય રાખવાના પ્રયત્નો છે. લાખ કોશિશ કરી, પણ કોઈક માટે મનમાં દુર્ભાવ આવી જ ગયો. હવે શું? જાતને કોસતાં રહેવું અથવા આપણાથી આ નહીં થાય એમ કરીને બધું પડતું મૂકીને ચાલતાં થવું કે પછી પ્રતિક્રમણ કરીને જે થયું એમાંથી પાછા હટવાના પ્રયાસ કરીને નવેસરથી શરૂઆત કરવી. વારંવાર પ્રયાસ કરવા, સતત પ્રયાસ કરવા અને એક દિવસ સફળ થઈ જવું. મનના માલિક બની જવું. સ્વમાં સ્થિર થવા માટે અને સમતા માટે સતત પ્રયાસ કરવા સામાયિક છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયાઓને સૂક્ષ્મતાપૂર્વક સમજવાની કોશિશ કરશો તો સમજાશે કે એ મનને ટ્રેઇન કરવા માટેની છે. ખાણી-પીણીના નિયમો શરીરને ટ્રેઇન કરવા માટે છે. તન અને મન બન્ને ફિટ હોય તો તમે ધારેલું શું ન કરી શકો એ પ્રશ્ન રહે છે.

અહીં આપણે જૈનોની વાત નથી કરી રહ્યા, પણ જૈન દર્શનની વાત કરી રહ્યા છીએ. ભગવાન મહાવીરે કહેલી કેટલીક એવી લૉજિકલ વાતોની વાત કરી રહ્યા છીએ, જેને તમારે સ્વીકારવી જ પડે, કારણ કે એની પાછળ લૉજિક છે. સાયન્ટિફિક ફૅક્ટ કરતાં પણ એક ડગલુ આગળ રહેલા સત્યને તમે વર્તુળમાં બાંધી ન શકો. એ સત્ય છે. કોઈ વિજ્ઞાનનો સિદ્ધાંત માત્ર હિન્દુઓ માટે જ હોય કે માત્ર પારસીઓ માટે જ એ લાગુ પડે એવું ન હોય. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. બે ભાગ હાઇડ્રોજનના અને એમાં એક ભાગ ઑક્સિજનને મિક્સ કરો એટલે પાણી બને. આ તમે અમેરિકામાં કરો, ભારતમાં કરો કે બલૂચિસ્તાનમાં કરો. આ કાર્ય મુસલમાન કરે, કોઈ ખ્રિસ્તી કરે કે હિન્દુનું બાળક કરે. પરિણામ આ જ આવે. આવા જ સજ્જડ લૉજિકના પાયા પર આ ધર્મ ઊભો છે. શરીરવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર, નૈતિક શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર જેવાં દુનિયાનાં વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાની વાત કરતાં અઢળક શાસ્ત્રો છે જેની પુરાવા સહિતની ચર્ચા જૈન દર્શનમાં છે.

અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે કે ઇચ્છાઓને કાબૂમાં રાખવી, પરિગ્રહ ન કરવો એટલે કે જરૂરથી વધારે ભેગું ન કરવું - આ જૈન ધર્મના પાંચ ગોલ્ડન રૂલ છે. પંચ મહાવ્રતો. એ સિવાય અનેકાંતવાદ, મૈત્રી, પ્રેમ, કરુણા, ક્ષમા જેવા માનવજાતની શ્રેષ્ઠતા પુરવાર કરતા કેટલાક સિદ્ધાંતો શ્રી મહાવીરે પોતાના જીવન દ્વારા અને ઉપદેશના માધ્યમે આપ્યા છે. પોતાને મહાવીરનાં સંતાનો કહેવાડતા જૈનો મહાવીરની વિશેષતાઓ પર વાત કરે તો એમાં અતિશયોક્તિ હોવાની, પરંતુ જેમને જન્મથી કોઈ જુદા ઇષ્ટદેવની પૂજા-અર્ચના કરવાની તાલીમ મળી હોય એ લોકો પૂરતી સમજણ પછી જૈન શાસ્ત્રોનું અધ્યયન કરી શક્યા હોય અને એમાંથી તેમને પ્રભુ મહાવીરની કઈ વાતો ગમી એ વિશે બોલે તો એમાં વાસ્તવિકતા હોવાની. કેટલાક ચુનંદા લોકો સાથે આ દિશામાં અમે ચર્ચા કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો આગળ.

વૈષ્ણવ છીએ, પણ દેરાસરે દર્શને ન જાઉં એવો એકેય દિવસ ગયો નથી

અંધેરીમાં રહેતા ૮૦ વર્ષના મનહર કાબાણી અને તેમનાં પત્ની નીલાબહેન માટે જૈન ધર્મનું વિશેષ મહત્વ છે. તેઓ વર્ષોથી કંદમૂળ નથી ખાતાં. નિયમિત દેરાસરે જાય છે. મૂળ વૈષ્ણવ પરિવારમાં જન્મેલા આ મનુભાઈ કહે છે, ‘હું પાલિતાણાની હૉસ્ટેલમાં ભણ્યો છું એટલે આ ધર્મને નજીકથી જાણવાની તક મને મળી છે. નાનપણમાં હૉસ્ટેલમા હોઉં ત્યારે જૈન પરંપરાનું પાલન કરતા અને પછી ઘરે જાઉં ત્યારે વૈષ્ણવ રીતિરિવાજો પ્રમાણે ચાલતો. પિતાજીથી જુદો થયો એટલે સંપૂર્ણ જૈન ધર્મનું પાલન કરતો થઈ ગયો. ચૌવિહાર, નવકારશી, કંદમૂળ ત્યાગ, નિયમિત દેવદર્શન જેવા નિયમો રોજના પાળું છું. અમે પાંચ ભાઈઓ છીએ. પાંચેય જુદા જુદા ધર્મ પાળીએ છીએ. એ બાબતમાં બાપુજીએ અમને સ્વતંત્રતા આપી હતી. દરેક ધર્મ પ્રત્યે મને માન છે. બધા છેલ્લે તો એક જ વાત કહે છે. જોકે જૈન ધર્મની લાક્ષણિકતા જે મને ગમે છે એ છે એની ગુણદર્શિતા. અહીં વ્યક્તિની પૂજાની વાત નથી. ગુણોની પૂજાની વાત છે. મૂળ મંત્ર નવકાર જોશો તો પણ ખ્યાલ આવશે કે એમાં પણ કોઈ વ્યક્તિનું નામ નથી. અરિહંત, સિદ્ધ એ ખરેખર કૅટેગરી છે. અરિહંત એટલે જેણે પોતાની અંદરના શત્રુઓનો નાશ કર્યો હોય એ તમામેતમામ આત્માઓ આવી ગયા. ફોકસ ગુણ પર છે.’

નાગર પરિવારમાં જન્મેલાં આ બહેને ૧૧મી સદીમાં લખાયેલા ગ્રંથ પર પીએચડી કરી છે

કાંદિવલીમાં રહેતાં નમન બૂચ પોતે નાગર છે, પણ તેમણે ૧૧મી સદીમાં રચાયેલા એક જૈન ગ્રંથ પર પોતાની ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે. જૈનના એક પંથ ખત્તરગચ્છના સ્થાપક શ્રી જિનેશ્વરસૂરિએ ૪૦ વાર્તાઓના સમૂહ ‘કહાણય કોષ’ નામના પ્રાકૃત ભાષામાં લખાયેલા એક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ પર ડૉક્ટરેટ કરનારી નમન બૂચ કહે છે, ‘સંસ્કૃત મારા રસનો વિષય છે અને સંસ્કૃતમાંથી ધીમે ધીમે પ્રાકૃત તરફ મારો રસ ગયો, જેમાં અનાયાસ જ આ ગ્રંથ મારા હાથમાં આવ્યો હતો. તમે કયા કર્મો કરો તો એની કેવી ગતિ થાય, કર્મોની તીવ્રતા પ્રમાણે તેનું ફળ, દાનનો મહિમા, સામાજિક વિષયો, વ્યાકરણ એમ ઘણા બધા વિષયોનું વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથના અધ્યયન અને રિસર્ચ દરમ્યાન જૈન દર્શનની કેટલીક લાક્ષણિકતાઓએ ખરેખર મને સ્પર્શી લીધી છે. તપ સાધના કરીને આત્માની શુદ્ધિ કરવાની દિશામાં પણ તેમણે જે લૉજિકલ વિશ્લેષણ આપ્યું છે એ અદ્ભુત છે. મહિલા સશક્તીકરણની વાતો આ ગ્રંથમાં મને મળી છે. વ્યક્તિની માનસિકતાને સમજીને આગળ વધતો આ ગ્રંથ છે. સૂક્ષ્મતાપૂર્વક અહિંસાનું પાલન કરવાની બાબતમાં જે વિશ્લેષણ છે એ એક્સેલન્ટ છે. અહીં હું એટલું કહીશ કે ઓછાવત્તા પ્રમાણમાં દરેક ધર્મ એક જ બિંદુ પર મળે છે. બધાની વાતો સરખી છે. જોકે આ ધર્મમાં મેં સૂક્ષ્મતા વિશેષ જોઈ છે.’

અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી વૈષ્ણવ પરિવારની દીકરીને શું ગમ્યુ જૈન દર્શનમાં?

મૂળ ન્યુ યોર્કમાં જ જન્મેલી ડૉ. અંજલિ કિનારીવાલા એમબીબીએસ કરવા માટે પાંચ વર્ષ ભારતમાં આવી હતી અને હજી ગયા સોમવારે જ તે અમેરિકા પાછી ફરી છે. આ પાંચ વર્ષ દરમ્યાન તેને જૈન પરિવારમાં રહેવાનો મોકો મળ્યો અને એ રીતે આ ધર્મની કેટલીક ખૂબીઓ તેના ધ્યાનમાં આવી. અંજલિ કહે છે, ‘હું અહીં ડૉક્ટર બનવા માટે આવી હતી એ સમયે અમારા ફૅમિલી ફ્રેન્ડને ત્યાં પણ થોડો સમય રહેવાનું બન્યું. એ લોકો જૈન રિલિજનને ફૉલો કરે છે. એમની પાસેથી થોડીક વાતો જાણ્યા પછી અને પછી પોતાની રીતે રિસર્ચ કર્યું ત્યારે બે વસ્તુથી હું ખરેખર ઇમ્પ્રેસ થઈ. પહેલી વાત એ કે આ ધર્મમાં કોઈ ક્રિયેટર ગૉડ નથી. આ ધર્મ કહે છે કે યુ આર ધ રાઇડર ઑફ યૉર ડેસ્ટિની. તમે પણ ભગવાન બની શકો છો. કોઈ ફિક્સ ભગવાન નથી, જે અવતાર લે. દરેક વ્યક્તિ ભગવાન બની શકે, જો એ સ્પિરિચ્યુઆલિટીની એ નોટ પર પહોંચી જાય તો. યુ નો, આ વાત મારા માઇન્ડમાં માઈલસ્ટોનની જેમ સ્ટોર થઈ ગઈ છે. બીજી વાત સાયન્સની. જૈનિઝમના થોડાક નિયમો જોશો તો એ બહુ જ સાયન્ટિફિક છે. ઇવન નોન-વાયોલન્સ પણ સાયન્ટિફિક છે, જે તમારી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. જૈન સાધુની સિમ્પ્લિસિટી મને ટચ કરી ગઈ. માણસ ધારે તો કેટલા ઓછા પાણીમાં પણ સર્વાઇવ કરી શકે. મિનિમમ રિસોર્સિસ અને મૅક્સિમમ યુટિલાઇઝેશન એ વાત મને બહુ જ ગમી. તમે કંદમૂળ ન ખાઓ તો પણ તમે એન્વાયર્નમેન્ટની રક્ષા કરો છો. હાઇજેનિક અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ધર્મ લાગ્યો મને આ. બેસ્ટ પાર્ટ કે દરેક બાબત પાછળનું જસ્ટિફિકેશન છે.’

ફિલોસૉફીના પ્રોફેસરનો જૈન દર્શન પ્રત્યેનો લગાવ કયા કારણે છે?

મુંબઈ યુનિવર્સિટીમાં ફિલોસૉફી ભણાવતા અને જૈનિઝમ પર ડૉક્ટરેટ કરનારા પ્રો. મીનલ કાતારનીકર પોતાના પંદર-સત્તર વર્ષના જૈન દર્શનના અભ્યાસને પોતાના અંગત જીવનમાં ઉતારવાના પ્રયત્નો પણ કર્યા છે. તેઓ કહે છે, ‘જૈન દર્શનનો અનેકાંતવાદનો સિદ્ધાંત અદ્ભુત છે. લોકો તેને અડધો જ સમજ્યા છે. અનેકાંતવાદ એટલે દરેકને પોતાના સ્પેસ ટાઇમે જે સત્ય લાગ્યું એ સત્ય છે, પરંતુ એ ઍબ્સોલ્યુટ ટ્રુથ નથી. દરેક પોતાની દૃષ્ટિએ સાચું હોઈ શકે, પરંતુ એ જ પરમ સત્ય હોય એ જરૂરી નથી. અનેકાંતવાદ એ આજના સમયમાં જરૂરી અત્યંત મહત્વનો સિદ્ધાંત છે. એ તમને ઉદારમતવાદી કરે છે. બીજાના અભિગમને આદરથી જોતાં શીખવે છે. સામેવાળો જે કહે છે એ એની દૃષ્ટિએ એ સમય પૂરતું સત્ય જ છે. કોઈ સત્ય ઍબ્સોલ્યુટ એટલે કે પૂર્ણ સત્ય નથી. આ સિદ્ધાંતે એક વ્યક્તિ તરીકે અને એક પ્રોફેસર તરીકે પણ મારામાં ઘણુ પરિવર્તન લાવ્યું છે. તમને તમારી વાત માટે અભિમાન ન આવે અને બીજાની વાતને તમે આદરયુક્ત સ્થાન આપો. અનેકાંતવાદનો સિદ્ધાંત આજે વિશ્વના તમામેતમામ ધર્મોએ જૈન દર્શન પાસેથી સ્વીકારવા જેવો છે. દરેક લોકો એને અનુસરે તો વિશ્વમાં શાંતિની સ્થાપના ઑટોમૅટિક થઈ જવાની. જૈન ધર્મના નિયમો તો પાળવાનું તો પોસિબલ નથી, પરંતુ અહિંસા, અનેકાંતવાદ જેવી ફિલોસૉફીને પાળવાની પૂરી કોશિશ કરવી જોઈએ.’

જન્મથી મુસલમાન આ પ્રોફેસર જૈન ધર્મને જે રીતે સમજ્યા છે અને સમજાવે છે એ તાજ્જુબ પમાડશે

કચ્છમાં જન્મેલા ડૉ. રમઝાન હસણિયા જન્મથી ઇસ્લામ ધર્મ પામ્યા છે, પરંતુ દરેક ધર્મની ખૂબીઓને તેમણે અપનાવી છે. જૈન ધર્મનો સારો એવો અભ્યાસ તેમણે કર્યો છે અને પર્યુષણ વ્યાખ્યાન માળાઓમાં તેમનો ઊંડો અભ્યાસ અને રિસર્ચ વર્કથી આ ધર્મના ગૂઢાર્થોને પણ સરળ શૈલીમાં બયાન કરવાની આવડત તેઓ ધરાવે છે. ડૉ. રમઝાન કહે છે, ‘જૈનોની વચ્ચે ઉછેર થયો છે એટલે આ ધર્મના સંસ્કારો પણ સહજ મારામાં આવ્યા. અહિંસા મને સૌથી વધુ સ્પર્શી. એટલે જ કદાચ નાનપણમાં જ કોઈ નિર્દોષ પશુનો ખોરાક માટે વધ થતો જોઈ મારું હૈયું હચમચી ગયું હતું. હું પ્યૉર શાકાહારી છું અને આજે પણ માનું છું કે કોઈક પંચેન્દ્રિય જીવને કેવી રીતે પેટમાં પધરાવી શકાય. હું મારા પેટને કબર નથી માનતો. મને યાદ છે કે પહેલી વાર મુંબઈમાં મને પયુર્ષણ પ્રવચન માટે ૨૦૧૩માં આમંત્રિત કર્યો હતો ત્યારે મારે લોગ્ગસ સૂત્ર પર બોલવાનું હતું. લગભગ ૨૫૦૦ વર્ષ પ્રાચીન આ સૂત્ર પર લગભગ એક વર્ષ રિસર્ચ કરીને જુદાં જુદાં આગમો અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરીને આ સૂત્ર વિશેના રેફરન્સ શોધીને એક કલાકનું વ્યાખ્યાન આપ્યું હતું. એ કદાચ શાસ્ત્રીય રીતે જૈન ધર્મ સાથે રૂબરૂ થવાની મારા જીવનની પહેલી ઘટના હતી. મારા ગુરુદેવ ભુવનચંદ્રજી મહારાજનો પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે. આજે પણ જે પણ વિષય પર બોલવાનું હોય એના માટે ગહન સંશોધન કરું. દેશની જુદી જુદી લાઇબ્રેરીઓ સાથે સંપર્કમાં છું એટલે તેમની પાસેથી પણ રેફરન્સ પુસ્તકોનો અભ્યાસ કરી લઉં. જૈન સિવાય સ્વામિનારાયણ સંપ્રદાય, રામ-કૃષ્ણ વગેરેના જીવન વિશે પ્રખર અભ્યાસ કરી ચૂક્યો છું. જૈન ધર્મમાં કોઈ કર્તાવાદ નથી. કોઈ ઈશ્વરનો જન્મ થાય એ વાત નથી. જે કરો છો એ તમે જ છો. આખેઆખો ધર્મ માત્ર કર્મના સિદ્ધાંત પર અવલંબિત છે. તમે ઈશ્વર બની શકો છો. ઈશ્વર હોતો નથી, પણ ઈશ્વર બનવું પડે છે. તીર્થંકર મહાવીર દેવ પણ જો ખોટાં કર્મ કરે તો એ ભોગવવાં જ પડે છે. સામાન્ય માનવમાંથી મહામાનવ બનવા સુધીની યાત્રાનું સુંદર નિરૂપણ શ્રી મહાવીરની યાત્રામાં નજરે પડે છે. આ જૈન ધર્મની ખૂબી છે. હું એ રીતે ધર્મનિરપેક્ષ છું. જન્મથી મળેલા ઇસ્લામ ધર્મ પ્રત્યે સહજ લગાવ હોય એ સ્વાભાવિક છે, પણ બીજા દરેક ધર્મમાં જે પણ સારું છે એનો હું અનુરાગી છે. જે મને મારી આંતરિક સાધનામા સતત ઉત્થાન આપવાનું કામ કરે છે.’

વર્તમાનને વર્ધમાનની વિશેષ આવશ્યકતા શું કામ છે?

લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે ત્રણેય કાળના સર્વ જીવો અને જડ પુદ્ગલોના ભૂત, વર્તમાન અને ભવિષ્ય તેમ જ ભવોને, ભાવોને અને અવસ્થાઓને પોતાના નિર્મળ જ્ઞાનમાં નિહાળી ૩૦ વર્ષ સુધી નિત્ય આપેલી ૨૧,૬૦૦ દેશના (પ્રવચન) દ્વારા જગતને ત્રણ વસ્તુની અમૂલ્ય ભેટ આપી છે. (૧) અહિંસા (૨) અનેકાંતવાદ (૩) જીવોનું વિજ્ઞાન.

૨૫૦૦ વર્ષ પહેલાં એક પણ માઇક્રોસ્કોપની મદદ વગર ભગવાન મહાવીરે જીવોના ૫૬૩ ભેદોનું વર્ણન કર્યું. એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જીવોના વિભાગીકરણ કરીને તેનું સંપૂર્ણ વિવરણ આપ્યું, જે આજના વિજ્ઞાને અચંબાપૂર્વક સ્વીકાર્યું છે.

હાઇડ્રોજનના બે ઘટક અને ઑક્સિજનનો એક ઘટકના મિશ્રણથી પાણી બને છે તે બે-ત્રણ સૈકાઓ પહેલાં વિજ્ઞાને સ્વીકાર્યું, પરંતુ શ્રી સુયગડાંગ સૂત્રમાં આ વાત વીરપ્રભુએ ૨૫૦૦ વર્ષ પહેલાં ફરમાવી છે કે પાણી એ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ વાયુઓનું બનેલું છે. વનસ્પતિમાં જીવ છે એ વાત વિજ્ઞાન દ્વારા હજુ હમણાં સ્વીકારાઈ છે. વીર પ્રભુએ તો પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ, અિગ્નમાં પણ જીવની વાત છે અને તેની સંખ્યાની ચોક્કસ માહિતી પણ આપી છે.

ડૉક્ટરો કહે તો આપણે ઉકાળેલું પાણી પીએ છીએ, પણ ગુરુભગવંતનો આ ઉપદેશ આપણા કાને સંભળાતો નથી. ઑપરેશન કરવા જઈએ ત્યારે ડૉક્ટર કહે તે કપડાં પહેરીએ છીએ, જેમ ભૂખ્યા રાખે તેમ રહીએ છીએ, જે કાપકૂપ કરવી હોય તે કરવા દઈએ છીએ. ઉપરથી કાગળ ઉપર સહી કરીને આપીએ છીએ કે ઑપરેશન દરમ્યાન મૃત્યુ થાય તો પણ ડૉક્ટરની જવાબદારી રહેશે નહીં. ધર્મમહાસત્તા તો કલ્યાણમય જીવનની ગૅરન્ટી આપે છે, પરંતુ તેની વાતો સ્વીકારવા મન તૈયાર થતું નથી.

આ પણ વાંચો : કૉલમ: રામ રતન ધન પાયો

બહેનો પાંચ-દસ દાણા ભાતના દબાવીને નક્કી કરે છે કે તપેલીમાં રહેલા બધા ચોખા પાકી ગયા છે તેમ ધર્મની પાંચ-પચાસ વાતોને વિજ્ઞાનની એરણ પર જો સિદ્ધ થઈ હોય તો ઉપરોક્ત ન્યાયથી બાકીની સર્વ વાતો સત્યને આધારિત છે. આત્મા, ધર્મ, પાપ-પુણ્ય, સદ્ગતિ, દુર્ગતિ આ બધી વાતનો વહેલા કે મોડા વિજ્ઞાને સ્વીકાર કરવો પડશે. અસંખ્ય વર્ષથી ચાલી આવતી આપણી ધર્મની ઉજ્જવળ પરંપરાને વિજ્ઞાનની સાબિતીની ઓથની જરૂરત નથી, પરંતુ આજના વિજ્ઞાનપરસ્ત યુગને આ પ્રકારે સમજણ આપવાથી શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે. વિજ્ઞાને હાથની, પગની, આંખની શક્તિ વધારી છે, પણ રાગદ્વેષની મંદતા કરવા માટે ધર્મ મહાસત્તાના શરણે ગયા વગર બીજો કોઈ વિકલ્પ નથી. તેથી જ વર્તમાનને વર્ધમાનની વિશેષ આવશ્યકતા છે. - અતુલકુમાર વ્રજલાલ શાહ

columnists