મિસ્ટર સનકી

21 November, 2022 05:32 PM IST  |  Mumbai | Ruchita Shah

થોડા સમયથી પુરુષો દ્વારા સ્ત્રી-પાર્ટનર પરની હિંસાના બનાવો પાછળની સાઇકોલૉજી અને કારણોને સમજવાનો પ્રયાસ કરીએ

પ્રતીકાત્મક તસવીર

ક્યારેક કોઈ ક્ષણે તમારો પણ પિત્તો ગયો હશે અને તમને નહીં કરવા જેવું કંઈક કરવાના વિચારો આવ્યા હશે. કંઈક અજુગતું બને એ પહેલાં જ આવા નકારાત્મક ભાવોને ઓળખીને એના પર કામ કરવાથી આવનારાં ગંભીર પરિણામોથી બચી શકાય છે. થોડા સમયથી પુરુષો દ્વારા સ્ત્રી-પાર્ટનર પરની હિંસાના બનાવો પાછળની સાઇકોલૉજી અને કારણોને સમજવાનો પ્રયાસ કરીએ

પોતાની સાથે ત્રણ વર્ષથી રહેતી લિવ-ઇન પાર્ટનર, જેને પોતે પ્રેમ કરે છે તેનું મર્ડર કરવું અને ઠંડા કલેજે તેના શરીરના ૩૫ ટુકડા કરવા એ ઘટના અસામાન્ય છે. એને મધ્યમાં રાખીને આ લેખ નથી લખાઈ રહ્યો. સમાજમાં સાઇકોપૅથ એટલે માનસિક રીતે બીમાર લોકો ઘણા છે અને તેમના કૃત્યને જનરલાઇઝ્ડ કરી જ ન શકાય; પરંતુ હા, ઘણી વાર સામાન્ય આવેશમાં પણ કેટલાંક એવાં પગલાં લોકો ભરી દેતા હોય છે જેમાંથી પાછા વળવું કે એ દુર્ઘટનામાંથી બહાર આવવું શક્ય નથી. શ્રદ્ધા મર્ડરકેસને ભૂલી જઈએ થોડીક ક્ષણ માટે અને જોઈએ એ સિવાય છેલ્લા એક મહિનામાં દેશમાં બનેલી કેટલીક આવી જ કમકમાટી જગાવતી ઘટનાઓ. 

પોલીસ રિપોર્ટ પ્રમાણે આ મહિનાના આરંભમાં રોહિત ગુપ્તા નામના યુવકે તેની પ્રેમિકાએ તેની સાથે બ્રેક-અપ કર્યું એટલે તેને મારી નાખવાનો પ્રયાસો કર્યો. સોનુ પહેલેથી જ પરિણીત હતો અને એ પછી તેના આ એક્સ્ટ્રા-મરાઇટલ અફેરમાં પ્રેમિકા છોડીને જતી રહી તો તે ફ્રસ્ટ્રેટેડ ફીલ કરતો હતો અને તેણે આ પગલું ભર્યાનું કબૂલ્યું હતું. નસીબજોગ ગોળીના ઘા પછી તાત્કાલિક સારવાર મળતાં તેની પ્રેમિકા બચી ગઈ. 

ઑક્ટોબરમાં સરકારી સ્કૂલના શિક્ષકે પોતાની નવ વર્ષની દીકરી સામે કેટલાક આપસી ઝઘડામાં આવેશમાં આવીને પત્નીની હત્યા કરી નાખી. 

ગયા અઠવાડિયે જ એમપીના એક યુવાને ગર્લફ્રેન્ડને રિસૉર્ટમાં લઈ જઈને હોટેલની રૂમમાં મારી નાખી હતી. તેને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડ અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો ધરાવતી હતી. 

આવા અઢળક બનાવો મળી જશે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઇન્ટિમેટ પાર્ટનર દ્વારા થતી હિંસા ભારતમાં મહિલાઓનાં મૃત્યુનું પહેલા નંબરનું કારણ છે. ૨૦૧૨માં યુનાઇટેડ નેશન્સે કરેલો એક અભ્યાસ કહે છે કે આ વર્ષે વિશ્વભરમાં મહિલાઓની કુલ હત્યામાં ૫૦ ટકા મહિલાઓનાં ખૂન તેમના ઇન્ટિમેટ પાર્ટનરે કર્યાં હતાં. પુરુષોની બાબતમાં આ પ્રમાણ માત્ર છ ટકા હતું. આયરલૅન્ડનો એક અભ્યાસ કહે છે કે છેલ્લાં વીસ વર્ષમાં ૮૭ ટકા મહિલાઓનાં મર્ડર એ જ પુરુષોએ કર્યાં હતાં જેમને તેઓ ઓળખતી હતી અને એમાંથી પણ ૬૩ ટકા મહિલાઓનાં મર્ડર તેમના પોતાના ઘરમાં થયાં હતાં. કદાચ તમને નવાઈ લાગશે, પણ ૨૦૧૪માં દિલ્હી હાઈ કોર્ટના જજોની પૅનલે આવા ઇન્સિડન્ટ્સની માત્રા સાંભળીને કહેલું કે ‘એવું લાગે છે કે પરિણીત મહિલાઓ પોતાના સાસરાના ઘર કરતાં દિલ્હીની સડકો પર વધુ સુરક્ષિત છે.’ યુનાઇટેડન નેશન્સના ફેમિસાઇડ રિપોર્ટનો ડેટા કહે છે કે ૮૨ ટકા મહિલાઓનાં ખૂન તેમના પાર્ટનર અને એક્સ-પાર્ટનર દ્વારા થાય છે. આ બહુ જ પેચીદા આંકડાઓ છે. અહીં શું થઈ રહ્યું છે એના કરતાં પણ આવું ન થાય એ માટે શું હોવું જોઈએ એની ચર્ચા પર વિશેષ ભાર મૂકવાનો આશય છે. એ આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી રીતે જ પુરુષ વધુ આક્રમક અને સ્ત્રીઓ સહેજ સૌમ્ય છે એ સામાન્ય સ્થિતિ છે. પોતાને જેણે પ્રેમ કર્યો હોય અને પોતે પણ જેને ચાહી હોય અથવા જેની સાથે સૌથી વધુ અંતરંગ ક્ષણો જીવી હોય તેને જીવથી મારી નાખવાની આક્રમકતા આવતી ક્યાંથી હોય છે? એના માટે કયા સંજોગો જવાબદાર હોય છે? ધારો કે એક લાફો મારવાનો પણ વિચાર મનમાં પ્રગટ્યો હોય તો એ ન થાય એ માટે પુરુષે કઈ રીતે ટૅકલ કરી જોઈએ જાતને અને સ્ત્રીઓ પણ આ સ્થિતિ સુધી પુરુષોને લઈ જવામાં ક્યાં જવાબદાર હોઈ શકે જેવા અઢળક પ્રશ્નોના જવાબ મેળવીએ આજે. 

શું કામ અગ્રેસિવ?

ડૉ. ધનંજય ગંભીરે

સ્ત્રીની સૌમ્યતા અને પુરુષની આક્રમકતા પણ નેચરે આપેલી શારીરિક સ્થિતિનું જ આઉટકમ છે એમ જણાવીને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ધનંજય ગંભીરે કહે છે, ‘પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામના હૉર્મોનનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે. પુરુષત્વ સાથે સંકળાયેલા આ હૉર્મોનનો એક ગુણ આક્રમકતા આપવાનો છે. પુરુષ બંધારણીય રીતે આક્રમક છે, જેની સામે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જેવાં હૉર્મોન્સનું પ્રમાણ વધારે હોય છે. બેશક, આજે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય એવા પુરુષો પણ મળશે અને ટેસ્ટોસ્ટેરોન વધુ હોય એવી મહિલાઓ પણ મળશે જે સિસ્ટમનો ગોટાળો સૂચવે છે, પરંતુ ઓરિજિનલ નેચરે આપેલી સ્થિતિ પ્રમાણે પુરુષોનું પ્રમાણમાં થોડુંક વધુ અગ્રેસિવ હોવું સાહજિક છે. આ જ હૉર્મોનના પ્રતાપે પુરુષો વધુ હાર્ડ વર્કિંગ, વધુ સ્ટ્રેન્ગ્થ ધરાવતા પણ હોય છે. આ ફિઝિકલ સ્થિતિની સાથે કલ્ચરલ ટ્રેઇનિંગ, તેમનો ઉછેર, તેમની આસપાસનું એન્વાયર્નમેન્ટ, તેમનો ચાઇલ્ડહુડ ટ્રૉમા, તેમનું સોશ્યલ, ઇમોશનલ અને ફાઇનૅન્શિયલ સ્ટેટસ વગેરે પણ પુરુષોના બિહેવિયરને પ્રભાવિત કરતા હોય છે.’

બહાર આવતી લાગણીઓ

પુરુષો મોટા ભાગે એક્સપ્રેસિવ નથી હોતા અથવા તો તેમને પોતાના મનને ખોલવામાં મહિલાઓની તુલનાએ વધુ સમય લાગે છે. એક્સ્ટ્રીમ પગલા પાછળ આ બહુ જ મહત્ત્વનું કારણ છે એમ જણાવીને ડૉ. ધનંજય ગંભીરે કહે છે, ‘કોઈ પણ ઇમોશન્સ એના શરૂઆતના ગાળામાં જ એક્સપ્રેસ થઈ જાય તો એની તીવ્રતા ઘટી જતી હોય છે; પરંતુ તમે મનમાં કોઈ વસ્તુ ભેગી કર્યા જ કરો, કર્યા જ કરો પછી જ્યારે એ બહાર નીકળે તો એ બ્લાસ્ટ થાય. સ્પ્રિંગને જેટલી વધુ દબાવો એટલી વધુ ઊછળે. આ સામાન્ય વાત આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એને અમલમાં નથી મૂકતા. પોતાની જે સ્ત્રી-પાર્ટનર સાથે પુરુષ ઇન્ટિમેટ રીતે જોડાયેલો હોય અને જેના પર તેણે પોતાનું આધિપત્ય રાખ્યું હોય અને જ્યારે એ પાત્ર તેને પજવવા માંડે અથવા તો તેનો વિશ્વાસઘાત કરે અથવા તો તેને શંકા જાગે એવી હરકતો કરે ત્યારે પુરુષનો મેલ ઈગો હચમચી જતો હોય છે. બીજું, જે પોતાનાથી દબાયેલી છે અથવા તો પોતાનાથી નબળી છે તે કોઈ એવી હરકત કરે છે જે પોતાના લાઇકિંગ્સથી પર છે તો એને બંધ કરવામાં તેનામાં રહેલો ડૉમિનેટિંગ સ્વભાવ બહાર આવે છે. આ તો આવું ન જ કરે અથવા તો આણે તો આવું ન જ કરવું જોઈએ એવું કંઈક તેની પાર્ટનર કરે ત્યારે તેને રોકવા માટે તે તેની કલ્ચરલ ટ્રેઇનિંગ પ્રમાણે અગ્રેશન એક્સપ્રેસ કરશે. કોઈક ઊંચા અવાજે ગંદા શબ્દોમાં વાત કરીને અગ્રેશન કાઢશે તો કોઈક લાફો મારીને તો કોઈક મર્ડર કરીને.’

સભાન રહો પહેલેથી જ

l કોઈ પણ એક્સ્ટ્રીમ ભૂલ ન થાય એવું ઇચ્છતા લોકોએ સૌથી વધુ ધ્યાન કમ્યુનિકેશન પર આપવું જોઈએ. ધારો કે પત્ની, પ્રેમિકા કે લિવ-ઇન પાર્ટનરની કોઈક બાબત તમને મનોમન પજવે છે તો એ વિશે તેની સાથે વાત કરો. તેની સાથે વાત કરવાનું પરિણામ ન દેખાય તો કોઈ નજીકના મિત્ર, સંબંધી કે પ્રોફેશનલની સલાહ લો. 

l ધારો કે તમને ક્યારેક તમારા પાર્ટનરને હર્ટ કરવાનો વિચાર આવ્યો હોય તો તરત જ તમારા અંગત મિત્ર કે પ્રોફેશનલ સાથે આ વાત ડિસ્કસ કરીને એનો નિવેડો લાવો. 

l ધારો કે તમારા પાત્ર સાથે પહેલાં જેવા સૌમ્ય સંબંધો ન રહ્યા હોય, તમે નિર્દોષ હો અને છતાં સામેવાળું તમને ઉશ્કેરવાના પ્રયાસ કરતું હોય એવું લાગે તો સમય રહેતાં એ સંબંધમાં જરૂર પડ્યે પૂર્ણવિરામ મૂકીને આગળ વધો. 

l લાઇફ પાર્ટનર સિવાય પણ જીવનમાં મિત્રો અને સંબંધો હોવા જોઈએ. તમારી પાસે એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટી અને હૉબીઝ પણ હોવી જોઈએ. જે ક્ષણે તમને એમ લાગે કે પરિસ્થિતિ તમારા કાબૂની બહાર છે અથવા તો તમને સામેવાળા પાત્રને લાફો મારવાનો પણ વિચાર આવ્યો છે તો એ જ ક્ષણે જે વાતથી મનમાં અકળામણ જાગી હોય એ વાતની ચર્ચા કરીને નિવેડો લાવો. નિવેડો લાવવામાં પાર્ટનર સહયોગ ન આપે તો પ્રોફેશનલ સાઇકિયાટ્રિક અને કાઉન્સેલિંગ હેલ્પ લેવામાં જરાય ક્ષોભ રાખવાની જરૂર નથી. 

lધારો કે તમારા મનમાં આર્થિક પરિસ્થિતિ, વર્કલોડ કે હેલ્થને લગતી કોઈ મૂંઝવણો ચાલી રહી છે અથવા તમે મનોમન કોઈ સ્ટ્રેસને કારણે પાર્ટનર પ્રત્યે ધ્યાન નથી આપી શકતા તો એ વાતને આઇડેન્ટિફાય કરીને પેટછૂટી વાત કરો જીવનસાથી સાથે. તે ન સમજે કે ગેરસમજ થતી હોય એવું લાગે તો જુદી રીતે સમજાવવાના પ્રયાસો થઈ જ શકે છે. બસ, હર હાલમાં પાણીને પાળની બહાર જવા જેટલો સમય ન આપો.

columnists ruchita shah