બૉક્સિંગ યોગા

05 June, 2019 10:02 AM IST  |  | રુચિતા શાહ

બૉક્સિંગ યોગા

બૉકેસિંગ યોગા

તમે વીરભદ્રાસનમાં એટલે કે લન્જ પોઝિશનમાં એક પગ આગળ ઘૂંટણથી ૯૦ ડિગ્રીએ વળેલો અને બીજો પગ પાછળ રાખીને ઊભા હો પણ બીજી બાજુ તમે હાથની મુઠ્ઠી વાળી દઈને સાથે જ પંચ મારવા માટે પણ તત્પર હો. આ પ્રકારના અઢળક પોઝ આજકાલ બૉક્સિંગ યોગના નામે યોગબજારમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે. બૉક્સિંગ હાથ દ્વારા મનની ભડાસ કાઢો અને સાથે યોગાસનના સ્ટ્રેચિંગ દ્વારા શરીરનું રક્તપરિભ્રમણ સુધારોના દાવા સાથે પૉપ્યુલરિટી પામી રહેલા યોગના આ પ્રકાર વિશે આજે ચર્ચા કરીએ.

આમ તો બૉક્સિંગ અને યોગ એ બે વિરોધાભાસી શબ્દો કહેવાય. ક્યાં યોગ જે અહિંસાની અને શાંતિની વાત કરે અને ક્યાં બૉક્સિંગ જેનું મૂળ જ આત્મબચાવના નામે હિંસા છે. યોગાસન મોટે ભાગે ધીમેથી એક સંવાદિતા સાથે થતાં હોય છે જેનો મુખ્ય આશય શારીરિક ફિટનેસ સાથે માનસિક શાંતિ પણ હોય છે. જોકે યુરોપના કેટલાક ફિટનેસ-એક્સપર્ટે યોગ સાથે કાર્ડિયોના બેનિફિટ ઉમેરવા માટે બૉક્સિંગનો પર્યાય ઉમેરી દીધો. યોગનાં વિવિધ આસનો અને વચ્ચે-વચ્ચે બૉક્સિંગ ઍક્ટિવિટી. આજે વિદેશના ઘણા દેશોમાં જિમમાં બૉક્સિંગ યોગા પૉપ્યુલર થઈ રહ્યા છે ત્યારે જાણીએ કે શું છે એની પાછળનો કન્સેપ્ટ અને કઈ રીતે આ ઍક્ટિવિટી પાર પાડવામાં આવે છે, શું કામ ટ્રેડિશનલ યોગીઓ એનો સ્વીકાર નથી કરતા.

અજબ કૉમ્બિનેશન

લંડનમાં આ ફિટનેસ ટ્રેન્ડની શરૂઆત કરનારી બૉક્સિંગ યોગાની માસ્ટર કોચ કેજ્ઝા ઇકબર્ક પોતાના એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મૂળભૂત રીતે બૉક્સિંગ યોગ અમે બૉક્સરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કર્યું હતું. બૉક્સર તરીકે છાતી, ખભા અને સાથળના સખ્ત સ્નાયુઓને લચીલા બનાવવા માટે તેમની ટ્રેઇનિંગમાં યોગનો સમન્વય કરવાના આશયથી બૉક્સિંગની ટ્રેઇનિંગ દરમ્યાન જ યોગના વિવિધ પૉસ્ચરને સમાવી લીધાં હતાં. કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી વધે, પેટના સ્નાયુઓની ક્ષમતા વધે અને ઓવરઑલ શરીરની ક્ષમતાઓ સુધરે એ આશયથી આ ટેક્નિકની શરૂઆત કરવામાં આવી હતી. જોકે ધીમે-ધીમે અમને સમજાતું ગયું કે જો બૉક્સર આમાંથી સ્ટ્રેંગ્થ અને ફ્લેક્સિબિલિટી બન્નેની ટ્રેઇનિંગ લઈ શકે છે તો સામાન્ય લોકો શું કામ નહીં? એવા ઘણા લોકો અમે જોયા છે જેમને યોગ પ્રત્યે ખૂબ લગાવ છે, પરંતુ યોગની ફ્લેક્સિબિલિટી આપતી કસરત સાથે તેમને હાર્ટની હેલ્થ વધારે એવી કાર્ડિયો એક્સરસાઇઝ પણ કરવી છે. બૉક્સિંગ જેવી શ્રેષ્ઠ કાર્ડિયો-એક્સરસાઇઝ બીજી એકેય નથી જેમાં તમે ફિઝિકલી સારો એવો પસીનો પાડી શકો એમ છો.’

બૉક્સિંગ યોગ અષ્ટાંગ વિનયાસા પર આધારિત પદ્ધતિ છે જેમાં એક પછી એક આસનો ફ્લોમાં કરવાનાં હોય છે અને વચ્ચે-વચ્ચે બૉક્સિંગની ઍક્ટિવિટીને પણ જોડી દેવાની હોય છે. બૉક્સિંગ યોગમા યોગના આધ્યાત્મિક પાસા પર બહુ ધ્યાન નથી આપવામાં આવતું. જોકે એના સ્થાપકોનું કહેવું છે કે અમારી પદ્ધતિમાં મુખ્યત્વે અમે આસનો પર ધ્યાન આપીએ છીએ. જોકે એનું પરિણામ માત્ર શારીરિક સ્વસ્થતા પૂરતું મર્યાદિત નથી. એ પ્રકારની મૂવમેન્ટને અહીં સમાવવામાં આવી છે જે તમને ગ્રાઉન્ડેડ રહેવામાં અને એકાગ્ર થવામાં ચોક્કસ મદદરૂપ થાય છે.

ફાઇટ પણ રિધમ સાથે

જનરલી બૉક્સિંગને આપણે એક ટફ અને ખૂબ બધી એનર્જી અને પાવરવાળું સ્પોર્ટ્સ ગણીએ છીએ. બેસ્ટ ફાઇટર પોતાની ફાઇટ પણ ફ્લો સાથે આરંભતા હોય છે અને એ ફ્લો બૉક્સિંગ યોગમાં વણી લેવાયો છે. બૉક્સિંગ દરમ્યાન રિધમ, ફ્લો, એનર્જી અને બ્રિધિંગ એમ બધું જ યોગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. ટૂંકમાં બે અંતિમો એકબીજા સાથે મળીને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની જાય એ તેની ખૂબી કહી શકાય. બૉક્સિંગમાં શરીરની એનર્જીનો પૂરેપૂરો ઉપયોગ થાય અને પરસેવાથી તમને નિતારી લેવામાં આવે. આ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ છે. તો યોગ બીજી બાજુ લો ઇન્ટેન્સિટી દ્વારા તમારા શરીરના તમામ અવયવોને શ્રેષ્ઠ સ્ટ્રેચિંગ પૂરું પાડે અને શરીરની ફંક્શનલિટી વધારે. બન્ને જ્યારે બૅક ટુ બૅક થાય ત્યારે સ્વાભાવિક રીતે જ એની ક્ષમતા અનેકગણી વધે. એક તમારી એડ્રિનાલિનને ચોથા ગિઅરમાં લઈ જાય તો બીજું તમને શાંત પાડે. બૉક્સિંગ યોગ એ રીતે તમારુ સંતુલન જાળવી રાખે. એક પદ્ધતિ હાઇપર કરે અને બીજું તમને શાંત પાડે. એક તમારા રક્તપરિભ્રમણમાં ઉછાળો લાવે તો બીજું તમારી નર્વસ સિસ્ટમને કૂલડાઉન કરે. બૉક્સિંગ યોગના નિષ્ણાતો એ રીતે આ પ્રૅક્ટિસને પર્ફેક્ટ પ્રૅક્ટિસ તરીકે મૂલવી રહ્યા છે અને એટલે જ એની બોલબાલા પણ વધી રહી છે.

યોગ-નિષ્ણાત શું કહે છે?

યોગ એ વિજ્ઞાન છે અને એને કોઈ ધર્મ કે વાડાઓમાં બાંધવાનું ન હોય, પરંતુ સાથે જ યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે અને તે તેના મૂળભુત સ્વરૂપે જળવાયેલું રહે એની માવજત આપણે કરવી જ જોઈએ. ભારતની વિવિધ યોગ-સ્કૂલ સાથે સંકળાયેલા દિગ્ગજો આ એક વાત પર સહમત થાય છે. મુંબઈસ્થિત જાણીતા યોગ સંકુલ કૈવલ્યધામના જૉઇન્ટ ડિરેક્ટર રવિ દીક્ષિત બૉક્સિંગ યોગના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે ‘આ પ્રકારના ઘણા કહેવાતા ‘યોગા’ આજે માર્કેટમાં ઉપલબ્ધ છે. યોગ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે પરંતુ એનું વ્યવસાયીકરણ અને વ્યાપારીકરણ ખોટી રીતે શરૂ થયું છે. સૌથી પહેલાં તો યોગ એ માત્ર આસનો નથી એ હકીકત દરેકે સમજવાની જરૂર છે. યોગનાં આઠ અંગમાં પહેલું અંગ એટલે યમ. યમમાં પણ પહેલા નંબરે અહિંસા આવે છે. અહિંસાની વાત કરતાં યોગને બૉક્સિંગ શબ્દ સાથે પણ જોડવો મને યોગ્ય નથી લાગતો. યોગના આઠ અંગમાંના ચોથું અંગ એટલે આસન અને આજે આસનોને જ મોટાભાગના લોકો યોગ તરીકે ઓળખે છે. એ દ્રષ્ટીએ આસનોની વ્યાખ્યા સમજવવી જરૂરી છે. આસન એટલે સ્થિર સુખમ આસનમ. જે અવસ્થામાં તમે સુખપૂર્વક સ્થિરતા રાખી શકો એ આસન છે. આ મૂળ સિદ્ધાંતોને ભૂલી-વીસરીને યોગનો જે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે એ અટકવો જોઈએ. સાચી રીતે થતા યોગાસનો શરીરની નર્વસ સિસ્ટમને શાંત કરે છે. યોગ આસનો કરતી વખતે બૉડી પેકિન મોડમાં આવે જ નહીં. તો કઈ રીતે બૉક્સિંગ શબ્દ સાથે યોગને જોડી શકાય? જ્યાં યોગ શબ્દનો હાર્દ જ ગાયબ હોય. બૉક્સિંગ વખતે તમે યા તો અટૅકિંગ યા તો ડિફેન્સિવ મોડ પર હો. તમારા શરીરની નસો ખેંચાયેલી હોય, તમે અંદરથી હાઇપર હો, તમારી સાઇકોલૉજીને કારણે તમારી ઇન્ટર્નલ ફિઝિયોલૉજી ટેન્સ હોય, કેમિકલ ચેન્જિસ અને અંત:સ્ત્રાવો વિપરીત પ્રકારના થયેલા હોય અને એ બાયોલોજિકલ અવસ્થાને તમે યોગ સાથે જોડો એમ? યોગાસનો કરો ત્યારે આનાથી તદ્દન વિપરીત લક્ષણો હોય. મને ખરેખર આ બધું જસ્ટિફાય નથી થતું. વિદેશમાં યોગ શબ્દનો આ પ્રકારનો છૂટો ઉપયોગ પ્રતિબંધિત થાય એવા પ્રયત્નો થવા જોઈએ એને બદલે આપણે ત્યાં પણ નવા ટ્રેન્ડને નામે લોકો એની પાછળ ઘેલા બને છે જે સદંતર ખોટું છે અને યોગના તમામ સાધકોએ મળીને એનો વિરોધ કરવો જોઈએ.’

આ પણ વાંચો : વાઇફ કો સમઝના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ

એરોબિક અને કાર્ડિયો એક્સરસાઇઝ યોગાસનોમાં સામેલ નથી કરવામાં આવી એની પાછળના કેટલાક તર્કો નિષ્ણાતોએ આપ્યા છે. આ સંદર્ભમાં કહેવાય છે કે બે પ્રકારની કસરત હોય છે, એક ઇરિટેટિવ અને બીજી સ્ટિમ્યુલેટિવ. યોગાસનો તમારી નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરે છે. તમે ઝડપથી દોડો અથવા સ્પીડ સાથે કોઈ મૂવમેન્ટ કરો તો હૃદયના ધબકારા વધે છે જે તમારી હાર્ટની કાર્યક્ષમતા વધારે છે. એટલે જ આ પ્રકારની ઍક્ટિવિટી કાર્ડિયો એક્સરસાઇઝ કહેવાય છે, કારણ કે એ કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમની ક્ષમતા વધારે છે. જોકે એ દરમ્યાન શરીરની બીજી સિસ્ટમો તંગ થઈ જાય છે. યોગના આસનોમાં એવું નથી બનતું. ધારો કે તમે સેતુબંધાસન અથવા સર્વાંગાસન જેવાં કેટલાંક આસનો કરો તો એ પણ તમારી છાતીના હિસ્સામાં બ્લડ-ફ્લોનું પ્રમાણ વધારે છે. ધબકારા વધાર્યા વિના એ હાર્ટની કાર્યક્ષમતાને બહેતર કરવામાં સક્ષમ છે.

columnists