વાઇફ કો સમઝના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ

Published: Jun 04, 2019, 12:37 IST | રુચિતા શાહ - લેડીઝ સ્પેશ્યલ

પત્નીઓ પર લાદવામાં આવેલા આ કહેવાતા આક્ષેપને હકીકત સાથે કોઈ લેવાદેવા છે? શું કામ તેમને આ રીતે બદનામ કરવી જોઈએ?

હેતલ અને જિનલ સંઘવી, નીરવ અને પૂજા શાહ
હેતલ અને જિનલ સંઘવી, નીરવ અને પૂજા શાહ

એક અભ્યાસમાં ૮૦ ટકા પુરુષોએ આ વાતમાં સૂર પુરાવ્યો છે. સર્વસામાન્ય માન્યતા પણ એવી છે કે સ્ત્રીને સમજવાના જેટલા પ્રયત્નો પુરુષો કરે છે એટલા જ વધુ અટવાય છે. પત્નીઓ પર લાદવામાં આવેલા આ કહેવાતા આક્ષેપને હકીકત સાથે કોઈ લેવાદેવા છે? શું કામ તેમને આ રીતે બદનામ કરવી જોઈએ?

લેડીઝ સ્પેશ્યલ

સ્ત્રીઓ બિચારી પર્ફેક્ટ બનવા માટે કેટલા પ્રયત્ન કરતી હોય છે. બિહેવિયર-વાઇઝ, લુક-વાઇઝ અને સ્ટેટસ-વાઇઝ હંમેશાં બેસ્ટ બનવાના આજની નારીના પ્રયત્નો પર પ્રહાર કરતાં તારણો થોડા સમય પહેલાં એક સર્વેક્ષણમાં બહાર આવ્યાં છે. લંડનની એક ઇલેક્ટ્રિકલ ફર્મે ૨૦૦૦ પુરુષો પર હાથ ધરેલા એક સર્વેમાં ૮૦ ટકા પુરુષોએ સ્વીકાર્યું છે કે પર્ફેક્ટ સ્ત્રીઓ આ ધરતી પર એક્ઝિસ્ટ જ નથી કરતી. પાર્ટનરમાં શું-શું કમીઓ તેમને લાગતી હતી એનું લાંબું લિસ્ટ પણ સર્વેક્ષણમાં ભાગ લેનારા પુરુષોએ આપ્યું હતું જેમાં તેનો ગુસ્સો, સ્પોર્ટ્સ માટેનો અણગમો, સ્વચ્છતાનો અતિ આગ્રહ, ખરાબ ડ્રાઇવિંગ, તૈયાર થવામાં વધુ સમય લાગવો જેવી બાબતોનો સમાવેશ થતો હતો. દસમાંથી છ પુરુષોને તેમના પાર્ટનર દ્વારા બળજબરીપૂર્વક તેમની ડ્રેસિંગ સેન્સ બદલવાની બાબત પર જે દબાણ કરવામાં આવતું હતું એ નહોતું ગમતું. કોની સાથે સોશ્યલાઇઝ થવું એ બાબતમાં પાર્ટનરનો ચંચુપાત પણ તેમને ઇમ્પર્ફેક્ટ લિસ્ટમાં ઉમેરતો હતો. દસમાંથી સાત પુરુષોનું કહેવું હતું કે તેઓ આજ સુધી પોતાના પાર્ટનરને સમજી નથી શક્યા. મૂડ સ્વિંગ્સને કારણે તેમના હંમેશાં બદલાતા રહેતા બિહેવિયરને કારણે તેઓ હંમેશાં કન્ફ્યુઝ્ડ રહે છે. ઇન શૉર્ટ કયા સમયે તેમની વાઇફ શું એક્સપેક્ટ કરતી હશે એ નક્કી કરવું એ દસમાંથી સાત પુરુષો માટે અઘરું કામ હતું.

વિદેશમાં થયેલો આ સર્વે આપણે ત્યાં પણ મોટે ભાગે પરણેલા પુરુષના જીવનમાં યથાર્થ છે એવો કેટલાક પરણેલા પુરુષોનો અનુભવ હશે. પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાના સંબંધનો રોમાંચ પણ કદાચ આ ડિફરન્સિસ અને ઇમ્પર્ફેક્શનને કારણે જ જળવાઈ રહ્યો છે. સ્ત્રીઓને સમજવામાં તો મોટા-મોટા ભૂપ પણ માર ખાઈ જતા હોય છે ત્યારે વાસ્તવિકતા શું છે એ વિશે થોડોક વિચાર કરીએ.

વાંક સ્ત્રીનો નથી

સ્ત્રીઓને દરેક વખતે પોતે કહ્યા વિના પોતાના પાર્ટનરને પોતાના મનમાં શું ચાલે છે એ સમજાઈ જવું જોઈએ એવી ઘેલછા હોય છે. આ ઘેલછા પુરુષો પૂરી નથી કરી શકતા એટલે તેમને સ્ત્રીઓ કૉમ્પ્લીકેટેડ લાગે છે. રિલેશનશિપ એક્સપર્ટ અને સાઇકોલૉજિસ્ટ મયૂરિકા દાસ આ સૂર સાથે વાતને આગળ વધારતાં કહે છે, ‘વિજ્ઞાન પણ કહે છે કે મહિલાઓના મગજનો લિંગ્વિસ્ટિક એટલે કે ભાષાજ્ઞાનનો હિસ્સો વધુ વિકસિત હોય છે. એટલે જ તેઓ પોતાની વાતને અને પોતાની જાતને એક્સપ્રેસ કરવામાં શ્રેષ્ઠ છે. આ જ અપેક્ષા સ્ત્રીઓ પુરુષો પાસેથી રાખતી હોય છે, જે શક્ય નથી. પુરુષો પોતાના મનની વાતને પણ સમજીને વ્યક્ત કરવામાં વિફળ જતા હોય છે તો સ્ત્રીઓના મનમાં શું ચાલે છે એ તો ક્યાંથી તેઓ સચોટ સમય મુજબ કહી શકે? કૉન્ફ્લિક્ટ અહીં ઊભો થાય છે. બીજું એ છે કે મહિલાઓ એકસાથે ત્રણ-ચાર વસ્તુ પર વિચારતી હોય છે. ઘણી વાર એવું બને કે સાથે બહાર ડિનર પર ગયા હોય અને આજુબાજુના ટેબલ પર રહેલી કોઈ મહિલાના દેખાવ વિશે પુરુષે કમેન્ટ કરી હોય. એ પછી મેનુની વાત થઈ હોય, આવતા મહિને વેકેશનનું પ્લાનિંગ થયું હોય, ઑફિસમાં ચાલી રહેલી મગજમારીની ચર્ચા થઈ હોય એમ દરેક ચર્ચામાં પુરુષ તો એ વાતમાંથી ક્યાંય આગળ નીકળી ગયો હોય; પણ મહિલાઓ એ બધી ચર્ચાઓ સાથે પણ મગજમાં ક્યાંક ને ક્યાંક પોતાના હસબન્ડે અન્ય સ્ત્રી માટે કરેલી કમેન્ટને વિચારતી હોય. પછી અનાયાસ કોઈક વાતમાં પુરુષ સમક્ષ એ જ વાત કાઢે ત્યારે પુરુષને તાજ્જુબ લાગે કે આ વાત તો હવે પતી ગઈ, હવે અચાનક શું એ વાત નીકળી? આ બાબત પુરુષ માટે અચંબાવાળી હોય અને તેમને લાગે કે ખરેખર સ્ત્રીના મગજમાં શું ચાલે છે એ સમજાય જ નહીં.’

સમાજ પણ કારણ

સ્ત્રીઓના સ્વભાવમાં સમાજનું પણ ખૂબ મોટું યોગદાન છે એમ જણાવીને મયૂરિકા દાસ કહે છે, ‘આપણે ત્યાં મહિલાઓનું ઇવલ્યુશન જે રીતે થયું છે એ પણ એમાંનું એક કારણ છે. મહિલાઓને બોલવા દેવામાં નહોતી આવતી. પોતાની પસંદ, નાપસંદ, ગમા-અણગમાને મુક્ત રીતે કહેવાની સ્વતંત્રતા નહોતી. એથી તે મનમાં જ દબાવવા માટે કેળવાયેલી રહી છે. જો કોઈ મહિલા પોતાના પાર્ટનર સમક્ષ ફિઝિકલ નીડની વાત મૂકે તોય આપણે તેને ભ્રમરો ઊંચી કરીને તેના કૅરૅક્ટર ઍસેસિનેશનમાં લાગી જઈએ છીએ. એક ગુજરાતી પરિવારનો જ કેસ મારી પાસે આવેલો. સસરા મારી પાસે વહુની ફરિયાદ લઈને આવેલા. તેમની ફરિયાદ હતી કે વહુ બહુ જ બોલ્ડ છે. સસરા તરીકે તેમને કહેતા સંકોચ થતો હતો, પણ તેમના દીકરાને કાઉન્સેલર પાસે આવતાં શરમ આવતી હતી એટલે તેણે તેના પિતાને મોકલ્યા હતા. વહુ તેની અંગત લાઇફમાં પહેલ કરે છે અને સ્ત્રી તરીકે તેને એ શોભતું નથી. સસરાજીનું કહેવું હતું કે અમારા પરિવારમાં આવી પરંપરા નથી. સ્ત્રીઓ આ પ્રકારની ઍક્ટિવિટીમાં પહેલ ન કરે, તેણે તો શરમાવું જોઈએ. અમને ખબર નથી પડતી કે તેને આ બધી વાતોની ખબર કેમ પડે છે. અમને શંકા છે કે તે કંઈક પૉર્ન સાઇટ જોતી હશે અને ત્યાંથી શીખી લે છે. તમે મારી વહુને સમજાવો અને તેની પાસેથી જાણવાની કોશિશ કરો કે ક્યાંથી તેને આ બધાની ખબર પડે છે. તેને સમજાવો કે ઘરની સ્ત્રીઓએ સંયમમાં રહેતાં શીખવું જોઈએ. તમે કલ્પના કરો કે કોઈ સસરો આ પ્રકારની વાત વહુ માટે કરે એ કેટલું વિયર્ડ છે. આ જ પ્રકારની માનસિકતા સદીઓથી રહી છે. સીધેસીધું કહેતાં તમારા સમાજે સ્ત્રીઓને રોકી છે. પોતાની ઇચ્છા એટલે જ સમજી જવાની તેની ઘેલછા સહજ છે. કોઈ પત્ની તેના પતિ સાથે અંગત પળો માણવા માગતી હશે તો પણ તે શું કરશે? પતિનું ભાવતું ખાવાનું બનાવશે. બેડરૂમ ડેકોરેટ કરશે. પડદા પતિના ગમતા રાખશે. કદાચ કપડાં પણ પતિએ કોઈ ખાસ દિવસે આપેલાં પહેરશે. આ બધામાં પતિ જો તેના મનને ન સમજી શકે અને માત્ર તેણે ખાવાનું સારું બનાવ્યું અથવા ઘર ચકચકાટ કરી નાખ્યું એવાં વખાણ કરશે તો એનું શું પરિણામ આવશે? પોતાની ઇચ્છાને પતિ સમજતો જ નથી ત્યાં જ વાત અટકશેને? સામે પક્ષે મહિલા પતિના કહ્યા વિના, પુત્ર કે સાસુ-સસરાના કહ્યા વિના તેમની અપેક્ષાઓ સમજી શકે છે. સ્ત્રીઓ ખૂબ સારી પ્રેડિક્ટર પણ છે. તેમને ખબર છે કે તેમનો હસબન્ડ ક્યારે શં કરશે. પોતે જે આપે છે એ જ અપેક્ષા તે સામે પક્ષે રાખે છે.’

કપલનું શું કહેવું છે?

ધીમે-ધીમે ઓળખતા થઈ જાઓ, જરાય અઘરું નથી : હેતલ અને જિનલ સંઘવી

કાંદિવલીમાં રહેતાં હેતલ જિનલ સંઘવીનાં લગ્નને નવ વર્ષ થયાં છે. જિનલભાઈ કહે છે, ‘અમારા આ લગ્નજીવન દરમ્યાન અનેક સંજોગોમાંથી અમે પસાર થયાં છીએ. અમારા કેસમાં નહીં સમજવાનું બહુ બન્યું નથી. મારી પત્ની હેતલ સ્પષ્ટવક્તા છે અને અમે પહેલેથી જ લગ્નમાં કૉમ્રો અમાઇઝ અને અન્ડરસ્ટૅન્ડિંગથી આગળ વધીશું એ નિયમ રાખ્યો છે. આજ સુધી ક્યારેય અવાજ ઊંચો કરવો પડે એવો ઝઘડો પણ અમારી વચ્ચે થયો નથી. મારી પત્નીના મનમાં ક્યારે શું ચાલતું હશે એ હું કહી શકું છું. આરામથી.’

હેતલબહેન પણ સ્વીકારે છે કે તેમના પ્રોગ્રેસમાં તેમના પતિનો બહુ મોટો હાથ છે. ડાન્સર અને ટૅરોરીડર તરીકે સક્રિય હેતલ કહે છે, ‘એક સમય એવો આવેલો કે હું વાઇરલ ઇન્ફેક્શનને કારણે પૅરૅલિસિસ સુધી પહોંચી ગઈ હતી. આઠ મહિનાનો બેડરેસ્ટ કર્યો એ સમય પણ હસબન્ડે સાચવ્યો છે. મારો ડાન્સિંગનો શોખ પ્રોફેશન બન્યો મારા હસબન્ડને કારણે. હંશ મારા કામને કારણે બાર-બાર કલાક બહાર હોઉં ત્યારે મારા દીકરા તરાશને અને ઘરને સાચવી લેવામાં તેઓ પાછા નથી પડ્યા. મારા કામને લઈને ત્રીજે માળે રહેલું અમારું ઘર આડે આવતું હતું. તેમણે રેન્ટ પર ઘર બદલી નાખ્યું. હસબન્ડ-વાઇફ એકબીજાની ઢાલ બનીને ત્યારે જ ઊભાં રહી શકે જ્યારે તેઓ એકબીજાને સમજી શકતાં હોય. હું નથી માનતી કે એમાં જેન્ડર આડે આવે ક્યારેય. હું કહીશ કે બેસ્ટ ફ્રેન્ડ બની જાઓ તો તમે એકબીજાને સમજી શકો છો.’

થોડાઘણા મીઠા ઝઘડા તો પતિ-પત્નીનો અધિકાર છે : નીરવ અને પૂજા શાહ

મલાડમાં રહેતાં નીરવ અને પૂજા શાહ બન્ને વર્કિંગ છે. લગ્નનાં ૧૪ વર્ષ પછી હવે તેમને એકબીજાને સમજવાનો પ્રશ્ન નથી આવતો. નીરવભાઈ સહેજ રમૂજમાં કહે છે, ‘પત્ની જે કહે એ કરવાના હો તો ક્યારેય કોઈ પ્રશ્ન નહીં આવે. જોક્સ અપાર્ટ, એટલું કહીશ કે સ્ત્રીઓને સમજવી અઘરી છે એ વાત ખોટી છે. તમારી તૈયારી હોવી જોઈએ. જો સંબંધમાં પ્રેમ, આદર અને કમ્યુનિકેશન હોય તો ગમે તે વ્યક્તિ ગમે તેને સમજી શકે એમ છે. થોડાઘણા મીઠા ઝઘડા તો પતિ-પત્નીનો અધિકાર છે. બાળકોની બાબતમાં કે ખાવાપીવાની બાબતમાં એ થાય અને થતા રહેવા જોઈએ. એ થશે એની ખબર પહેલેથી હોય છે. એટલે સમજણના અભાવે નહીં, પણ ખરેખર ઇચ્છાને કારણે આવી નોકઝોંક અમે કરી લેતાં હોઈએ છીએ. અધરવાઇઝ, હું નથી માનતો કે કોઈ ગંભીર બાબત અમારી વચ્ચે ક્યારેય કંકાસનું કારણ બની હોય. હકીકતમાં અમારા દાખલા અમારા ફ્રેન્ડ્સ આપતા હોય છે.’

આ પણ વાંચો : કૉલમ : મેનોપૉઝમાં ત્વચાની કાળજી કઈ રીતે લેશો?

ટૅક્સ-કન્સલટન્ટ તરીકે કામ કરતી પૂજા પણ પતિદેવની આ વાતમાં સૂર પુરાવતાં કહે છે, ‘નીરવ કઈ ઘટનામાં શું રીઍક્ટ કરશે અને કયા શબ્દો બોલશે એની પણ હું આગાહી કરી શકું અને એ સાચી જ પડે. નીરવ પણ એ કરતા હોય છે મારા કેસમાં. આંખના ઇશારાથી અમે ભીડ વચ્ચે આજે પણ વાતો કરી લેતાં હોઈએ છીએ. એક નિયમ રાખ્યો છે કે સામેવાળું ગુસ્સામાં હોય તો બીજાએ શાંત થઈ જવું. ગુસ્સામાં બોલાતા શબ્દો કેટલીક વાર સંબંધને ડૅમેજ કરે છે. મારી દૃષ્ટિએ સમજણનો પ્રૉબ્લેમ હોતો નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK