કૉલમ : તમતમારે ચાઇનીઝ શીખી લો કામ લાગશે

27 April, 2019 12:20 PM IST  |  | રુચિતા શાહ

કૉલમ : તમતમારે ચાઇનીઝ શીખી લો કામ લાગશે

હિન્દી-ચીની ભાઈ-ભાઈ રહે કે જાની દુશ્મન બને

ચલે તો ચાંદ તક નહીં તો રાત તક - ચાઇનીઝ પ્રોડક્ટ માટે પૉપ્યુલર આ સદીઓ જૂની લાઇન તેની ભાષાથી સો ટકા વિપરીત છે. પ્રાચીન ભાષાઓમાં સ્થાન પામેલી ચાઇનીઝ ભાષાને ચીનાઓએ આજે પણ સાચવી રાખી છે. જે રીતે પોતાની ભાષા માટે આ દેશના નાગરિકોને આદર છે એ જોતાં આવનારાં ઘણાં વર્ષો સુધી એની લોકપ્રિયતા ઘટે એવા ચાન્સ પણ દેખાતા નથી. એનું કારણ છે કે આજે પણ ચાઇનીઝ લોકો ચાઇનીઝ ભાષામાં જ બોલવાનો આગ્રહ રાખે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સતત નવાં-નવાં શિખરો સર કરી રહેલો આ દેશ હજી પણ પોતાની માતૃભાષાને ભૂલ્યો નથી. વેપારની દૃષ્ટિએ ચીન મહત્વનો દેશ છે અને એ દૃષ્ટિએ ચીન અને ભારતના તાણાવાણા ઊંડે સુધીના છે. કદાચ એટલે જ ચીનની પાકિસ્તાનતરફી નીતિ પછીયે ચીન સાથેના વેપારમાં ક્યાંય કાપ મુકાયો નથી. વર્તમાન સ્થિતિ જોતાં બન્નેમાંથી એકેય દેશને તેમની વચ્ચેના વ્યાપારિક સંબંધો પર કાતર ફેરવવાનું પાલવે એમ નથી. એટલે જ કદાચ રાજકીય ક્ષેત્રે ગમે તેટલા મતભેદો સર્જાય, પણ એના છાંટા વેપારનીતિ પર પડતા નથી. વાત આપણે ચીની ભાષાની કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે જ વિશ્વમાં ‘વર્લ્ડ ચાઇનીઝ લૅન્ગ્વેજ ડે’ ઊજવાયો હતો અને બે દિવસ પહેલાં જ એક સંશોધન સામે આવ્યું છે એ મુજબ વિશ્વમાં બોલાતી લગભગ ૪૦૦ જેટલી ભાષાઓનો ઉદ્ભવ ઉત્તરીય ચીનમાં થયો હોવાની સંભાવના છે. શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીના સંશોધક પ્રો. મેન્ઘેન ઝાંગનું માનવું છે કે આર્કિટેક્ચર અને સાહિત્યના માધ્યમે ચીનના ઉત્તરીય ભાગમાંથી સીનો-તિબેટિયન ગ્રુપમાં આવતી લગભગ ૪૦૦ ભાષાનાં મૂળ રોપાયાં હોવાં જોઈએ. ટૂંકમાં તિબેટિયન, મેન્ડેરિન એટલે કે ચાઇનીઝ, બર્મીસ, કેન્ટોનીઝ જેવી ભાષા પહેલાં એક જ હતી, પરંતુ પૂર્વજોએ સ્થળાંતર કર્યું એમ માનવશરીરની જેમ ભાષા પણ ઉત્ક્રાંતિના નિયમમાંથી પસાર થતી હોય છે. મૂળ ભાષામાં ભેદ પડતાં પડતાં જુદી-જુદી ચારસો ભાષા બની હોવી જોઈએ.

આ વાતની સચ્ચાઈ પર હજીયે ઘણા સંશોધકોના દાવાઓ ચાલુ છે, પરંતુ આજે આપણે એક જ હકીકત પર ચર્ચા કરવી છે કે આજે દુનિયામાં લગભગ વીસ ટકા લોકો ચાઇનીઝ ભાષા બોલે છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ચાઇનીઝ બીજા નંબર પર આવે છે. વિશ્વનું ચીપેસ્ટ મૅન્યુફેક્ચરિંગ બની રહ્યું હોવાથી આ ભાષા શીખીને આર્થિક રીતે મોટા થવામાં ઘણા દેશોને રસ છે અને એટલે જ છેલ્લા અમુક અરસામાં આ ભાષા શીખનારાઓની સંખ્યામાં વધારો થયો છે. જેમ સંસ્કૃત એ આપણા દેશની પ્રાચીન ભાષા છે અને તમામ ભાષાઓની જનની છે એમ ચાઇનીઝ ભાષાનો ઇતિહાસ પણ હજારો વર્ષોનો છે. હજારો વર્ષ પહેલાં લખાયેલાં ચાઇનીઝ પ્રવાસીઓનાં પ્રવાસવર્ણનોમાં ભારતની નાલંદા વિદ્યાપીઠના ઉલ્લેખો મળે છે. ચાઇનીઝ સારવાર પદ્ધતિની અનેક વિગતો તેમના પ્રાચીન ગ્રંથોમાં ઉપ્લબ્ધ છે. ચાઇનીઝ ભાષાની વ્યાપકતા અને વિશેષતાની સાથે મુંબઈમાં આ ભાષાપ્રેમીઓ કેટલા છે અને આવનારા દિવસોમાં આ ભાષાનું ભવિષ્ય કેવું રહેવાનું છે એ સંદર્ભમાં મુંબઈના ચાઇનીઝ નિષ્ણાતો સાથે વાત કરીએ.

ડિમાન્ડ છે?

૨૦૦૬માં ચીનની એક યુનિવર્સિટીમાં ત્યાંના સ્ટુડન્ટને અંગ્રેજી ભાષા શીખવવા ગયેલી નાઝિયા વાસી ત્રણ વર્ષ ચીનમાં રહી અને ત્યાં તે ખૂબ સરસ રીતે ચાઇનીઝ ભાષા શીખી ગઈ. ૨૦૧૦માં પાછી ફરેલી મુંબઈગર્લે અહીં જ ઇન્ચીન ક્લોઝર નામની પોતાની ચાઇનીઝ ભાષા શીખવતી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી. તે કહે છે, ‘દર વર્ષે ચાઇનીઝ શીખવા માગતા લોકોની સંખ્યા વધી જ રહી છે. સંસ્કૃતમાં મંત્રી શબ્દ પરથી અવતરેલો મેન્ડેરિન શબ્દ હવે લોકજીભે ચડી ગયો છે. વેપારીઓથી લઈને સ્ટુડન્ટ્સ એમ દરેકને આ ભાષામાં રસ છે, કારણ કે એનો વ્યાપ સારો એવો છે. ગ્લોબલી ચીનનું ચડતું સ્થાન આવનારા સમયમાં આ ભાષાની લોકપ્રિયતા હજી આસમાન પર લઈ જશે.’

આ જ વાત સાથે ઇન્ડિયા ચાયના એકૅડેમીના સ્થાપક નિશીથ શાહ પણ સહમત છે. નિશીથ ચીનમાં ચાઇનીઝ ભાષા ફૉરેનર્સને કેવી રીતે શીખવવી એ વિષય પર ત્યાંની સરકાર દ્વારા આપવામાં આવેલી સ્કૉલરશિપ અંતર્ગત ચાઇનીઝ શીખી આવ્યો છે. નિશીથ કહે છે, ‘રોજની ઓછામાં ઓછી પાંચથી છ ઇન્ક્વાયરી આવે છે આ ભાષાને લઈને. એવું નથી માત્ર હીરાના વેપારીઓ અથવા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરનારા વેપારીઓને જ આ ભાષામાં રસ છે. ઇવન સાહિત્યમાં રસ ધરાવતા, પ્રાચીન ચાઇનીઝ ઑલ્ટરનેટિવ થેરપીમાં રસ ધરાવતા, ભારત-ચીનના રાજકીય દાવપેચોમાં રસ ધરાવતા એમ દરેક સ્તરના લોકોને આ ભાષા અટ્રૅક્ટ કરે છે. મારી પાસે ચાઇનીઝ ભાષા શીખવા માટે છ વર્ષથી ૬૦ વર્ષ સુધીના એજગ્રુપના લોકો આવે છે. આજે ટૉપ થ્રી ફૉરેન લૅન્ગ્વેજમાં ચાઇનીઝ ભાષાનો સમાવેશ થાય છે. પહેલાં કરતાં આજે ચાઇનીઝ શીખવતી ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા પણ વધી છે.’

સામાન્ય ચાઇનીઝ માટે લગભગ દરેક ઇન્સ્ટિટ્યૂટમાં ત્રણ લેવલ હોય છે, જેને તબક્કાવાર પાર કરતાં જાઓ અને ભાષામાં પારંગત બનતાં જાઓ. નિશીથ કહે છે, ‘આજે ઘણા પત્રકારો અમારી પાસે આ ભાષા શીખવા આવે છે, કારણ કે ત્યાંની ન્યુઝ-ચૅનલોને અંગ્રેજી અને ચાઇનીઝ ભાષા બન્ને આવડતી હોય એવા લોકોની જરૂર હોય છે. ચાઇનીઝમાં પારંગત બન્યા પછી મારી પાસે કામની કમી નથી. ઘણી કૉર્પોરેટ કંપનીઓ પોતાના એમ્પ્લૉયીને આ ભાષા શીખવી રહી છે એની ટ્રેઇનિંગ આપું છું. ચાઇનીઝ મુવીમાં કામ કર્યું, ડબિંગ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું, ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું. આજે ચાઇનીઝ બૅન્કમાં કામ કરું છું. આ ભાષાની ડિમાન્ડ વધી જાય છે જ્યારે તમે આ ભાષા સિવાયની ભાષા પણ જાણતા હો.’

ભાષાની વિશેષતા

ચાઇનીઝ ભાષા બોલો કે સાંભળો એમાં આપણને હંમેશા કંઈક વિચિત્રતાનો અનુભવ થાય. સાંભળીને એમ જ લાગે કે આવી ભાષા કેમ બોલાય અને જોતાં તો ખરેખર તમ્મર ચડી જાય કે આવું ચિતરામણ દોરાય કઈ રીતે. જોકે ચાઇનીઝ ભાષાના નિષ્ણાતોને આ તદ્દન સરળ ભાષા લાગે છે. નિશીથ કહે છે, ‘ચાઇનીઝ વાંચવું એટલું સરળ છે કે એમાં તમને જે ચિત્રો દેખાય છે એ જોઈને બનેલા છે. એ લખાતી નથી, દોરાય છે. જે જોયું એ દોર્યું અને જે દોરાયું એ જ અક્ષર બની ગયો. આ એક બહુ જ લૉજિકલ લૅન્ગ્વેજ છે. આ ભાષામાં ક્રિયાપદને કાળ લગાડવાની એક્સ્ટ્રા મહેનત નથી કરવાની. જેમ કે ‘હું ગઈ કાલે મુવી જોવા ગયો હતો.’ આ વાક્યમાં આપણે ગઈ કાલે લખ્યું છે તો પણ હતો એવો પ્રયોગ કયોર્, જેની ખરેખર જરૂર જ નથી. તમે ગઈ કાલ લખીને જ એ ઘટના ભૂતકાળમાં બની ગઈ છે એ ઇન્ડિકેટ કરી દીધું છે. એટલે ક્રિયાપદમાં કાળ નહીં લગાડવાના. એને બદલે ૧૬ જેટલા ટેન્સિસ છે જે કૉમન છે. ટાઇમ ઝોન દેખાડવા માટેના લગભગ દસેક શબ્દો છે. બીજું આ ભાષામાં એકવચન-બહુવચન પણ ક્રિયાપદમાં નથી લાગતાં. એક ખુરશી અને ઘણીબધી ખુરશી એવા શબ્દો આવે, પણ ઘણી બધી ખુરશીઓ એવું ન બોલાય કે લખાય. ગણેલાં વ્યંજન અને સ્વરો છે. ભારતીય ભાષાઓ કરતાં ઘણા ઓછા. જેને કારણે યાદ રાખવી ઇઝી બની જાય. સૌથી મહત્વની વાત, જેમ લખવામાં દોરવાની ભાષા લાગે એમ બોલવામાં આ ભાષા ખૂબ જ મ્યુઝિકલ લાગે. એક જ શબ્દ જુદા જુદા સૂરમાં બોલાય અને તેનો અર્થ બદલાય. હા, ટોનને સમજવા જરૂરી છે. ધારો કે ‘મા’ આ શબ્દના જુદા જુદા ટોનમાં ચાર અર્થ છે. માતા, અળથીનાં બી, ઘોડો અને ગુસ્સો આ ચાર અર્થ એક જ અક્ષરના છે. એનો સદંર્ભ અને ટોન બદલાય એ પ્રમાણે અર્થ ઇન્ટરપ્રેટ કરતાં આપણને આવડવો જોઈએ. આ ભાષામાં શબ્દો ૪૦ ટકા અને હાવભાવ ૬૦ ટકા મહત્વના છે. લગભગ પાંચ કે છ હજાર મુખ્ય શબ્દ યાદ રહી જાય એટલે આ ભાષા અડધી આવડી ગઈ. અને હા, ભાષાને લખવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય છે. ઉપરથી નીચે, ડાબેથી જમણે, જમણેથી ડાબે, નીચેથી ઉપર એમ દરેક રીતે ભાષા લખાય અને દરેક વસ્તુ લખવામાં જુદી મેથડ વપરાય.’

ચાઇનીઝ એ પહેલાંના સમયથી લઈને આજ સુધી સર્વાઇવ થયેલી ભાષાઓમાંની એક છે. મજાની વાત એ છે કે એ સમયના શબ્દોને આજે પણ ડિકોડ કરવા સહેલા છે. નિશીથ ઉમેરે છે, ‘પાંચ હજાર વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથોને વાંચવા શક્ય છે. આપણા કેટલાક પ્રાચીન ગ્રંથોના શબ્દો હવે ઇરિલેવન્ટ લાગે, કારણ કે એ શબ્દોનો સમયાંતરે પ્રયોગ બંધ થઈ ગયો અને એ સમયે વપરાતા શબ્દોનો આજના સંદર્ભમાં શો અર્થ કરવો એમાં ગૂંચવાઈ જવાય, પણ ચાઇનીઝ ભાષામાં એવું નથી. ઇન ફૅક્ટ આજે પણ એ તમામ શબ્દોનો ભાવાર્થ કરી શકાય છે, જે પાંચ હજાર વર્ષ પહેલાં લખાયું છે અને એ પણ સચોટ પ્રમાણ સાથે. એ રીતે ઉત્ક્રાંતિ પછી પણ આ ભાષાએ પોતાની ઓરિજિનાલિટી જાળવી રાખી છે. આ જ કારણ છે કે ઘણા ચાઇનીઝ તત્વજ્ઞાન જાણવા ઇચ્છતા લોકો અને એમાં રિસર્ચ કરવા માગતા લોકો પણ આ ભાષા શીખવા આવે છે અમારી પાસે.’

તો શું ભાષા શીખવી અઘરી છે? જવાબમાં નાઝિયા કહે છે, ‘હિન્દી, ગુજરાતી જેવી ભારતની દેશી ભાષા આવડતી હોય તેમને માટે ચાઇનીઝ ભાષા શીખવી સૌથી સરળ છે. હા, અંગ્રેજી ભાષા જ બોલી શકનારા લોકો માટે એ સહેજ અઘરી છે. એનું કારણ છે કે અમુક શબ્દો સરખા છે. ઉચ્ચારણોમાં પણ સિમિલારિટી છે. ભારત અને ચીનના કલ્ચરમાં પણ ઘણું સામ્ય છે, જેમ કે આપણે ત્યાં ડ અને ઢ અને ધ એમ ત્રણ અલગ-અલગ શબ્દો છે, પણ અંગ્રેજીમાં માત્ર ડી જ લખાય છે દરેક માટે. એવા સમયે આપણી દેશી ભાષામાં બોલવાનો મહાવરો ચાઇનીઝમાં પણ કામ લાગી શકે છે.’

અમારો ચાઇનીઝ શીખવાનો અનુભવ

મલ્ટિનેશનલ કંપનીમાં ઇમ્પોર્ટ મૅનેજર છું અને છેલ્લા ત્રણ મહિનાથી ચાઇનીઝ શીખી રહ્યો છું. જ્યારે પણ તમે બિઝનેસ કરતા હો ત્યારે તમારા માટે સામેવાળી વ્યક્તિ સાથે તરત કનેક્ટ થવું હોય અને ગુડ નોટ પર રેપો બિલ્ડઅપ કરવો હોય તો ભાષાનું મહત્વ ઘણું છે. ચાઇનીઝ ભાષા એ રીતે મને મારા પ્રોફેશનમાં ખૂબ કામ લાગી છે. ટ્રાવેલિંગમાં પણ આ ભાષાએ ખૂબ મદદ કરી છે. થોડીક અઘરી તો છે, પણ જો પ્રૉપર ધ્યાન આપો તો શીખી શકાય એવી ભાષા છે. બોલતાં તો શીખી જ ગયો છું. - મયૂર સંઘવી, મલાડ

લિટરેચર મારુ પૅશન છે અને કદાચ એ પૅશનને કારણે મેં આ ભાષા શીખવાનું શરૂ કર્યું, જેણે પાછળથી મારા પ્રોફેશનમાં પણ હેલ્પ કરી છે. હું પ્રીમિયમ ટી અને એસેન્શિયલ ઑઇલનો બિઝનેસ કરું છું. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ. અમારા મેજર ક્લાયન્ટ ચીન અને જપાનના છે. મારું અંગ્રેજી ખૂબ પાવરફુલ છે, પણ આ ક્લાયન્ટ સાથે ડીલ કરવામાં અંગ્રેજી બહુ કામ ન લાગે. મારા વેરહાઉસના વૉચમૅન સુધ્ધાં આ ભાષામાં બોલી શકતા હતાં. એટલે મેં શરૂ કર્યું હતું, પણ હવે હું ચાઇનીઝ લિટરેચર અને ચાઇનીઝ ભાષામાં લખાયેલાં પુસ્તકો વાંચવા માટે આ ભાષા શીખી રહી છું. - સોનલ ધન્જાની, ખાર

ભાષાનું જ્ઞાન તમારી બિઝનેસક્ષમતા વધારી દે છે એ મારો સ્વાનુભવ છે. હું એક કંપનીમાં સેલ્સ મૅનેજર છું. ચાઇનીઝ ભાષા બોલવી ઇઝી છે. એ શીખવાથી મારી ચાઇનીઝ કસ્ટમરો સાથે નેગોશિયેશન કરવાની સ્કિલ સુધરી ગઈ. દરેક લૅન્ગ્વેજની બ્યુટી હોય છે. મારી દૃષ્ટિએ એક વાર તમને બોલતાં આવડી જાય એટલે તમે ચાઇનીઝ ભાષામાં વાત કરવામાં એન્જૉય કરવા માંડો છો. -જયસુખ વડછક, ઘાટકોપર

આ પણ વાંચો : છેલ્લા શ્વાસ સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરવાનું પ્રણ લેનારા વડીલો

કૉલેજમાં હતો ત્યારથી હું ચાઇનીઝ લૅન્ગ્વેજમાં ઇન્ટરેસ્ટેડ હતો. ડાયમંડ કંપનીમાં છું અને ચીન અને ભારતના આ ઇન્ડસ્ટ્રીના સંબંધો ખૂબ સારા છે. ચાઇનીઝ લખતાં અને બોલતાં આવડે તો તમે સામા પક્ષે રહેલા વેપારીનું દિલ જીતી લીધું જાણવું. યુ વૉન્ટ બિલીવ, પણ જ્યારે તમે સામેથી ચાઇનીઝમાં મેસેજ લખીને ઑર્ડર આપતા હો છો ત્યારે સામેવાળો વેપારી અભિભૂત થઈને તમારા ઑર્ડર પાસ કરી દેતો હોય છે. - મંથન શાહ, ચર્ની રોડ

columnists