વજ્રાસન કરવાથી ઘૂંટણમાં દુખાવો શરૂ થઈ ગયો છે?

08 August, 2019 10:38 AM IST  |  મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ - રોજેરોજ યોગ

વજ્રાસન કરવાથી ઘૂંટણમાં દુખાવો શરૂ થઈ ગયો છે?

વજ્રાસન

રોજેરોજ યોગ

વજ્રાસન યોગાસનોમાં એક મહત્ત્વનું આસન ગણાય છે. વજ્ર એટલે હથિયાર. જેમ હથિયાર તમામ શત્રુઓથી રક્ષણ કરે છે એમ જ વજ્રાસનમાં શરીર વજ્ર જેવું મજબૂત બની જાય છે અને તમામ તકલીફો સામે ટકી રહેવાનું બળ પ્રાપ્ત કરે છે. અંગ્રેજીમાં થન્ડરબોલ્ટ પોઝ અથવા ડાયમન્ડ પોઝ તરીકે જાણીતા આ પૉશ્ચરના ઘણા ફાયદાઓ જગજાહેર છે અને એની ઉપયોગિતાને જોતાં જ ઘણા ધર્મોમાં વિવિધ ક્રિયાઓમાં એને મહત્ત્વપૂર્ણ ગણ્યું છે. ભોજન પછી થતું અને પાચનમાં રામબાણ ગણાતું એકમાત્ર આસન એટલે વજ્રાસન. જોકે તમારી પાચનની સમસ્યાઓનો અંત લાવનારું આ આસન પગના વિવિધ સાંધાઓની સમસ્યાઓ શરૂ કરી દે એવું તો નથી થઈ રહ્યુંને? તમારી ક્ષમતાઓ અને ખોટી રીતે વજ્રાસન કરવાની રીત ભારે પડે અને ઘૂંટણ તથા પગના હિસ્સામાં કાયમી તકલીફ થઈ જાય એ પહેલાં સહેજ ચેતીને ચાલવામાં સાર છે. વજ્રાસન કરવાની ખોટી રીત કઈ રીતે જોખમી છે અને કઈ રીતે એને કરેક્ટ કરી શકાય, કોણે કરવું અને કોણે આ આસનને ન જ કરવું એ વિશે પણ થોડીક વાતો કરી લઈએ.

વજ્રાસનમાં બન્ને પગને વાળીને નિતંબ નીચે એડીઓને રાખવાની હોય છે. ઘૂંટણ સંપૂર્ણ વળેલાં હોય છે. આ સ્થિતિમાં શરીર રહેવાથી કમરથી નીચેના ભાગમાં રક્તપરિભ્રમણ ઘટે છે અને વધુ બ્લડ ફ્લો પેટ અને પાચનનું કાર્ય કરતા ઑર્ગનને મળવાથી પાચન ઝડપી બને છે. ઍક્યુપ્રેશર થિયરી મુજબ એમ પણ કહેવાય છે કે આ પોઝિશનમાં બેસવાથી કાફ મસલ્સ એટલે કે પગની પિંડીઓ પર સારા પ્રમાણમાં પ્રેશર આવે છે. આ હિસ્સો સુજોક થેરપી પ્રમાણે પાચનતંત્રનો હિસ્સો મનાય છે અને એ હિસ્સો ઉત્તેજિત થવાથી પાચન સારું થાય છે. જોકે દેખીતી રીતે જ જ્યારે તમે આ પોઝિશનમાં બેસો એટલે તમારાં ઘૂંટણના સાંધામાં સારાએવા પ્રમાણમાં ખેંચાણ થાય છે તેમ જ શરીરનું વજન પગની પિંડીઓની જેમ પગની પાની પર પણ મોટા પ્રમાણમાં આવે છે. ઘૂંટણનું સ્ટ્રક્ચર જોશો તો સમજાશે કે ફીમર એટલે કે સાથળનું હાડકું અને ટીબિયા એટલે કે પગની પિંડીના હાડકાનું જોડાણ ઘૂંટણના સાંધામાં થાય છે. પગનાં આ બન્ને મહત્ત્વપૂર્ણ હાડકાંને જોડવા માટે કાર્ટિલેજ એટલે કે એક પ્રકારના સૉફ્ટ કનેક્ટિવ ટિશ્યુ હોય છે જે બન્ને હાડકાં વચ્ચે શરીરનું વજન સરખા પ્રમાણમાં બન્ને બોન પર ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે તેમ જ ઘૂંટણને થોડાક અંશે સ્ટેબિલિટી આપવાનું કામ કરે છે. તમે જોશો તો સમજાશે કે ઘૂંટણનો સાંધો ખૂબ સાંકડા હિસ્સામાં છે એટલે જ શરીરના તમામ બોન્સ અને કાર્ટિલેજને જોડેલા રાખવાનું કામ કરતા લિગામેન્ટ્સ અને સ્નાયુઓ પર ઘૂંટણની હેલ્થનું અવલંબન રહેલું છે. તમારાં ઘૂંટણ આગળની તરફ વળે છે અને પાછળની તરફ નથી વળતાં એનું કારણ છે હિન્જ જૉઇન્ટ. જોકે તમે એને લાંબો સમય સુધી આગળની તરફ વાળેલાં રાખો તો એની સાથે સંકળાયેલા લિગામેન્ટ્સમાં તકલીફ થઈ શકે છે.

યોગ એક્સપર્ટ શું કહે છે?
યોગાસનોમાં બૉડીના અલાઇનમેન્ટ પર સૌથી વધુ ભાર મૂકતાં અય્યંગર યોગના સિનિયર ટીચર બિરજુ મહેતા કહે છે, ‘વજ્રાસન ખરાબ નથી, પરંતુ તમારી પરિસ્થિતિ મુજબ વજ્રાસન કરવાની રીત ખોટી હોઈ શકે છે અને એને કારણે તમને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો પર્મનન્ટ ઇન્જરી થઈ શકે છે. ઇન ફૅક્ટ માત્ર ડાઇજેશન માટે જ નહીં પણ તમે ખૂબ થાક્યા હો, પગમાં દુખાવો થતો હોય એ સમયે પગને જાતે જ દબાવીને આરામ આપનારું આ આસન છે. જેમને પગમાં કે ઘૂંટણના ભાગમાં આર્થ્રાટિસ છે તેમને આ આસન ન કરવાની સલાહ હું આપીશ. ફોર્સફુલી આ આસન ન કરવું જોઈએ. જેમને આખું ઘૂંટણ વાળવાથી તકલીફ થતી હોય તેમને માટે બન્ને ઘૂંટણની પાછળના ભાગમાં વાળીને રોલ કરેલો ટૉવેલ, બ્લૅન્કેટ કે ચાદર મૂકવાથી આ આસન કરવું ઈઝી થઈ જશે. જેને એડીમાં દુખાવો હોય અને પગની પાનીમાં પણ દુખાવો થતો હોય તેમણે પગની આંગળીના પાછળના ભાગમાં વાળેલી પાતળી બ્લૅન્કેટ મૂકવાથી લાભ થશે. જેણે પગના જૉઇન્ટમાં ક્યારેય મૂવમેન્ટ ન આપી હોય અને જેમના પગના જૉઇન્ટમાં સ્ટિફનેસ હોય એ લોકો જો એકઝાટકે વજ્રાસનમાં બેસવાના પ્રયાસ કરશે તો તેમને તકલીફ થઈ શકે છે. આ જૉઇન્ટ દરવાજામાં રહેલા મજાગરા જેવા હોય છે. ધારો કે એ ટાઇટ હોય અને તમે એના પર જોર લગાવો તો એ તૂટી જશે. એ જ વાત શરીરના દરેક સાંધાને લાગુ પડે છે. આ આસનમાં તમારી કરોડરજ્જુ ખેંચાવાથી એની લંબાઈ વધે છે. તમે સહજ રીતે આ આસનમાં હો તો ટટ્ટાર જ બેસી જતા હો છો. ટટ્ટાર રહેવાથી ઍબ્ડોમિનલ કૅવિટી એટલે કે પાચનતંત્રના ખાંચામાં પણ જગ્યા વધે છે, જેથી પાચનક્રિયાને સુલભતા મળે છે. થાક્યા પછી આ આસન કરવાથી પગને આરામ મળે છે.’

ફિઝિયોથેરપિસ્ટ શું કહે છે?
સૈફી હૉસ્પિટલમાં ઍડ્વાન્સ્ડ ફિઝિયોથેરપી વિભાગનાં હેડ ડૉ. સ્વાતિ સંઘવી કહે છે, ‘આ પૉશ્ચર ઍડ્વાન્સ્ડ પૉશ્ચર છે અને જે કોઈને ઘૂંટણમાં જરાક અમથો આર્થ્રાઇટિસ કે નાના પ્રમાણમાં પણ દુખાવો હોય તો એ વધી શકે એની પૂરી સંભાવના છે. આ પોઝિશનમાં તમારું ઘૂંટણ પૂરેપૂરા પ્રમાણમાં બેન્ડ થતું હોવાથી જેને પણ ઘૂંટણની તકલીફ હોય તેમને હું સીધા જ આ પોઝિશનમાં બેસવાની ના જ કહીશ. એમાં તમને લિગામેન્ટ ઇન્જરી થઈ શકે છે. ઘણી વાર બૅકપેઇન હોય તેમને પણ આ પોઝિશનમાં બેસવાથી ઇન્જરીનું જોખમ વધે છે, કારણ કે પૉશ્ચર માટે તમે જમીન પર બેસો ત્યારે કદાચ કંઈ ન થાય, પરંતુ બેઠા પછી ઊભા થવાનું આવે ત્યારે બૅક પર જોરદાર સ્ટ્રેઇન આવતું હોય છે. કોઈ પણ આસન કરતી વખતે તમારા શરીરની મર્યાદા અને વર્તમાન પરિસ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે. વજ્રાસનમાં સીધેસીધા બેસતાં પહેલાં તમારે તમારાં ઘૂંટણની રેન્જ ચેક કરી લેવી જોઈએ. એના માટે ધનુરાસન ટ્રાય કરવું જોઈએ. નૌકાસન કરવાં જોઈએ. આ બધાં તૈયારીરૂપ આસનો છે અને એને કારણે તમારાં ઘૂંટણની કરન્ટ કન્ડિશન શું છે, એ ક્યાં સુધી વળી શકે છે એનો અંદાજ આવી જાય છે. ધનુરાસનમાં એક વાર તમારા પગની એડી નિતંબને અડવા લાગે એટલે તમે ધીમે-ધીમે અનિવાર્ય મોડિફિકેશન સાથે વજ્રાસન કરો એ ઍડ્વાઇઝેબલ છે. સારા યોગશિક્ષક પાસે પહેલાં તમારી ફિઝિકલ કન્ડિશન ચેક કરાવીને આગળ વધવું જોઈએ.’

આ પણ વાંચો : Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

મૂવમેન્ટ એક્સપર્ટ શું કહે છે?
લાઇફ કૅર કોચ અને મૂવમેન્ટ એક્સપર્ટ તથા સ્પોર્ટ્સ મેડિસિનમાં એક્સપર્ટ ડૉ. વિશ્વનાથ પ્રભુ વજ્રાસન વિશે કહે છે, ‘કોઈ પણ મૂવમેન્ટ કે કોઈ પણ પોઝિશન ખરાબ નથી હોતાં. એક્સરસાઇઝમાં ક્યારેય હા અથવા ના જેવા જવાબો ન હોય. એ વ્યક્તિગત કન્ડિશન પર નિર્ભર કરતી બાબત છે. વજ્રાસન કૉમ્પ્લેક્સ પૉશ્ચર છે. કોઈ પણ સારા યોગ ક્લાસમાં તમે જશો તો તમને ડાયરેક્ટલી વજ્રાસનમાં નહીં બેસાડે. તમારા શરીરની ઍનૅટમીને સમજીને એની કન્ડિશનનો પૂરતો અભ્યાસ કરીને તમારા માટે શું ઉપયુક્ત છે એ સમજીને આગળ વધવું જોઈએ. હવે કેટલાક લોકોને દોડવાથી પણ ની-ઇન્જરી થઈ જાય છે અને કેટલાક હજારો કિલોમીટર દોડ્યા પછી પણ સલામત છે તો શું દોડવું એ હેલ્થ માટે ખરાબ થયું કે સારું? અગેઇન એ વ્યક્તિગત બાબત છે. વજ્રાસનથી તમારાં ઘૂંટણને ડૅમેજ થાય છે એવું ન કહી શકાય, પરંતુ તમારાં ઘૂંટણમાં સમસ્યા હોય તો વજ્રાસનથી એ વધી શકે છે. કેટલીક વાર તમારું પેઇન ડૉર્મન્ટ અવસ્થામાં હોય એટલે કે થતું હોય, પરંતુ બહાર ન આવ્ય‍ું હોય પણ એવી કોઈક ઍક્ટિવિટી કરો જેનાથી એ છંછેડાય અને દુખાવો શરૂ થાય. જે લોકોની લોઅર બૉડી સ્ટિફ હોય એ લોકોએ સાચવીને વજ્રાસન કરવું. તમે વ્યક્તિગત રીતે કોઈ પણ પૉશ્ચર કરવા માટે ફિઝિકલી કેટલા રેડી છો એ ચેક કરવું જરૂરી છે. ધારો કે તમને શરૂઆતમાં જ પેઇન થવા માંડ્યું હોય તો બિનજરૂરી એને ખેંચો નહીં. એસેસમેન્ટ પ્રોટોકૉલ એટલે કે તમારી કરન્ટ કન્ડિશનની પૂરતી તપાસ કરવા જેવી કોઈ બાબત આ દુનિયામાં છે એ વાત સમજો. આજે લોકો ક્યાંય પણ વાંચીને કે ટીવી પર કે યુટ્યુબ પર જોઈને આંધળું અનુકરણ કરવા માંડે છે. એક્સરસાઇઝ પણ એક વિજ્ઞાન છે એ સમજીને થાય તો લાભ આપશે અથવા નુકસાન કરશે એ સમજો અને તમારી પાસે રહેલી માહિતીનો આડેધડ ઉપયોગ કરવાને બદલે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો. વજ્રાસન કે કોઈ અન્ય આસનો માટે તમારી ક્ષમતાને અનુસાર મોડિફિકેશન પણ છે અને એને વધુ ચૅલેન્જિંગ બનાવવાના રસ્તા પણ છે. જોકે તમે કઈ કન્ડિશનમાં છો એના પર એનો આધાર રહેલો છે.’

columnists yoga international yoga day