લેડીઝલોગ, બીજું કોઈ કરે કે ન કરે તમે તો ખાસ કરજો યોગ

11 July, 2019 10:49 AM IST  |  મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ - રોજેરોજ યોગ

લેડીઝલોગ, બીજું કોઈ કરે કે ન કરે તમે તો ખાસ કરજો યોગ

સુપ્તબદ્ધકોણાસન

રોજેરોજ યોગ

હાઉસવાઇફ હોય કે વર્કિંગ વુમન; ઘર-પરિવાર, સંબંધો-વ્યવહારો અને સાથે પોતાની ઑફિશ્યલ જવાબદારીઓ પૂરી કરવામાં તેમને કોઈ છટકબારી મળતી નથી જે ઘણી વાર પડકારજનક બને છે. બીજું, એકેયમાં પાછા પડવું તેને પોતાને પણ મંજૂર નથી. એટલે જ તેણે પોતાનું ધ્યાન રાખવું એ જરૂરી જ નહીં પણ ખૂબ જરૂરી છે.

મહિલાઓના જીવન પર ઢગલાબંધ અભ્યાસો થયા છે. અભ્યાસુઓ કહે છે કે ઇમોશનલ વધુ હોવાને કારણે લગભગ દરેક બાજુએ ૧૦૦ ટકા આપવાના મહિલાઓના આગ્રહને કારણે તેઓ પોતાની ક્ષમતાની બહાર જઈને પણ સ્ટ્રગલ કરી લેવા તત્પર હોય છે, જે વધારાના સ્ટ્રેસ અને ઇચ્છા મુજબ ન થાય તો અપરાધભાવ લાવે છે. આટલું ઓછું હોય એમ કુદરતી રીતે પણ મહિલાઓના જીવન-તબક્કામાં પણ હૉર્મોનલ અસંતુલનના ઘણા પ્રસંગો આવે છે જે તેની ઇમોશનલ, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. માસિક ધર્મમાં આવવાથી લઈને પ્રેગ્નન્સી અને મેનોપૉઝ વખતે ભોગવવા પડતા હૉર્મોનલ અસંતુલનના તબક્કાઓને સારી રીતે પાર પાડવા યોગ કઈ મદદરૂપ થઈ શકે છે એ જોઈએ. અમેરિકન સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ યોગ કરનારા અમેરિકનોની સંખ્યામાં ઉમેરો થઈ રહ્યો છે, જેમાં ૭૨ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

મહિલા અને યોગ વિષય પર સારોએવો અભ્યાસ કરનાર આયુર્વેદિક ડૉક્ટર અને યોગ‍ કન્સલ્ટન્ટ ડૉ. નૂતન પાખરે કહે છે, ‘આમ તો સાચી રીતે કરવામાં આવતી યોગિક ક્રિયાઓ દરેક ઉંમરના અને દરેક જેન્ડરના લોકો માટે જોરદાર પરિણામ આપે છે. જોકે દરેક પરિવારનો આધારસ્તંભ ગણાતી અને જેની હેલ્થ કન્ડિશન પર આખા પરિવારની હેલ્થનો મદાર હોય છે એવી સ્ત્રીઓએ તો પોતાના જીવનમાં યોગને પ્રાધાન્ય આપવું જ જોઈએ.’

ઘણા ફાયદા

પ્રી-મેન્સ્ટ્રુએશન સિન્ડ્રૉથમ હોય, મેન્સ્ટ્રુએશન ક્રૅમ્પ હોય કે પછી ગર્ભાવસ્થા અથવા મેનોપૉઝનો ગાળો હોય; ડૉ. નૂતન પાખરે કહે છે, ‘આ દરેક સમયે સ્ત્રીના શરીરમાં નોંધનીય ફેરફારો થાય છે. એન્ડોક્રાઇન સિસ્ટમને લગતા બાયોલૉજિકલ ચેન્જની અસર તન, મન અને મગજ પર પણ પડે છે. આ એવી અવસ્થાઓ છે જે આવવાની જ છે. એના માટે તમારી ઇચ્છા કે અનિચ્છાનો સવાલ જ નથી ઊઠતો. એટલે જ હું મારી પાસે આવનારા ઘણા લોકોને કહું છું કે તમારી દીકરી ૧૦-૧૨ વર્ષની થાય એટલે તેની પાસે યોગ શરૂ કરાવી દો જેથી તેનું શરીર અને મન આવનારા ચેન્જિસ માટે સજ્જ થઈ જાય. આ બધા એવા તબક્કા છે જ્યારે તમારા શરીરની નર્વસ સિસ્ટમ પર સ્ટ્રેન આવતા મસલ્સ ટિશ્યુઓ પર અસર થાય, અસંતુલિત હૉર્મોન્સને લીધે મૂડમાં બદલાવ આવે, વૉમિટિંગ જેવું થાય, ક્રૅમ્પ આવે, પેટમાં ગરબડ જેવું લાગે, ઇમોશનલ બર્સ્ટ જેવું લાગે જેથી કારણ વગર ગુસ્સો આવી શકે, રડવું આવે જેવાં લક્ષણો દેખાય છે. યોગની ક્રિયાઓ, વિવિધ આસનો તમને આવાં લક્ષણોમાં હળવાશ આપી શકે. યોગ તમારા શરીરના ત્રણ મુખ્ય ભાગ પર ડાયરેક્ટ અસર કરે શકે એવું ઘણાં સર્વેક્ષણો કહી ચૂક્યાં છે. એન્ડોક્રાઇન મસ્ક્યુલર સિસ્ટમ ઉપરાંત શરીરનો બૉસ ગણાતું હાયપોથેલેમસ, મગજના સંદેશ શરીર સુધી પહોંચાડતી પિટ્યુટરી ગ્રંથિ અને ઑર્ગન પર કામ કરે છે. એટલે સ્વાભાવિક જ એ સંપૂર્ણ પરિણામ આપી શકે છે. તમને શારીરિક અને માનસિક રીતે આવી અવસ્થા માટે તૈયાર કરે છે. આવા મારા વ્યક્તિગત અનુભવોમાં પણ અનેક કિસ્સાઓ મેં જોયા છે એટલું જ નહીં; થાઇરૉઇડ, બ્રેસ્ટ-કૅન્સરમાં પણ યોગનાં ચમત્કારિક પરિણામો પર વિશ્વની ઘણી યુનિવર્સિટીઓએ અઢળક સર્વેક્ષણો કર્યાં છે.’

પર્સનાલિટી બદલી નાખે

જી હા, બિલકુલ. મહિલાઓના જીવનમાં વ્યક્તિવિકાસનું કામ પણ યોગ કરી શકે છે. મોટા ભાગની મહિલાઓ પોતાના શરીરની કોઈક બાબતને લઈને તો મનોમન ચિંતિત હોય જ છે. યોગ એમાં પણ અનપેક્ષિત ફાયદો આપે છે. દરેક સ્ત્રીની સૌંદર્યવાન લાગવાની ઇચ્છા પણ યોગ પૂરી કરે છે. અંદર અને બહાર બન્ને રીતે એ તમને સુંદર બનાવે છે. વ્યક્તિ પોતાની જાતને જેવી છે એવી સ્વીકારી શકે એ સ્તર સુધી યોગિક ક્રિયાઓ લઈ જાય છે. ફિઝિકલ અને ઇમોશનલ સંતુલન સાથે આ બાબત પણ બાયપ્રોડક્ટ તરીકે સાથે આવે છે. આસનોમાં સ્થિર રહેવાની આદત જીવનમાં પણ ધીરતા લાવે છે. આખો દિવસ દોડાદોડ કરતી મહિલાઓ માટે થોડોક સમય જાતને મળવાની તક યોગ પૂરી પાડે છે. તમે જેવા છો એવા સ્વીકારની ભાવના પણ યોગ દ્વારા કેળવાય છે. કેટલાંક આસનો અને ક્રિયાઓ શરીરની છૂપી શક્તિનો પરિચય કરાવે છે અને તમારા કૉન્ફિડન્સમાં અપાર વધારો કરે છે. યોગ તમે ધારો તો તમારા માટે શ્રેષ્ઠ સપોર્ટ સિસ્ટમ બની શકે એમ છે. મહિલાઓને એમ્પાવર કરવાની ક્ષમતા યોગમાં છે.

સુપ્તબદ્ધકોણાસન

મહિલાઓને લગતી તમામ પ્રકારની સમસ્યાઓમાં આ આસન ખૂબ ઉપયોગી થઈ શકે છે, કારણ કે એમાં તમારા પેટના અને પ્રજનન સાથે સંકળાયેલા અવયવોને રિલેક્શેસન મળે છે. આ આસન કરતી વખતે કરોડરજ્જુના નીચે ગોળ તકિયો મૂકવો અને ગરદનને પણ ઓશિકાનો સપોર્ટ આપવો.

આ પણ વાંચો : ઋષિમુનિઓએ માનવ અસ્તિત્વને કુલ પાંચ સ્તરમાં વહેંચ્યું છે

કયાં આસનો કરશો?

માસિક પહેલાં થતી તકલીફો માટે

સુપ્તબદ્ધકોણાસન

અધોમુખશ્વાનાસન

સેતુબંધાસન

ઉષ્ટ્રાસન

મત્સ્યાસન

મેનોપૉઝ

બદ્ધકોણાસન

જાનુશીર્ષાસન

પાદોત્તાનાસન

વિપરીતકરણી

columnists health tips yoga international yoga day