ઋષિમુનિઓએ માનવ અસ્તિત્વને કુલ પાંચ સ્તરમાં વહેંચ્યું છે

Published: 4th July, 2019 09:32 IST | રુચિતા શાહ - રોજેરોજ યોગ | મુંબઈ ડેસ્ક

પ્રિય વાચક મિત્રો, આંતરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાનમાં શરૂ કરેલી યોગ વિષયક લેખોની સિરીઝને આપ દ્વારા મળેલા પ્રતિસાદને જોતાં કન્ટિન્યુ કરવાનો નિર્ણય લીધો છે. હવે દર ગુરુવારે આપને વાંચવા મળશે યોગ સાથે સંકળાયેલી રસપ્રદ માહિતીઓનો રસથાળ

પંચકોષ
પંચકોષ

યોગશાસ્ત્રોમાં એને પંચકોષ તરીકે ઓળખે છે. આજે જ્યારે સાઇકોસમૅટિક ડિસઑર્ડર એટલે કે માનસિક અસ્વસ્થતાથી શરીર સુધી પહોંચેલા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ પંચકોષોનો કન્સેપ્ટ ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે

રોજેરોજ યોગ

સાઇકોસમૅટિક રોગોની બોલબાલા હવે વધી, પરંતુ આપણે ત્યાં સદીઓ પહેલાં મગજને કારણે શરીરમાં રોગો પગપેસારો કરી શકે છે એની સમજ હતી. કદાચ એટલે જ માનસિક સ્વસ્થતા જાળવી લેવાય એવી અઢળક બાબતો ધર્મના નામે કે પરંપરાના નામે આપણી દિનચર્યામાં વણી લેવામાં આવી હતી. છઠ્ઠી સદીમાં રચાયેલા અને તમામ ઉપનિષદોમાં મુખ્ય ગણાતા તૈત્તિરિય ઉપનિષદમાં પંચકોષનો કન્સેપ્ટ છે જેને યોગીઓએ ખૂબ મહત્ત્વ આપ્યું છે અને યોગ સાથે સંકળાયેલા અભ્યાસુઓ આજે પણ એનો વિગતવાર રિસર્ચ માટે ઉપયોગ કરી રહ્યા છે. પંચકોષ એટલે કે પાંચ લેયર, પાંચ ડાઇમેન્શન, આપણા અસ્તિત્વના પાંચ સ્તર છે. એમ કહોને પાંચ શરીર, જેમાંથી એક આપણને દેખાય છે જેને અન્નમય કોષ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય પણ આપણા અસ્તિત્વના પાંચ હિસ્સા છે જે આપણને દેખાતા નથી, પણ એની લૉન્ગ ટર્મ અસર આપણા પર થાય છે.

પાંચેય કોષ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ.

અન્નમય કોષ

અન્ન એટલે આહાર. ખોરાકને કારણે તમારંપ જે અસ્તિત્વ, જે આકાર ઉદ્ભવ્યો છે એ અન્નમય કોષ. ફિઝિકલ બૉડી તમારી પહેલી લેયર, જે સાત ધાતુમાંથી બનેલી છે, જેને ઉચિત ખોરાક અને આસનો દ્વારા પુષ્ટ કરવામાં આવે છે, જે પંચ મહાભૂતમાંથી ઉદ્ભવ્યું અને પાછું પંચમહાભૂતમાં વિલીન થઈ જશે એ અન્નમય કોષ. આપણું મેડિકલ સાયન્સ મુખ્યત્વે ફિઝિકલ બૉડીને જ ટ્રીટ કરવા માટે ડિઝાઇન થયેલું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને કિડનીની બીમારી આવી કે ડાયાબિટીઝ થયો છે તો તેના શરીર પૂરતાં જ લક્ષણોને દૂર કરવાની દવા થાય. એ થવા પાછળ માનસિક કારણો શું એની કોઈ ચિંતા કે ઇલાજ નહીં. યોગીઓએ સંપૂર્ણ ચિકિત્સા પર ભાર મૂકીને જ પંચકોષની સમજણ આપી.

પ્રાણમય કોષ

પ્રાણ એટલે કે સાદી ભાષામાં એનર્જી. શ્વાસોચ્છ્વાસ ઉપરાંત પણ આપણા શરીરમાં પ્રાણ હોય છે. યોગ અને આયુર્વેદમાં પંચપ્રાણની વ્યાખ્યા કરવામાં આવી છે જેની આપણે આવનારા દિવસોમાં ચર્ચા કરીશું. આ પાંચ પ્રકારના પ્રાણ આપણા શરીરનું સહજ સંચાલન કરવાનું કામ કરે છે. આ પ્રાણઊર્જામાં પણ જો ક્યાંક ફાચર પડે તાે સ્વાસ્થ્યને હાનિ પહોંચે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા એ પ્રાણમય કોષ સાથે સંકળાયેલી છે. આ આપણું બીજું શરીર. પ્રાણમય કોષને પાવરફુલ કરવો હોય તો પ્રાણાયામ કરો.

મનોમય કોષ

મનોમય કોષ એટલે તમારું મન. જે દેખાતું નથી, પણ છે. તમારા વિચારો, તમારા મનમાં જાગતા ભાવો, ઇમોશન્સ, ઇચ્છાઓ વગેરે મળીને તમારું મન બને. વૈજ્ઞાનિકો હજી મગજને ઑર્ગન તરીકે જ જુએ છે, પરંતુ એ સિવાય પણ મન તત્ત્વ છે જેના પર બહુ રિસર્ચ નથી થઈ શક્યું. આપણા મનમાં જાગતાં ગુસ્સા, લાલચ, ઈર્ષ્યા, અતિ રાગ, અસુરક્ષિતતા, અહંકાર વગેરે મનોમય કોષની સ્થિતિમાં પરિવર્તન લાવે છે; જે આગળ જતાં પ્રાણમય અને અન્નમય કોષને પણ હાનિ પહોંચાડે છે. મનોમય કોષ માટે પણ પ્રાણાયામ, મુદ્રા વગેરેનો પ્રયોગ મદદ કરે છે.

વિજ્ઞાનમય કોષ

મનુષ્ય અને પશુસૃષ્ટિને જુદું પાડવાનું કામ આ વિજ્ઞાનમય કોષ કરે છે જેમાં તમે બીજાની પીડાનો વિચાર કરો, જ્યાં તમે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો, જ્યાં તમે આદર્શોને મહત્ત્વ આપો એ તમામ વિજ્ઞાનમય કોષનું ડેવલપમેન્ટ દેખાડે છે. શું સાચું અને શું ખોટું એની સમજ જ્યાંથી આવે એ ચોથું શરીર, ચોથી લેયર.

આનંદમય કોષ

જ્યારે આનંદ જ બાકી રહે અને બીજું કંઈ નહીં જેમાં બહાર ચાલતી એકેય હલચલની અસર શરીર પર ન પડે અને શરીરની દૃષ્ટિએ પણ તમે એકદમ સ્વસ્થ અને સુખ ફીલ કરો એ આનંદમય કોષ. ગૌતમ બુદ્ધને એક વ્યક્તિ ખૂબ ગાળો આપતી હતી અને છતાં તેમના ચહેરાની એકેય રેખા બદલાઈ નહીં, તેમને કંઈ જ ફરક ન પડ્યો. જોકે તેમના એક પરમ ભક્તથી પોતાના ગુરુનું આવું અપમાન સહન ન થયું એટલે તેમણે બુદ્ધને છણકો કરીને પૂછ્યું કે શું કામ તમને આટલું ખરાબ કોઈ બોલે તો પણ કશો ફરક નથી પડતો? ત્યારે બુદ્ધે જવાબ આપ્યો, ‘તેણે એ જ આપ્યું જે તેની પાસે હતું. એ મારા કામનું નથી એટલે મેં એને મન પર લીધું જ નહીં. જે મેં ગ્રહણ જ નથી કર્યું એનાથી મને કઈ રીતે અસર થાય?’ મનની આ સ્ટેટ આનંદમય કોષની સ્થિતિ છે.

આ પણ વાંચો : યોગક્ષેત્રના ત્રણ મહારથીઓને માત્ર ત્રણ સવાલ

મોટા ભાગે આપણે મનોમય કોષથી જ પરિસ્થિતિ બગાડી દેતા હોઈએ છીએ, કારણ કે એમાં આપણો અહંકાર અને મનના તરંગો, ઈર્ષ્યા, અદેખાઈ, ક્રોધ વગેરે પરિસ્થિતિનો ચાર્જ લઈ લેતા હોય છે જેની અસર પ્રાણ અને શરીર પર પણ પડતી હોય છે. હવે જ્યારે પણ માંદા પડો ત્યારે સૌથી પહેલાં તમારા કયા કોષને કારણે આ બીમારી ઉદ્ભવી છે એના પર સહેજ સેલ્ફ-ઑબ્ઝર્વેશન કરજો અને એ કોષને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધશો તો ભવિષ્યની શારીરિક અને માનસિક વ્યાધિઓથી પણ જાતને બચાવી શકશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK