બ્રિટનમાં ઋષિ‘રાજ’ : ભારત અને ભારતીયો માટે આશીર્વાદ?

30 October, 2022 08:23 PM IST  |  Mumbai | Raj Goswami

એક ભારતીય પત્રકારને રિશી સુનકે કહ્યું હતું કે ‘વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ નામનું એક ખાનું હોય છે, હું એમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું.

બ્રિટનમાં ઋષિ‘રાજ’ : ભારત અને ભારતીયો માટે આશીર્વાદ?

મજાની વાત એ છે કે ગયા સોમવારે વડા પ્રધાન તરીકે રિશી સુનકની વરણી થઈ એ પછી પાકિસ્તાન અને આફ્રિકામાં પણ ‘આપણો ઋષિ’ના નામે જશ્ન મનાવાયો હતો! બ્રિટનમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન તેમની ઓળખને લઈને એક ભારતીય પત્રકારને રિશી સુનકે કહ્યું હતું કે ‘વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ નામનું એક ખાનું હોય છે, હું એમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું, આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે’

૪૨ વર્ષના બ્રિટિશ-ઇન્ડિયન રિશી સુનક યુનાઇટેડ કિંગડમના સૌથી યુવાન વડા પ્રધાન બન્યા, એમાં દેશ-દુનિયાના ભારતીયોના હૈયે હરખ માતો ન હોય એ સમજી શકાય એમ છે એ એક વાત. એ હરખ અસ્થાને છે એ બીજી વાત. હરખનું મુખ્ય કારણ એ છે કે જે બ્રિટિશરોએ ભારતીયો પર ૨૦૦ વર્ષ રાજ કર્યું હતું. રાજ કર્યું હતું એટલું જ નહીં, ભારતીયોને બધી રીતે એડી નીચે કચડી રાખ્યા હતા, એ બ્રિટિશરો પર આવે એ વ્યક્તિનું રાજ છે, જેનાં મૂળિયાં એ જ ભારતમાં છે. અંગ્રેજીમાં આને સ્વીટ રિવેન્જ કહે છે. સાદી ભાષામાં, કુદરતનો ન્યાય. 
લગભગ ૭૦ વર્ષ અગાઉ તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન અને દ્વિતીય વિશ્વયુદ્ધના મહાનાયક વિન્સ્ટન ચર્ચિલે ભારતીયોમાં સ્વ-શાસનની ક્ષમતા વિશે સંદેહ વ્યક્ત કર્યો હતો (લેખના અંતે ‘લાસ્ટ લાઇન’ વાંચો) ત્યારે તેમણે દુ:સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે ૧૦ વર્ષ સુધી તેઓ જે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટની ખુરસી પર બેઠા હતા એમાં એક દિવસ એવો માણસ બેસશે જે પોતાને એક ‘ગર્વિત હિન્દુ’ ગણાવે છે. રિશી સુનકના ‘ભારતીયપણા’માં બીજું એક છોગું તેમનાં લગ્નનું છે. તેમણે ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સાથે ૨૦૦૯માં બૅન્ગલોરમાં લગ્ન કર્યાં હતાં. બ્રિટિશ સંસદની ચૂંટણી વેળા આ અક્ષતાની કથિત ટૅક્સચોરીના મામલે રિશીની બહુ બદનામી થઈ હતી. 
એ હકીકત છે કે દુનિયાના સૌથી પહેલા વૈશ્વિક સુપરપાવર બ્રિટિશ સામ્રાજ્યના ઇતિહાસમાં એક લઘુમતી અશ્વેત સર્વોચ્ચ પદ પર પહોંચે એ નિશ્ચિતપણે નોંધપાત્ર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ આ વાતને ભાર દઈને કહી હતી. તેમણે કહ્યું હતું કે એક અશ્વેત બ્રિટિશ પીએમ બને એ મોટી વાત છે. રિશીની હિન્દુ ઓળખ તો બરાબર છે, પણ ‘ભારતીયપણા’વાળી વાત થોડી વિવાદાસ્પદ છે. તેમના દાદા-પરદાદા ભારતના હતા એ સાચું, પણ તેમના પિતા કે ખુદ રિશી પોતે ન તો ભારતમાં જન્મ્યા હતા કે ન તો ભારતના નાગરિક રહ્યા છે. થોડાંક તથ્યો... 
બ્રિટનમાં ચાન્સેલર ઑફ એક્સ્ચેકર (નાણાપ્રધાન) રહી ચૂકેલા અને ૨૦૧૫થી સંસદસભ્ય રિશી સુનક જન્મે બ્રિટિશર છે. તેમણે ચાન્સેલરપદે ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તેમનાં માતા-પિતા યશ્વીર અને ઉષા સુનક સાઉથઈસ્ટ આફ્રિકાના ભારતીય ડાયસ્પોરામાંથી આવે છે. પિતા યશ્વીર કૉલોની ઍન્ડ પ્રોટેક્ટરેટ ઑફ કેન્યા (હાલના કેન્યા)માં જન્મ્યા હતા, જ્યારે માતા ઉષા તાંગાન્યિકા (જે પછીથી તાન્ઝાનિયામાં ભળી ગયું હતું)માં પેદા થયાં હતાં. 
યશ્વીર અને ઉષાના પેરન્ટ્સ મૂળ અવિભાજિત પંજાબના ગુજરાંવાલા (જે હવે પાકિસ્તાનમાં છે)ના હતા. યશ્વીરના પિતા એટલે કે રિશીના દાદા રામદાસ સુનક ૧૯૩૫માં નૈરોબીમાં ક્લાર્કની નોકરી કરવા ગુજરાંવાલા છોડી ગયા હતા. બે વર્ષ પછી રિશીનાં દાદી સુહાગરાની નૈરોબી ગયાં હતાં. ૬૦ના દાયકામાં બન્ને ઇંગ્લૅન્ડ ગયાં હતાં. ત્યાં યશ્વીર જનરલ ફિઝિશ્યન હતા અને ઉષા દવાની દુકાન ચલાવતાં હતાં. સધર્ન ઇંગ્લૅન્ડમાં આવેલા સધમ્પટન શહેરમાં ૧૯૮૦માં રિશી જન્મ્યા હતા. તેમને સંજય અને રાખી નામનાં બે ભાઈ-બહેન પણ છે.
રિશીએ હૅમ્પશરની સ્કૂલમાં અને વિન્ચેસ્ટર બોર્ડિંગ કૉલેજમાંથી પ્રાથમિક ભણતર મેળવ્યું હતું. વેકેશનમાં તેઓ સધમ્પટનની હોટેલમાં વેઇટરનું કામ કરતા હતા. ૨૦૦૧માં તેઓ ઑક્સફર્ડની લિન્કન કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા હતા. એ પછી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા હતા. 
 મજાની વાત એ છે કે ગયા સોમવારે વડા પ્રધાન તરીકે રિશીની વરણી થઈ એ પછી પાકિસ્તાન અને આફ્રિકામાં પણ ‘આપણો ઋષિ’ના નામે જશ્ન મનાવાયો હતો! બ્રિટનમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન તેમની ઓળખને લઈને એક ભારતીય પત્રકારને રિશીએ કહ્યું હતું, ‘વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ નામનું એક ખાનું હોય છે. હું એમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું. આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે.’
રિશી સુનક બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા એમાં તેમનું બ્રિટિશ હોવું કારણભૂત છે, ભારતનું મૂળ નહીં. બ્રિટનમાં કોઈ પણ બ્રિટિશ નાગરિક વડા પ્રધાન બની શકે છે, પછી ભલે તેનો જન્મ બીજે ક્યાંક થયો હોય. બીજી રીતે કહીએ તો કૉમનવેલ્થ દેશનો કોઈ પણ નાગરિક બ્રિટિશ વડો પ્રધાન બની શકે. આમાં વ્યક્તિની લાયકાત તો ખરી જ, સિસ્ટમ પણ તેને મદદ કરે છે.
પ્રશ્ન એ છે કે રિશી સુનકનું હિન્દુ હોવું કે ભારતીય મૂળના હોવું ભારત-બ્રિટનના સંબંધોમાં વિશેષ ભૂમિકા ભજવશે? ભારતીય તરીકે આપણને એવું માનવાનું મન થાય એ સમજાય એવું છે, પરંતુ રાજકારણ લાગણીઓ પર નહીં, નક્કર હકીકતો પર નભતું હોય છે. ‘બિઝનેસ ટુડે’ના વિશ્લેષણ અનુસાર રિશી સામે ત્રણ તાકીદના પડકારો છે, એટલે તેઓ આંતરરાષ્ટ્રીય (એટલે કે ભારત) બાબતોમાં કેટલો સમય અને ઊર્જા આપી શકશે એ મોટો પ્રશ્ન છે.
એક, બ્રિટનની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. રિશીનાં પુરોગામી લિઝ ટ્રસે આર્થિક નીતિઓના ધબડકાને કારણે ૪૪ દિવસમાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું. ઇન ફૅક્ટ, લિઝે તેમની પાર્ટીની નારાજગીથી રાજીનામું આપવું પડ્યું એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રિશીને દેશની કમાન સોંપવામાં આવી છે. એટલે રિશી માટે યુદ્ધ સમો પડકાર અર્થવ્યવસ્થાને પાટે ચડાવવાનો છે. બ્રિટનમાં અત્યારે છેલ્લા એક દાયકાનો સૌથી વધુ ૧૦ ટકાથી વધારે ફુગાવો છે. રિશીએ સરકારી ખર્ચા ઓછા કરીને ટૅક્સ વધારવો પડશે પણ એમાં મંદી વધુ ઘેરી થવાનો ડર છે. 
બે, રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે બ્રિટનમાં ઊર્જાના પુરવઠા પર માઠી અસર પડી છે. એક વર્ષ પહેલાં બ્રિટનમાં સરેરાશ એક પરિવારમાં એનર્જી બિલ ૧૨૭૭ પાઉન્ડ આવતું હતું. અત્યારે એ વધીને ૩૫૪૯ પાઉન્ડ થઈ ગયું છે. હવે શિયાળો આવશે એટલે ઊર્જાની ખપત વધવાની છે. રિશી એની કિંમત કેવી રીતે સ્થિર રાખી શકે છે એ જોવાનું રહેશે.
ત્રણ, રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીમાં લોકોને ભરોસો નથી. લોકપ્રિયતાના મામલે એ લેબર પાર્ટી કરતાં પાછળ છે. પાર્ટીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ વડા પ્રધાન (બૉરિસ જૉનસન, લિઝ ટ્રસ અને રિશી સુનક) આપવા પડ્યા છે એ બતાવે છે કે પાર્ટીમાં કેટલી અસ્થિરતા છે. એ જ કારણથી લેબર પાર્ટી અત્યારે ફુલ ફૉર્મમાં છે અને એ રિશીનું ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં ‘જીવવાનું’ મુશ્કેલ કરી નાખશે.
આ ત્રણ મુસીબતોને સામે રાખીને જુઓ તો રિશીનું ‘ભારતીય’ હોવું આશીર્વાદ નહીં, અભિશાપ પણ સાબિત થઈ શકે છે. અમેરિકામાં બરાક ઓબામાનું ઉદાહરણ તાજું જ છે. ઓબામા પહેલા આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હતા એ શરૂઆતમાં તો જશ્નનું કારણ હતું, પરંતુ પછીથી તેમના પર એવા આરોપ લાગ્યા હતા કે તેમનાં સગાંવહાલાં જ્યાં રહેતાં હતાં એ અને પિતાના દેશ પ્રત્યે તેઓ ઢળેલા રહે છે. ઓબામાને આવા પક્ષપાતના આરોપ બહુ વાગ્યા હતા. 
રિશી સુનક સામે પણ એ જોખમ છે. વિશેષ કરીને તાજેતરનાં વર્ષોમાં બ્રિટનમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે ત્યારે રિશી ભારત કે ભારતીયો તરફ ઝૂકેલા છે એવી અફવા પણ તેમને ભારે પડી શકે છે અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી પર કાયમી ગોબો પડી શકે છે. બ્રિટનમાં ભારતીયો અને ઈસાઈઓ પરંપરાગત રીતે લેફ્ટ-ઑફ-ધ-સેન્ટર લેબર પાર્ટી તરફ ઝૂકેલા રહ્યા હતા, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેઓ રાઇટ-ઑફ-ધ-સેન્ટર કન્ઝર્વેટિવ પાર્ટી તરફ ગયા છે, જ્યારે મુસ્લિમો અને સિખો લેબર પાર્ટીના શરણે ગયા છે. 
રિશીના આગમનથી આ સમીકરણો વધુ મજબૂત બનશે. એટલે એવું કહી શકાય કે રિશી બ્રિટનના હિન્દુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે, પણ એનો અર્થ એવો નથી કે તેઓ ભારતના ભારતીયોની કોઈ ફેવર કરે. ઘરઆંગણાની સમસ્યા ડિપ્લોમેટિક મુસીબત બની જાય એ કોઈ દેશને ન પરવડે. ભારતે નૂપુર શર્માના કિસ્સામાં એ જોઈ લીધું છે. રિશીને એ વાતની ખબર હોવી જ જોઈએ.
પાંચમું, રિશી આંતરરાષ્ટ્રીય સંબંધોની બાબતોમાં બહુ રુચિ રાખતા હોય કે પાવરધા હોય એમ લાગતું નથી. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન બૉરિસ જૉનસનનના ઘોષિત ‘ભક્ત’ છે અને તેમણે ભારત સાથે જે લાઇનદોરી સેટ કરી છે એ પ્રમાણે જ ચાલશે. ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપારને લઈને જૉનસન અને મોદી વચ્ચે જે દિશા નક્કી થઈ હતી એને જ રિશી આગળ ધપાવશે. એમાંય ચીનનો જે રીતે ઉદય થઈ રહ્યો છે એ જોતાં વ્યાપાર અને સંરક્ષણના મામલે બન્ને દેશોના સંબંધ વધુ ગહેરા થશે.

કાર્નેજી ઍન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસની એક વૈશ્વિક સંસ્થાનો રિપોર્ટ કહે છે કે ‘સ્થાનિક સમીકરણોની વિદેશી મામલાઓમાં ઝાઝી અસર નહીં પડે, કારણ કે મોટા ભાગના બ્રિટિશ-ઇન્ડિયનો માટે ભારત-બ્રિટનના સંબંધો રુચિનો વિષય નથી. ભારત-બ્રિટન સંબંધોને લઈને તેઓ કોઈ પણ પાર્ટીને ખેરખાં સમજતા નથી.’

રિશી સુનક સામે પણ એ જોખમ છે. વિશેષ કરીને તાજેતરનાં વર્ષોમાં બ્રિટનમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે ત્યારે રિશી ભારત કે ભારતીયો તરફ ઝૂકેલા છે એવી અફવા પણ તેમને ભારે પડી શકે છે અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી પર કાયમી ગોબો પડી શકે છે

લાસ્ટ લાઇન
‘જો ભારતને આઝાદ કરી દેવામાં આવ્યું તો એની સત્તા દુષ્ટ, ગુંડાઓ અને મફતિયું ખાનારાઓના હાથમાં જતી રહેશે. ભારતના નેતાઓ બહુ કમજોર અને ભૂસાં ભરેલાં પૂતળાં જેવા હશે.’

- વિન્સ્ટન ચર્ચિલ

columnists raj goswami