રિટાયર થઈને કોઈ સુંદર અને રળિયામણા દેશમાં રહેવા જવાની ઇચ્છા છે?

16 February, 2025 03:44 PM IST  |  Mumbai | Laxmi Vanita

તમારું ફૉરેન-ડ્રીમ અધૂરું રહી ગયું હોય અને સિનિયર સિટિઝન તરીકે તમે આર્થિક રીતે સધ્ધર છો તો તમારી પાસે રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામ દ્વારા વિદેશમાં ગુણવત્તાસભર જીવનશૈલી સાથે નિવૃત્તિ વિતાવવાની તક છે

પ્રતીકાત્મક તસવીર

આવું આજકાલ ઘણા લોકો વિચારતા હોય છે. એ માટે અનેક દેશો ખાસ સગવડ પણ આપે છે. જો તમારાથી યુવાનીમાં અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા કે કૅનેડા જેવા દેશોમાં જવાનો મોકો ચુકાઈ ગયો હોય; તમારું ફૉરેન-ડ્રીમ અધૂરું રહી ગયું હોય અને સિનિયર સિટિઝન તરીકે તમે આર્થિક રીતે સધ્ધર છો તો તમારી પાસે રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામ દ્વારા વિદેશમાં ગુણવત્તાસભર જીવનશૈલી સાથે નિવૃત્તિ વિતાવવાની તક છે. શું છે આ રિટાયરમેન્ટ વીઝા અને કેવી રીતે વિદેશમાં નિવૃત્તિ શક્ય બની શકે એ જાણી લો

વિદેશની ધરતીનું ખેંચાણ અનેક ભારતીયોને રહ્યું છે. કોઈ દેશનું કુદરતી સૌંદર્ય જોઈને ત્યાં જ વસી જવાનું મન થાય છે તો કોઈ દેશમાં સસ્તા દરે મળતી સુખસુવિધાઓ આકર્ષિત કરે છે. જેમ ભણવા જવા માટે કે કમાઈને બે પાંદડે થવા માટે અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવા કેટલાક દેશો ભારતીયોમાં ફેવરિટ છે એવું જ નિવૃત્તિ પછી નિરાંતની લાઇફ માટે પણ છે. નિરાંતની લાઇફ માટે અનેક લોકો મૉરિશ્યસ, ન્યુ ઝીલૅન્ડ, દુબઈ, ફિજી, મલેશિયા, થાઇલૅન્ડ, ફિલિપીન્સ જેવા દેશો તરફ નજર કરતા હોય છે. જે દેશમાં આખું જીવન વિતાવ્યું હોય એ છોડીને પાછલી વયે નિરાંત શોધવા માટે બીજા દેશો તરફ નજર માંડવી એ કદાચ આમ જનતા માટે પ્રૅક્ટિકલ વાત નથી, પરંતુ જે લોકો સુખી અને સાધનસંપન્ન છે તેમને માટે આવી કલ્પના હકીકત બની શકે એમ છે. ઇન ફૅક્ટ, અનેક દેશો પોતાને ત્યાં આવા રિટાયર લોકોને પોતાના દેશમાં આવીને વસવા માટેની સવલત પણ આપતા હોય છે. અલબત્ત, એની પાછળ પણ અનેક શરતો લાગુ હોય છે. ભણવા કે ફરવા માટે વીઝા લેવા માટે કયા દેશના શું નિયમો છે એ બાબતે તો ચોમેરથી માહિતી મળી જશે, પરંતુ રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામ એ બહુ એક્સક્લુઝિવ બાબત છે. નિવૃત્તિ પછી તમને મનગમતા દેશનું નાગરિકત્વ મેળવીને ત્યાં શિફ્ટ થઈ જવું હોય તો કયા દેશના કેવા નિયમો હોય છે અને એની પાછળનાં કારણો શું છે એ વિશે આજે વિસ્તારથી સમજીએ.

વીઝા-એજન્ટ પાસે યુવાનો માટે કયા દેશમાં કયા વિષય પર અભ્યાસ કરવો એની માહિતી મળી જશે, પરંતુ મોટી ઉંમરે ત્યાં સેટલ થવા માટે પર્મનન્ટ રેસિડેન્સી એટલે કે જે તે દેશનું પ્રત્યક્ષ નાગરિકત્વ કેવી રીતે મેળવવું એ પૂછશો તો તેમના ચહેરાના હાવભાવ બદલાઈ જશે. એમાંય માહોલ એવો છે કે વર્ષ ૨૦૨૪માં જેટલા ભારતીય વીઝા રિઝેક્ટ થયા છે એટલા આજ સુધી ક્યારેય નથી થયા. આર્થિક દૃષ્ટિએ વીઝા-રિજેક્શનને કારણે ભારતને ૬૬૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટૂંકમાં, ભારતીયોને ભણવા જવું હોય કે ફરવા જવું હોય તો પ્રક્રિયા બહુ મુશ્કેલ થઈ ગઈ છે, પરંતુ હાલમાં મૉરિશ્યસના પ્રેસિડન્ટ ધરમબીર ગોખૂલે ન્યુ યૉર્કના લેખક સાથે પોતાના દેશના રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામ વીઝા વિશે વાત કરી હતી એ વિષય અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. વિદેશમાં નિવૃત્તિ સાંભળીને કદાચ સ્થાનાંતર કરવાનું મન થઈ આવે. ઇન્ડિયન મિનિસ્ટરી ઑફ એક્સ્ટર્નલ અફેરની સાઇટ પર કોઈ ચોક્કસ આંકડો કે માહિતી નથી જેનાથી ખ્યાલ આવે કે દર વર્ષે કેટલા વડીલો નિવૃત્તિ પસાર કરવા વિદેશ જાય છે, પણ જો વિચાર આવ્યો હોય તો જાણો કે કયા દેશમાં તમે નિવૃત્તિ પ્લાન કરી શકો છો અને એના માટે તમારી પાસે શું હોવું જોઈએ. ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ કે ફિજી જેવા દેશો જેમાં યુવાનો માટે જવું અઘરું બની રહ્યું છે ત્યારે શું નિવૃત્તિ માટે આ દેશો શક્ય બની શકે કે કેમ એ નિષ્ણાતો પાસેથી જાણીએ

માઇગ્રેશન-એજન્ટ શું કહે છે?

બોરીવલી-વેસ્ટમાં છેલ્લાં પચીસ વર્ષથી પર્મનન્ટ રેસિડેન્સી અને અન્ય ડિપેન્ડેન્ટ વીઝા માટે માર્ગદર્શન આપતા ટીમ-વીઝાના કન્સલ્ટન્ટ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLP)નાં પાર્ટનર ટીના દેસાઈએ કહ્યું કે ‘મારાં આટલાં વર્ષોના અનુભવમાં મેં કોઈને ડાયરેક્ટ રિટાયરમેન્ટ વીઝા લેતા નથી જોયા, પરંતુ જે લોકોએ વિકસિત દેશોમાં નિવૃત્તિ પછી ઊંચી ગુણવત્તાવાળું જીવન જીવવું છે અને તેઓ યુવાનીમાં પોતાનો મોકો ગુમાવી ચૂક્યા છે તેઓ પોતાનાં સંતાનોને ભણવા મોકલે છે. સંતાનોને જે તે દેશનું નાગરિકત્વ મળી જાય પછી તેમને ઑટોમૅટિક એ દેશના હેલ્થ અને સિક્યૉરિટી બેનિફિટ્સ મળે છે. અમે એને ચેઇન-માઇગ્રેશન કહીએ છીએ. જો એ પણ ન હોય અને તમારે વિકસિત દેશમાં નિવૃત્તિ પસાર કરવી હોય તો અમુક દેશો વિકલ્પો આપે છે, જેમાં તમારી પાસે ઓછામાં ઓછું બે કરોડ રૂપિયા કે એથી વધુ ફન્ડ હોય તો દુબઈ, ગ્રીસ કે પોર્ટુગલ જેવા દેશોમાં સેટલ થવાનું વિચારી શકો છો. દુબઈ અને પોર્ટુગલમાં તમને ગોલ્ડન વીઝા મળી શકે છે એટલે તમે ત્યાં પ્રૉપર્ટી ખરીદી શકો છો અને એ દેશની હેલ્થકૅર સિસ્ટમ અને અન્ય લાભ ઉઠાવી શકો છો. એ જ સુવિધા ગ્રીસમાં પણ છે. આ દેશો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય તો સરળતાથી બિઝનેસ-વીઝા આપે છે, પરંતુ એના માટે તમારી પાસે પૂરતું ભંડોળ હોવું જોઈએ. ઘણા લોકોને આપણા દેશમાં વડીલો માટે સ્ટ્રૉન્ગ હેલ્થકૅર સિસ્ટમનો અભાવ લાગતો હોય છે એટલે સંતાનો જ મોટી ઉંમરના પેરન્ટ્સને વિદેશમાં લઈ જતાં હોય છે.’

વિદેશના એજન્ટ શું કહે છે?

મૂળ ગાંધીનગરના અને હાલ ઑસ્ટ્રેલિયન, મેલબર્નમાં છેલ્લાં ૬ વર્ષથી નોબેલ ઇમિગ્રેશનમાં કન્સલ્ટન્ટ તરીકે માર્ગદર્શન આપતાં નીલેશ ચૌધરી કહે છે કે ‘વર્ષ ૨૦૦૫માં ઑસ્ટ્રેલિયાના વીઝા ૪૦૫ હેઠળ કોઈના પર આધારિત ન હોય અને પોતાનો ખર્ચ ઉઠાવી શકે તેવા સિનિયર સિટિઝનો માટે ઇન્વેસ્ટ રિટાયરમેન્ટ વીઝા હતા, જેમાં વડીલો ઑસ્ટ્રેલિયામાં રહીને ક્વૉલિટી લાઇફ જીવી શકે. આ વીઝાનો વિકલ્પ ૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે જો વડીલોએ ઑસ્ટ્રેલિયા રહેવા આવવું હોય તો તેમનો શ્રેષ્ઠ વિકલ્પ પેરન્ટસ વીઝા છે. એટલે કે તેમનાં સંતાનો ઑસ્ટ્રેલિયાના પર્મનન્ટ રેસિડન્ટ હોવા જોઈએ. એ સિવાય ઇન્વેસ્ટર વીઝા છે જેમાં સિનિયર સિટિઝન પાસે કરોડોની મિલકત હોય તો શક્ય બની શકે. સિનિયર સિટિઝનની ઉંમર પંચાવન વર્ષથી ઉપરની હોવી જોઈએ. જૂના રિટાયરમેન્ટ વીઝા જેમને મળી ગયા એ મળી ગયા, હવે નવા ઍપ્લિકન્ટ્સ લેતા નથી. ટૂંકમાં મૉરિશ્યસ, થાયલૅન્ડ અને પોર્ટુગલ જેવા દેશોની સરખામણીમાં અહીં પ્રત્યક્ષ રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામનો અભાવ છે. પરોક્ષ રીતે ભારતીય પેરન્ટ્સ અહીં નિવૃત્ત જીવન વિતાવે જ છે. પેરન્ટ્સ અહીં આવે તો તેમના ૧૨ મહિનાના વીઝા હોય છે જે રિન્યુ થયા જ કરે. મોટા ભાગના દેશો જે રિટાયરમેન્ટ વીઝા ઑફર કરે છે એમાં ઉંમર ૫૦ વર્ષથી ઉપર હોવી જોઈએ.’

સુંદર દેશો જે રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામ આપે છે

પશ્વિમી દેશના સિનિયર સિટિઝનો માટે સાઉથઈસ્ટ એશિયાના થાયલૅન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ અને મલેશિયા બહુ જ આકર્ષક છે. આ દેશોની કરન્સીનો રેટ ડૉલરની સરખામણીએ ખૂબ જ નીચો છે. મલેશિયાના વીઝા પ્રોગ્રામ કે જેને કારણે આ ચર્ચા જાગી છે એ મલેશિયા માય સેકન્ડ હોમ MM2H પ્રોગ્રામ આપે છે. આ પ્રોગ્રામ માટે એલિજિબલ થવું હોય તો તમારી ઉંમર ૫૦ વર્ષથી ઉપર હોવી જોઈએ તેમ જ તમારા અકાઉન્ટમાં ત્રણ મહિના જૂની ઓછામાં ઓછા ૧૮ લાખ રૂપિયાની એન્ટ્રી હોવી જોઈએ. એટલે કે ૧૮ લાખ જેટલી ફિક્સ રકમ બૅન્કમાં હોય તો તમને પાંચ વર્ષના વીઝા મળી શકે અને એ રિન્યુ થયા કરે, જેમાં તમે એકથી વધારે વખત દેશમાં આવી-જઈ શકો છો. મોટા ભાગે ઇંગ્લિશ સ્પીકિંગ દેશના લોકો થાયલૅન્ડ પસંદ કરતા હોય છે. જોકે ભારતીયો માટે થાયલૅન્ડ નજીક હોવાથી અહીં તેઓ અવારનવાર જતા હોય છે અને અહીં ઘણી બધી ઇન્ડિયન રેસ્ટોરાં છે. આ દેશમાં નિવૃત્તિ પસાર કરવા માટે ૫૦ વર્ષની ઉપરના નિવૃત્ત લોકો પાસે પેન્શનની ચોક્કસ રકમ નિયમિત આવતી હોવી જોઈએ કાં આર્થિક રીતે સમૃદ્ધ હોવા જોઈએ. આ વીઝા માટે એલિજિબલ થવા માટે ૬૫,૬૧,૮૦૦ રૂપિયાની વાર્ષિક રકમ અકાઉન્ટમાં હોય તો તમે થાયલૅન્ડ જઈ શકો છો. એમાંય આ રકમ સૅલેરીઆધારિત ન હોવી જોઈએ.

સારું પેન્શન આવતું હોય તો દેશોમાં નિવૃત્તિનો સમય પસાર કરી શકાય

ઇન્ડોનેશિયામાં વડીલોએ રહેવું હોય તો ઓછામાં ઓછી સવાબાર લાખ રૂપિયાની આવક બતાવવી પડે અને ટૂરિઝમ બોર્ડ પાસેથી તેમની નિયમિત આવકનું સર્ટિફિકેટ આપવું પડે. ફિલિપીન્સની વાત કરીએ તો એમાં સ્પેશ્યલ રેસિડેન્ટ રિટાયરિસ વીઝા (SRRV) ઉપલબ્ધ છે. એમાંય સિનિયર સિટિઝનોને વીઝા-ફીમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. અહીં જવા માટે તમારી પાસે નિયમિત દર મહિને પેન્શન આવતું હોવું જોઈએ. પેન્શન આવતું હોય તો તમે નૉર્થ અમેરિકાના કોસ્ટા રિકા અને મેક્સિકોમાં પણ રહી શકો છો. પેન્શનની સારી રકમ આવતી હોય તો સ્પેન, માલ્ટા, ઇટલી કે પોર્ટુગલમાં પણ નિવૃત્તિ પસાર કરી શકાય છે. પોર્ટુગલમાં તમારી પાસે પોતાના પર ખર્ચ કરવા માટે પૂરતી રકમ હોવી જરૂરી છે તો કોઈ પણ ઉંમરે તમે અહીં રહી શકો છો. સાઉથ અમેરિકાના ઇક્વાડોર અને કોલમ્બિયા, સેન્ટ્રલ અમેરિકાના બેલીઝ જેવા દેશો પણ સિનિયર સિટિઝનો માટે રિટારમેન્ટ વીઝા પ્રોગ્રામ આપે છે. મોટા ભાગના આ પ્રોગ્રામમાં વડીલો પોતાને સપોર્ટ કરી શકે એટલી ઇન્કમ ધરાવતા હોવા જોઈએ. આ પ્રોગ્રામમાં વડીલોને કામ કરવાની પરવાનગી હોતી નથી. આ દેશોનાં સુંદર લોકેશન પર જઈને આરામ કરો, ઍક્ટિવિટીમાં પ્રવૃત્ત થાઓ તેમ જ ત્યાંના હેલ્થકૅર અને અન્ય સિસ્ટમના લાભ ઉઠાવો.

કરોડોની આવક હોય તો અહીં વીઝા મળે

ઑસ્ટ્રેલિયાની બાજુમાં ન્યુ ઝીલૅન્ડ આવેલું છે. ન્યુ ઝીલૅન્ડની એક વખત મુલાકાત લીધા બાદ લોકો એની સુંદરતાનાં વખાણ કરતા થાકતા નથી. ન્યુ ઝીલૅન્ડ ટેમ્પરરી રેસિડેન્સ રિટાયરમેન્ટ વીઝા પ્રોગ્રામ ઑફર કરે છે, પરંતુ જેમની પાસે બે કરોડ રૂપિયાનું ભંડોળ હોય તેમના માટે પણ આ દેશ શક્ય ન બને. ન્યુ ઝીલૅન્ડના અતિ રમણીય વાતવારણમાં નિવૃત્તિ પસાર કરવી હોય તો વ્યક્તિ પાસે  ૭,૫૦,૦૦૦ ન્યુ ઝીલૅન્ડ ડૉલર્સ એટલે કે અંદાજે ત્રણ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની ક્ષમતા બતાવવી પડે. વધુમાં બે કરોડ રૂપિયા જેટલી રકમ તમે પોતાનો ખર્ચ ઉઠાવી શકશો એના માટે બતાવવા પડે અને અંતે ૩૧ લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક બતાવવી પડે. એ તો ઠીક, ન્યુ ઝીલૅન્ડની બાજુમાં ફિજી આવેલો છે. એ દેશ પણ એની સુંદરતા અને લાઇફસ્ટાઇલ માટે જાણીતો છે. અહીં તો રિટાયરમેન્ટ લાઇફ જીવવા માટે તમારી પાસે ૮૨ કરોડ રૂપિયા બૅન્કમાં આવક હોવી જોઈએ. ટૂંકમાં, અધધધ પૈસા હોય તો આ અતિ વિકસિત દેશોમાં નિવૃત્તિ પસાર કરી શકો. જે-તે દેશના નિવૃત્ત પ્રોગ્રામ વિશે જાણવું હોય તો એ દેશની ગવર્નમેન્ટની ઇમિગ્રેશન સાઇટ પર બધી જ માહિતી ઉપલબ્ધ હોય છે.

રિટાયરમેન્ટ વીઝાનો હેતુ અને ફાયદાઓ

જે-તે દેશોની કરન્સી સરખામણીએ ઓછી છે અને ક્વૉલિટી ઑફ લાઇફ ઊંચી હોય છે એ દેશો સિનિયર સિટિઝનોને તેમના દેશમાં આમંત્રણ આપે છે. આ દેશોમાં જઈને સિનિયર સિ​ટિઝનોને દરેક લાભ મળે છે, પરંતુ તેમને કામ કરવાની પરવાનગી નથી હોતી. એટલે વડીલો પોતાની જમાપૂંજીમાંથી અહીં નિર્વાહ કરશે જેનાથી જે-તે દેશની લોકલ ઇકૉનૉમીને વેગ મળે છે. મોટી ઉંમરે વિદેશમાં સ્થાનાંતર કરવામાં જે-તે દેશની હેલ્થકૅર સિસ્ટમ નિવૃત્ત લોકોને મદદ કરતી હોય છે. વડીલોનો સમય સારી રીતે પસાર થાય એ માટે આસપાસ અઢળક પ્રવૃત્તિઓ હોય છે. એ સિવાય ઉંમરને કારણે ઓછા ભાવમાં પ્રૉપર્ટી આપે છે અને ટૅક્સ ઇન્સેન્ટિવ એટલે કે ટૅક્સમાં પણ થોડી રાહત આપે છે. સ્થિરતા તેમ જ સુરક્ષિત વાતાવરણ આપે છે. કોઈ પણ પ્રકારની મગજમારી વગર દેશમાં ગમે એટલી વખત આવ-જા કરી શકો છો.

travel travel news thailand greece portugal dubai australia mauritius asia international news columnists gujarati mid-day mumbai