અસલી દેશભક્તિ કોને કહેવાય?

26 January, 2022 08:13 AM IST  |  Mumbai | Ruchita Shah

રિપબ્લિક ડે સ્પેશ્યલ : આઝાદી મળી એ પહેલાં જન્મેલા વડીલો સાથે રુચિતા શાહે વાત કરી અને જાણ્યું કે તેમની યુવાનીમાં એ સમયે દેશભક્તિનો અંદાજ કેવો હતો અને આજની જનરેશનની દેશદાઝ વિશે તેઓ શું માને છે

પ્રતીકાત્મક તસવીર

કયો દેશ અને કેવી દેશભક્તિ, આજના સમયમાં તો આ જ પ્રશ્ન થાય!

છાયા મુકુંદ ભટ્ટ

દેશને આઝાદી મળી ત્યારે લગભગ પાંચેક વર્ષનાં છાયા મુકુંદ ભટ્ટે પોતાની નજીકના લોકોને આઝાદીની લડતમાં શહીદ થતા જોયા છે. તેઓ કહે છે, ‘મારી જેઠાણીનો ભાઈ ૧૪ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રધ્વજનું માન જાળવવા જતાં ગોળીબારમાં શહીદ થઈ ગયેલો. મારા હસબન્ડના કાકા વલસાડમાં આંદોલનમાં થયેલા લાઠીચાર્જમાં ઘાયલ થયેલા. આઝાદી મળી એ પછી પણ એ જનરેશનના લોકોએ કેવી કપરી લડત પછી આ ભેટ મેળવી છે એના અહેસાસને કારણે દેશપ્રેમ ગજબ સ્તરે અકબંધ હતો, જે આજે સાવ મિસિંગ છે જાણે. નેતા હોય, અભિનેતા હોય કે આમ જનતા હોય; દરેકને મારું શું એ જ જાણવું છે અને અનુભવવું છે. દરેક પાસે એ સિવાય ત્રીજી કોઈ વાત નથી. આજે દેશપ્રેમ અને દેશદાઝ એ સ્તરે જોવા નથી મળતી. પહેલાં તો યુદ્ધ થતાં તો આખા દેશમાં સોપો પડી જતો. સ્વેચ્છાએ લોકો ત્યાગ કરતા. આજે કાશ્મીરમાં હજારો જવાનો શહીદ થઈ ગયા છે પણ એકાદ કલાકના ન્યુઝમાં એ મૅટર ક્યાંય દબાવી દેવામાં આવે છે. લોકોમાં એ સંવેદના જ નષ્ટ થઈ ગઈ છે. મને યાદ છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુના સમાચાર અમે રેડિયો પર સાંભળ્યા ત્યારે અમારા આખા એરિયામાં લોકો શોકમાં ડૂબી ગયા હતા. લોકોમાં દેશ માટે લાગણી હતી જે આજે દૂર-દૂર સુધી ક્યાંય નથી. મારું ઘર પ્રિન્સેસ સ્ટ્રીટ પર હતું. એ સમયે મોટા-મોટા નેતાઓને અમે રોડ પરથી પસાર થતા જોયા છે. નેતાઓ સેવક બનીને સેવા કરતા. લાલબહાદુર શાસ્ત્રીએ પર્સનલ કામ માટે જુદી ગાડી રાખી હતી અને એના માટે લોન લીધી હતી. આજના નેતાઓ તો સત્તા હાથમાં આવ્યા પછી દેશને પોતાની જાગીર ગણતા હોય છે. મારા હસબન્ડ પણ યુથ કૉન્ગ્રેસમાં સક્રિય હતા. અમારા ઘરે ઘણાબધા નેતાઓની અવરજવર રહેતી. એ સમયે નેતાઓની નૈતિકતા અને શાલીનતા તેમના માટે માન ઉપજાવનારાં હતાં. આજના સમય માટે એમ કહી શકું કે પહેલાં ૯૫ ટકા લોકોમાં દેશદાઝ હતી અને પાંચ ટકા લોકો સ્વાર્થી હતા, જ્યારે આજે પાંચ ટકા લોકોમાં એ પણ કદાચિત દેશદાઝ હશે અને બાકીના ૯૫ ટકા લોકોમાં સ્વાર્થ અને લૂંટી લેવાની જ માનસિકતા છે.’

બલિદાન આપવાની ભાવના હતી એ જમાનામાં દેશ માટે

પ્રમોદ મહેતા

‘આઝાદી મળી ત્યારે મારી ઉંમર હતી લગભગ બાર વર્ષની. જોકે એ સમયે અમે જે આશ્રમમાં હતા ત્યાં આઝાદીનો કોઈ ‌વિશેષ ઉત્સાહ નહોતો અમારા સહુમાં.’ ગાંધીજી સાથે ઘરોબો ધરાવતા અને બાપુના સેવાગ્રામમાં આઝાદીના સમયે રહેતા ૯૦ વર્ષના પ્રમોદ મહેતા વાતને આગળ વધારે છે, ‘બાપુને કારણે દેશમાં દેશપ્રેમનો જબરો જુવાળ હતો. આઝાદી મળી પણ સાથે ભાગલા પણ પડ્યા દેશના. એ વાતે અંદરખાને બાપુને ખૂબ તકલીફ આપી હતી. આ જ કારણ હતું કે આઝાદી મળી રહી હતી, વર્ષોના સંઘર્ષ પછી દેશની નિયતિ બદલાઈ રહી હતી છતાં પણ એનો કોઈ ખાસ ઉત્સાહ નહોતો. અમે સેવાગ્રામમાં હતા એ સમયે ત્યાં પણ એક પ્રકારની ઉદાસીનતા વિશેષ હતી. ભાગલા દરમ્યાન થયેલી હિંસાને કારણે પણ એક જુદા પ્રકારની પીડાનો અનુભવ અમારા સહુની અંદર વ્યાપી ચૂક્યો હતો. આ બધો ભાવ એટલે જાગતો, કારણ કે દેશ માટે પ્રેમ હતો. દેશદાઝમાંથી જન્મેલી આ લાગણીઓ હતી. આજે એવી લાગણીઓની અપેક્ષા રાખવી એ જ મોટી મૂર્ખામી ગણાશે. કયો દેશ અને શેની દેશદાઝ? આજના સમયમાં તો લોકોને મૂલ્ય જ નથી કે તેમને શું મળ્યું છે અને લોકોને કદર પણ નથી કે એ મેળવવા માટે કેટલાય લોકોએ શું ગુમાવ્યું છે! આજે દેશ માટે સરહદ પર લડતા જવાનોના બલિદાન સિવાય વ્યક્તિગત રીતે દેશના નાગરિક તરીકે એકેય વસ્તુમાં બલિદાન આપી શકે એવી કોઈ વ્યક્તિ ભાગ્યે જ હશે. અત્યારે તો સ્વાર્થ સધાતો હોય ત્યારે દેશભક્તિ યાદ આવે બાકી તો ભલભલા નેતાઓ પણ દેશને વેચી કાઢે એવા હોય છે. ત્યારના સમયમાં અને આજના સમયમાં તો જમીન-આસમાનનો ફરક પડ્યો છે. ભારત હવે આખેઆખું બદલાઈ ગયું છે. એની ગરિમા, અહીંના લોકોની દેશ માટેની લાગણી અને હૂંફ તો જાણે ક્યાંય લુપ્ત થઈ ગયાં છે.’

મારો જન્મ થયો એટલે અંગ્રેજો ડરીને ભારત છોડીને ભાગી ગયા

ચંદ્રકાંત શાહ

આવું ગમ્મતમાં પોતાના મિત્રો અને વિદ્યાર્થીઓને અવારનવાર કહેતા હોય છે માટુંગામાં રહેતા ગણિતના શિક્ષક અને સમાજસેવક ચંદ્રકાંત શાહ જેઓ સી. પી. શાહના નામે વધુ જાણીતા છે. અત્યાર સુધીમાં તેમણે લખેલી લગભગ બસો જેટલી કવિતા અને ગીતોમાંથી ત્રીસથી વધારે ગીતો દેશભક્તિનાં છે. દર ૨૬મી જાન્યુઆરી અને પંદર ઑગસ્ટે ધ્વજારોહણ કરવાનું અને દેશભક્તિ માટે જાતે રચેલી એક કવિતા બોલવાની. આ તેમનો નિયમ છે. તેઓ કહે છે, ‘દેશ આઝાદ થયો ત્યારે હું હતો માત્ર દોઢ વર્ષનો. જોકે એ પછી પણ દેશભક્તિનો જુવાળ આપણા દેશમાં અકબંધ રહ્યો છે જે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષમાં ધીમે-ધીમે સાવ લુપ્ત થઈ ગયો હોય એવું દેખાય છે. મારા ભારતનું નામ પડે અને આજે પણ મારામાં શુરાતન જાગે છે. મને યાદ છે કે ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ થયું ત્યારે હું સ્કૂલમાં હતો. ત્યારે અમે કેટલાક મિત્રોએ એ સમયે જવાહરલાલ નેહરુને લોહીથી દેશદાઝનો પત્ર લખેલો. આજે એવી કલ્પના પણ કોઈ નથી કરતું. દેશની આઝાદીનો, દેશના પોતાના સંવિધાનનું ગૌરવ લોકોમાં મિસિંગ દેખાય છે. દેશની આઝાદી પછી પણ લાંબા સમય સુધી જો કોઈ સ્વતંત્રતાની વાત કરતું તો છાતી છપ્પનની થઈ જતી. આમ મોજ પડી જતી. એ ક્યાં છે આજે? કોઈને કંઈ પડી જ નથી. બધા પોતાનામાં મસ્ત છે. કયો દેશ અને કઈ આઝાદી જાણે બધું જ વિસરાઈ ગયું છે. જોકે અમારી જનરેશનના ઘણા મારા જેવા લોકો છે જેમને દેશની વાત કરો તો શુરાતન ચડતું હોય છે. તેમને માટે દેશ સર્વસ્વ છે અને દેશ માટે જ તેઓ જીવે પણ છે.’
૧૯૬૦થી તો સ્વતંત્રતા દિવસે અને પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કરવાનો ક્રમ ચંદ્રકાંતભાઈએ જાળવી રાખ્યો છે. ૭૬ વર્ષની ઉંમરે આજે પણ તેઓ ગણિતનાં ટ્યુશન્સ કરાવવા જાય છે. તેઓ કહે છે, ‘ભલે હવે આપણે અંગ્રેજોની ગુલામીમાં નથી પણ દેશ તો આજે પણ આપણો જ છેને. આજે પણ કોઈ દેશભક્તિનું ગીત આવે તો હૃદયમાં શૂરાતન ચડે છે. આજે પણ કોઈ દેશભક્તિનું ગીત આવે ત્યારે શરીરમાં ઝણઝણાટી પસાર થઈ જાય છે. પહેલાં જેવી સંવેદના આજના લોકોમાં જોવા નથી મળતી. દેશ માટેની ફીલિંગ્સ ક્યાંક કટાયેલી જોવા મળે છે. લોકો ધ્વજવંદન માટે ભેગા થાય ત્યારે તેમને માટે ધ્વજ કરતાં જલેબી-ગાંઠિયાનો ઇન્તેજાર વધુ મહત્ત્વનો હોય છે. એ જ્યોત સદાય માટે જલતી રહે એવા પ્રયત્નો થતા રહેવા જોઈએ.’

columnists ruchita shah republic day