28 December, 2024 06:15 PM IST | Mumbai | Ruchita Shah
ઉસ્તાદ ઝાકિર હુસેન
તબલાંને વૈશ્વિક ઓળખ અપાવનારા ઉસ્તાદ ઝાકિર હુસેનના પ્રભાવે આ કળા પ્રત્યે અવર્ણનીય જાગૃતિ આવી અને એનું જ પરિણામ છે કે આજે ઘણા યંગસ્ટર્સ પણ તબલાં પ્રત્યે અનેરું આકર્ષણ ધરાવે છે. જોકે આજે આપણે વાત કરીએ મુંબઈના કેટલાક એવા તબલાવાદક સાથે જેમના વિના શો અધૂરો લાગે. તબલાં પ્રત્યેનો તેમનો પ્રેમ માન્યામાં ન આવે. કઈ રીતે તબલાવાદન તેમના જીવનનો અમૂલ્ય હિસ્સો બન્યું એની રસપ્રદ વાતો જાણીએ
ઝાકિર હુસેનના પપ્પા એટલે કે અબ્બાજીએ મને સગા દીકરાની જેમ તબલાં શીખવ્યાં છે: આલાપ દેસાઈ
‘જેમ હૃદયના ધબકારા જીવનને પ્રાણ બક્ષે છે એમ સંગીતમાં તબલાંનો તાલ પ્રાણદાયી છે. દુનિયાનું કોઈ પણ સંગીત લઈ લો. નવરાત્રિના ગરબા હોય કે સંતવાણી હોય, સુગમ સંગીત હોય કે ક્લાસિકલ મ્યુઝિક હોય, હિપહૉપ હોય કે પછી ડિસ્કો મ્યુઝિક હોય; એ તમામમાં તબલાંનો રોલ છે. તબલાં વિના સંગીત અધૂરું અને પ્રાણહીન છે.’
ત્રણ વર્ષની ઉંમરથી સંગીત શીખવાનું શરૂ કરનારા આલાપ દેસાઈના આ શબ્દો છે. આલાપભાઈએ પોતાના જીવનનો બહુ જ મોટો હિસ્સો તબલાવાદનમાં વિતાવ્યો છે. ઉસ્તાદ ઝાકિર હુસેનના પિતાજી ઉસ્તાદ અલ્લારખા ખાન માટે તેમણે ૧૯૯૩થી ૨૦૦૧ સુધી ટ્રેઇનિંગ લીધી છે. સુગમ સંગીતમાં અગ્રણી એવા સિંગર, કમ્પોઝર અને તબલા પ્લેયર આલાપભાઈ કહે છે, ‘તબલાં મારો પહેલો પ્રેમ છે. ત્રણ વર્ષની ઉંમરે હું મારા પિતાજીના ફ્રેન્ડ વિક્રમ પાટીલના ખોળામાં બેસીને તેમને તબલા વગાડતાં જોતો અને કદાચ એમાંથી જ શીખ્યો, કારણ કે આજે હું પણ બાકી બધા કામ જમણા હાથથી કરું પણ તબલાં વગાડવામાં મારો ડાબો હાથ ડૉમિનેટિંગ હોય છે. મને ક્યારેય ગાવાનો શોખ જ નહોતો. આ તો પંડિત અલ્લારખા ખાન, જેમને અમે બધા જ પ્રેમથી અબ્બાજી કહેતા તેઓ આ દુનિયા છોડીને ગયા ત્યારે એક ખાલીપો આવી ગયો જીવનમાં. હવે શું કરીશ એમાં જ સંગીત અનાયાસ ઉમેરાઈ ગયું. મને યાદ છે કે હું લગભગ છ વર્ષનો હોઈશ અને NCPAમાં પંડિત જસરાજ અને ઝાકિર હુસેન સાહેબનો કાર્યક્રમ હતો. તમે માનશો નહીં પણ હું પૂરેપૂરો ઝાકિર હુસન તરફ વળીને બેસી ગયો. ત્યારે તેમને જોઈને મને લાગેલું કે આ કોઈ સુપર હ્યુમન છે. છ વર્ષની ઉંમરથી મેં પંડિત નિખિલ ઘોષજીનાk ઇન્સ્ટિટ્યુશન સંગીત મહાભારતીમાં તબલાંની ટ્રેઇનિંગ પણ ત્યારે શરૂ કરી. પ્રૅક્ટિકલમાં હું સારો હતો પરંતુ તબલાંની થિયરીમાં કાચો પડતો હતો. મમ્મી-પપ્પાને થયું કે થિયરી કરતાં પ્રૅક્ટિકલમાં આગળ વધે તો સારું. એમાં જ મારી અબ્બાજી પાસે ટ્રેઇનિંગ શરૂ થઈ.’
લેજન્ડરી તબલા પ્લેયર પંડિત અલ્લારખા ખાન ઉર્ફ અબ્બાજી સાથે ટ્રેઇનિંગ સમયનો એક કિસ્સો યાદ કરતાં આલાપભાઈ કહે છે, ‘૧૯૯૩માં તેમના ક્લાસ શિવાજી પાર્કમાં ચાલતા હતા. તેઓ પંજાબ ઘરાનાના હતા અને હું જે પહેલાં શીખ્યો હતો એ જુદો ઘરાનો હતો. એ પછીયે તેમણે મને પંજાબ ઘરાના માટે ટ્રેઇન કર્યો અને એટલું દિલ ખોલીને તેમણે શીખવ્યું છે કે કોઈ વિચારી ન શકે. મને યાદ છે કે ક્લાસ પૂરો થયા પછી તેમણે કહેલું કે ઘર આના. મારા માટે આ બહુ જ મોટી ખુશીની વાત હતી પણ આવું તેમણે પહેલાં કોઈને કહ્યું નહોતું એટલે મનમાં ડર પણ હતો. હું પપ્પાને લઈને તેમના ઘરે ગયો. તેમણે અમ્માજીને કહીને ખાસ અમારા માટે શાકાહારી ભોજન બનાવડાવ્યું હતું અને પછી બે કલાક સુધી મને શીખવ્યું હતું. સામાન્ય રીતે કોઈ ખાસ ઘરાનાને અનુસરતા ગુરુ સૌથી વધુ પોતાના સગા દીકરાને શીખવે, બહારના લોકોને બધું ક્યારેય ન શીખવે; પણ અબ્બાજી એવા નહોતા. હું તબલાં પ્રત્યે આટલો આકર્ષાયેલો રહ્યો છું અને આજે પણ જે વર્સેટાઇલ સ્તર પર દરેક રીતે તબલાંમાં માહેર થયો છું એનું શ્રેય આ મહારથીઓને જ જાય છે.’
મારી લાઇફ એટલે મારાં તબલાં: તૃપ્તરાજ પંડ્યા
યંગેસ્ટ તબલા પ્લેયરનો રેકૉર્ડ ધરાવતા અને આજ સુધીમાં અઢળક જગ્યાએ પર્ફોર્મ કરીને અઢાર વર્ષની ઉંમરે જ પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા તૃપ્તરાજ પંડ્યા માટે તબલાં જાણે કે જીવનનો આધાર હોય એટલાં મહત્ત્વનાં છે. તબલાં વિનાનો મારો દિવસ ન હોઈ શકે, તબલાં વિનાનું મારું જીવન ન હોઈ શકે. આ હું બહુ જ દૃઢતા સાથે માનું છું. કંઈક આવા શબ્દોમાં વાતને આગળ વધારતાં તૃપ્તરાજ કહે છે, ‘કેમ, શું કામ એ મને નથી ખબર પણ તબલાં મારા પ્રાણનો આધાર છે એ નક્કી છે. નાનપણથી જ મને રિધમની એક સેન્સ હતી. હું ઍલ્યુમિનિયમના ડબ્બા કે કબાટ પર અમસ્તા હાથથી જ તબલાં વગાડતો તો એમાં તાલ મળતો. એ દરમ્યાન મારા પપ્પાના મ્યુઝિકના શોખથી પ્રેરાઈને તેમને એક ફ્રેન્ડે તબલાંની પેર ગિફ્ટ આપી હતી. કદાચ મારા જન્મ પહેલાંની વાત છે. એનો કોઈ ઉપયોગ નહોતો થઈ રહ્યો. એક વાર અનાયાસ જ મારા હાથમાં એ તબલાં આવ્યાં અને વગાડ્યા તો બહુ જ સરસ રીતે વાગ્યાં. ત્યારે પપ્પાને મને આમાં આગળ વધારવા એવું લાગ્યું અને મેં ઑફિશિયલી શીખવાનું શરૂ કર્યું. લગભગ બે-અઢી વર્ષની ઉંમરથી તબલાંની મારી જર્ની અકબંધ રહી છે.’
આજ સુધીમાં તૃપ્તરાજે ઘણાબધા સોલો શો કર્યા છે. દરેક પ્રકારના મ્યુઝિકમાં તે તબલાં વગાડી શકે છે. આખી આખી રાત જાગીને પણ તે ઘણીવાર રિયાઝ કરતો હોય છે. તૃપ્તરાજ કહે છે, ‘હવે લોકોનો અટેન્શન સ્પાન ઘટી રહ્યો છે ત્યારે બે કલાક તબલાંના કાર્યક્રમમાં વગર શબ્દોએ રોકી રાખવા હોય તો તમારે વિશેષથી પણ વિશેષ ટ્રેઇનિંગ લઈને તૈયાર થવું પડે.’
તબલાં મારા શોખમાંથી વ્યવસાય ક્યારે બની ગયાં એની ખબર ન પડી અને આવક ઓછી છે છતાં એનો અફસોસ નથી : કીર્તિ શાહ
અત્યાર સુધીમાં સેંકડો કાર્યક્રમ અને અનેક મોટા આર્ટિસ્ટ સાથે કામ કરી ચૂકેલા કીર્તિ બચુભાઈ શાહને તબલાં વગાડતાં ત્રીસ વર્ષ થયાં. પિતાને મૅન્ડોલિન અને ભજનનો શોખ હતો. ભાઈ કીબોર્ડ પ્લેયર હતો તો પોતે પણ કંઈક કરે એમ વિચારી કીર્તિભાઈએ પોતાના શોખને પણ પ્રાધાન્ય આપ્યું. BCom ભણ્યા પછી તેમણે તબલાં શીખવાનું શરૂ કર્યું અને બસ, એ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ કહે છે, ‘મ્યુઝિક તમને બાંધી દે છે. તબલાં પર મારા હાથ પડે અને જાણે જીવનની કોઈ જુદા સ્તરની સંતુષ્ટિ મળતી હોય છે. અનેક ટોચના કલાકારો, સિંગરો સાથે હું કામ કરી ચૂક્યો છું. મારું બૅન્ક-બૅલૅન્સ બહુ ન બન્યું કે બીજા કામમાં મળે એવા ગ્રૅચ્યુઇટી, પેન્શન જેવા બેનિફિટ મને ન મળ્યા; કારણ કે હું તબલાવાદક હતો. જો મોટી કંપનીમાં કામ કરતો હોત તો ચોક્કસ આ મળ્યું હોત. જોકે એ પછીયે કહીશ કે જે નિર્ણય લીધો એ યોગ્ય છે.’
ઈશ્વરે સોંપેલા કામની જેમ તબલાંને સમર્પિત : ઓજસ અઢિયા
બે વર્ષની ઉંમરે શીખવ્યા વિના સીધા જ તબલાંનો એક પ્રકાર વગાડનારા ઓજસ અઢિયા અત્યારે સુગમ સંગીત અને ક્લાસિકલ સંગીતમાં તેમનાં તબલાંને કારણે અતિશય જાણીતાં છે. ઓજસ કહે છે, ‘અમે આકોલા પાસેના એક ગામમાં રહેતા. ત્યાં અમારા ગુરુજીના સત્સંગમાં કોઈએ કહ્યા વિના મેં તબલાંનો ખૂબ જ પૉપ્યુલર એવો તાલ કહરવા વગાડવા માંડ્યો. બસ, ત્યાં જ મારી ડેસ્ટિની લખાઈ ગઈ હતી કે હું તબલાં શીખીને એમાં આગળ વધીશ. નાનપણથી શ્રી મૃદંગરાજ પાસે ટ્રેઇનિંગ લીધી અને એ પછી પદ્મશ્રી કલ્યાણજી આણંદજીના કહેવાથી મુંબઈ આવ્યો. આ બે વ્યક્તિઓએ તબલાંમાં મારી કારકિર્દી બનાવવામાં અને લોકો સુધી મને પહોંચાડવામાં બહુ મદદ કરી છે. આજની પેઢી ક્લાસિકલ મ્યુઝિકથી દૂર ન થાય અને ટ્રેડિશનલ કળા હંમેશાં જયવંતી રહે એટલે અમે અનેક ફ્યુઝનમાં તબલાં વગાડીએ છીએ. બહુ જ મજાનો એક શ્રોતાવર્ગ ઊભો થઈ રહ્યો છે. તબલાં જ નહીં, ભારતીય સંગીતનું ભવિષ્ય ઊજળું છે.’