ધર્મને મુક્ત કરી દેવાની જરૂર છે

11 December, 2022 11:04 AM IST  |  Mumbai | Kana Bantwa

જીવનના દરેક પાસાથી ધર્મને મુક્ત કરવામાં આવે તો જ ધર્મ એની સંપૂર્ણ સુંદરતામાં ખીલી શકે

પ્રતીકાત્મક તસવીર

જે ધારણ કરનાર હતો, જે બાંધી રાખનાર હતો એ ધર્મને આપણે એવો મુશ્કેટાટ બાંધી દીધો છે કે એ શ્વાસ પણ લઈ શકે એમ નથી, ગૂંગળાઈ રહ્યો છે. એની પાસેથી આપણે એવાં-એવાં કામ લઈ રહ્યા છીએ જે એને શોભે એમ જ નથી. ધર્મને હવે મુક્ત કરી દેવો જોઈએ; સત્તાથી, રાજકારણથી, સમાજથી અને જૂથથી. ધર્મ વ્યક્તિગત બની જવો જોઈએ, સામાજિક નહીં.  અહીં આપણે જે ધર્મ શબ્દ વાપર્યો છે એ જગતમાં પ્રચલિત વિવિધ સંપ્રદાયો જેમને આપણે ધર્મ કહીએ છીએ એ હિન્દુ,  ખ્રિસ્તી,  બૌદ્ધ,  જૈન,  સિખ,  ઇસ્લામ,  જરથુષ્ટ્ર,  યહૂદી અને એના પેટા-ફાંટાઓ માટે વપરાયો છે.  એને જીવન જીવવાની પદ્ધતિ અથવા સારા માનવી બનવાની માર્ગદર્શિકા અથવા ઈશ્વરને પામવાના માર્ગ અથવા કૃષ્ણએ પ્રબોધેલા ધર્મ સાથે કશી લેવાદેવા નથી. આપણે ધર્મને સંપ્રદાયના અર્થમાં જ રૂઢ કરી દીધો છે,  સંકુચિત કરી દીધો છે. ધર્મ શબ્દનો મૂળ અર્થ તો કર્તવ્ય,  નિષ્ઠા,  માર્ગ એવો કંઈક છે જે પ્રચલિત રહ્યો નથી. એટલે આપણે ધર્મ કહીને જે ચર્ચા કરીશું એ વિશ્વમાં પ્રચલિત સંપ્રદાયો,  હિન્દુ,  ઇસ્લામ,  ખ્રિસ્તી વગેરેની કરીશું. અહીં ધર્મ માટે સંપ્રદાય શબ્દ વાપરીશું તો ધર્મના જે ફાંટાઓ છે એની વાત થઈ રહી છે એમ માની લેવાશે અને એનાથી જે મૂળ સંપ્રદાયો-ધર્મો છે એ છટકી જશે. જગતને આ સંપ્રદાય-ધર્મથી મુક્ત કરવું અને ધર્મને દુન્યવી બાબતોથી મુક્ત કરવો જરૂરી છે. સરહદો ધર્મના નામે દોરવામાં આવે, રાષ્ટ્રનું વિભાજન ધર્મના નામે થાય, સમાજનું વિભાજન ધર્મના નામે થાય, યુદ્ધ ધર્મના નામે લડાય, ભેદ ધર્મના નામે પાડવામાં આવે, વર્ગવિગ્રહ ધર્મના નામે થાય, સત્તા ધર્મના નામે મેળવવામાં આવે,  વ્યાપાર ધર્મના નામે ચાલે,  લગ્ન ધર્મના આધારે થાય,  નોકરી ધર્મના આધારે મળે. જગતમાં એવું શું બાકી રહી જાય છે જે ધર્મના નામે ન થતું હોય?

ધર્મનું કર્તવ્ય શું છે?  જગતના વિવિધ ધર્મો એકઅવાજે કહે છે કે સામાન્ય માણસને સારપ,  સત્કાર્ય,  સદભાવ,  સમાનતા,  સદગુણ તરફ વાળવો એ ધર્મનું કર્તવ્ય છે. સામાન્ય માનવીને ઈશ્વરને પામવાનો માર્ગ દેખાડવો,  તેનું માર્ગદર્શન કરવું એ પણ ધર્મનું કર્તવ્ય ગણવામાં આવે છે. પણ ધર્મો શું કરે છે?  અનુયાયીઓને પોતાના વાડામાં પૂરીને તેમનામાં અને અન્યમાં ભેદ ઊભો કરે છે. આ ભેદ ઊભો થયા પછી જ સમસ્યાઓની શરૂઆત થાય છે. એ ભેદના નામે બે વર્ગ ઊભા થાય છે. એક વર્ગ આ ધર્મનો અને બીજો વર્ગ બીજા ધર્મનો. પછી એ બે વર્ગ વચ્ચે સત્તા અને વર્ચસની લડાઈ શરૂ થાય છે. ગૌતમ બુદ્ધે ભારતમાં બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મમાંની તેમને લાગતી બદીઓના વિરોધમાં શરૂ કરાવ્યો હતો. એ વખતે બુદ્ધની ગણતરી હરગિજ એવી નહીં હોય કે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે લડાઈ થાય, એના નામે યુદ્ધો થાય. જોકે એવું થયું જ. બન્ને ધર્મો વચ્ચે સદીઓ સુધી સંઘર્ષ ચાલ્યો. ભારતનો સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. આવું જ અબ્રાહમિક ધર્મોના કિસ્સામાં બન્યું. અબ્રાહમિક ધર્મમાંથી ત્રણ ધર્મ બન્યા : ઇસ્લામ,  ઈસાઈ અને યહૂદી. આ ત્રણે ધર્મ એકબીજાના કટ્ટર દુશ્મનો બન્યા. ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વચ્ચે તો એટલી ભયંકર દુશ્મની થઈ કે આખું યુરોપ સદીઓ સુધી સળગતું રહ્યું. સદીઓ સુધી ક્રુસેડ ચાલી. આજે પણ ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વચ્ચેની દુશ્મનીને કારણે જગત વહેંચાયેલું છે. એ જ દુશ્મનીને કારણે ઇરાક યુદ્ધથી માંડીને અફઘાન યુદ્ધ સુધીની લડાઈઓ પણ થઈ. ઇઝરાયલ અને પૅલેસ્ટીન વચ્ચેની લડાઈ પણ મૂળે તો યહૂદી વિરુદ્ધ ઇસ્લામની જ લડાઈ છે. અન્ય ધર્મની સાથે ધર્મના નામે ઝઘડા થાય; એટલું જ નહીં,  એક જ ધર્મના બે-ત્રણ-ચાર કે જેટલા હોય એટલા ફિરકાઓ પણ એકબીજાના કટ્ટર દુશ્મન બનીને કૂતરાં-બિલાડાંની જેમ લડે. ઈસાઈ ધર્મના ફિરકાઓ રોમન કૅથલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે ભયંકર સંઘર્ષ છે. યુરોપના દેશો રોમન કૅથલિક અને પ્રોટેસ્ટન્ટ એમ બે ભાગમાં વહેંચાયા અને અનેક યુદ્ધો લડ્યા. એમાંનું એક યુદ્ધ તો  ૩૦  વર્ષ સુધી ચાલ્યું જે ઇતિહાસમાં થર્ટી યર્સ વૉર નામે નોંધાયું છે. દેશો લડે એ ઉપરાંત રોમન કૅથલિક અને પ્રોટેસ્ટન્ટ ફિરકા પોતે પણ સતત લડતા રહ્યા,  હજી ઝઘડે છે. એકબીજાના અનુયાયીઓને ટૉર્ચર કરવા માટે તેમણે જે પદ્ધતિઓ વિકસાવી હતી એ માનવ-ઇતિહાસમાં કલંકરૂપ છે.

ઇસ્લામમાં પણ શિયા અને સુન્નીના નામે દેશો વહેંચાયેલા છે અને શિયા-સુન્ની વચ્ચેની લોહિયાળ લડાઈ શમવાનું નામ લેતી નથી. બૌદ્ધ ધર્મમાં હિનયાન અને મહાયાન એવા ફાંટાઓ છે અને યહૂદી ધર્મમાં પણ હરેડી,  દાતી,  મસરોટી,  હિલોની વગેરે ફિરકા છે. હિન્દુ ધર્મ તો ફાંટાઓથી જ બનેલો છે. સનાતન હિન્દુ ધર્મ નામનો કોઈ એક સુગઠિત સંપ્રદાય અસ્તિત્વમાં નથી, તમામ ફાંટાઓ મળીને એ બને છે. એમાં પણ શૈવ અને વૈષ્ણવ ધર્મો વચ્ચે ખતરનાક સંઘર્ષ રહ્યો, હવે ઓછો થયો છે. એક સમય તો એવો હતો કે વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દરજીને કપડાં સીવવા આપ્યાં એમ પણ નહોતા બોલતા, કારણ કે એમાં શિવ શબ્દ બોલી જતો હતો. વિશ્વને ધર્મના નામે વિભાજિત કરવામાં આવ્યું એમાં જે-તે ધર્મનો સીધો હાથ પણ રહ્યો જ છે. વિશ્વને ધર્મનિરપેક્ષ નહીં, ધર્મમુક્ત કરવું જરૂરી છે. ધર્મનિરપેક્ષતા દંભ છે. ધર્મનિરપેક્ષતાના અંચળા હેઠળ જે ધુપ્પલો ચાલે છે એ ગજબ છે અને સત્તાશાળીઓને એ ફાવી પણ ગયા છે. સેક્યુલરિઝમનના નામે કટ્ટરતા ચલાવવામાં આવે,  કોઈ એક ધર્મને પ્રમોટ કરવામાં આવે,  કોઈ એક ધર્મને નીચો દેખાડવામાં આવે,  એનો રાજકીય  અને આર્થિક ઉપયોગ કરવામાં આવે. ભારતમાં સેક્યુલરિઝમના નામે દેશને નુકસાન કરતી પ્રવૃત્તિઓ દાયકાઓ સુધી ચાલી એ કોઈથી અજાણ્યું નથી.

જીવનના દરેક પાસાથી ધર્મને મુક્ત કરવામાં આવે તો જ ધર્મ એની સંપૂર્ણ સુંદરતામાં ખીલી શકે. ધર્મને એટલો પ્રભાવી બનાવી દેવાયો છે કે માણસ જે ધર્મના અનુયાયીના ઘરે જન્મે એ જ તેનો ધર્મ બની જાય. જન્મની સાથે જ માણસની સાથે ધર્મને ચિપકાવી દેવામાં આવે છે. કોઈ વિરલા જ પછી એમાંથી મુક્ત થઈ શકે છે અથવા પોતાના ધર્મથી દુભાયેલા એ વાડામાંથી નાસી છૂટે છે,  જેમ દલિતોનો મોટો વર્ગ હિન્દુ ધર્મમાં તેમની સાથે થતા અસમાન અને અન્યાયી વર્તનથી ત્રાસીને બૌદ્ધ બની ગયો. જન્મ સમયે માણસ ધર્મથી મુક્ત હોવો જોઈએ; પણ એવું સંભવ નથી  જ્યાં સુધી ધર્મ સંપ્રદાયોના રૂપમાં,  જૂથના રૂપમાં સામૂહિક છે. ધર્મ જો પૂર્ણપણે વ્યક્તિગત બની જાય તો એને પોતાના કર્તવ્ય તરીકે જીવી શકાય અને એ જ ધર્મથી મુક્તિ છે, ધર્મની મુક્તિ છે. ધર્મને જ્યાં સુધી નામ હશે;  ધર્મ ઈશ્વર સાથે,  ઈશ્વરનાં નામો સાથે,  ઓળખો સાથે જોડાયેલો હશે;  એના પોતીકા નિયમો હશે,  બંધારણ હશે,  વ્યવસ્થા હશે, વ્યવસ્થા ચલાવનાર કોઈ હશે,  એમાં સત્તા હશે,  એમાં ફાયદો હશે ત્યાં સુધી એ ખરા અર્થમાં ધર્મ નહીં બની શકે. અહીં વાત કોઈ એક વૈશ્વિક ધર્મ ઊભો કરવાની નથી. કોઈ વૈશ્વિક ધર્મ બનવો સંભવ નથી. વિશ્વનો દરેક માણસ પોતાની રીતે પોતાના કર્તવ્ય પર પણ ચાલતો થાય;  તેનામાં સમાનતા,  સદ્ભાવ,  સંવેદનશીલતા,  કરુણા,  સમાનતા વગેરે ભાવ હોય અને તે કોઈ સંપ્રદાય કે એના કોઈ ગ્રંથ પર આધારિત ન હોય ત્યારે ખરો ધર્મ આ જગતમાં સ્થપાશે. ‘ધર્મ સંસ્થાપનાય’ કોઈ અવતારની જરૂર નથી. દરેક નાગરિક પોતે અવતાર જ છે એટલો સમજદાર અને સક્ષમ બનશે ત્યારે પૃથ્વી સંપ્રદાયથી મુક્ત હશે અને ધર્મ જ પ્રવર્તમાન હશે.

યતો ધર્મ તતો જય.

columnists kana bantwa