રિયલિટી : જ્યાં પ્રેમનો વાસ ત્યાં લક્ષ્મીજીનો વાસ આપોઆપ હોય છે એ વાત યાદ રાખજો

15 September, 2021 09:11 AM IST  |  Mumbai | Manoj Joshi

એકબીજાની માન-મર્યાદા અને બહારનાં બંધનોની પછવાડેથી આવતી હૂંફ માણસને ગમે એવા કપરા સંજોગોમાં તૂટવા નહોતી દેતી. પરિવાર-વ્યવસ્થાનો પાયો હવે ડગમગી ગયો છે અને અધ્ધર થયેલી વ્યવસ્થા વચ્ચે એક વાર્તા યાદ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

પરિવાર નાના થતા ગયા અને નાના પરિવારમાં પણ પ્રેમને બદલે હુંસાતુંસી અને અહંકારનો માહોલ હોય ત્યારે મન અને જીવન અશાંત ન હોય તો શું હોય? સુદૃઢ પરિવાર-વ્યવસ્થા ભારતની શાન હતી. એકબીજાની માન-મર્યાદા અને બહારનાં બંધનોની પછવાડેથી આવતી હૂંફ માણસને ગમે એવા કપરા સંજોગોમાં તૂટવા નહોતી દેતી. પરિવાર-વ્યવસ્થાનો પાયો હવે ડગમગી ગયો છે અને અધ્ધર થયેલી વ્યવસ્થા વચ્ચે એક વાર્તા યાદ આવે છે.
એક બહુ પ્રચલિત કથા છે. એક વાણિયાના ઘરે લક્ષ્મીજીની રેલમછેલ હતી, પરંતુ એક દિવસ લક્ષ્મીજીએ નક્કી કર્યું કે હવે આપણે અહીં નથી રહેવું અને વાણિયાની પરીક્ષા લેવાના હેતુથી તેમણે કહ્યું કે ‘હવે હું તારા ઘરેથી વિદાય લઉં છું એટલે તારે નુકસાની ભોગવવી પડશે. જતાં પહેલાં મારે તને અંતિમ ભેટ આપવી છે, તારે કોઈ વરદાન જોઈતું હોય તો કહે.’ વાણિયો એનું નામ, ઉસ્તાદ વાણિયાએ કહ્યું, ‘ભલે, ગમે એવું નુકસાન કે હાનિ આવે, પણ એ બધામાં મારા પરિવારનો પ્રેમ જળવાઈ રહે એવું વરદાન મને આપો.’ ‘તથાસ્તુ’ કહીને લક્ષ્મીજી તો ચાલ્યાં ગયાં. થોડા દિવસ પછી વાણિયાની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે પૂરતા મસાલા કર્યા, મીઠું વગેરે નાખ્યું અને બીજા કામે લાગી. એવામાં બીજી વહુ આવી, તેણેય ચાખ્યા વિના પોતાની રીતે મીઠું નાખ્યું; ત્રીજી વહુ અને ચોથી વહુને પણ એમ લાગ્યું કે મીઠું નહીં હોય એમ ઉપરથી ફરી-ફરી નમક નાખ-નાખ કર્યું. છેલ્લે સાસુમા બાકી રહ્યાં હતાં તેમને પણ એમ કે ખીચડી હજી હમણાં જ બની છે એટલે તેમણે પણ મીઠું નાખી દીધું. સાંજે વાણિયો સૌથી પહેલાં જમવા બેઠો. તેણે ખીચડી ચાખી, પાંચ ગણું મીઠું હતું, છતાં તે કંઈ જ બોલ્યા વિના ચૂપચાપ જમીને ચાલ્યો ગયો. એ પછી મોટો દીકરો જમવા બેઠો. પહેલો જ કોળિયો મોંમાં નાખીને તેણે પૂછ્યું, ‘પિતાજીએ જમી લીધું? શું કહ્યું તેમણે? ઘરની બધી મહિલાઓએ જવાબ આપ્યો, ‘હા, ખાઈ લીધું, કંઈ જ ન બોલ્યા.’ દીકરાએ વિચાર્યું કે પિતાજીએ કંઈ નથી કીધું તો હું પણ ખાઈ લઉં છું. 
એક પછી એક ચારેય દીકરા પહેલા કોળિયામાં આ સવાલ અને પછી ચૂપચાપ જમીને રવાના. નુકસાન રાતે શેઠ સામે પ્રગટ થયો અને તેણે શેઠને હાથ જોડીને કહ્યું કે તમારા ઘરે મને નહીં ફાવે, હું તો આ ચાલ્યો. વાણિયા શેઠે પૂછ્યું, કેમ શું થયું? તો નુકસાને કહ્યું, ‘તમે લોકો એક કિલો મીઠું મૂંગા મોઢે ખાઈ ગયા, પણ કોઈનો અવાજ સરખો ઊંચો ન થયો. અહીં મારું ટકવું અઘરું છે.’
જે પરિવારમાં આવો સંપ હોય, જે પરિવારમાં એકતા હોય, સાથે રહેવાની ભાવના હોય અને એકબીજા પ્રત્યે આદર-સન્માન હોય, જતું કરવાનો ભાવ હોય ત્યાં કોઈ પણ જાતનું સંકટ લાંબા સમય માટે ટકી નથી શકતું. ત્યાં ગેરસમજનો કે નુકસાનનો વાસ ક્યારેય નથી થઈ શકતો. આજે ટૂંકી થઈ રહેલી પરિવાર-વ્યવસ્થામાં આ શિખામણ જીવનમાં ઉતારાય એ બહુ જરૂરી છે. જો તમારા પરિવારમાં એ ઘટતી દેખાય તો બધાં કામ પડતાં મૂકીને પહેલાં એ ઘટ ઓછી કરવામાં લાગી જજો.

columnists manoj joshi