સેલિબ્રિટીઓનાં ફેવરિટ વડાપાંઉ ઇસ મુંબઈ કા કિગ કૌન?

16 July, 2019 01:31 PM IST  |  મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ - ફૂડ ફન્ડા

સેલિબ્રિટીઓનાં ફેવરિટ વડાપાંઉ ઇસ મુંબઈ કા કિગ કૌન?

વડાપાવ

ફિટનેસનું જબરદસ્ત ધ્યાન રાખતી સેલિબ્રિટીઓ સામે કોનાં વડાપાંઉ મૂકવામાં આવે તો પોતાના ડાયટ-પ્લાનને પડતો મૂકી દેવા માટે તે એકઝાટકે તૈયાર થઈ જાય છે એ જાણવા જેવું છે. પોતાનાં ફેવરિટ વડાપાંઉ વિશે વાત કરતી વખતે તેમના મોઢામાં પાણી પણ આવી જાય છે અને એ વાંચી તમારા મોઢામાં પણ પાણી આવી જશે એ ચોક્કસ

મંગેશ છે ધ બેસ્ટ
એમાં કોઈ સવાલ જ ન હોય અને ઑપ્શન પણ ન હોય. મંગેશનાં વડાપાંઉ મારી દૃિષ્ટએ વર્લ્ડ’સ બેસ્ટ વડાપાંઉ છે. હું બોરીવલીમાં જ રહું છું અને મંગેશનાં વડાપાંઉ પણ બોરીવલીમાં ઠક્કર શૉપિંગ મૉલની સામે જ છે. ટિપિકલ મરાઠી ફૅમિલીમાંથી આવું છું એટલે મને વડાપાંઉ સાથે બહુ રમત થાય કે એને ફૅન્સી બનાવીને આપવામાં આવે એ વાત ગમતી નથી. મંગેશનાં વડાપાંઉની આ જ મજા છે. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ અને ઓરિજિનાલિટી પણ હજી એવી ને એવી જ છે. અહીંનાં વડાપાંઉની ખાસ વાત કહું તો તમને એનાં વડાપાંઉમાં લસણનો ચટાકો વધારે જોવા મળશે અને બીજી એની ખાસિયત છે મંગેશની મીઠી ચટણી. લસણની તીખાશ અને ખજૂર, આંબલી, ગોળમાંથી બનેલી ચટણીનો ખાટોમીઠો સ્વાદ. આ કૉમ્બિનેશન રૅર છે એવું હું કહીશ. વડાપાંઉ તો મેં બહુ બધી જગ્યાએ ખાધાં છે અને આજે પણ નવી-નવી જગ્યાએ ટ્રાય કરતી રહું છું, પણ એ બધામાં મારા માટે મંગેશ જ ધ બેસ્ટ છે. મંગેશનાં વડાપાંઉમાં આવતાં વડાં જેવાં વડાં બીજા કોઈ બનાવી નથી શકતા. બીજાનાં વડાંમાં આ વાત નથી. ક્રિસ્પી વડાંને કેટલી વાર પકાવવાં અને એમાંથી કેટલું તેલ નિતારવું એ પણ એક કળા છે, જે આજે પણ મંગેશનાં વડાંમાં અકબંધ છે.
બોરકર, ધ બૉસ
વડાપાંઉ ખાવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે? હા, જો તમે બોરકરનાં વડાપાંઉ ખાવા સાંજે પાંચ પછી જાઓ તો. તમને મોડું થતું હોય તો પણ તમારા હાથમાં વડાપાંઉ ત્યારે જ આવે જ્યારે તમારો ટર્ન આવે. તે સાંજે ચાર વાગ્યે ખોલે, પણ વડાપાંઉ માટે લાઇન તો ત્રણ-સવાત્રણથી જ લાગી ગઈ હોય. બોરકરનાં વડાપાંઉની ખાસિયત જો કોઈ હોય તો એ કે એની ઑથેન્ટિસિટી આજે પણ અકબંધ છે. દાદર સ્ટેશન પાસે મળતાં આ બોરકર વડાપાંઉ વડાપાંઉનો જન્મદાતા છે એવું વાંચ્યું અને સાંભળ્યું છે. વડાપાંઉ નહોતાં ત્યારે મુંબઈમાં ઑમલેટ પાંઉ મળતાં અને લોકો એ ખાતાં, પણ વેજિટેરિયન હોય એને પ્રૉબ્લેમ થતો.
આ વડાપાંઉમાં એક પણ જાતની નવા જમાનાની ચટણી ઉમેરવામાં નથી આવી કે પછી વડાંને પણ કોઈ જુદી રીતે રજૂ કરવામાં નથી આવ્યું. પચાસ વર્ષ પહેલાં જે હતી એ જ રેસિપી સાથે આજે પણ વડાપાંઉ બનાવવામાં આવે છે અને એટલે જ હું એને વડાપાંઉનો બૉસ કહું છું. આજે પણ ભાતભાતનાં વડાપાંઉ મુંબઈમાં મળે છે અને વડાપાંઉમાં ફ્યુઝન કરવામાં આવે છે ત્યારે જૂની રીત મુજબનાં વડાપાંઉ અને એના સ્વાદને અકબંધ રાખવો એ બહુ મોટી વાત છે.
અશોક ધી ગ્રેટ
આને કીર્તિનાં વડાપાંઉ પણ કહે છે. પ્રભાદેવીમાં કીર્તિ કૉલેજ પાસે છે એટલે. મારાં ફેવરિટ વડાપાંઉ. હું મુંબઈથી દૂર હોઉં અને બેચાર અઠવાડિયાં પછી પાછો આવ્યો હોઉં તો કેટલીક એવી બાબત છે કે જે મને હું મુંબઈગરો ફરી બની ગયો એ યાદ દેવડાવે એમાંથી એક આ કીર્તિનાં વડાપાંઉ. મુંબઈ પાછા આવ્યા પછી જો બેચાર દિવસમાં મારે પ્રભાદેવી જવાનું ન બન્યું હોય તો હું ખાસ જાઉં અને કીર્તિનાં વડાપાંઉ ખાઈ આવું. ગરમાગરમ વડું, વડાની ઉપરનું કરકરું થઈ ગયેલું કડક પડ, સૉફ્ટ પાંઉ અને એમાં રહેલી ચટણીઓ. આ બધા ઉપર જાણે કે વડાપાંઉએ સરતાજ પહેર્યો હોય એવાં બેસનનાં વડાં એટલે કે ચૂરો, જેને આપણે ત્યાં ઘણાં કુરકુરિયાં પણ કહે છે. આ ચૂરાના કારણે વડાપાંઉ ખાતી વખતે મોઢામાં સૉફ્ટનેસની સાથે ક્રન્ચી ટેસ્ટ પણ આવે એટલે જીભની સાથોસાથ દાંતને પણ જલસો પડી જાય. હવે તો અહીં વડાપાંઉની સાથે ચૂરાપાઉં પણ મળે છે, પણ સાચી મજા તો વડાં ઉપર ભભરાવેલા ચૂરા સાથેના કે પછી પ્લેટમાં બાજુમાં આપે એ પ્રકારનાં વડાપાંઉમાં જ આવે છે. કીર્તિનાં વડાપાંઉની જેમ હવે અંદર ચૂરો નાખવાની પ્રથા ઘણાએ અપનાવી લીધી છે પણ એમ છતાં કીર્તિ આજે પણ બેસ્ટ છે એ વાતમાં તો કોઈ બેમત નથી.
કીર્તિનાં વડાપાંઉ ખાવા જૅકી શ્રોફ અને માધુરી દીક્ષિત જેવા સ્ટાર્સ આજે પણ આવે છે. અહીંનાં વડાપાંઉની બીજી એક મોટી વાત એ છે કે એ તમને ઘરે લઈ જઈને ખાવાની મજા નથી આવતી. અહીં, રસ્તા પર ઊભા રહીને ખાવાની લિજ્જત સાવ નોખી છે.
ટકવાનો ગજબ નુસખો
મારાં ફેવરિટ છે એ બધાં વડાપાંઉ તો મારા સાથીમિત્રોએ કહી જ દીધાં એટલે મારે હવે નવું નામ આપવાનું છે અને આમાં જો કોઈ સૌથી પહેલું નામ આવે તો એ છે જુગાડી અડ્ડા. જુગાડી અડ્ડા વરલીમાં છે. એની ખાસિયત જો કહું તો એ છે કે અહીં ટિપિકલ બે કે ચાર જાતનાં વડાપાંઉ નથી મળતાં, પણ અહીં ભાતભાતનાં અને જાતજાતનાં વડાપાંઉ તૈયાર કરવામાં આવ્યાં છે. બાર્બેક્યુ વડાપાંઉ, પેરી પેરી વડાપાંઉં, અચારી વડાપાંઉ, તંદૂરી વડાપાંઉ, મેયો વડાપાંઉ, શેઝવાન વડાપાંઉ અને એવાં બીજાં અનેક વડાપાંઉ છે. આ બધાં વડાપાંઉની ખાસિયત એ છે કે એમાં ઓરિનિજલ વડાપાંઉનો ટેસ્ટ તો જળવાયેલો રહે જ છે પણ સાથોસાથ એમાં નવા ટેસ્ટનો પણ આસ્વાદ મળે છે. તમે કલ્પના પણ નહીં કરો કે અહીં કેવી ગિરદી હોય છે. જેને નવું ટેસ્ટ કરવાનો શોખ છે, નવું એક્સપ્લોર કરવું ગમે છે એટલે કે મારા જેવા લોકોને જુગાડી અડ્ડાના દરેક વડાપાંઉમાં જલસો પડે એમ છે.
મારું રહેવાનું લોખંડવાલામાં છે એટલે વરલી તરફ જવાનું ઓછું બને, પણ ખાસ જુગાડી અડ્ડામાં જઈને એ વડાપાંઉ ખાવા માટે હું ચારેક વખત વરલી ગયો છું અને એ પછી પણ હજી ત્રણેક વડાપાંઉ એવા છે જેનો ટેસ્ટ કરવાનો બાકી છે. જુગાડી અડ્ડાનાં વડાપાંઉને હું આજના બર્ગર અને પીત્ઝાની સામેની કૉમ્પિટિશનના જમાનામાં બેસ્ટ નુસખો ગણું છું. આવા પ્રયોગ જો આપણી બીજી જૂની વાનગીઓ સાથે થાય તો એ પણ સો ટકા આ રીતે ઇનથિંગ બની જશે.
આનંદમાં જ સર્વાનંદ
હું તો મારી જાતને ફૂડી જ ગણું છું, પણ હવે જરા ખાવાપીવાની બાબતમાં કન્ટ્રોલ શરૂ કર્યો છે. પણ એમ છતાં એટલું કહીશ કે ભાઈદાસ હૉલમાં શો હોય ત્યારે હું મારા બધા નિયમો તોડી નાખું અને ભાઈદાસની સામે આવેલા આનંદનાં (એક નહીં) બે વડાપાંઉ અચૂક ખાઈ લઉં. મારી દીકરી અને વાઇફ બન્નેને ખબર હોય કે ભાઈદાસમાં શો હોય એટલે હું લંચ કે ડિનર િસ્કપ રું જ કરું. શોની પહેલાં અડધા કલાકે પહોંચી જઈને બિન્ધાસ્ત રસ્તા પર ઊભા રહીને આનંદમાં વડાપાંઉ ઑર્ડર કરવાનો અને બાજુમાંથી ચા (એ સ્ટૉલનું નામ યાદ નથી) મંગાવવાની. આ કૉમ્બિનેશન અજુગતું લાગી શકે, પણ મને વર્ષોથી આ જ આદત પડી છે અને એ લાગે પણ અદ્ભુત છે. ચા સાથે ગરમાગરમ વડું, વડાની ઉપર રહેલું પાંઉ, એ પાઉંના અંદરના બન્ને ભાગમાં લાગેલી સૂકી ચટણી, ફુદીનાની લીલી ચટણી અને સાથે તીખીતમતી લીલી મિર્ચી. ખાધા પછી લાગે કે જાણે જન્નત મળી ગયું. જ્યારે પણ આનંદનાં વડાપાંઉ ખાઉં ત્યારે મને એક વિચાર અચૂક આવે. જો મર્યા પછી સ્વર્ગમાં આવી સાહેબી મળવાની હોય તો જીવતાજીવ આવી સાહેબી શું કામ તરછોડવાની?

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

આનંદનાં વડાપાંઉ મારાં જ નહીં, અમારી નાટક ઇન્ડસ્ટ્રીના ઑલમોસ્ટ બધા આર્ટિસ્ટના ફેવરિટ છે અને એવું નથી કે કલાકારોને જ એ ભાવે છે, સામે જ મીઠીબાઈ કૉલેજ છે એટલે ત્યાંના સ્ટુડન્ટ્સમાં પણ એ પૉપ્યુલર છે. આ સ્ટુડન્ટ્સ માટે જ હવે અહીં અલગ-અલગ દસથી વધારે વડાપાંઉ મળે છે, પણ હું તો ઓરિજિનલ વડાપાંઉ જ લઉં. વધીને બટર વડાપાંઉ. બાકી બધા ફૅન્સી વડાપાંઉ આ નવી જનરેશનને મુબારક.

columnists Gujarati food mumbai food indian food