ગુજરાતી થાળી એટલે સ્વાદનો વૉલ્કેનો

23 May, 2023 04:03 PM IST  |  Mumbai | Rashmin Shah

ગોલ્ડન વર્ડ્સ - રસોઈમાં પણ તમારે તમારો સિગ્નેચર માર્ક છોડવો જ જોઈએ અને એ કરવા માટે બહાર જોયેલી કે સાંભળેલી રેસિપીને બ્લાઇન્ડ્લી ફૉલો કરવાને બદલે તમારી સિગ્નેચર ઉમેરાય એવો ચેન્જ લાવો.

મદાલસા શર્મા

તામિલ, તેલુગુ, હિન્દી, જર્મન, પંજાબી જેવી મલ્ટિપલ ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને અત્યારે ‘અનુપમા’ સિરિયલમાં કાવ્યા શાહનું કૅરૅક્ટર કરતી મદાલસા શર્માને ગુજરાતી થાળીની વરાઇટી હંમેશાં અચરજ આપવાનું કામ કરે છે. મદાલસા શબ્દો ચોર્યા વિના ગુજરાતી થાળીની તારીફ કરી શકે તો સાથોસાથ તે સ્વીકારે પણ છે કે ગુજરાતી ખટમીઠી દાળ પાછળ તે રીતસરની પાગલ છે

જુઓ, સાવ સાચું કહું તો લગ્ન નહોતાં થયાં ત્યાં સુધી મને ખાવાનો એવો ચસકો નહોતો. પહેલાંની સરખામણીએ આજે મને ચટાકેદાર બધું જ ભાવે અને સ્વાદ સાથે જીવવું વધુ ગમે. 
હવે હું ચીટ-ડેની જેટલી રાહ જોઉં છું એટલી જીવનમાં ક્યારેય નહોતી જોતી અને આ વાત કહેતી વખતે પણ મનમાં તો મારા ચીટ-ડેનું કૅલ્ક્યુલેશન થઈ જ ગયું છે. અઠવાડિયાના છ દિવસ પૂરી ફર્મનેસ સાથે ડાયટ ફૉલો કરવાનું અને પછી ચીટ-ડેના દિવસે જાણે કે ખાવા માટે જ જન્મી હોઉં એમ ખાવા પર તૂટી પડવાનું. આજકાલ ઇટાલિયન ક્વીઝિન મને બહુ ભાવવા માંડ્યું છે. એને લગતી તમામ આઇટમો મને ભાવે છે. હું હંમેશાં માનતી કે હું જીવવા માટે ખાઉં છું અને ખાવા માટે નથી જીવતી એટલે હેલ્ધી ફૂડ ખાવાનું મારા માટે સહજ હતું, પણ લગ્ન પછી મારા વિચારો બદલાયા. હવે હું જીવવાની સાથે ખાઉં છું અને ખાવા માટે પણ જીવું છું એમ બન્ને વાત સાથે સહમત છું. 

વો પહલા એક્સ્પીરિયન્સ 

હું જ્યારે અમેરિકા હતી ત્યારે મેં ઘણા અખતરા કર્યા છે અને એ જ દિવસોમાં મને ખબર પડી કે અમુક વરાઇટી હું ખરેખર સારી બનાવું છું. નાનપણમાં તો ખાસ કુકિંગ કરવાનું ન આવ્યું, પણ અમેરિકામાં એકલાં રહેતાં હું પનીર મખની, સ્પૅગેટી વિથ વાઇટ સૉસ જેવી આઇટમો બનાવતાં શીખી. એમાં જ એક વાર મારાથી મીઠું વધી પડી ગયું. 

અમુક વરાઇટી એવી હોય કે તમે એમાં સૉલ્ટવાળું બટર વાપરો છો કે પ્લેન એટલે કે સૉલ્ટ વિનાનું બટર વાપરો છો એનાથી પણ ખૂબ મોટો ફરક પડતો હોય છે. આજના સમયમાં રેસિપીને વર્ડ-ટુ-વર્ડ ફૉલો કરનારા લોકો વધારે હોય છે, પણ હું એવી નથી. હું મારી પોતાની રેસિપી જાતે ક્રીએટ કરવામાં માનું છું. યસ, મને પોતાને હંમેશાં એમ લાગે કે મારી રેસિપી હું તૈયાર કરું અને રેસિપીમાં પોતાની ક્રીએટિવિટી ઉમેરાયેલી હોવી જ જોઈએ. હા, ક્યારેક એમાં બ્લન્ડર થાય તો એની પણ મજા છે. 

ક્યાં મમ્મી અને ક્યાં હું?

ખાવાની બાબતમાં હું એક્સપર્ટ અને કુકિંગની બાબતમાં મારી મૉમ એક્સપર્ટ. તેના હાથની લગભગ દરેક ડિશ ચાખો તો એમ લાગે કે જાણે અલગથી સ્વાદ નામનું ઇન્ગ્રીડિઅન્ટ પડ્યું હશે. બધી ટ્રેડિશનલ આઇટમો પણ તે ખૂબ સરસ બનાવે. ઑથેન્ટિસિટી અને ધીરજ એ બે ગુણ તેનામાં છે અને મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ માટે સારા કુક બનવા આ બન્ને સૌથી મહત્ત્વના ગુણો છે. મારાં મમ્મીનું બાળપણ ગુજરાતમાં વીત્યું છે એટલે ગુજરાતી ક્વીઝિન પર તેનો હાથ બેસી ગયો છે. તેના હાથની ખટમીઠી દાળ ખાઓ એટલે દુનિયાના તમામ સ્વાદ ભૂલી જાઓ. મારી મૉમની પોતાની રેસિપી હોય છે અને તેની પોતાની મેથડ હોય છે, જેને કોઈ બીટ ન કરી શકે. હું તો ક્યાંય દૂર-દૂર સુધી મૉમની તુલનાએ ન આવું. 

આહ ગુજરાતી, વાહ ગુજરાતી

હું ગુજરાતી ફૂડની બહુ જ મોટી ફૅન છું. ગુજરાતી થાળી જોઈને જ મારું જાણે પેટ ભરાઈ જતું હશે એવું લાગે. કેટકેટલી આઇટમ અને કેટકેટલી વરાઇટીઓ. હું માનું છું કે ગુજરાતી ફરસાણ તમામ ફરસાણોમાં એક નંબર છે. તમને કહ્યું એમ, મને ગુજરાતીઓની પેલી સહેજ ગળપણવાળી દાળ અને શાક પણ બહુ ભાવે. પ્રમાણમાં અમુક ફૂડ હેલ્ધી પણ હોય છે. ડાયટને કારણે આજકાલ બહુ વધારે બહાર ખાવાનું બનતું જ નથી પરંતુ એ પછીયે ગુજરાતી ફૂડ માટે હું ક્યારેક-ક્યારેક છૂટ લઈ લઉં છું.

columnists Rashmin Shah Gujarati food