એંસી વર્ષે પણ હું ફિટ ઍન્ડ ફાઇન રહું એની તૈયારી હું અત્યારે કરું છું

06 February, 2023 04:54 PM IST  |  Mumbai | Rashmin Shah

અઢળક મ્યુઝિક વિડિયોમાં કામ કરી ચૂકેલા રણદીપ રાયની પહેલી પાંચ પ્રાયોરિટીમાં માત્ર ને માત્ર હેલ્થ અને ફિટનેસ આવે અને એનું કારણ સમજાવતાં જ તે આ શબ્દો કહે છે

રણદીપ રાય

‘દિયા ઔર બાતી હમ’, ‘યે ઉન દિનોં કી બાત હૈ’, ‘બાલિકા વધૂ-2’, ‘યે હૈ આશિકી’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘ઇમોશનલ અત્યાચાર’ જેવી સિરિયલ અને અઢળક મ્યુઝિક વિડિયોમાં કામ કરી ચૂકેલા રણદીપ રાયની પહેલી પાંચ પ્રાયોરિટીમાં માત્ર ને માત્ર હેલ્થ અને ફિટનેસ આવે અને એનું કારણ સમજાવતાં જ તે આ શબ્દો કહે છે

ગોલ્ડન વર્ડ‍્સ
૯૯ ટકા લોકો થોડુંક રિઝલ્ટ દેખાવાનું શરૂ થાય પછી પોતાની ફિટનેસ ઍક્ટિવિટી છોડી દે. પણ એ ભૂલ છે, મિનિમમ છ મહિના તમારી જાતને આપશો તો જ સાચું રિઝલ્ટ દેખાશે.

ફિટ રહેવું એ મારા માટે આજકાલની વાત નથી.

પંદર વર્ષની ઉંમર હતી અને હું જિમમાં રેગ્યુલર જવાને કારણે બૉડી-બિલ્ડરની જેમ બૉડી બનાવી ચૂક્યો હતો. તમને નવાઈ લાગશે, પણ હું નાનપણથી સલમાન ખાનનો બહુ જ મોટો ફૅન અને એ જ કારણ હતું કે હું જિમ પ્રત્યે ઍટ્રૅક્ટ થયો હતો. ઝાંસી જેવા નાના સિટીમાં રહીને બીજું તો તમે શું કરી શકો, પણ મેં તેમના જેવું બૉડી બિલ્ડ કરવાની કોશિશ કરેલી અને મારો એ પ્રયાસ એકદમ દિલથી હતો. 

સમય પસાર થયો અને જેમ-જેમ હેલ્થની બાબતમાં ઊંડો ઊતરતો ગયો, વધારે જાણતો ગયો એમ-એમ સમજાતું ગયું કે ફિટનેસ એટલે માત્ર સારા દેખાવું નહીં પણ ફિટનેસ એટલે બહારની સાથોસાથ અંદરથી પણ તમે સ્વસ્થ હોવા જોઈએ. બસ, એ દિવસથી હેલ્થની દિશામાં મેં મારા ગોલ્સ બનાવવાના શરૂ કર્યા. ૮૦ વર્ષની ઉંમરે પણ મારે હેલ્ધી રહેવું હોય તો એની તૈયારી ત્રીસ વર્ષની ઉંમરે જ શરૂ કરવી પડે, જે અત્યારે હું કરી રહ્યો છું. મને ક્યારેય કોઈ મારી પ્રાયોરિટી વિશે પૂછે તો હું તરત જ કહી દઉં છું કે પહેલી પાંચ પ્રાયોરિટીમાં હું મારી હેલ્થને મૂકું અને એ પછી બીજું બધું આવે. 

બધું જ કરવાની, બધી જ દિશામાં આગળ વધવાની તમારી ક્ષમતા ત્યારે જ વધશે જ્યારે તમે ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી હેલ્ધી હશો. હું હેલ્થની સાથે લુકને ઇમ્પોર્ટન્સ આપું છું. ઍક્ટર હોવાના નાતે પણ આપવું પડે અને એ સિવાય પણ એની બહુ મોટી આવશ્યકતા છે. તમે જ્યારે મિરરમાં તમારી જાતને જુઓ ત્યારે સારા લુકથી બહુ મોટું મોટિવેશન મળતું હોય છે અને એ તમને વધારે સિરિયસ બનાવવાનું કામ કરે છે.

લાઇફસ્ટાઇલ છે આ તો

તમે વેપારી હો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, ડૉક્ટર, ઍક્ટર, સેલ્સમૅન કે પછી જર્નલિસ્ટ જ કેમ ન હો; રોટી, કપડાં અને મકાનની તમારી બેઝિક જરૂરિયાત પૂરી કરવી હશે તો પણ તમારે ફિટ રહેવું પડશે. તમે માનશો નહીં, પણ મારા વર્કઆઉટને કારણે આજે મારા નાના ભાઈ કરતાં હું વધુ યંગ દેખાઉં છું અને મારી ઉંમરના મારા ફ્રેન્ડ્સ કરતાં હું યંગ દેખાઉં છું એનું કારણ છે કે હું મારું ધ્યાન રાખું છું. 

જીવનના કોઈ પણ તબક્કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે થાઇરૉઇડ કે એવા કોઈ પ્રૉબ્લેમ મારા માટે ઘરજમાઈ બનીને આવે એવું હું નથી ઇચ્છતો એટલે એની તૈયારી અત્યારથી જ કરું છું. લાઇફસ્ટાઇલ ડિસીઝ તો જ આવે જો તમારી લાઇફસ્ટાઇલ ખરાબ હોય અને એટલે જ કહું છું કે ફિટનેસને જ તમારી લાઇફસ્ટાઇલ બનાવી લો. પછી તો કોઈ ચિંતા જ નહીં. મારા ઘરના લોકો પણ હવે બહુ મોડે-મોડે આ વાત સમજી રહ્યા છે. એક ઉંમર પછી આદતોને બદલવી અઘરી છે પરંતુ જો તમારો ગોલ ક્લિયર હોય તો અઘરી બાબતો પણ આસાન થઈ જતી હોય છે. 

ખાવાનો શોખ સાવ ગયો

એક સમય હતો જ્યારે મને ખાવા માટે રીતસર ક્રેવિંગ્સ થતાં. હવે એવું કંઈ નથી થતું. મનમાં પણ ન આવે કે મારે ફલાણું ખાવું છે. હું જીવવા માટે ખાઉં છું એ ગોલ મારા માટે ક્લિયર છે. બાર વર્ષથી ઘરની બહાર રહું છું અને ઘણુંબધું જાતે બનાવતાં આવડી ગયું છે. પોતાની બૉડીને મેઇન્ટેન કરવા માટે જે ખાવાનું હોય એ બરાબર મળી જાય એની ચોકસાઈ રાખું છું. અત્યારે મારી એજ ૨૯ વર્ષ છે પણ મારી એજ હવે રિવર્સ થઈ રહી હોય એવું લોકો મને કહે છે અને એની પાછળ સૌથી મોટો જશ જો હું કોઈને આપતો હોઉં તો એ મારી ડાયટ-હૅબિટને છે. 

શું ખાવું છે એના કરતાં હું એ બાબતમાં બહુ ક્લિયર છું કે મારે શું નથી ખાવું. તમને પણ એ જ ઍડ્વાઇઝ આપીશ કે ન ખાવા જેવી આઇટમ વિશે ક્લિયર થઈ જશો તો બૉડી આપોઆપ તમને પૉઝિટિવ સાઇન્સ આપવા માંડશે.

શું નથી ખાવાનું એ લિસ્ટ મારું બહુ લાંબું છે અને એ અત્યારે પણ મને મોઢે યાદ છે. તમે બિલીવ નહીં કરો પણ મેં બસોથી વધારે આઇટમ નહીં ખાવાનું લિસ્ટ બનાવ્યું છે અને એ પછી પણ મને સહેજ પણ ક્રેવિંગ્સ નથી આવતાં.

columnists Rashmin Shah balika vadhu health tips