ઍબ્સ જિમમાં નહીં, હંમેશાં કિચનમાં બને છે

26 September, 2022 04:46 PM IST  |  Mumbai | Rashmin Shah

સેઝાન કહે છે, ‘જો ફિટનેસની બાબતમાં લેથાર્જિક હોત તો ચોવીસ કલાક હાર્નેસ પર ટીંગાઈને રહેવાનો આ રોલ હું ક્યારેય કરી શક્યો ન હોત’

સેઝાન ખાન

ટીવી-સિરિયલ ‘જોધા અકબર’થી કરીઅરની શરૂઆત કરી ‘ચંદ્ર નંદિની’, ‘પૃથ્વી વલ્લભ’, ‘નઝર-૨’ જેવી અનેક ટીવી-સિરિયલોમાં લીડ રોલ કરનારા ટીવી-સ્ટાર સેઝાન ખાન અત્યારે ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં અલીબાબાના રોલમાં જોવા મળે છે. સેઝાન કહે છે, ‘જો ફિટનેસની બાબતમાં લેથાર્જિક હોત તો ચોવીસ કલાક હાર્નેસ પર ટીંગાઈને રહેવાનો આ રોલ હું ક્યારેય કરી શક્યો ન હોત’

ફિટનેસને કોઈ ઉંમર સાથે નિસબત નથી. તમે નાના હો કે સાઠ-સિત્તેર વર્ષના વડીલ, તમારે ફિટનેસ જાળવવી જ જોઈએ. મારી વાત કરું તો, મારી ફિટનેસની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. બહારથી તમે ફિટ ન હો તો કોઈ વાંધો નહીં, પણ તમે ઇનસાઇડ વે પર હેલ્ધી રહેવા જોઈએ. જો તમે હેલ્ધી હશો તો તમે ઍક્ટિવ અને એનર્જેટિક રહેશો અને તમારી ઇમ્યુનિટી પણ તમને ક્યાંય ડલ નહીં પડવા દે.

ઘણાને એવું હોય છે કે વર્કઆઉટ માટે મોટિવેશનની જરૂર પડે છે, પણ હું કહીશ કે એની કોઈ જરૂર નથી. મોટિવેશનની જરૂર એને પડે જેને ફિટનેસની બાબતમાં એક્સ્ટ્રા-ઑર્ડિનરી કંઈ કરવાનું હોય, પણ જેને હેલ્ધી રહેવું છે અને એક્સ્ટ્રા કૅલરીઝને બૉડીમાં આવવા નથી દેવી એ મોટિવેશન વિના પણ વર્કઆઉટ પર ધ્યાન આપી જ શકે છે. મેં ઘણા એવા લોકો પણ જોયા છે જે મિરર સામે જોઈને પણ પોતાને મોટિવેટ કરી લે છે અને એ જ સાચી રીત છે. મારી વાત કરું તો મને હેલ્થની બાબતમાં, ગઈ કાલ કરતાં આજ અને આજ કરતાં આવતી કાલ બેટર કરવી હોય છે અને એટલે જ હું એના માટે સતત જાગૃત રહું છું અને મારામાં ચેન્જ લાવવાનો પ્રયાસ કરું છું.

ઍક્ટિંગ ફીલ્ડમાં આવ્યા એના પહેલેથી જ હું મારી ફિટનેસની બાબતમાં પ્રૉપર્લી અલર્ટ અને વર્કઆઉટ કરતો. તમને નવાઈ લાગશે, પણ હું નાનો હતો ત્યારે પણ પુશ-અપ્સ અને પુલ-અપ્સ નિયમિત કરતો અને એને લીધે જ મારામાં ફિટનેસ માટે અલર્ટનેસ આવી હતી. ફિટનેસ પ્રત્યેની મારી સભાનતા મને મારા ટીવી શો ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના અલીબાબાના કૅરૅક્ટરને પણ બહુ કામ લાગી છે. અલીબાબાના કૅરૅક્ટર માટે મેં ૧૪ કિલોગ્રામ વેઇટ વધાર્યું છે.

આઇ, મી, માયસેલ્ફ

ફિટેનસ અને હેલ્થ સવારથી રાત સુધી મારા મનમાં ચાલુ જ હોય. હું વૉક કરતો હોઉં ત્યારે પણ મારા મનમાં એના વિચારો અકબંધ હોય અને હું સૂતો હોઉં ત્યારે પણ મને એ વાત મનમાં હોય જ. 

હું વીકમાં છ દિવસ વર્કઆઉટ કરું છું અને એ પણ રીલિજિયસલી. ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં લીડ રોલ છે, વીએફએક્સ પુષ્કળ છે એટલે શૂટનું શેડ્યુલ એકદમ ટાઇટ હોય છે, પણ એમ છતાં મારી પહેલી પ્રાયોરિટી એ હોય કે હું મારું વર્કઆઉટ ચૂકી ન જાઉં. સામાન્ય રીતે હું શૂટ પછી તરત જિમમાં જાઉં અને ધારો કે એવું ન બને તો હું રનિંગ, જૉગિંગ અને બીજી એક્સરસાઇઝ કરીને પણ મારા બૉડીને વર્કઆઉટ આપવાની ટ્રાય કરું.

મારું માનવું છે કે જો તમે વર્કઆઉટને પ્રાધાન્ય આપો, પણ એ પછી બીજી કોઈ બાબતની કૅર નહીં લો તો નહીં ચાલે. ફૂડની બાબતમાં તો બેદરકાર રહેવું એ સૌથી ખરાબ છે. મારું માનજો, જો તમે વર્કઆઉટ ન કરતા હો તો પણ હેલ્ધી ફૂડની લાઇફસ્ટાઇલ અપનાવી લેજો. તમને એક જ મહિનામાં ઘણો ફરક જોવા મળશે. 
તમે જે પણ ખાઓ છો એની સીધી અસર તમારી ફિટનેસ અને હેલ્થ પર પડે છે. હું એ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ઍબ્સ કિચનમાં બને છે, કારણ કે આપણા શરીર પર એ જ દેખાય છે જે આપણે ખાતા હોઈએ છીએ. આપણે દિવસમાં ભલે એક કે બે કલાક વર્કઆઉટ કરતા હોઈએ, પણ હેલ્થ નક્કી કરવાનું કામ તો ફૂડના હાથમાં જ હોય છે.

ફાઇન ફૂડ અને ફન 

હું પ્રોસેસ્ડ ફૅટી ફૂડ્સ ખાવાનું બિલકુલ ટાળું છું અને ઘરનું બનેલું ફૂડ જ ખાવાનો આગ્રહ રાખું છું. સન્ડે મારો ચીટ-ડે છે પણ એમ છતાં એ દિવસે પણ પ્રોસેસ્ડ ફૅટી ફૂડ તો નહીં જ લેવાનું. હા, એ દિવસે ઘરના ખાવામાં કોઈ રોકટોક નહીં. શૂટ પર પણ મારી સાથે મારા ઘરેથી બનેલું ફૂડ અને સ્નેક્સ હોય છે. 

હું ખાવાનો જબરો શોખીન છું અને બધું ખાવામાં માનું, પણ મારી વાત ક્લિયર છે. એ ઘરનું ફૂડ હોવું જોઈએ. દિવસમાં હું કમસે કમ સાતેક વખત થોડું-થોડું ખાઉં છું અને મારા બાઇટ એકદમ નાના હોય છે. 

થૅન્ક ગૉડ કે મારી ફૅમિલીમાં પણ બધાને ફિટનેસની વૅલ્યુ ખબર છે એટલે અમારે ત્યાં ઑઇલી કે ડીપ ફ્રાઇડ ફૂડ બનતું નથી અને સ્વીટ્સ ખાવાનું પ્રમાણ પણ ઓછું છે. શક્ય હોય ત્યાં સુધી અમે રૉ ફૂડ વધારે પ્રિફર કરીએ છીએ. હા, હું દિવસ દરમ્યાન દહીં ખાવાનું રાખું છું અને સાંજે આઠ વાગ્યા પછી પ્રોટીન શેક સિવાય બીજું કશું લેતો નથી.

ગોલ્ડન વર્ડ્ઝ

મશીન પણ સમયાંતરે મેઇન્ટેનન્સ માગે અને આપણે આપીએ, પણ એ જ કામ આપણે આપણી જાત સાથે કરવા રાજી નથી.

columnists Rashmin Shah health tips