રાફેલસોદો અને વડા પ્રધાન અંજીરનું પાન પણ હવે ખરી પડ્યું છે

10 February, 2019 01:35 PM IST  |  | રમેશ ઓઝા

રાફેલસોદો અને વડા પ્રધાન અંજીરનું પાન પણ હવે ખરી પડ્યું છે

મોદી

નો નૉન્સેન્સ

હવે અંજીરનું પાન પણ ખરી પડ્યું છે અને આવું એક દિવસ બનવાનું હતું એની ખાતરી હતી. મારી ચાર દાયકાની પત્રકારત્વની કારકિર્દીમાં અનેક કૌભાંડો જોયાં છે, પણ રાફેલ વિમાનસોદા જેવું આત્મવિશ્વાસથી છલકાતું, જાડું અને ફૂહડ કૌભાંડ એક પણ જોયું નથી. કૌભાંડો એવાં સિફતથી થતાં હોય છે કે એના મૂળ સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. ર્બોફોસ આનું ઉદાહરણ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) તપાસ કરી હતી, સ્વિટ્ઝરલૅન્ડમાં તપાસ થઈ હતી, સંયુક્ત સંસદીય સમિતિએ તપાસ કરી હતી; ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ધ હિન્દુ’ નામનાં અંગ્રેજી અખબારોએ સત્ય શોધી કાઢવા જેહાદ શરૂ કરી હતી. અરુણ શૌરી અને ચિત્રા સુબ્રમણ્યમ જેવા ખોજી પત્રકારો સત્ય શોધી કાઢવા પાછળ લાગ્યાં હતાં. આમ છતાં કોઈ કરતાં કોઈ કૌભાંડના તળિયા સુધી પહોંચી નહોતાં શક્યાં.

કાં તો એ કૌભાંડ હતું અથવા નહોતું અને જો હતું તો એવું સિફતપૂર્વકનું હતું કે આજે ત્રણ દાયકા પછી પણ એના તાણાવાણા હાથ નથી લાગતા. એ દરમ્યાન કૉન્ગ્રેસ સાથે દુશ્મની ધરાવનારાઓની સરકાર- નરેન્દ્ર મોદીની સરકારનાં વરસો ગણીને- ૧૨ વરસ રાજ કરી ચૂકી છે. ૧૨ વરસ એ કોઈ ઓછો સમયગાળો નથી. એ સમયે જાણીતા કાટૂર્નિઈસ્ટ આર. કે. લક્ષ્મણે એક કાટૂર્ન ચીતર્યું હતું- પુસ્તકવિક્રેતાની દુકાનમાં એક પુસ્તક પડેલું છે; બોફોર્સ કૌભાંડની સાદી સમજ. આને કહેવાય કૌભાંડ, જો એ હોય તો. આપણી પારકી છઠ્ઠીના જાગતલ અને પ્રામાણિકતાના ફરિશ્તાઓએ સત્તામાં આવ્યા પછી પણ, એક તપ શાસન કરવા છતાં, સાબિત કરી નથી આપ્યું એ કૌભાંડ હતું. આવાં તો બીજાં અનેક કૌભાંડો છે.

મારી સાંભરણમાં રાફેલસોદાનું કૌભાંડ ઉઘાડું છે અને સાચું પૂછો તો જાડું છે. કૌભાંડ કરવામાં જે જરૂરી સાવધાની રાખવામાં આવે છે એ પણ રાખવામાં નથી આવી. જો બોલનારાઓને ખરીદીને કે ડરાવીને મૂંગા કરી શકાતા હોય તો સાવધાની રાખવાની જરૂર જ શું છે? શાસકો કોઈક એવા ભ્રમમાં રહ્યા લાગે છે કે આ દેશમાં લોકશાહી નથી, રાજાશાહી છે અને આપણે યાવચ્ચંદ્રદિવાકરૌ રાજ કરવાના છીએ.

હજી તો સરકારની મુદત પૂરી થઈ નથી ત્યાં એક પછી એક વિગતો બહાર આવી રહી છે. રાફેલ વિમાનસોદાનું સ્વરૂપ માત્ર બદલાયું હોત તો ખાસ કોઈને વહેમ ન ગયો હોત. બહુ-બહુ તો એમ કહેવાત કે સોદો ફાયદાકારક નથી, નુકસાનકારક છે, પણ જ્યારે બદલાયેલા સોદામાં છેક છેલ્લી ઘડીએ સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ને હટાવીને અનિલ અંબાણીને પ્રવેશ આપવામાં આવ્યો એ ચોંકાવનારી ઘટના હતી. ત્રણ કારણ હતાં- એક તો અનિલ અંબાણીની કંપની એ સમયે હજી કાગળ પર હતી. પખવાડિયા પહેલાં કંપની સ્થાપવામાં આવી હતી. વિમાન બનાવનારી કે સંરક્ષણસાધનો બનાવનારી કંપની જ અસ્તિત્વ નહોતી ધરાવતી ત્યાં અનુભવ હોવાનો કોઈ સવાલ જ નહોતો. બીજું કારણ એ હતું કે હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ભારત સરકારની પોતાની કંપની છે અને વિમાન બનાવવાનો દાયકાઓનો અનુભવ છે. કોઈ સરકાર અનુભવી સરકારી કંપનીને બાજુએ હડસેલીને નવશીખિયાને એવું કામ આપે જેનો તેને કોઈ અનુભવ જ ન હોય? ત્રીજું કારણ એ હતું કે અનિલ અંબાણી છેલ્લાં અનેક વરસોથી નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે અને એ આખું ગામ જાણે છે. હવે તેમની માલિકીની RCom વિધિવત્ ફડચામાં ગઈ છે અને નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કમજોર ઉદ્યોગગૃહને ઍર ર્ફોસ માટે વિમાન બનાવવાનો સોદો?

તો રાફેલસોદામાં કોઈક પ્રકારનું કૌભાંડ છે એની ખાતરી હિન્દુસ્તાન ઍરોનૉટિક્સની જગ્યાએ અનિલ ધીરુભાઈ અંબાણીનો પાછલે બારણેથી પ્રવેશ થયો એ જોઇને થઈ ગઈ હતી. આ ઉપરાંત ભારત સરકારે રાફેલ વિમાન બનાવનારી કંપની દ’સૉં પાસેથી નહોતો

બૅન્ક-ગૅરન્ટીનો આગ્રહ રાખ્યો હતો કે નહોતો ફ્રાન્સની સરકાર પાસેથી સૉવરિન/ગવર્નમેન્ટ ગૅરન્ટીનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આગલા સોદામાં આની જોગવાઈ હતી. બૅન્ક-ગૅરન્ટીનો અર્થ આપણે જાણીએ છીએ. સૉવરિન ગૅરન્ટી બે સરકાર વચ્ચેની હોય છે. ખાસ કરીને સંરક્ષણ જેવા સંવેદનશીલ સોદાઓમાં ખરીદનાર અને લેનાર દેશોની સરકાર વચ્ચે ગૅરન્ટીનો કરાર થતો હોય છે જેને સૉવરિન/ગવર્નમેન્ટ ગૅરન્ટી કહે છે.

રાફેલસોદાના જૂના સ્વરૂપમાં ફ્રાન્સની સરકારે ભારત સરકારને બે વાતની બાંયધરી આપી હતી. એક બાંયધરી એ હતી કે દ’સૉં કંપની બાંધેલી મુદતમાં અને ઠરાવેલા ભાવે નક્કી કરેલાં વિમાનો, નક્કી કરેલાં ઇક્વિપમેન્ટ્સ સાથે ફ્લાય-અવે કન્ડિશનમાં બનાવીને આપશે અને બીજી બાંયધરી એ હતી કે આવાં જ પ્રકારનાં વિમાન આવાં જ ઇક્વિપમેન્ટ્સ સાથે દ’સૉં કંપની ભારત સરકારે ગણાવેલા દેશોને નહીં આપે જેની સાથે ભારતને દુશ્મની છે. આવી બાંયધરી ફ્રાન્સની સરકારે ભારત સરકારને આપી હતી. આનો અર્થ એ થયો કે સોદામાં ફ્રાન્સની સરકાર ગૅરન્ટર તરીકે થર્ડ પાર્ટી હતી. જગત આખામાં સંરક્ષણસોદાઓ આ રીતે જ થતા હોય છે જેને સૉવરિન/ગવર્નમેન્ટ ગૅરન્ટી કહેવામાં આવે છે.

હવે કહો કે દેશભક્ત અને રાષ્ટ્રવાદી શાણા શાસકો સપ્લાયર કંપનીના દેશની સરકારને બાંયધરી આપનાર થર્ડ પાર્ટી તરીકે વચ્ચે રાખે કે એને બહાર રાખે? તમે હો તો શું કરો? પણ અહીં નવા સોદામાં ફ્રાન્સની સરકારને બહાર રાખવામાં આવી હતી. શા માટે? આવું કોઈ કરે? કરવાની વાત બાજુએ રહી, આવું કોઈ વિચારે?

સોદાની જૂની જોગવાઈ મુજબ ભારત સરકારે ૧૨૬ વિમાનો ખરીદવાનાં હતાં જેમાંથી ૧૮ વિમાનો દ’સૉં પ્રતિ વિમાનના ૫૨૧.૧૦ કરોડના ભાવે ફ્લાય-અવે કન્ડિશનમાં આપવાનાં હતાં અને બાકીનાં વિમાન હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ કંપનીને ટેક્નૉલૉજી ટ્રાન્સફર કરીને ભારતમાં બનાવવાનાં હતાં. એની જગ્યાએ નવા સોદામાં વિમાનનો ભાવ વધારીને પ્રતિ વિમાને ૧૬૩૮ કરોડનો એટલે કે ત્રણ ગણો કરી નાખવામાં આવ્યો અને ફ્લાય-અવે કન્ડિશનમાં વિમાનો ખરીદવાની સંખ્યા સીધી બેવડી કરીને ૩૬ કરી નાખવામાં આવી. કુલ સોદો ૫૯,૦૦૦ કરોડ રૂપિયાનો.

જો આગલી સરકારે ઠરાવેલા ભાવ મુજબ ૧૮ની જગ્યાએ ૩૬ વિમાનો એ જ ઇક્વિપમેન્ટ્સ સાથે ફ્લાય-અવે કન્ડિશનમાં ખરીદવામાં આવ્યાં હોત તો ભારત સરકારને ૧૮,૭૫૯.૬ હજાર કરોડમાં પડ્યાં હોત. સોદો વિલંબમાં પડ્યો હોય અને પરિણામે દ’સૉંએ ભાવવધારો માગ્યો હોય એવું પણ નહોતું. તો શા માટે ૧૮ હજાર કરોડ રૂપિયાનો સોદો ૫૯ હજાર કરોડ રૂપિયાનો થઈ ગયો? શા માટે હિન્દુસ્તાન ઍરોનૉટિક્સને હટાવીને નવશીખિયા અને નાદાર અનિલ અંબાણીને દાખલ કરવામાં આવ્યા? શા માટે દ’સૉં પાસે બૅન્ક-ગૅરન્ટીનો આગ્રહ રાખવામાં ન આવ્યો અને શા માટે ફ્રાન્સ સરકારને ગૅરન્ટર તરીકે હટાવવામાં આવી એ રહસ્ય હતું.

આને કારણે નવો સોદો થતાંની સાથે જ શંકા પેદા થવા લાગી હતી અને હવે એ શંકાઓ સિદ્ધ થવા માંડી છે. પ્રારંભમાં જ કહ્યું એમ આ કૌભાંડ આત્મવિશ્વાસથી છલકાતું જાડું કૌભાંડ છે. ક્રુડ એટલે એવું ક્રુડ જેનો ભારતના ઇતિહાસમાં જોટો ન જડે. હવે ‘ધ હિન્દુ’ નામના અખબારે ઘટસ્ફોટ કર્યો છે કે દ’સૉં કંપની સાથે તેમ જ ફ્રાન્સ સરકારની સાથે સમાંતરે સોદાની વાતચીત પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ વડા પ્રધાનનું મંત્રાલય કરતું હતું અને એમાં સંરક્ષણમંત્રાલયને વિશ્વાસમાં પણ નહોતું લેવામાં આવતું. બીજા કોઈ નહીં, દેશના સંરક્ષણસચિવે આકરા શબ્દોમાં એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને એક નોંધ લખીને મીકલી હતી અને એમાં વડા પ્રધાનને આમ નહીં કરવાની સલાહ આપવાની સલાહ આપી હતી. તેમણે આમાં દેશને નુકસાન થતું હોવાનું અને ફ્રાન્સ સરકારને સૉવરિન/ગવર્નમેન્ટ ગૅરન્ટીમાંથી છટકવાની તક આપવામાં આવી રહી હોવાનું પણ કહ્યું હતું. ‘ધ હિન્દુ’નો આ ઘટસ્ફોટ પ્રારંભમાં કહ્યું એમ અંજીરનું ખર્યું પાન છે. હવે આબરૂ ઢાંકવા માટે કોઈ માર્ગ બચ્યો નથી.

ઘટનાક્રમ એવો છે કે ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૅરિસમાં રાફેલના નવા સોદાની જાહેરાત કરી. એ પછી સમજૂતીનો કરાર બન્યો. ફ્રાન્સના એ સમયના પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દ ૨૬મી જાન્યુઆરીની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા. ઓલાન્દ ભારત આવ્યા એના બે દિવસ પહેલાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે અખબારી યાદી બહાર પાડીને જાહેરાત કરી કે એ એક ફિલ્મ બનાવી રહી છે જે

ઇન્ડો-ફ્રાન્સ જૉઇન્ટ પ્રોડક્શન હશે. એ પછી ખબર પડી કે રિલાયન્સ સાથે ફિલ્મ બનાવનારી ફ્રેન્ચ કંપની પ્રમુખ આલાન્દનાં બહેનપણી અને બિઝનેસ-પાર્ટનર જુલી ગૅઇયેની માલિકીની હતી. એ પછી એ જ વરસમાં ૨૩મી સપ્ટેમ્બરે સોદાના કરાર પર વિધિવત્ સહીસિક્કા થયા અને દસ દિવસ પછી ત્રીજી ઑક્ટોબરે અનિલ અંબાણીએ રિલાયન્સ-દ’સૉં વચ્ચે જૉઇન્ટ વેન્ચરની જાહેરાત કરી જેમાં દ’સૉંએ ભારત સરકારને ફ્લાય-અવે કન્ડિશનમાં વેચેલી રકમની અડધી રકમ નવી જૉઇન્ટ વેન્ચર કંપનીને ટ્રાન્સફર કરવાની હતી. આનો અર્થ એ થયો કે ૫૯ હજાર કરોડમાંથી ૨૯ હજાર પાંચસો કરોડ રૂપિયા અનિલ અંબાણીને મળી ગયા. એ પછી તો એની પણ જાણ થઈ કે જે દિવસે (૨૩મી સપ્ટેમ્બરે) ભારત સરકાર અને દ’સૉં વચ્ચે કરાર થયો એ દિવસે અનિલ અંબાણી પૅરિસમાં જ હતા, પરંતુ વિન્ગમાં હતા.

ફ્રાન્સમાં ‘મીડિયાપાર્ટ’ નામનું ન્યુઝ ર્પોટલ છે. આપણે ત્યાં ‘ધ વાયર’ કે ‘ધ ક્વિન્ટ’ છે એવું. આ ઓછાં ખર્ચાળ માધ્યમો છે એટલે નુકસાનથી બચવા સત્તાધીશોની કે કુબેરપતિઓની સાડીબાર રાખવાની જરૂર નથી રહેતી અને ખુદ્દારીથી પત્રકારત્વ કરી શકે છે. આજકાલ જગત આખામાં સ્થાપિત હિતો આવા ન્યુઝ પોર્ટલોથી પરેશાન છે. એટલે તો આપણે ત્યાં ‘ધ વાયર’ પર કુલ ૧૧,૪૦૦ કરોડ રૂપિયાના બદનક્ષીના દાવા કરવામાં આવ્યા છે. છ હજાર કરોડ રૂપિયાનો દાવો એકલા અનિલ અંબાણીનો છે તો આ મીડિયાપાર્ટે ખુલ્લું કરી નાખ્યું કે ફ્રાન્સના ભૂતપૂવર્‍ પ્રમુખ ઓલાન્દે રાફેલના સોદામાં અનિલ અંબાણીને પ્રવેશ આપીને એના સાટામાં પોતાની બહેનપણી અને બિઝનેસ-પાર્ટનર જુલી ગૅઇયેના ફિલ્મ-પ્રોજેક્ટ માટે અંબાણી પાસેથી પૈસા અપાવ્યા હતા. હવે ખુલાસો ઓલાન્દે કરવો પડે એમ હતો. તેમણે મીડિયાપાર્ટને મુલાકાત આપીને રેકૉર્ડ પર કહ્યું કે રાફેલસોદામાં જે કાંઈ પરિવર્તન થયું છે એ ભારતના વડા પ્રધાનનો નિર્ણય છે અને ણ્ખ્ન્ને ટેક્નૉલૉજી ટ્રાન્સફર કરવાની જગ્યાએ દ’સૉંએ ઑફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીને લીધા એ નિર્ણય પણ ભારતના વડા પ્રધાનનો હતો. અમારી પાસે આમાં કોઈ વિકલ્પ પણ નહોતો. તેમણે અંબાણીના ફિલ્મ-પ્રોજેક્ટમાં રોકાણની વાત પણ સ્વીકારી હતી.

ઓલાન્દની કબૂલાત પછી જે વહેમ (આમ તો બહુ ખાસ વહેમ જેવું હતું જ નહીં) હતો એ ખાતરીમાં ફેરવાઈ ગયો. ઓલાન્દ પછી દ’સૉંના સિનિયર અધિકારીઓની મીટિંગની એક ઑડિયો-ટેપ મીડિયાપાર્ટે ખુલ્લી કરી જેમાં દ’સૉંના બૉસ તેમના સાથી અધિકારીઓને એમ કહેતાં સંભળાય છે કે ભારત સરકારની એવી શરત હતી કે જો રાફેલ વિમાનનો સોદો મેળવવો હશે તો તમારે અંબાણીને ઑફસેટ પાર્ટનર તરીકે કબૂલ કરવા પડશે. એ પછી ધંધો મેળવવા માટે સમાધાન કરવા સિવાય કંપની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

એ પછી એક નાટક સર્વોચ્ચ અદાલતમાં ભજવાઈ ગયું અને બીજું નાટક CBIમાં ભજવાયું. સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર પાસેથી સોદા વિશેની વિગતો એક બંધ કવરમાં માગી હતી. ભારત સરકારે જે વિગત આપી એ ખોટી હતી. એમાં એમ કહેવામાં આવ્યું હતું કે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલે (CAG-કૅગ) સોદાની વિગતો ચકાસી છે અને એનો અહેવાલ જાહેર હિસાબ સમિતિને આપવામાં આવ્યો છે. રિવાજ મુજબ જાહેર હિસાબ સમિતિ પોતાની ટિપ્પણી સાથે કૅગનો અહેવાલ સંસદમાં રજૂ કરે છે એટલે એ જાહેર જનતા માટે ખુલ્લો છે. સર્વોચ્ચ અદાલતને આ ખુલાસાથી સંતોષ થયો અને રાફેલસોદાની તપાસ કરવાની કોઈ જરૂર નથી એવો ચુકાદો આપ્યો. સત્ય એ છે કે નથી કૅગે કોઈ તપાસ કરી, નથી જાહેર હિસાબ સમિતિએ એનાં દર્શન કર્યા. અને સંસદમાં એને રજૂ કરવાનો તો સવાલ જ પેદા નથી થતો. જેનો જન્મ જ નથી થયો એના વિશે સરકારે કહ્યું હતું કે એ તો ગામને ચોરે બેઠો છે જાઓ જોઈ આવો. સર્વોચ્ચ અદાલતે જો વાદીઓને સરકારનો ખુલાસો બતાવ્યો હોત તો એ કહેત કે સત્ય શું છે. હવે આ બંધ કવરની બીમારીનો અંત આવવો જોઈએ.

જેનો જન્મ જ નથી થયો એને આખું ગામ ભાળે એમ ચોરે બેઠો છે એમ કહ્યા પછી સરકાર ડરી ગઈ. સર્વોચ્ચ અદાલતને હૅઝ, હેવ અને હૅડનું વ્યાકરણ શીખવાડતો એક પત્ર લખવામાં આવ્યો. આ બાજુ બીજું એક નાટક ઘ્ગ્ત્માં ભજવવામાં આવ્યું. આલોક વર્માને રાતના બે વાગ્યે વડા પ્રધાને પોતે આદેશ બહાર પાડીને તગેડી મૂક્યા. કારણ? કારણ કે તેમણે અરુણ શૌરી અને બીજાઓની રાફેલસોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ દાખલ કરી હતી. વિરોધ પક્ષો સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી કરી રહ્યા છે, પણ એ આપવામાં નથી આવતી. ચર્ચામાં ભાગ લેતા શિવસેનાના સંસદસભ્યે કહ્યું હતું કે આપણો (સેના સરકારમાં ભાગીદાર છે) ભ્રષ્ટાચાર સાથે દૂર-દૂરનો સંબંધ નથી અને દામન એટલું સાફ છે તો ડરવાની શી જરૂર છે? આપી દો જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC) અને કરી લેવા દો તપાસ જે કરવી હોય એ. આપે? સવાલ એક પૂછો તો જવાબ બીજો આપે. સવાલ સંરક્ષણપ્રધાનને પૂછો તો જવાબ વસ્ત્રપ્રધાન આપે.

હવે આવે છે ‘ધ હિન્દુ’નો અહેવાલ. ‘ધ હિન્દુ’ના શુક્રવારના અંકમાં સંરક્ષણમંત્રાલયના કયા સચિવે અને બીજા અધિકારીઓએ શું કહ્યું, કોણે કઈ રીતના નુકસાનની ચેતવણી આપી, વડા પ્રધાનના કાર્યાલયની સક્રિયતા કઈ રીતે ઘાતક છે એની પૂરી સત્તાવાર વિગતો આપી છે. ૨૦૧૫ની ૨૪ નવેમ્બરે સંરક્ષણસચિવ (ઍર) એસ. કે. શર્માએ એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને મોકલેલી એક નોટમાં લખ્યું હતું કે આપણે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)ને સલાહ આપવી જોઈએ કે જે વ્યક્તિ રાફેલસોદામાં નિગોશિટિંગ ટીમમાં નથી એને બારોબાર વાતચીત કરતી રોકવી જોઈએ. જો વડા પ્રધાનને સંરક્ષણખાતા દ્વારા કરવામાં આવતી વાતચીતથી સંતોષ ન હોય તો તેઓ PMOના નેતૃત્વ હેઠળ તેમને જોઈએ એવી નિગોશિએશનની વ્યવસ્થા કરી શકે છે, પણ આમ બારોબાર સમાંતરે વાતચીત કરવી યોગ્ય નથી.

શા માટે વડા પ્રધાન વતી કોઈ વ્યક્તિ સંરક્ષણપ્રધાનને પણ વિશ્વાસમાં લીધા વિના બારોબાર સોદાનું નિગોશિએશન કરતી હતી? શા માટે સંરક્ષણમંત્રાલયની સોદાની વાતચીત કરતી ટીમને બાયપાસ કરવામાં આવી હતી? દેશહિતમાં એવો જો તમારો જવાબ હોય તો તમારી સમજદારીને સલામ!

આ પણ વાંચો : દિલ્હી-કલકત્તા વચ્ચે પાનીપત : અહીં આપેલાં પાંચ તથ્યો ચકાસી જુઓ

દરમ્યાન સર્વોચ્ચ અદાલત હવે શું કરશે? આ પહેલાં જ બંધ કવર પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂક્યો એમાં સર્વોચ્ચ અદાલતે આબરૂ ગુમાવી છે. આ બાજુ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાવાર દસ્તાવેજો લીક થઈ રહ્યા છે યોગાનુયોગ નથી.

columnists weekend guide narendra modi