પરંપરા તોડવી અને પરંપરા રચવી એમાં જમીન-આસમાનનો ફરક છે

11 February, 2019 11:37 AM IST  |  | રમેશ ઓઝા

પરંપરા તોડવી અને પરંપરા રચવી એમાં જમીન-આસમાનનો ફરક છે

પ્રતીકાત્મક તસવીર

કારણ-તારણ

રિવાજ એવો છે કે લોકસભાનું બજેટસત્ર અંદાજે ત્રણ માસ માટે મળે છે. ફેબ્રુઆરી મહિનામાં સત્રનો પ્રારંભ થાય છે જેમાં પહેલા દિવસે રાષ્ટ્રપતિ મંગળપ્રવચન કરે છે, બીજા કે ત્રીજા દિવસે વીતેલા વરસનું નાણાકીય સરવૈયું રજૂ કરવામાં આવે અને એના બીજા દિવસે (૨૮ કે ૨૯ ફેબ્રુઆરીએ) અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. જેમ આર્થિક સર્વેક્ષણમાં વીતેલા વરસનો આર્થિક ચિતાર આપવામાં આવે છે એમ રાજ્યના વડા (હેડ ઑફ ધ સ્ટેટ) તરીકે રાષ્ટ્રપતિ તેમના મંગળપ્રવચનમાં વીતેલા વરસમાં સરકારે કરેલી કામગીરીનો ચિતાર આપે છે. આર્થિક સર્વેક્ષણમાં મુશ્કેલી એ હોય છે કે આંકડા જો સરકારી હોય તો એને છુપાવી શકાતા નથી અને અર્થઘટનમાં ઘણી વાર છૂટ લઈ શકાતી નથી. ન છુપાવી શકાય, ન આંખ આડા કાન કરી શકાય અને ન મનફાવે એમ અર્થઘટન કરી શકાય. રાષ્ટ્રપતિના અભિભાષણમાં ફાયદો એ છે કે એમાં તેઓ સરકાર વતી બોલતા હોય છે એટલે માય ગવર્નમેન્ટ/મેરી સરકાર જે કહે એ તેમણે વાંચવાનું હોય છે. સરકારની કામગીરીના અહેવાલમાં માફક ન આવે એ છુપાવી શકાય છે, માફક આવે ત્યાં અતિશયોક્તિ કરી શકાય છે અને મનફાવે એમ અર્થઘટન પણ કરી શકાય છે.

હવે સમસ્યા એ હતી કે બજેટસત્ર પૂરી મુદત માટે ચલાવી શકાય એટલો સમય નહોતો. પૂરા સત્રમાં તો બજેટ રજૂ કર્યા પછી આખો માર્ચ મહિનો બજેટ પર ચર્ચા ચાલે. દરેકેદરેક દરખાસ્તની સમીક્ષા થાય અને કેટલીક પાછી પણ લેવામાં આવે. અંગ્રેજીમાં આને રોલ-બૅક કહેવામાં આવે છે. પહેલી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે અને મંજૂર કરાયેલું બજેટ આખેઆખું એકસાથે લાગુ થાય છે. એ પછી થોડા સમયના વિરામ બાદ બજેટસત્ર પાછું શરૂ થાય છે જેમાં રાષ્ટ્રપતિનો તેમના મંગળપ્રવચન માટે આભાર માનવામાં આવે છે. એ આભારની દરખાસ્ત પરની ચર્ચા પણ ખૂબ મહત્વની હોય છે, કારણ કે એમાં દરેક પક્ષના વક્તાને તેમની સંખ્યા મુજબ બોલવાનો સમય ફાળવવામાં આવે છે.

પણ જો લોકસભાની મુદત પૂરી થવામાં હોય, ચૂંટણી યોજીને નવી લોકસભા રચવી પડે એમ હોય અને લોકસભાના બજેટસત્રમાં વિધિવત્ બજેટ રજૂ કરીને ચર્ચા યોજવી શક્ય ન હોય તો લોકસભામાં વોટ્સ ઑન અકાઉન્ટ રજૂ કરવામાં આવે છે. વોટ્સ ઑન અકાઉન્ટ એટલે કેવળ ખર્ચાઓની દરખાસ્ત જેથી નવા નાણાકીય વરસમાં સરકાર નાણાં વિનાની ન થઈ જાય. જો ખર્ચાઓની દરખાસ્ત લોકસભામાં પસાર થયેલી ન હોય તો નવા નાણાકીય વરસના પ્રારંભથી એટલે કે પહેલી એપ્રિલના રાતના ૧૨ વાગી ને એક મિનિટ પછીથી સરકાર એક રૂપિયો પણ ખર્ચી શકે નહીં. એટલે કમસે કમ નવી લોકસભા રચાય અને એમાં બાકીની મુદત માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે અને એ મંજૂર થાય ત્યાં સુધી સરકાર ખર્ચા કરી શકે. એ બજેટ વચગાળાનું એટલા માટે હોય છે કે એની મુદત પછીના વરસની ૩૧ માર્ચ સુધીની હોય છે.

હવે ૧૬મી લોકસભાની મુદત પૂરી થઈ ચૂકી છે. ૧૬મી લોકસભા પાસે એટલો સમય નહોતો કે સંપૂર્ણ બજેટ રજૂ કરે અને પૂરી ચર્ચા પછી મંજૂર થાય. જો બજેટસત્રની જગ્યાએ લોકસભાનું હંગામી સત્ર બોલાવીને વોટ્સ ઑન અકાઉન્ટ રજૂ કરવામાં આવે તો બીજો તો કોઈ વાંધો નહોતો, પણ રાષ્ટ્રપતિનું અભિભાષણ જતું કરવું પડે. ભૂતકાળમાં અનેક વખત આ રીતે ટૂંકું સત્ર બોલાવીને વોટ્સ ઑન અકાઉન્ટ રજૂ કરીને એને મંજૂરી આપવામાં આવી છે. આ કોઈ નવી વાત નથી. ફરક એ હતો કે ભૂતકાળના શાસકોને રાષ્ટ્રપતિનું અભિભાષણ જતું કરવામાં વાંધો નહોતો, પણ નરેન્દ્ર મોદીને હતો. લોકસભામાં રાષ્ટ્રપતિ સરકારની કામગીરીની સરાહના કરતા હોય, સક્ષમ નેતૃત્વ માટે વડા પ્રધાનની પીઠ થપથપાવતા હોય, આખા દેશના કૅમેરા લોકસભામાં હોય એ અવસર જવા કેમ દેવાય! પ્રવચન ભલે સરકારે લખી આપેલું હોય અને એ વાત આખું ગામ જાણતું હોય, પણ પ્રશંસાના બે બોલ જતા કેમ કરાય? આગળના શાસકો મૂરખા હતા એમ જ કહેવું રહ્યું.

સમસ્યા એ હતી કે જો લોકસભાના સત્રને બજેટસત્ર કહેવામાં આવે તો રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવું પડે. રિવાજ છે એવો. રિવાજ છેને? કાયદો તો નથીને? તોડો રિવાજ. સાઉથ બ્લૉકમાંથી આદેશ છૂટ્યો. વડા પ્રધાન પોતાના દ્વારા લખી આપેલી પ્રશંસા રાષ્ટ્રપતિના મોઢે સાંભળવા માગે છે, પણ આર્થિક સર્વેક્ષણ નથી સાંભળવા માગતા. દેશના વડા પ્રધાન કેવા મહાન છે એ રાષ્ટ્રપતિ દ્વારા દેશની જનતા જાણે એમ વડા પ્રધાન ઇચ્છે છે, પણ આર્થિક મોરચે સમસ્યા કેવી વસમી છે અને કેવા-કેવા લોચા માર્યા છે એની જાણ આર્થિક સર્વેક્ષણ દ્વારા દેશની જનતાને ન થવી જોઈએ.

આ પણ વાંચો : દિલ્હી-કલકત્તા વચ્ચે પાનીપત : અહીં આપેલાં પાંચ તથ્યો ચકાસી જુઓ

આમ રિવાજ તોડવામાં આવ્યો. વડા પ્રધાન અને તેમની સરકારે કરેલી કામગીરીની ભૂરી-ભૂરી પ્રશંસા કરતું સરકારે લખી આપેલું પ્રવચન રાષ્ટ્રપતિ પાસે વંચાવડાવવામાં આવ્યું. રાષ્ટ્રપતિ પ્રશંસા કરતા હતા અને વડા પ્રધાન રાજીના રેડ થઈને જોરજોરથી લોકસભામાં બેન્ચ ઠોકતા હતા. દેવો પણ એ દૃશ્ય જોઈને રાજી થયા હશે. બીજા દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં નહોતું આવ્યું. પાછલાં મકાનોમાં આગ લાગી હોય તો કાંઈ વાંધો નહીં, આગળ નજરે પડતા મકાનમાં રોશની કરવી. આ જાતને છેતરવામાં આવે છે કે લોકોને? રવિવારના અંગ્રેજી અને મરાઠી અખબારોમાં અનેક સમીક્ષકોએ આ પ્રશ્ન કર્યો છે.

columnists