રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૩૩)

16 February, 2025 07:46 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

કમલનાથે વાત ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. તેમણે અત્યાર સુધી કોઈ દિવસ દીકરીનો ફોન કાપવાની કે વાત ટૂંકાવવાની કોશિશ નહોતી કરી

ઇલસ્ટ્રેશન

શામ્ભવીનો ફોન જોઈને કમલનાથના ચહેરા પર સ્મિત આવ્યું. તે ઑફિસની એક મીટિંગમાં વ્યસ્ત હતા, પણ દીકરીનો ફોન ગમે ત્યારે ઉપાડી લેવાનો એવું તેમના માટે નક્કી હતું. ફોન ઉપાડીને તેમણે વહાલથી કહ્યું, ‘બોલો, બચ્ચા.’

શામ્ભવીએ સીધું જ પૂછી નાખ્યું, ‘મારી માને કોઈની સાથે અફેર હતો?’

‘આ કયા પ્રકારનો સવાલ છે?’ કમલનાથ ભૂલી ગયા કે પોતે ઑફિસના ચાર માણસોની વચ્ચે બેઠા હતા, ‘શું પૂછી રહી છે એની સમજ પડે છે તને?’

‘મને હા કે નામાં જવાબ આપો.’ શામ્ભવી કશું સાંભળવાના મિજાજમાં નહોતી, ‘મારી મા જીવે છે એ વાત કેમ છુપાવી મારાથી? એ રાત્રે આપણા ઘરમાં કોનું ખૂન થયું? કોણે કર્યું હતું એ ખૂન?’

‘બેટા! હું અત્યારે બિઝી છું.’ કમલનાથે વાત ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. તેમણે અત્યાર સુધી કોઈ દિવસ દીકરીનો ફોન કાપવાની કે વાત ટૂંકાવવાની કોશિશ નહોતી કરી, પરંતુ આજે તે ડરી ગયા. શામ્ભવી જે રીતે પ્રશ્નોની તલવાર વીંઝી રહી હતી હતી એનો સામનો કરવાની હિંમત કમલનાથમાં નહોતી.

‘આઇ ડોન્ટ કૅર.’ શામ્ભવીને બસ જવાબ જોઈતો હતો, ‘તમે મને ફોન પર જવાબ નહીં આપો તો હું ત્યાં આવી જઈશ... બધાની વચ્ચે પૂછીશ તમને...’

‘ઇનફ, શામ્ભવી.’ કમલનાથનો અવાજ જરા કડક થયો, ‘હું ઘરે આવું એટલે વાત કરીએ.’ શામ્ભવી કંઈ બોલે એ પહેલાં તેમણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. એ ફોન મૂકીને ફરી મીટિંગનો વાતનો તંતુ સાંધે એ પહેલાં ફરી રિંગ વાગી. કમલનાથે ફોન ન ઉપાડ્યો. રિંગ ફરી વાગી. તેમણે ફરી રિંગર ઑફ કર્યું પરંતુ શામ્ભવી હાર્યા વિના, થાક્યા વિના લગાતાર પ્રયાસ કરી રહી હતી. આખરે કમલનાથે ફોન ઉપાડ્યો, ‘શામ્ભવી...’

તે કંઈ બોલે એ પહેલાં જ શામ્ભવીએ કહ્યું, ‘આમ તો મને તમારો જવાબ મળી ગયો છે.’ કમલનાથ એ વાતનો જવાબ આપે એ પહેલાં શામ્ભવીએ ફરી કહ્યું, ‘જો અફેર ન હોત તો તમે મને પહેલા ધડાકે જ ના પાડી હોત. તમે જવાબ ટાળી રહ્યા છો એ દેખાડે છે કે તમે સત્ય જાણો છો, પણ મારાથી છુપાવો છો.’

‘સત્ય જેટલું દેખાય એટલું નથી હોતું. એનાથી ઊંડું અને ઘેરું હોય છે. તને જે કંઈ ઇન્ફર્મેશન મળી છે એ સત્ય નથી.’ કમલનાથે બને એટલા સંયમથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો, ‘બૂમો પાડવાથી કે ઉશ્કેરાટમાં પ્રશ્નો પૂછવાથી સત્ય નહીં મળે તને બલકે એવું કરવાથી તો સત્ય વધુ દૂર જશે.’ તેમણે ફરી એક વાર અવાજમાં સ્નેહ ઉમેરીને કહ્યું, ‘જો બેટા! હું તારા બધા પ્રશ્નોના જવાબ આપીશ, એક વાર ઘરે આવું પછી...’

‘બાપુ! એક સવાલનો જવાબ આપ્યા વગર ફોન નહીં મૂકવા દઉં.’ શામ્ભવી જીદે ચડી ગઈ હતી ને કમલનાથ જાણતા હતા કે શામ્ભવી એક વાર જીદે ચડે પછી તેને મનાવવી એ લગભગ અશક્ય હતું. તેના મનમાં જે સવાલો ડ્રિલરની જેમ ગોળ-ગોળ ઘૂમતા હતા એ સવાલોના જવાબ મેળવ્યા વગર હવે તે નહીં જંપે એ વાત કમલનાથને સમજાઈ ગઈ હતી. આજ સુધી તેમણે પૂરો પ્રયત્ન કરીને શામ્ભવીને રાધાની હકીકતથી દૂર રાખી હતી. જેલમાં સોલંકી અને ઘરમાં લલિતભાઈની સાથે મળીને સત્ય ઢાંકી શકાય ત્યાં સુધી ઢાંક્યું તેમણે, પરંતુ આજની શામ્ભવી ક્યાંકથી એવું સત્ય જાણી લાવી હતી જેનાથી તે ભયાનક ઉશ્કેરાઈ ગઈ હતી. હવે જ્યાં સુધી તેને જવાબ નહીં મળે ત્યાં સુધી તે પ્રશ્નો પૂછતી જ રહેશે એ સમજાઈ ગયા પછી કમલનાથે કૉન્ફરન્સમાં પોતાની આસપાસ બેઠેલા લોકોને કહ્યું, ‘એક્સક્યુઝ મી જેન્ટલમેન. થોડી ફૅમિલી મૅટર છે, દીકરી સાથે વાત કરવી જ પડશે.’ કમલનાથ આટલું કહીને કૉન્ફરન્સ રૂમની બહાર નીકળી ગયા.

lll

ચિત્તુ જીવે છે એ સત્ય જાણ્યા પછી મંજરી પ્રતીક્ષા કરી શકે એમ નહોતી. તે કોઈ પણ હિસાબે ચિત્તુ સુધી પહોંચવા માગતી હતી, પણ તેને ખબર હતી કે હવે દત્તુ તેને તરત જવાબ નહીં આપે. તેણે ખૂબ વિચારીને રઝાકને ફોન કર્યો. મંજરીનો ફોન રઝાક ન ઉપાડે એ શક્ય જ નહોતું. રઝાક માટે મંજરી તેની અન્નપૂર્ણા હતી, તેના ભાઉની ભાર્યા!

‘ભાભી...’ રઝાકે બહુ જ ધીમેથી કહ્યું, ‘કરું, થોડી વારમાં.’

‘ચિત્તુના શું સમાચાર છે?’ મંજરી એમ હારે એવી નહોતી.

‘ભાભી...’ રઝાક નિરુત્તર થઈ ગયો.

‘મને ખબર છે, ચિત્તુ જીવે છે.’ મંજરીનું ગળું ભરાઈ આવ્યું, ‘માઝા બાળ... મારો દીકરો જીવે છે એ વાત સાંભળીને જ મારી ૧૪ વર્ષની તરસ જાગી ઊઠી છે. તેની દીકરીનાં પગલાં શુભ છે. આવતાંની સાથે એ છોકરીએ બાપને શોધી કાઢ્યો...’ મંજરી રડવા લાગી. રઝાકનું મગજ ચકરાવે ચડ્યું. આ છોકરીની શું વાત હતી? રઝાક કશું જાણતો નહોતો. તેર વર્ષથી ખોવાયેલા ભાઈને શોધવા ભાઉ એકદમ ધમપછાડા કરતો હતો એ સવાલ તેને ચોક્કસ થયો હતો, પણ એ સવાલનો જવાબ તેને મળ્યો નહોતો. મંજરીની વાતનો છેડો તેણે પકડી લીધો, તો કોઈ છોકરી હતી. ચિત્તુની દીકરી, પણ ચિત્તુ પરણેલો નહોતો. એનો અર્થ એમ થયો કે ચિત્તુનું કોઈ લફરું હતું ને એ લફરામાંથી જન્મી હતી આ, છોકરી નામની આઇટમ! તેણે અત્યારે વધુ સવાલો પૂછવાની જગ્યાએ મંજરીને સાંભળવાનું નક્કી કર્યું. મંજરીએ પણ કશું સમજ્યા વિના ભરડ્યે રાખ્યું, ‘મને એટલી તો ખબર હતી કે ચિત્તુ ઓછો નથી. ગામેગામ નાનાંમોટાં ચક્કર ચલાવતો જ હશે, પણ આવી રીતે પોતાની નિશાની છોડી હશે...’ મંજરી ફરી રડવા લાગી.

‘રડો છો શું કામ? તમારે તો ખુશ થવું જોઈએ. વંશ ચાલ્યો તમારો...’ રઝાક બોલ્યો તો ખરો, પણ તેને તરત જ સમજાયું કે તેણે મંજરીને નિઃસંતાન કહી. તેણે વાત વાળી લીધી, ‘ભાભી, ઈશ્વરે તમારી સામે ન જોયું તો કંઈ નહીં, તમારા દીકરા જેવા ચિત્તુ સામે તો જોયુંને? તમારે તો દીકરાને ઘેર દીકરી છે. નાતીન છે તમારી. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય કે નહીં?’ કહીને તેણે સાવધાનીથી પૂછ્યું, ‘ક્યાં છે એ ભાગ્યશાળી છોકરી?’

‘વાઈ ગામની છે.’ મંજરીએ બાફી માર્યું, ‘અજિતા નામ છે તેનું.’ કહેતાં-કહેતાં મંજરીના ચહેરા પર ભીની આંખે સ્મિત આવી ગયું.

રઝાક કંઈ બોલે એ પહેલાં દત્તાત્રેયે બૂમ પાડી, ‘કોનો ફોન છે?’

‘એ તો... ઘરેથી છે.’ કહીને રઝાકે ધીમેથી કહ્યું, ‘પછી ફોન કરું.’ ફોન તો ડિસકનેક્ટ થઈ ગયો, પણ રઝાકના મગજમાં વિચારો ઍક્ટિવેટ થઈ ગયા. ચિત્તુ જીવે છે. તેને દીકરી છે એટલે પત્ની પણ હશે જ. તે પાછો આવશે તો દત્તાત્રેયના સામ્રાજ્યને એક ઑફિશ્યલ વારસ મળશે, એમ થાય તો પોતાનું પત્તું કપાય. અત્યાર સુધી રઝાક એમ જ માનતો હતો કે ચિત્તુ ગુજરી ગયો છે. રઝાક પરનો દત્તાત્રેયનો વિશ્વાસ જોતાં, બન્નેનું છેલ્લાં થોડાં વર્ષોનું લાગણીનું બંધન જોતાં દત્તાત્રેયનું સામ્રાજ્ય હવે પોતાનું જ છે એ વાતની રઝાકને ખાતરી હતી.

પહેલાં પણ ચિત્તુનો રખેવાળ હોવાનો દાવો કરતો રઝાક મનોમન એવું ઇચ્છતો જ હતો કે ચિત્તુ કોઈ લફરામાં ફસાય અને તેનું એન્કાઉન્ટર થાય કે ગૅન્ગ વૉરમાં તે પતી જાય. રઝાક તેને પોતાની સાથે પણ એટલા માટે જ લઈ જતો જેથી ચિત્તુને ઊંધા રવાડે ચડાવી શકાય. ચિત્તુ પણ આંખ મીંચીને રઝાકનો ભરોસો કરતો. કાચી ઉંમરના ચિત્તુને લાગતું હતું કે તેનો ભાઈ કડક હતો. તેની ગતિવિધિ પર નજર રાખતો અને કારણ વગર રોકટોક કરતો હતો, જ્યારે રઝાક તેનો મદદગાર-મસીહા હતો. તેનો યાર હતો. તેનો પાર્ટનર ઇન ક્રાઇમ હતો. એ બધું જ પેલી ભયાનક ઘટનાની રાત્રે અમદાવાદમાં પૂરું થઈ ગયું. ચિત્તુ ખોવાઈ ગયો, રઝાક ઘેર પાછો ફર્યો અને દત્તાત્રેયની વધુ નજીક-તેનો વધુ વિશ્વાસપાત્ર બનીને પોતાનું કામ કાઢતો રહ્યો.

હવે સમીકરણ બદલાયાં હતાં. ચિત્તુ પાછો ફરે એવી શક્યતા ઊભી થઈ હતી... એમાં વળી આ નવો પરિવાર અને દીકરી ઉમેરાયાં, એનાથી રઝાકને બહુ ચીડ ચડી હતી. તે કશું બોલ્યો નહીં, પણ તેના મગજમાં ચિત્તુને કેવી રીતે હટાવવો એનો પ્લાન શરૂ થઈ ગયો.

lll

ભાઈનો ફોન મૂક્યા પછી ચિત્તુ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. આટલાં વર્ષો પછી તેની પાસે ઘરે જવાની શક્યતા ઊભી થઈ હતી. તે બ્રૂઝમાં રહેતો હતો. શક્ય તમામ સગવડો અને એશઆરામની બધી ચીજો હતી તેની પાસે, પણ તેને ઘર બહુ યાદ આવતું. ભાભીના લાડ અને ભાઈનું વહાલ જ્યારે યાદ આવતું ત્યારે તે વધુ એકલો પડી જતો. હવે જ્યારે દત્તાત્રેય તેને ઘરે પાછો બોલાવતો હતો ત્યારે ચિત્તુ એક દિવસ પણ રાહ જોઈ શકે એમ નહોતો.

એક તરફથી તેને ઘરનું આકર્ષણ-પ્રેમ ખેંચતાં હતાં ને બીજી તરફ તેને રહી-રહીને ઋતુરાજના શબ્દો યાદ આવતા હતા. એ શબ્દો તેને ડરાવતા હતા. દત્તાત્રેય MLA બન્યો એ પહેલાં તેણે ચિત્તુના નામે ઘણી જમીનો ખરીદી હતી. બહુ બધાં મકાનો અને દુકાનો પણ ચિત્તુના નામે હતાં.

ચિત્તુએ તેના વૈભવી ઘરમાં આવેલા નાનકડા બાર પાસે જઈને પોતાને માટે સિંગલ મૉલ્ટનું ડ્રિન્ક બનાવ્યું. કાચની મોટી-મોટી ફ્રેન્ચ વિન્ડોઝ પાસે આવેલા નાનકડા સોફા પર બેસીને તેણે ધીમે-ધીમે ડ્રિન્ક સિપ કરવા માંડ્યું. તેનાં જ બે મન એકબીજા સામે દલીલ કરતાં હતાં. તેનું એક મન કહેતું હતું કે હું આટલાં વર્ષથી ગુમ છું. સાત વર્ષ સુધી માણસ ન જડે તો કોર્ટ એને મરેલો માની લે છે. દત્તાત્રેય આરામથી પોતાને ફરાર જાહેર કરીને આ પ્રૉપર્ટી પોતાના નામે કરી શક્યો હોત, પણ તેણે એવું ન કર્યું એનો અર્થ એ છે કે ભાઈ કદી ખોટો ન હોય. જેણે મને દીકરાની જેમ ઉછેર્યો તે ક્યારેય મારા મૃત્યુનો વિચાર પણ ન કરે. જ્યારે તેનું બીજું મન કહી રહ્યું હતું કે ત્યારે જે પ્રૉપર્ટી લાખોની હતી એ હવે કરોડોની થઈ હશે. દત્તાત્રેય હવે પાવરફુલ માણસ બની ગયો હતો. હું જીવું છું કે નહીં એ વાતની ખાતરી કરવા જ કદાચ તેણે મને શોધ્યો છે... હવે હું ભારત જાઉં એટલે એક યા બીજા બહાના હેઠળ મને પતાવી દેવાનું એ ષડયંત્ર રચે. તેને અને સૌને ખાતરી થઈ જાય કે હું મરી ગયો છું તો બધું તેને મળી જાય...

અત્યાર સુધી ભાઈને ભગવાનની જેમ પૂજતો ચિત્તુ કોઈ કારણ વગર આ અસમંજસમાં અટવાયો હતો. ભારત જવું કે નહીં એ વિશેનો નિર્ણય કરી શકતો નહોતો. તે ગૂંચવાયેલો-ખોવાયેલો બેઠો હતો ત્યાં અચાનક તેના ફોનની રિંગ વાગી. ફરી ઋતુરાજ હતો, ‘શું થયું? ભરતમિલાપ પતી ગયો?’ તેણે પૂછ્યું.

‘તને ખરેખર લાગે છે કે... તેના મનમાં કંઈ ખોટ હશે?’ ચિત્તુ અચકાઈ ગયો, ‘ભાઉ બોલાવે છે. હું આવું કે નહીં?’

‘જો! હું તારી જગ્યાએ હોઉં તો શું વિચારું, એટલું જ કહ્યું મેં તને...’ ઋતુરાજ સમજી-વિચારીને પત્તાં ઊતરી રહ્યો હતો, ‘તારે ડરવાની જરૂર નથી, બસ સાવધ રહેજે. આંખ, કાન ખુલ્લાં રાખજે, ખતરો સૂંઘતો રહેજે.’ તે હસ્યો, ‘તારે ભારત આવવું જોઈએ’ કહીને ઋતુરાજે ડાર્ટ બોર્ડ પર તીર માર્યું, ‘મોહિનીનો હિસાબ પણ બાકી તો છે જને?’

આ એક સવાલે ચિત્તુના મનમાં આગ લગાડી દીધી. મોહિનીએ તેની સાથે જે કંઈ કર્યું એ ચિત્તુ એક ક્ષણ માટે ભૂલી શક્યો નહોતો એટલું જ નહીં, તેને લીધે પોતે જે સહન કરવું પડ્યું એનો બદલો લઈને મોહિનીને બરબાદ કરી નાખવાનાં સપનાં ચિત્તુએ આ બધાં વર્ષોની તમામ રાતોએ જોયાં હતાં. ઋતુરાજની વાત સાંભળીને ચિત્તુને પણ લાગ્યું કે જાણે તેને તેનો સમય બોલાવી રહ્યો હતો... મોહિનીને પાઠ ભણાવવાનો મોકો આવી ગયો હતો.

lll

‘શું થયું છે?’ અનંતે પૂછ્યું તો ખરું પણ તે જવાબ સાંભળી શકે એવી સ્થિતિ નહોતી. અખિલેશ તેની સામે એકધારી નજરે જોઈ રહ્યો હતો. અનંતે કહ્યું, ‘હું તને પછી ફોન કરું છું.’ પરંતુ શામ્ભવીનો ફોન ડિસકનેક્ટ કર્યા પછી અનંતનું મન ઑફિસના કામમાંથી નીકળીને ભટકવા લાગ્યું. અખિલેશે આ વાતની નોંધ લીધી.

અનંતને શામ્ભવી માટે અદમ્ય આકર્ષણ હતું, પરંતુ અખિલેશની હાજરીમાં તે પોતાની લાગણી કે પ્રેમ વ્યક્ત કરી શકતો નહીં. જ્યારથી કમલનાથના ઘરમાં બનેલી ઘટનાઓની વિગતો અખિલેશની સામે આવી હતી ત્યારથી તેનો કમલનાથની દીકરી સાથે પોતાના દીકરાને પરણાવવાનો ઉત્સાહ સાવ ઓસરી ગયો હતો, બલકે અખિલેશે એવાં બહાનાંઓનું લિસ્ટ બનાવી દીધું હતું જેનાથી આ સંબંધ ટાળી શકાય. અખિલેશ સોમચંદ અને તેની પત્ની પલ્લવી બન્ને જણ પેજ થ્રી પર નિયમિત દેખાતી સેલિબ્રિટીઝ હતાં. વિદેશ પ્રવાસ કે પાર્ટી વખતે અખિલેશ તેની સોશ્યલ મીડિયા મૅનેજમેન્ટની ટીમને પાપારાઝીઓને હાજર રાખવાની સૂચના આપતો... એ બન્ને ગોલ્ડન કપલ કહેવાતાં! આ પરિસ્થિતિમાં જો કમલનાથની દીકરી સાથે એન્ગેજમેન્ટ થાય ને પછીથી કબાટમાંથી ફૅમિલી સ્કૅન્ડલનાં હાડપિંજર નીકળે તો અખિલેશ સોમચંદની પ્રતિષ્ઠા માટે એ મોટો સવાલ ઊભો કરે, આવા બધા વિચારો કરીને તેણે છેલ્લા દસ દિવસથી કમલનાથને ફોન પણ નહોતો કર્યો.

 બીજી તરફ કમલનાથ પોતાની દીકરી અનંતની નિકટ આવી રહી હતી એ જોઈને ખુશ થઈ રહ્યા હતા. તેમણે વિચારી લીધું હતું કે આવનારા અઠવાડિયે અખિલેશ સોમચંદ સાથે મીટિંગ કરીને એન્ગેજમેન્ટની તારીખ નક્કી કરી લેવી. અખિલેશના મગજમાં ચાલતા ઉતાર-ચડાવની તેમને કલ્પના પણ નહોતી.

શામ્ભવીનો ફોન ડિસકનેક્ટ કરીને અનંતે ઑફિસના કામમાં રસ લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું મન ભટકતું હતું એ જોઈને અખિલેશને લાગ્યું કે વાત કરી જ લેવી પડશે, ‘શામ્ભવી...’

‘જી, ડૅડ.’ અનંતે કહ્યું.

‘સમજાવ તેને, તેની પાસે કોઈ કામ નથી. તું બિઝી છે...’ કહીને તેમણે ઉમેર્યું, ‘જે કંઈ ચાલી રહ્યું છે એ પછી આ સંઘ કાશીએ પહોંચશે એવી કોઈ ખાતરી નથી આપતો હું.’

‘એટલે?’ અનંત અપસેટ થઈ ગયો.

‘એટલે એમ કે...’ અખિલેશને લાગ્યું કે હવે વાત ટાળવાનો અર્થ નથી, ‘આ લગ્ન હું ત્યાં સુધી કન્ફર્મ નહીં કરું જ્યાં સુધી કમલનાથના કૅરૅક્ટર અને ફૅમિલી સ્કૅન્ડલ્સની ક્લીન ચિટ મળે નહીં.’

‘શું વાત કરો છો, ડૅડ!’ અનંત ડરી ગયો, ‘આપણે તેમને ઘરે જઈને માગું નાખી આવ્યાં છીએ...’

‘હા, તો?’ અખિલેશે ખભા ઉલાળ્યા, ‘ત્યારે તેમણે આ બધું કહ્યું નહોતું.’

‘શું બધું?’ અનંત માટે પિતાનો આ નવો વ્યવહાર ભયાનક હતો, ‘મારે માટે ફૅમિલી નહીં, શામ્ભવી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે પણ હતી...’ તેણે જરા ભારપૂર્વક કહ્યું, ‘હું શામ્ભવી સાથે લગ્ન કરવાનો છું, પરિવાર સાથે નહીં.’

‘પણ મારે તો પરિવાર સાથે સંબંધ રાખવાનો, રાઇટ?’ અખિલેશના અવાજમાં એક વિચિત્ર પ્રકારના સત્તાવાહી સૂરને સાંભળીને અનંતને સમજાઈ ગયું કે પિતાએ મનોમન નિર્ણય કરી લીધો હતો. અખિલેશ એકદમ વર્ચસ્વ ધરાવતો માણસ હતો. તે કોઈનાં સૂચન કે દલીલ સાંભળતો નહીં. પત્ની કે પરિવારમાં કોઈને અખિલેશની સામે દલીલ કરવાની કે અવાજ ઉઠાવવાની છૂટ નહોતી મળતી. અનંત નિરાશ થયો છતાં તેણે એક વાર પિતાને કહેવાનો પ્રયાસ કર્યો, ‘આઇ લવ હર.’ જોકે તેના અવાજમાં તેની નિરાશા સ્પષ્ટ સંભળાઈ.

‘લવ હર... એની હું ક્યાં ના પાડું છું. હળો, મળો, ડેટ કરો, સેક્સ કરો... સાથે ટ્રાવેલ કરો.’ અખિલેશે હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યું, ‘માણસને તરસ લાગે તો પાણી પી લે ક્યાંક... પણ ઘરનું માટલું તો ગાળીને ભરવું પડે સમજ્યો? અખિલેશ સોમચંદનો એકનો એક દીકરો છે તું. વહુ તો એ જ આવશે જેને હું પસંદ કરીશ.’

(ક્રમશઃ)

columnists kajal oza vaidya mumbai exclusive gujarati mid-day