01 December, 2024 05:24 PM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
મુંબઈના જુહુ, પવનહંસ ઍરપોર્ટ પર એક સિક્સસીટર પ્રાઇવેટ જેટ ઊડવાની તૈયારીમાં હતું. એમાં ચાર જણ હતા. એક માણસ, જે બાકીના ત્રણનો બૉસ-સાહેબ દેખાતો હતો અને તેણે ખાદીના સફેદ લેંઘો-ઝભ્ભો પહેર્યા હતા. પગમાં કોલ્હાપુરી ચંપલ સાથે તે સાદગીની મૂર્તિ દેખાતો હતો. તેના જમણા હાથના કાંડામાં રુદ્રાક્ષની માળાઓ લપેટાયેલી હતી અને ડાબા હાથમાં લેધર-બેલ્ટ સાથે ભારતીય બનાવટની મોટા ડાયલની ઘડિયાળ હતી. ટિન્ટેડ ગ્લાસવાળાં ચશ્માંમાંથી દેખાતી તેની આંખો કોઈ બાજ કે વાઘની આંખ જેવી શિકારી અને ઝનૂની હતી. ક્લીન શેવ્ડ, ગાઢી મૂછો સાથેનો તેનો અત્યંત સોહામણો, દેખાવડો કહી શકાય એવો ચહેરો જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો અઘરો હતો. ફાઇલો જોતી વખતે તેના ચહેરા પર આવતું સ્મિત કોઈ પણ સ્ત્રીને ચુંબકની જેમ ખેંચી શકે એવું, સહજ અને આકર્ષક હતું.
સૌ પ્રાઇવેટ જેટમાં પ્રવેશ્યા, તેના ત્રણ માણસો પાછળની સીટમાં ગોઠવાયા. ઝભ્ભો-લેંઘો પહેરેલો માણસ મુખ્ય સીટ પર ગોઠવાયો. તેની સામે ખૂલેલા ટેબલ પર ૧૫થી ૨૦ સરકારી ફાઇલનો ઢગલો હતો. વિમાને ટેક-ઑફ કર્યા પછી તેની સાથેના ત્રણ માણસમાંથી એક ઊભો થયો, ઝભ્ભો-લેંઘો પહેરેલા માણસ પાસે આવીને ઊભો રહ્યો અને એક પછી એક ફાઇલની વિગત સમજાવવા લાગ્યો. એ માણસ ફાઇલનાં પાનાં ઊથલાવતો રહ્યો, જરૂર લાગે ત્યાં સહી કરતો. દત્તાત્રેય શંકરરાવ મોહિતે. તેને જ્યાં યોગ્ય ન લાગે ત્યાં ફાઇલ બંધ કરીને મૂકી દેતો. અર્થ એ હતો કે એ ફાઇલમાં મુકાયેલી પ્રપોઝલ અત્યારે અને અહીં જ ખારીજ થઈ ચૂકી હતી.
મુંબઈથી ઊડેલી ફ્લાઇટ સાતારા જિલ્લાના કરાડ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ. ઝભ્ભો-લેંઘો પહેરેલો માણસ ઊભો થયો. તેણે ઝભ્ભો સરખો કર્યો, વાળમાં હાથ ફેરવ્યો, વૉશરૂમમાં જઈને પોતાનો ચહેરો જોયો, બહાર આવીને ફ્લાઇટનો દરવાજો ખૂલવાની પ્રતીક્ષા કરવા લાગ્યો.
દરવાજો ખૂલ્યો કે કરાડ ઍરપોર્ટ પર ઊભેલા IAS-IPS ઑફિસર્સ અને સાતારા જિલ્લાના મહત્ત્વના લોકો એ માણસનું સ્વાગત કરવા આગળ વધ્યા. પ્લેનમાંથી બહાર પડેલી નાનકડી સીડી પરથી એ માણસ નીચે ઊતર્યો ત્યારે સાતારા જિલ્લાના કલેક્ટરે આગળ આવીને નમસ્તે કર્યા, ‘સ્વાગત આહે, બાબાસાહેબ!’
‘ગાઉકર!’ પ્લેનમાંથી ઊતરેલા માણસે સ્નેહથી કલેક્ટરના ખભે હાથ મૂક્યો, ‘કશે આહાત? સઘળં બરોબર ચાલલં આહે કી ગરબડ?’ તે હસી પડ્યો.
‘ગરબડ કશી, બાબાસાહેબ? તમારા રાજમાં ગરબડને તો સ્થાન જ નથી’ કલેક્ટરે કહ્યું. એ પછી IPS અને બીજા ઑફિસર્સે આવીને વારાફરતી બાબાસાહેબનું સ્વાગત કર્યું. ઑફિસર્સ, બાબાસાહેબના ત્રણ માણસો અને બાબાસાહેબ સાથે સૌ બહાર નીકળ્યા ત્યારે ઍરપોર્ટ પર સ્વાગત કરવા એકઠા થયેલા લોકોની ભીડ જોઈને બાબાસાહેબના ચહેરા પર પેલું સહજ, આકર્ષક સ્મિત આપોઆપ પ્રગટ્યું.
‘બાબાસાહેબ ઝિંદાબાદ’ અને ‘બાબાસાહેબ અમર રહો’ના નારા લગાવતી ભીડના હાથમાં પોસ્ટર્સ અને સફેદ કપડામાં સિંહના કેસરી ચિત્રવાળા ત્રિકોણ ઝંડા હતા. ઍરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી અનેક લોકો ઝંડા હલાવતા, પોસ્ટર ઝુલાવતા, બાબાસાહેબનું સ્વાગત કરવા, તેમની એક ઝલક જોવા ઊભા રહ્યા હતા. ખુલ્લી જીપમાં આગલી સીટ પર ઊભા રહીને હાથ હલાવતા બાબાસાહેબ સૌનું અભિવાદન કરતાં સાતારા સર્કિટ હાઉસ પહોંચ્યા એમાં લગભગ એક-સવા કલાક થઈ ગયો. સર્કિટ હાઉસ પહોંચીને બાબાસાહેબ જીપમાંથી નીચે ઊતર્યા. તેમના ત્રણ માણસો તેમની પાછળ-પાછળ દાખલ થયા. બાકીના ઑફિસર્સ કૉન્ફરન્સ-રૂમમાં જઈને બેઠા.
બાબાસાહેબ કૉન્ફરન્સ-રૂમમાં પ્રવેશ્યા ત્યારે એક વિચિત્ર પ્રકારનો સન્નાટો હતો. ટેબલની મુખ્ય સીટ પર ગોઠવાતાં બાબાસાહેબે પૂછ્યું, ‘બૅન્ક-રૉબરીના કેસનું શું થયું? ૬ દિવસ થયા. પોલીસ પાસે હજી કોઈ ક્લુ નથી. પબ્લિક મારા માથે માછલાં ધુએ છે... મીડિયા હાથ ધોઈને પાછળ પડ્યું છે.’
‘સર, CCTV કૅમેરાનાં ફુટેજમાં કશું જ દેખાતું નથી. તેમણે દાખલ થતાંની સાથે CCTV કૅમેરાના સ્ક્રીન પર સ્પ્રે પેઇન્ટ માર્યો છે. રૉબરીમાં વપરાયેલી ગાડી એ લોકોએ બે કિલોમીટર દૂર છોડી દીધી છે એટલે સ્નિફર ડૉગ એનાથી આગળ જતા નથી.’
સાતારા જિલ્લાના DGએ નિરાશ સ્વરે કહ્યું. બાબાસાહેબના ચહેરા પર એ સોહામણું સ્મિત ફરી ધસી આવ્યું.
‘અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ સર, પણ...’ કલેક્ટરના અવાજમાં નિષ્ફળતા સ્પષ્ટ સંભળાતી હતી.
‘૧૩૦ કરોડની ચોરી છે...’ બાબાસાહેબનો અવાજ સહેજ કડક થયો. તેમની શિકારી આંખોમાં ક્યાંક એક વિચિત્ર ઝનૂન ધસી આવ્યું, ‘બૅન્કમાં આટલી કૅશ છે, મોટા-મોટા માણસોનાં લૉકર છે એની પૂરી માહિતી સાથે ઘૂસ્યા હતા આ લોકો. કેટલા માણસ હતા એની પણ ખબર નથી - કરણાર કાય તુમ્હી?’
તેમણે અલ્ટિમેટમ આપ્યું, ‘તમારી પાસે બે દિવસ છે. સાચા ચોર ન મળે તો કોઈને પણ પકડીને કબૂલાત કરાવી લો. મારે મીડિયાને જવાબ આપવાનો છે.’
એ પછી બીજી વહીવટી ચર્ચાઓ થતી રહી, પણ બાબાસાહેબના મગજમાંથી બૅન્ક-રૉબરીની વાત એક ક્ષણ માટે પણ હટી નહીં. બધી ચર્ચાઓ પૂરી થઈ એ પછી બાબાસાહેબે રૂમમાં જઈને તેમના બે સેલફોન ટેબલ પર મૂક્યા. તેમની નાનકડી હૅન્ડબૅગમાંથી ત્રીજો સેલફોન બહાર કાઢ્યો, એક નંબર લગાડ્યો, ‘દત્તુ.’ તેમણે કહ્યું.
‘બોલા સાહેબ.’ સામેથી એક કરડો, ઘસાયેલો અવાજ સંભળાયો.
‘કાય બોલાયચ?’ બાબાસાહેબના અવાજમાં તલવારની તેજ ધાર હતી, ‘મારો હિસ્સો હજી સુધી મને પહોંચ્યો નથી.’ તેમણે ઉમેર્યું, ‘એક વાર માથા પરથી હાથ લઈ લઈશ તો ભગવાન પણ નહીં બચાવી શકે.’ સામેના છેડે રહેલો માણસ હસવા લાગ્યો, ‘પહેલી વાર ધંધો કરો છો મારી સાથે?’ તેને બાબાસાહેબની બીક નહોતી એવું લાગ્યું, ‘પહોંચાડી દઈશ... વાતાવરણ જરા ઠંડું થાય તો રોકડા રૂપિયા લઈને નીકળાય. ચેકિંગ થાય તો તું જ ફસાઈશ.’ આટલા મોટા માણસને ‘તું’ કહીને સંબોધનાર વ્યક્તિ તેની ખૂબ નિકટ હશે એ સમજી શકાય એવું હતું. એ માણસે સાવ નિરાંતમાં કહ્યું, ‘આજ સુધી તારી સાથે બેઈમાની નથી કરી, પછી ઉતાવળો કેમ થાય છે?’
‘બેઈમાની નથી કરી, પણ તારી ઈમાનદારી પર ભરોસો નથી મને.’ બાબાસાહેબનો અવાજ અચાનક ગળગળો થઈ ગયો. ચિત્તુને લઈને ગયો હતો તું, ક્યાં મૂકી આવ્યો? તે ક્યાં જતો રહ્યો એ હજી સુધી નથી શોધી શક્યા આપણે. બાબાસાહેબની કરડાકી, ઈગો, પાવર બધું જ જાણે આ એક નામ બોલતાં-બોલતાં મીણની જેમ પીગળી ગયું, ‘ક્યાં છે મારો ચિત્તુ? તારી સાથે ગયો હતો. ૧૩ વર્ષ થયાં એ વાતને. તેના કોઈ સમાચાર, અતોપતો નથી. કેવી રીતે ભરોસો કરું તારા પર?’
‘હજાર વાર કહી ચૂક્યો છું તમને. મને હોટેલમાં મૂકીને તે નીકળી ગયો. ‘ગર્લફ્રેન્ડને મળીને આવું છું’ કહીને ગયો હતો. હું રાહ જોતો રહ્યો... તે આવ્યો જ નહીં.’ સેલફોન પર સામેના છેડે રહેલા માણસે જરાક અકળાઈને કહ્યું, ‘દસ હજાર વાર કહી હશે આ વાત મેં તમને. તુઝા માઝ્યા વર વિશ્વાસ જ નાહી.’
‘કશ કરણાર વિશ્વાસ?’ બાબાસાહેબ ઉશ્કેરાઈ ગયા, ‘ભાઈ હતો મારો... દીકરાથીય વધારે. તારી સાથે ગયો હતો અમદાવાદ...’
‘મારી નાખો મને. એક ગોષ્ટ સંપુ દે. માઝા આણિ તુમચા દોઘાંચા સુટકા કરા...’ ગુસ્સે થઈને એ માણસે ફોન મૂકી દીધો. બાબાસાહેબ પલંગમાં બેસી પડ્યા. ટેબલ પર પડેલા બે સેલફોનમાંથી એક ફોન ઉપાડીને તેમણે પિક્ચર-ગૅલરીમાં જઈને ચિત્તુ ઉર્ફે ચિત્તરંજનના ફોટો જોવા લાગ્યા. આજે પણ એ ફોટો જોતાં તેમની આંખોમાં આંસુ આવી ગયાં. ફોટોમાં દેખાતા અતિશય હૅન્ડસમ, બેફિકર અને સ્ટાઇલિશ યુવાનના ગાલ પર હાથ ફેરવીને તેમણે પૂછ્યું, ‘કુઠે આહેસ તૂ, ચિત્તુ? જ્યાં હોય ત્યાંથી પાછો આવ... હું તારી રાહ જોઉં છું.’
lll
‘જય અંબે ટી સ્ટૉલ’ પર અનંતની તરફ પીઠ કરીને બેઠેલો સની તેને કહી રહ્યો હતો, ‘કવર ખોલીને જોઈ લેજે બ્રો! મેં જોયું ત્યારે મારી ફાટી ગઈ, તું જુએ તો કદાચ તને હાર્ટ-અટૅક આવે.’
‘છે શું?’ અનંતે પણ કાનમાં બ્લુટૂથ ચડાવ્યાં. એ પણ જાણે કોઈકની સાથે વાત કરતો હોય એવો ડોળ કરવા લાગ્યો, ‘કમલનાથનું કોઈ સ્કૅન્ડલ છે કે પછી...’
એનું વાક્ય પૂરું થાય એ પહેલાં સનીએ કહ્યું, ‘આ રેકૉર્ડ્સ પોલીસ પાસે છે તો ખરા, પણ એવિડન્સ તરીકે રજૂ કરવામાં નહોતા આવ્યા. કોઈક પ્રાઇવેટ ડિટેક્ટિવે પાડેલા ફોટો છે આમાં... સાથે-સાથે...’ સનીને લાગ્યું કે કાઉન્ટર પર બેઠેલો માણસ કૅલ્ક્યુલેટર પર હિસાબ કરતો હોવાની ઍક્ટિંગ કરતાં-કરતાં તેની સામે જોઈ રહ્યો છે. તે ગભરાયો. વાત કરતાં-કરતાં ઊભો થઈ ગયો, ‘ઓકે સર... મૈં અભી પહોંચતા હૂં... બીસ મિનિટ સર...’ કહીને તેણે ટેબલ પર ૧૦૦ રૂપિયાની નોટ મૂકીને અને જાણે કવર ભૂલી જ ગયો હોય એમ બેધ્યાનપણે વાત કરતો-કરતો ટી-સ્ટૉલની બહાર નીકળી ગયો.
બીજી તરફ અનંત વાતો કરવાની ઍક્ટિંગ કરતો રહ્યો. પછી પાંચ-દસ મિનિટ રહીને ઊભો થયો. તે કાઉન્ટર તરફ ગયો, ચાના પૈસા ચૂકવ્યા અને પાછા ફરતાં જાણે અચાનક નજર ગઈ હોય એમ તેણે કહ્યું, ‘અરે યે કવર ભૂલ ગયા...’ કાઉન્ટર પરનો માણસ કે વેઇટર કશું સમજે એ પહેલાં અનંતે કવર ઉપાડી લીધું. તે સનીની પાછળ દોડ્યો, ‘અરે... બ્રો... ઓ મિસ્ટર...’ અનંત દોડતો ‘જય અંબે ટી સ્ટૉલ’ની બહાર નીકળીને નાનકડી ગલી વટાવીને તે મેઇન રોડ પર આવ્યો. કદાચ કોઈ પીછો કરતું હોય તો તેને પણ કવરનો આ કિસ્સો સાચો જ લાગે એ માટે આ બધા સમય દરમ્યાન તેણે સનીને શોધવાનો અભિનય ચાલુ રાખ્યો. તેણે પાછળ વળીને જોયું, ‘જય અંબે’માં અનંત દાખલ થયો ત્યારે ટી-સ્ટૉલની બહાર ઊભો રહીને સિગારેટ પી રહેલો એક માણસ અનંતની પાછળ-પાછળ ગલી વટાવીને મુખ્ય રસ્તા સુધી આવ્યો હતો. ઇન્ટેલિજન્ટ અને શાર્પ અનંતને તરત જ ખ્યાલ આવી ગયો કે આ માણસ સનીનો પીછો કરી રહ્યો હતો. હવે મુખ્ય રસ્તા પર આવીને પણ અનંતે આમતેમ જોયું. સની ક્યાંય દેખાયો નહીં. તેણે કવર ખોલીને અંદરથી કોઈ કાર્ડ કે વિગતો શોધતો હોય એવો અભિનય કર્યો. એમાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. સનીએ કહ્યું હતું એમ જ તેણે એ કાર્ડ ધ્યાનથી જોયું, પછી ફરી પાછું કવરમાં નાખીને તે ગાડીમાં ગોઠવાઈ ગયો. અત્યાર સુધીમાં અનંતને બે લીટર પરસેવો થઈ ગયો હતો. તેનું આખું શર્ટ, કપાળ, વાળની અંદરના સ્કાલ્પ પણ ભીના થઈ ગયા હતા. તેણે આવું કોઈ દિવસ કર્યું નહોતું. ગાડીનું AC અને ફૅન ફુલ સ્પીડમાં ચાલુ કરીને તે થોડો સમય ગાડી ચલાવતો રહ્યો. બ્રાઉન પેપરના એ કવરને અડવાની હજી તેની હિંમત નહોતી ચાલી.
તે સીધો ઑફિસ ગયો. પોતાની કૅબિનમાં દાખલ થઈને તેણે દરવાજો બંધ કર્યો, ફફડતા જીવે તેણે એ બ્રાઉન પેપરનું કવર ખોલ્યું. અંદરથી જાણે સળગતા અંગારા નીકળી પડ્યા હોય એમ અનંત ડઘાઈ ગયો. મોહિની સાથે એક અત્યંત હૅન્ડસમ દેખાતા, વેલબિલ્ટ છોકરાના અંગત ફોટો, FIR અને લાશની સાથે રાધાનો DNA મૅચ નથી થતો એવી સ્પષ્ટ વિગતો સાથેનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ. એટલું ઓછું હોય એમ, ઘરના લોકોનાં સ્ટેટમેન્ટ્સ જે એકબીજાથી જુદાં પડતાં હતાં. કોઈકે કહ્યું કે માણસ ચોરી માટે ઘૂસ્યો હતો. પદ્મનાભે કહ્યું તે ઊંઘમાં હતો. તેને કાંઈ ખબર જ નથી. મોહિનીએ કહ્યું કે તે અવાજ સાંભળીને જાગી... તેને જોનાર એકમાત્ર વ્યક્તિ રાધા હતી એવું પોલીસ-રિપોર્ટ્સમાંથી ફલિત થતું હતું. અનંતને નવાઈ લાગી, કારણ કે જે દિવસે રાતે એ માણસ ઘૂસી આવ્યો એના બીજા દિવસે, તેને નજરે જોનાર એકમાત્ર વ્યક્તિનું મૃત્યુ થયું... પોલીસ-રિપોર્ટમાં સંદિગ્ધ વિગતો હતી. આત્મહત્યા ને અકસ્માત વચ્ચે ક્યાંક સમાધાન શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફાઇલ એક અઠવાડિયામાં ક્લોઝ થઈ ગઈ. ન માણસ પકડાયો કે ન રાધાના મૃત્યુનું સાચું કારણ બહાર આવી શક્યું. અનંતે ઘરમાં ઘૂસી આવેલા એ માણસનો સ્કેચ જોયો, જે મોહિની સાથેના માણસની તસવીર સાથે થોડો મૅચ કરતો હતો.
અનંત ગૂંચવાઈ ગયો. આ બધી વિગતો શામ્ભવીને આપવી કે નહીં એનો નિર્ણય બહુ અઘરો હતો, પરંતુ પોલીસ-ચોપડે ચડેલા અને નહીં ચડેલા આ બધા પુરાવા તપાસતાં અનંતને એક વાતની ખાતરી થઈ ગઈ કે શામ્ભવી તદ્દન ખોટી નહોતી. આ કેસને પહેલી નજરે જોતાં જ એમાં ઘણાં લૂપહોલ્સ જોઈ શકાતાં હતાં.
lll
જેલમાં મા-દીકરીની મુલાકાત હૃદયસ્પર્શી હતી. રિતુ અગ્રવાલની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં, ‘હું આજે સત્ય જાણ્યા વગર અહીંથી જવાની નથી...’ શામ્ભવી જીદે ચડી હતી. રાધા તેને સમજાવીને થાકી હતી, પરંતુ તેની કોઈ દલીલ, કોઈ વિનંતી શામ્ભવીને માન્ય નહોતી.
રાધાએ ધીમા અવાજે છેલ્લી વાર કહ્યું, ‘બેટા, હું કમલની પત્ની છું, કમલ એ ઘરના વડીલ છે. ઘરની કોઈ પણ વ્યક્તિની નાનીમોટી ભૂલ થાય કે તેના પર મુશ્કેલી આવે તો તેને બચાવવાની જવાબદારી મારી અને તારા બાપુની છે. સમજી લે કે પરિવારમાં એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ હતી. કોઈ એકનો ભોગ લેવાશે એવું નક્કી હતું... તારા બાપુ માટે ડાબી આંખ ફોડવી કે જમણી એવો પ્રશ્ન હતો.’
‘કોણ?’ શામ્ભવીની ધીરજ ખૂટી ગઈ હતી. તે હવે સમજાવટ કે સ્ટોરી કશુંય સાંભળવા તૈયાર નહોતી, ‘કોણ હતું એ?’ તેણે પૂછ્યું, ‘જેને બચાવવા માટે તને...’ અત્યંત ચતુર અને હોશિયાર છોકરીના મગજનું ડેટા પ્રોસેસિંગ શરૂ થઈ ચૂક્યું હતું, ‘એક મિનિટ, એક મિનિટ... મોહિની માટે તો બાપુ કંઈ કરે નહીં. હું બહુ નાની હતી. એનો અર્થ એમ થયો કે પદ્મકાકા...’ રાધાની આંખો ઝૂકી ગઈ અને શામ્ભવીની આંખો ચમકી ઊઠી, ‘યસ!’ તેણે કહ્યું, ‘પદ્મકાકા, ફૉર શ્યૉર.’ તેનું મગજ વધુ ઝડપથી, વધુ તેજ ચાલવા લાગ્યું, ‘ઘરમાં ઘૂસી આવેલો માણસ એટલે... બાપુનો કોઈ રાજકીય રાઇવલ?’ રાધા કશું જ બોલ્યા વગર શામ્ભવી સામે જોતી રહી, શામ્ભવી આગળ ને આગળ ઝડપથી વિચારતી હતી. તેણે કહ્યું, ‘પણ રાજકીય રાઇવલ હોય તો પદ્મકાકા શા માટે તેને...’ તેણે આંખો ઝીણી કરીને પૂછ્યું, ‘મોહિની?’ આ નામ બોલતાં જ તેને અડધી રાતે સર્વન્ટ ક્વૉર્ટરથી પાછી આવતાં પકડાયેલી મોહિનીનો ચહેરો યાદ આવી ગયો, ‘મોહિનીનો બૉયફ્રેન્ડ?’ રાધાએ જવાબ ન આપ્યો, પણ તેની આંખો પહોળી થઈ ગઈ, કપાળ પર પરસેવો બાઝી ગયો. કપાળ પર પરસેવાનાં બૂંદ ચમકવા લાગ્યાં, ‘યસ... એ જ!’ કડીમાં કડી ગોઠવાતી જતી હતી. રાધાએ ન આપ્યા છતાં મળી ગયેલા જવાબના સમર્થન પછી ઉશ્કેરાટમાં ઊભી થઈને આંટા મારી રહેલી શામ્ભવીએ મા તરફ જોઈને કહ્યું, ‘મોહિનીને મળવા આવ્યો હતો એ માણસ... તેં પકડ્યો... પદ્મકાકાએ તેને...’ તેણે ડોકું ધુણાવ્યું, ‘ઓહ નો! એટલે તે મરી ગયો... કોણ હતો એ?’
‘પ્લીઝ, બેટા!’ જે સવાલો પર છેલ્લાં ૧૩ વર્ષથી વિસ્મૃતિની ધૂળ ચડી ગઈ હતી એ સવાલોના જવાબો આટલી સરળતાથી શોધી રહેલી દીકરીની બુદ્ધિ પર એક વાર તો રાધાને ગૌરવ થયું, પણ બીજી તરફ તે ડરી ગઈ, ‘અહીં જ અટકી જા.’ તેણે બે હાથ જોડ્યા, ‘જે કંઈ થયું એ ભયાનક હતું. હવે તું અહીં નહીં અટકે તો જેકાંઈ થશે એ એનાથી પણ વધારે ભયાનક હશે.’ રાધાની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યાં, ‘તને કંઈ પણ થશે તો હું જીવી નહીં શકું.’
‘મને કંઈ નહીં થાય મા... બસ! મને તેનું નામ આપી દે.’ શામ્ભવીએ ઉશ્કેરાઈને રાધાને બન્ને ખભેથી પકડી લીધી... રિતુ તેને છોડાવે એ પહેલાં ઇન્ટરોગેશન-રૂમનો દરવાજો ખૂલ્યો. સોલંકી પ્રવેશ્યો. તેની આંખોમાં સમય પૂરો થઈ ગયાની નોટિસ હતી. રાધા પણ મનોમન ઇચ્છતી હતી કે હવે આ ચર્ચા અહીં જ પૂરી થઈ જાય તો સારું. શામ્ભવી જે રીતે સાચા જવાબ શોધીને એક પછી એક પગથિયું ચડી રહી હતી એ રીતે પૂર્ણ સત્ય સુધી પહોંચતાં તેને વાર નહીં લાગે એ ભયથી રાધા ધ્રૂજી ઊઠી હતી. તે ઊભી થઈ ગઈ... સોલંકી બહાર નીકળ્યો, રાધા પણ તેની પાછળ-પાછળ ચાલવા લાગી. શામ્ભવીને ભેટ્યા વગર, વહાલ કર્યા વગર રૂમની બહાર નીકળી રહેલી રાધાને પોતાની પાછળથી શામ્ભવીનો અવાજ સંભળાયો, ‘તું ગમે તએટલું છુપાવ - સત્યની લાશ સપાટી પર આવ્યા વિના રહેશે નહીં. હું શોધી કાઢીશ કે તે કોણ હતો, હું શોધી કાઢીશ કે તને શા માટે ફસાવવામાં આવી અને કોણે ફસાવી...’
બહાર નીકળતી રાધાએ પાછળ ફરીને જોયું. તેની આંખોમાં રહેલી કરુણા, આજીજી અને આંસુનાં પૂરમાં તે જાણે બોલ્યા વગર શામ્ભવીને કહી રહી હતી, ‘અટકી જા બેટા... રોકાઈ જા. જે સત્યોને દાટીને અત્યાર સુધી આપણો પરિવાર સલામત રહી શક્યો છે એ સત્ય જો ખૂલી જશે તો ચૌધરી-પરિવારના એક-એક સભ્યને માથે મોત તાંડવ કરશે...’
(ક્રમશઃ)