રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૦)

17 November, 2024 01:21 PM IST  |  Mumbai | Kajal Oza Vaidya

હું લંડન સ્કૂલ ઑફ લૉમાં ભણી છું... એક વાર અપીઅર થવાના લાખ રૂપિયા લઉં છું...’ રિતુ અગ્રવાલે કહ્યું, ‘યૉર સોમી-ફોમી, વૉટએવર... હું તેના માટે કેસ નહીં લડું

પ્રતીકાત્મક તસવીર

હું લંડન સ્કૂલ ઑફ લૉમાં ભણી છું... એક વાર અપીઅર થવાના લાખ રૂપિયા લઉં છું...’ રિતુ અગ્રવાલે કહ્યું, ‘યૉર સોમી-ફોમી, વૉટએવર... હું તેના માટે કેસ નહીં લડું.’ શામ્ભવી તેની સામે બેઠી હતી. આંખોમાં અપેક્ષા અને એક વિનંતી લઈને આવી હતી તે!

સોમી સાથે ફોન પર વાત થયા પછી શામ્ભવીએ નક્કી કરી લીધું કે તે માને મળવા જેલમાં જશે, પરંતુ શિવે સમજાવ્યા પછી તેણે ફરી એક વાર ટેમ્પોમાં બેસીને જવાના ખતરનાક આઇડિયાને બદલે પોતાની સાથે વકીલ લઈને કોઈ બીજા બહાના હેઠળ જેલમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. તેને ખબર જ હતી કે પોતે જેલમાં જશે એ વાતની પિતાને ખબર પડ્યા વગર નહીં રહે. એમ છતાં માને શોધવાના બહાનાને બદલે તેણે વધુ ગળે ઊતરે એવું બહાનું વિચારી લીધું.

તે રિતુ અગ્રવાલને મળવા આવી હતી, પરંતુ રિતુએ પૂરી વાત સાંભળ્યા વગર સોમીનો કેસ લડવાની ચોખ્ખી ના પાડી. શામ્ભવીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘સોમી તો કવર છે આપણું. આપણે માને મળવા જવાનું છે.’ રિતુ સાંભળતી રહી, ‘હું ડાયરેક્ટ્લી મારી મૉમને મળવા જાઉં તો કદાચ કોઈક અલર્ટ થઈ જાય, મારા ફાધરને ખબર પડે તો વાત વધી જાય એટલે...’ કહીને તેણે ઉમેર્યું, ‘ફીની ચિંતા નહીં કરતી, હું તને મોંમાગ્યા પૈસા આપીશ.’

‘વેલ.’ રિતુએ ખભા ઉલાળ્યા, ‘હું એક વાર આવીશ, અનંત માટે થઈને, અમારી ફ્રેન્ડશિપ માટે. પછી જોઈશ...’ તેણે પૂરી સ્પષ્ટતાથી અને એક વ્યાવસાયિક વકીલની જેમ કહી નાખ્યું, ‘મને બધું કરેક્ટ લાગશે તો જ હું તારી સાથે આ ઍડ્વેન્ચરમાં જોડાઈશ. બાકી...’

‘ઓકે.’ શામ્ભવીએ તેની વાત સ્વીકારી લીધી. રિતુએ જેલમાં કેદીને મળવાનું રેગ્યુલર ફૉર્મ ડાઉનલોડ કર્યું, ભર્યું, અરજી કરી, પોતાના વકાલતનામા સાથે સોમીની વિગતો મૂકી. એ પછી હવે તો પરમિશનની રાહ જ જોવાની હતી એ વાતની શામ્ભવીને ખબર હતી, ‘રિતુ! એક વાત પૂછું?’ શામ્ભવીએ અજાણતાં જ રિતુના અંગત જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો.

‘હં.’ રિતુ પોતાના લૅપટૉપની સ્ક્રીનમાં વ્યસ્ત હતી.

‘અનંત કેવો છોકરો છે?’ આ સવાલ સાંભળતાં જ રિતુની નજર લૅપટૉપમાંથી હટીને શામ્ભવીની આંખોમાં પરોવાઈ. તેણે શામ્ભવીની આંખોમાં કશુંક શોધવાનો પ્રયાસ કર્યો. શામ્ભવીએ કહ્યું, ‘તને તો ખબર જ હશે કે અમારા પેરન્ટ્સ મૅટ્રિમોનિયલી વિચારે છે, આઇ મીન તે લોકો ઇચ્છે છે કે...’

‘...તમે પરણી જાઓ?’ રિતુની આંખમાં ક્યાંક હળવી વેદના, થોડોક રિજેક્ટ થયાનો ભાવ તે સંતાડી ન શકી, ‘સારો છોકરો છે.’ તેણે કહ્યું, ‘કૅરિંગ, નાઇસ, લવિંગ અને સીધો. આટલા અમીર બાપનો દીકરો હોવા છતાં તેને કોઈ દિવસ આડાઅવળા લફરામાં ફસાતો જોયો નથી મેં. સિમ્પલ છે. ગુડ હસબન્ડ મટીરિયલ.’

‘હં.’ શામ્ભવીએ ડોકું ધુણાવ્યું, ‘જોને, તેના ઘરમાંથી ના પાડી તો પણ મારી મદદ કરવા તૈયાર છે.’

‘ડૂ યુ લવ હિમ?’ રિતુએ વેધક સવાલ પૂછી નાખ્યો.

‘ના... ના... હજી તો હું તેને ઓળખતી પણ નથી. દોસ્તી પણ નથી કદાચ અમારી વચ્ચે.’ કહીને શામ્ભવીએ પૂછ્યું, ‘ડૂ યુ?’ રિતુ તેની સામે જોઈ રહી. થોડીક ક્ષણો બન્ને એકબીજાની આંખોમાં જોતાં રહ્યાં, પછી રિતુએ નજર ઝુકાવી દીધી. ‘આઇ થિન્ક, યુ ડૂ.’ શામ્ભવીએ કહ્યું, ‘તું પ્રેમ કરે છે અનંતને?’

‘શું ફાયદો?’ રિતુના અવાજમાં નિરાશા હતી, ‘તે અબજોપતિનો દીકરો છે. તેનાં મા-બાપ જ્યાં પરણાવશે ત્યાં જ પરણશે. તેનાં લગ્ન એક બિઝનેસ-ડીલ હશે ને મારા તો ફાધર જ નથી. અમારી પાસે કોઈ પેઢીઓથી ચાલ્યો આવતો પૈસો, સરનેમ કે રેપ્યુટેશન નથી. તેનાં મા-બાપ કોઈ દિવસ મારી સાથે...’ રિતુની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘તમે બે એકબીજા સાથે ફિટ છો.’

‘લગ્ન કોઈ દિવસ બિઝનેસ-ડીલ ન હોય. બે જણે સાથે જીવવાનું હોય, કંઈ MOU નથી કરવાનો.’ શામ્ભવી હસી. તેણે પૂછ્યું, ‘અનંત શું ઇચ્છે છે એની ખબર છે તને?’

‘વેલ! એ પણ મને નથી ખબર.’ રિતુને પોતાને પણ નવાઈ લાગી કે બીજી જ વાર મળી રહેલી આ છોકરી સાથે પોતે આટલી સાહજિકતાથી ખુલ્લા મને કઈ રીતે વાત કરી શકતી હતી! શામ્ભવીમાં કશુંક એવું હતું કે તેને મળનાર દરેક વ્યક્તિ તેની સાથે ખુલ્લા મને વાત કરી શકતી. શામ્ભવી કોઈ પણ વ્યક્તિને પોતાની નજીક લાવી શકતી અથવા તે વ્યક્તિના મનમાં દાખલ થઈ શકતી. તેની સહજતા, સરળતા અને ખુલ્લા મને વાત કરવાની આવડત કોઈને પણ પોતાના બનાવી લેતી! રિતુ પણ શામ્ભવીના આ જાદુમાં દાખલ થઈ ગઈ, ‘પૂછવાની હિંમત નથી થતી મારી. તે ના પાડશે એના વિચારમાત્રથી હું ડરી જાઉં છું.’ રિતુ પ્રમાણમાં દેખાવડી હતી. કાન સુધીના ઍપલ કટ વાળ હતા અને વર્ષો સુધી ઇંગ્લૅન્ડમાં રહેવાને કારણે ત્વચા ગોરી હતી. પ્રમાણમાં પાતળી અને નાજુક હતી. ઍક્સેન્ટમાં અંગ્રેજી બોલતી. બ્લૅક પૅન્ટ અને બ્લેઝરમાં આકર્ષક દેખાતી, પણ તેના આખા વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસનો અભાવ તે છુપાવી શકતી નહોતી. ચોથા ધોરણમાં હતી ત્યારે માતા-પિતાના ડિવૉર્સ થયા. પપ્પા સાથે લંડનમાં મોટી થઈ. તેમનું મૃત્યુ થયું એ પછી હવે ભારત આવીને મમ્મી સાથે રહેતી હતી. તેની પ્રૅક્ટિસ સારી ચાલતી હતી, પરંતુ તેનો પરિવાર એક સામાન્ય ઉચ્ચ મધ્યમવર્ગનો પરિવાર હતો ને એમાંય પિતાના મૃત્યુ પછી તો તેની પાસે કોઈ એવી ઓળખ કે એટલા પૈસા નહોતા જેનાથી તે સોમચંદ પરિવારના દીકરાને પરણવાનાં સપનાં જોઈ શકે!

‘તારે પૂછવું જોઈએ તેને...’ શામ્ભવીએ ફરી એક વાર સાહજિકતાથી કહ્યું, ‘કોને ખબર, તું તેને પૂછે તો મને પણ મારો જવાબ મળી જાય.’ તેણે રિતુના ખભે ધબ્બો માર્યો, ‘તે તને હા પાડે તો મારી સાથે ફસાયો છે એવી મને ખબર પડે!’ તે હસવા લાગી.

‘તું આવી બધી વાતો આટલી સરળતાથી કેવી રીતે કરી લે છે?’ રિતુથી પુછાઈ ગયું, ‘તને ડર નથી લાગતો. કોઈ રિજેક્ટ કરે, ના પાડે કે આપણે જેને ચાહતા હોઈએ તે આપણને નથી ચાહતા એવી ખબર પડે તો...’

‘તો શું?’ શામ્ભવીએ વચ્ચે જ તેની વાત કાપી નાખી, ‘ના પાડવાનો અધિકાર બધાને છે અને કોઈ એક વ્યક્તિનો અસ્વીકાર આપણા વ્યક્તિત્વનું રિજેક્શન નથી. વેજ અને નૉન-વેજ ખાનારા બે જુદા લોકો આર્ગ્યુમેન્ટ કરે તો બન્નેને લાગે કે બન્ને સાચા છે... એથી બેમાંથી કોઈ ખોટું કે સાચું નથી પુરવાર થતું. કોઈ એક માણસને આપણા માટે પ્રેમ ન હોય તેથી બીજાને પણ નહીં હોય... ત્રીજાને પણ નહીં હોય... એવું માની લેવાની કંઈ જરૂર છે?’ શામ્ભવીએ પૂછ્યું. રિતુ તેની સામે અપલક જોઈ રહી. કેટલી સાચી વાત છે આની! રિતુ વિચારતી રહી. શામ્ભવીએ આગળ કહ્યું, ‘પ્રેમ બહુ પર્સનલ બાબત છે. કોને થાય, કોની સાથે થાય, ક્યારે થાય ને ક્યારે પૂરો થઈ જાય એ બધું જ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી હોતું. પ્રેમ બે જણ વચ્ચે હોય અને દરેક નિર્ણય બે જણનો હોવો જોઈએ, સમજી?’ રિતુએ કોઈ ભોળા બાળકની જેમ ડોકું ધુણાવ્યું. શામ્ભવી હસતી રહી, ‘આવીશને મારી સાથે? મારી માનો કેસ લડીશને તું?’ રિતુએ ફરી ડોકું ધુણાવ્યું. રિતુને અચાનક આ છોકરી ગમવા લાગી હતી. તેનું ખુલ્લાપણું, તેની સરળતા, પોતાની માને બચાવવા માટેનું તેનું ઝનૂન અને સાથે જ જિંદગી વિશેના શામ્ભવીના વિચારોએ રિતુને પ્રભાવિત કરી દીધી હતી.

lll

‘બોલ?’ શિવની સામે બેઠેલી શામ્ભવી તેને પૂછી રહી હતી, ‘તું મારી સાથે છે કે નથી?’ તેણે વહાલથી શિવનો હાથ પકડ્યો, ‘ના પાડીશ તો દુઃખ નહીં થાય મને...’ તેણે કહ્યું.

‘તારી સાથે નહીં રહું તો ક્યાં જઈશ?’ શિવથી કહેવાઈ ગયું, ‘તું તપાસ શરૂ કરે એ પહેલાં મારી વાત સાંભળી લે. કેટલીક ડીટેલ્સ એવી છે જે તારે જાણવી જોઈએ.’ તેણે કહ્યું. એ પછી પત્રકાર અશોક જાનીએ આપેલી બધી વિગત તેણે શામ્ભવીને જણાવી. એ રાત્રે બહારથી ધસી આવેલા કોઈ અજાણ્યા માણસને રાધા ચૌધરીએ પકડી પાડ્યો હતો. બૂમાબૂમ કરીને રાધાએ ઘરના લોકોને એકઠા કર્યા ત્યારે રાતના સાડાઅગિયાર થયા હતા. બહાર પ્રાઇવેટ ગાર્ડ અને પોલીસનો પહેરો હોવા છતાં આ માણસ ઘરની અંદર કેવી રીતે ઘૂસ્યો એ મહાઆશ્ચર્યની ઘટના હતી. એથી વધુ આશ્ચર્યની ઘટના એ હતી કે પોલીસ તે માણસને અરેસ્ટ કરવા માટે પહોંચે એ પહેલાં તે માણસ ગુમ થઈ ગયો હતો... એ પછી બીજા દિવસે રાધા ચૌધરીનો ઍક્સિડન્ટ થયો...

શામ્ભવી સાંભળતી રહી. પછી તેણે કહ્યું, ‘આ બધી વિગત છે મારી પાસે.’ હવે ડઘાઈ જવાનો વારો શિવનો હતો, ‘ઑફિશ્યલ FIR, તે માણસના સ્કેચિસથી શરૂ કરીને મારી માનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પણ મળી ગયો છે મને. એ કાગળોના આધારે જ અમે કેસ કરવાના છીએ.’ શિવની આંખો પહોળી થઈ ગઈ. પોતાની આટઆટલી ઓળખાણો છતાં જે પોતે ન કરી શક્યો એ એક જ દિવસમાં કરીને શામ્ભવીએ તેને ચોંકાવી દીધો હતો. શામ્ભવીએ આગળ કહ્યું, ‘હું તારો ગુસ્સો-પઝેસિવનેસ સમજી શકું છું, પણ અત્યારે તો મારા માટે જે મારી મદદ કરે એ બધા જ મારા દોસ્ત! આ બધું મને અનંતે મેળવી આપ્યું છે. એવિડન્સિસના લિસ્ટથી શરૂ કરીને મારી માના મૃત્યુનો છેલ્લો રિપોર્ટ - જેને ઍક્સિડન્ટ કહીને કેસ ક્લોઝ કરવામાં આવ્યો એ છેલ્લામાં છેલ્લું પેપર છે મારી પાસે.’ શિવ કશું બોલવા ગયો એ પહેલાં પોતાના હાથમાં પકડેલા શિવના હાથને શામ્ભવીએ વહાલથી પસવાર્યો, ‘આ બધાં પેપર્સ, લૉયર અને લડી લેવાની હિંમત હોવા છતાં તારા વગર કશું નહીં થઈ શકે.’ તેની આંખોમાં આંસુ હતાં, ‘તું દોસ્ત છે મારો-સાથી. તારા વગર મારો આત્મવિશ્વાસ, મારી હિંમત ખૂટી પડે છે અને હું પોતે અધૂરી બની જાઉં છું શિવ!’

શિવ તેની સામે જોતો રહ્યો... શામ્ભવીની આંખોમાં સચ્ચાઈ હતી. તે પહેલેથી જ આવી હતી, જે મનમાં હોય એ જ જીદ પર અને જે જીદ પર હોય એ જ તેના વર્તન અને વ્યવહારમાં દેખાતું. આજે જ્યારે આટલી વાત થઈ ત્યારે શિવે હિંમત કરીને પૂછી નાખ્યું, ‘ને અનંત? તમારાં લગ્ન નક્કી થઈ રહ્યાં છે...’

‘થયાં તો નથીને?’ શામ્ભવીના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘કમલનાથ ચૌધરીની એકની એક દીકરી છું હું!’ શામ્ભવીએ કહ્યું, ‘અનંત સાથે તેની સરનેમ માટે લગ્ન નહીં કરું.’ જાણે શિવની લાગણી થોડી સમજાઈ હોય એમ શામ્ભવીએ તેની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘મારાં લગ્ન માણસ સાથે થશે. બૅન્ક-બૅલૅન્સ, સરનેમ, પ્રતિષ્ઠા, ડિગ્રી કે...’ તેણે વાત અધૂરી છોડીને ઉમેર્યું, ‘હું જેવી છું એવી સ્વીકારે અને મારા સંઘર્ષમાં, મારા સુખ-દુઃખમાં સાથ આપે એવો જીવનસાથી જોઈએ છે મારે! ટ્રોફીની જેમ સોસાયટીમાં લઈને ફરી શકાય એવો ગળે પહેરવાનો હીરાનો હાર નથી જોઈતો.’ શિવની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. શામ્ભવીની વાત સાંભળતાં-સાંભળતાં તે ઇમોશનલ થઈ ગયો. વાત જરા ગંભીર થઈ ગઈ હતી એટલે શામ્ભવીએ શિવના ગાલ પર એક હળવી થપાટ મારી, ‘તું બાળપણનો દોસ્ત છે મારો. હું શું કરીશ, ક્યારે કરીશ ને શું નહીં કરું... એ બધું મારાથી વધારે તું જાણે છે. મને મારાથી વધારે ઓળખે છે તું, નહીં કે?’ કહીને શામ્ભવીએ હાથ પહોળા કર્યા. બન્ને જણ ભીની આંખે ભેટી પડ્યાં.

શામ્ભવીને ભેટીને ઊભેલા શિવથી કહેવાઈ ગયું, ‘શેમ, આજ પછી મારી સાથે ક્યારેય જુઠ્ઠું નહીં બોલતી. હું મારી જાત કરતાં તારા પર વધારે વિશ્વાસ કરું છું. મારો વિશ્વાસ નહીં તોડતી. હવે આવું કરીશ તો માફ નહીં કરું તને.’

lll

રિતુએ કરેલી અરજી મંજૂર થઈ ગઈ હતી. સોમીના વકીલ તરીકે રિતુ આજે જેલમાં તેને મળવા જવાની હતી. રિતુ અને શામ્ભવી જેલના દરવાજે પહોંચ્યાં ત્યારે સંત્રીએ પરમિશનનો કાગળ વાંચીને કહ્યું, ‘મૅડમ! પરમિશન તો વકીલની છે, કમ્પૅનિયન નથી લખ્યું.’ સંત્રીની આંખોમાં સાફ દેખાતું હતું કે તે શામ્ભવીને ઓળખી ગયો હતો એટલું જ નહીં, તેને મળેલી કડક સૂચના પ્રમાણે વર્તી રહ્યો હતો.

‘મારે સોલંકીસાહેબને મળવું છે.’ શામ્ભવીએ કહ્યું.

‘સાહેબ તો નથી.’ સંત્રીએ રોકડું પરખાવ્યું, ‘આ મૅડમ અંદર જઈ શકશે. તમારે અહીં જ રાહ જોવી પડશે.’

અહીં સુધી આવ્યા પછી બસ થોડા મીટર દૂર પોતાની પ્રતીક્ષા કરી રહેલી મા સુધી નહીં પહોંચી શકાય એ વિચારે શામ્ભવી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ. તેણે સંત્રીની આંખોમાં જોયું, ‘હું જાણું છું કે સોલંકીસાહેબ અંદર જ છે. મારે તેમને મળવું છે. તમે નહીં જવા દો તો હું તમને ધક્કો મારીને અંદર જઈશ.’ શામ્ભવીની આંખોમાં દેખાતી જ્વાળાએ સંત્રીને લગભગ દઝાડી મૂક્યો.

ડોકાબારી બંધ કરીને તે અંદર ગયો. એક મિનિટ કરતાં ઓછા સમયમાં પાછો ફર્યો, ‘ચાલો!’ કહીને તેણે ઉમેર્યું, ‘સોલંકીસાહેબના રૂમ સુધી જવાની પરમિશન છે, અંદર જવા નહીં મળે.’ શામ્ભવી જવાબ આપ્યા વગર રિતુનો હાથ પકડીને ડોકાબારીમાંથી દાખલ થઈ ગઈ. સોલંકીના રૂમના દરવાજે ઊભેલા સંત્રીને ગણકાર્યા વગર અંદર જઈને તે સોલંકીની સામે ખુરસીમાં ગોઠવાઈ ગઈ.

‘સોલંકી અંકલ,’ શામ્ભવીએ તાત્કાલિક સંબંધ ઊભો કર્યો, ‘તમે તો બધું જાણો છો. મારે એક વાર માને મળવું છે.’ કશું જ છુપાવ્યા વગર સોલંકીની આંખમાં આંખ નાખીને તેણે સત્ય કહ્યું, ‘તમારે દીકરી છે?’ તેણે પૂછ્યું. સોલંકી તેની સામે જોઈ રહ્યો. ‘એક દીકરીએ માથી વિખૂટા રહીને ૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યો છે. પહેલાં બે વાર આવી ત્યારે મારી માએ તો મને ઓળખવાની જ ના પાડી દીધી. હવે તે મને મળવા તૈયાર છે ત્યારે તમે...’ શામ્ભવીને ઍક્ટિંગ કરવાની જરૂર ન પડી. તેની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યાં, ‘તમે જ કહો. જીવતી હોવા છતાં જેને મારી નાખી છે એવી મારી માને મળવાનો, તેને ભેટવાનો, તેના આશીર્વાદ લેવાનો મને હક નથી? મારા ગાલ પર હાથ ફેરવવાનો, મને ચૂમવાનો, મને ભેટીને રડવાનો હક તેને નથી?’ આટલું સાંભળતાં તો સોલંકીની આંખોમાં પણ આંસુ આવી ગયાં. છતાં શામ્ભવી કહેતી રહી, ‘હું સમજી શકું છું કે જે કંઈ થયું હશે એની પાછળ અનેક રહસ્યો હશે. કદાચ ચૌધરી પરિવારમાંથી તમને કડક સૂચના  હશે કે મને મારી માને મળવા ન દેવી. એમ છતાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. એક વાર...’ શામ્ભવી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

‘બેટા!’ કાનપટ્ટી પર ધોળા વાળ આવી ગયા હતા, પરંતુ સોલંકી કંઈ શામ્ભવીના પિતાની ઉંમરનો નહોતો. એમ છતાં શામ્ભવીએ તેને ભીતરથી વલોવી નાખ્યો હતો, ‘અહીં ઠેર-ઠેર કૅમેરા છે. તું તો જાણે છે...’

‘બધું જાણું છું, એમ છતાં ગેરવાજબી માગણી કરું છું.’ શામ્ભવીએ કહ્યું, ‘તમને તમારી દીકરીના સમ. મને એક વાર મારી માને મળવા દો.’

‘પણ તે તો...’ સોલંકી સહેજ અચકાયો, પછી તેણે મન મક્કમ કરીને કહ્યું, ‘તેમને આ જેલમાંથી શિફ્ટ કરી નાખ્યાં છે.’ તેની આંખો નીચી થઈ ગઈ. તેના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું કે તે જુઠ્ઠું બોલી રહ્યો છે.

‘એક વાર...’ શામ્ભવીની આંખોમાં જે આજીજી અને આંસુ હતાં એનો ભાર સોલંકી ઉપાડી શક્યો નહીં, ‘છેલ્લી વાર...’

‘શામ્ભવીબેન!’ સોલંકીએ હાથ જોડ્યા, ‘મારી નોકરી જશે.’ સોલંકીની આંખોમાં દયાની સાથે-સાથે ભય હતો, ‘પ્લીઝ! હું મજબૂર છું. તમે કૅમેરામાં દેખાયાં તો કદાચ હું જીવતો ન રહું એવું પણ બને.’ સોલંકીએ ગળગળા થઈને કહ્યું, ‘કદાચ તમે તમારી માને મળી લો, તે તમને સ્વીકારે-તમને ખબર પડી જાય કે તે જીવે છે એમ છતાં પણ તમે કંઈ જ કરી નહીં શકો. બહુ જ પાવરફુલ છે બધા.’ તેણે ફરી હાથ જોડ્યા, ‘જાઓ અહીંથી... તમારી જિંદગી પણ જોખમમાં આવી જશે. એક ભાઈ તરીકે, તમારા વેલવિશર તરીકે કહું છું.’

બન્નેની વાત સાંભળી રહેલી રિતુ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેને એવી ખબર હતી કે તે જે કેસ હાથમાં લેવાની છે એ પેચીદો છે, સામેના લોકો કદાચ પાવરફુલ હશે, સાક્ષીઓ ટેમ્પર થશે, ધમકીઓ મળશે... પરંતુ જેલર પણ જેનાથી ડરે છે તે કયા લોકો હશે, કોણ હશે અને આ કેસ સાથે કેવી રીતે જોડાયેલા હશે એ વિચારે રિતુ ભીતરથી ધ્રૂજી ગઈ. તેણે કહ્યું, ‘તું અહીં બેસ. હું જાઉં છું સોમીને મળવા. આઇ વિલ મૅનેજ સમથિંગ.’

‘ના... મારે આવવું છે.’ શામ્ભવીએ જીદ કરી. તેણે સોલંકી સામે જોયું, ‘કપડાં બદલીને, ચહેરો ઢાંકીને, બીજી કોઈ રીતે... તમે જ રસ્તો બતાવો. મારે અંદર જવું છે. મારી માને મળવું છે. નહીં તો હું અહીં જ નસ કાપી નાખીશ.’ કહીને તેણે સોલંકીના ટેબલ પર પડેલું પેપરકટર ઉપાડી લીધું. સોલંકી તેની સામે જોઈ રહ્યો. આ છોકરીની હિંમત અને ઝનૂન સામે તેની મજબૂરી, નોકરી અને ભય બધું જ તેને વામણું લાગ્યું.

(ક્રમશઃ)

columnists kajal oza vaidya exclusive gujarati mid-day