અનાજના આ વેપારીને બૅન્જો વગાડતાં સાંભળશો તો દંગ રહી જશો

31 May, 2023 05:19 PM IST  |  Mumbai | Rajul Bhanushali

નાનપણથી શોખને કારણે આ પરંપરાગત વાજિંત્ર વગાડતાં શીખેલા જયંતીલાલ મંગેએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સંગીતનો સાથ નહીં છોડવાનું પ્રણ લીધું છે

જયંતીલાલ મંગે

કચ્છી ભાનુશાલી સમાજના, કચ્છ ગામ નુંધાતડના જયંતીલાલ મંગે કાપડના વેપારી છે પરંતુ તેમનો શોખ જ આજે તેમના જીવવાનો આધાર છે. જયંતીલાલના ભજનના શોખીન ફુઆજીને જોઈને નાનકડા જયંતીલાલને સંગીત પ્રત્યે આકર્ષણ જાગ્યું. તેમણે ફુઆ પાસે તબલા કે હાર્મોનિયમ શીખવું છે એવી ઇચ્છા વ્યક્ત કરી. એ સમયની સ્મૃતિ વાગોળતાં જયંતીલાલ કહે છે, ‘મારી વાત સાંભળીને ફુઆજીએ કહ્યું કે તું કશુંક નવું કર. તબલા અને હાર્મોનિયમ તો ઘણા વગાડે છે, તું બૅન્જો શીખ. બૅન્જો ખાસ કોઈ વગાડતું નથી. એ સમયે કામધંધેથી સાંજે જ્યારે બધા પાછા આવે ત્યારે જમી કરીને ઘરના ઓટલા પર ભેગા થતા અને ધૂન વગાડતા. હું જોડે બેસતો અને ફુઆને અહોભાવથી જોઈ રહેતો. મારા ફુઆ મારા પ્રેરણા ગુરુ છે એમ કહી શકાય. ૧૯૭૭થી મેં બૅન્જો શીખવાનું ચાલુ કર્યું. એ વખતે હું એક ગાઇડ લઈ આવ્યો હતો. ગાઇડમાં જોઈ-જોઈને હું જાતે જ વગાડતાં શીખી ગયો. એમ પણ ફુઆ સાથે રહીને સંગીત મારા લોહીમાં વહેવા લાગ્યું હતું. તાલ અને લયની ખબર પડવા લાગી હતી. એના કારણે મને શીખવાનું સરળ પડ્યું. ૧૯૭૯માં મને પહેલી વખત નવરાત્રિમાં વગાડવાનું આમંત્રણ મળ્યું અને મેં એ સહર્ષ સ્વીકારી લીધું. પછી તો નવરાત્રિ સિવાય ડાયરા અને ભજનમાં પણ જવા લાગ્યો.’

૬૪ વર્ષના જયંતીલાલને સંગીતને લગતી દરેક બાબતમાં રસ પડે છે. પછી એ જૂનાં ફિલ્મી ગીતો પણ કેમ ન હોય! તેઓ કહે છે, ‘મને જ્યાંથી આમંત્રણ મળે ત્યાં સ્વખર્ચે જાઉં છું. એક્કેય પૈસો લેતો નથી. આ મારું પૅશન છે. પૈસા તો હું ધંધામાંથી સારા કમાઈ લઉં છું. અગાઉ આખી-આખી રાત ભજન થતાં. ભજનોમાં જમા થતા પૈસા ક્યારેય નથી રાખ્યા. જે પૈસા આવે એ ગાય માટે આપી દઈએ. વર્ષ ૨૦૦૩માં સતી નાનબાઈમાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે થયેલા ભજનના કાર્યક્રમ માટે હું સાવરકુંડલા ગયો હતો. મને દમયંતીબહેન બરડાઈ સાથે પણ પ્રોગ્રામ કરવા મળ્યા છે. ઘાટકોપરનો તો એવો કોઈ એરિયા નથી જ્યાં મેં નવરાત્રિ ન કરી હોય. લોકો કહે છે કે તમે કાર્ડ કેમ નથી છપાવતા, સંગીતને પ્રોફેશન કેમ નથી બનાવતા? આ મારું પૅશન છે અને હું એને પ્રોફેશન ક્યારેય નહીં બનાવું. મુલુંડના વીણાનગરમાં નવરાત્રિ વખતે જ્યાં સુધી બૅન્જોનો અવાજ ન આવે ત્યાં સુધી બિલ્ડિંગમાંથી લોકો નીચે નથી ઊતરતા. સંગીતે મને ખૂબ માન અપાવ્યું છે.’

જયંતીલાલના જીવનમાં મહામારીને લીધે આવી પડેલા લૉકડાઉનને કારણે નવો વળાંક આવ્યો. તેઓ કહે છે, ‘દોહિત્રએ મને ફેસબુક પર અકાઉન્ટ બનાવી આપ્યું છે. લૉકડાઉનના સમયમાં અમે ફેસબુક લાઇવ કરતા. અમને એ સમયે વીસ હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. મેં ‘સંસ્કૃતિ’ નામનું મ્યુઝિકલ ગ્રુપ બનાવ્યું છે. સંગીતમાં રસ ધરાવતા દરેક કચ્છી ભાનુશાલી વ્યક્તિ એમાં જોડાઈ શકે છે. હમણાં હું દીકરા પાસે અમેરિકા ગયો હતો ત્યારે સાથે હાફ બૅન્જો લઈ ગયો હતો. ન્યુ જર્સીમાં ગોપીકિશનનું મંદિર છે. ત્યાં દર રવિવારે કીર્તન થાય છે. એક વાર કીર્તનમાં મેં બૅન્જો વગાડ્યો. અંગ્રેજ લોકોને વાયલિન ગિટાર વગેરે તો ખબર હોય પણ બૅન્જો શું છે એ ખબર નથી. તેઓ આ બૅન્જોમાંથી નીકળતું સંગીત સાંભળીને દંગ રહી ગયા. અમેરિકામાં રહેતી મારી ડૉટર-ઇન-લૉને પણ બૅન્જોમાં રસ પડ્યો છે. તેણે પણ શીખવાનું ચાલુ કર્યું છે. મેં તો નૉનઇલેક્ટ્રિક સાથે શરૂઆત કરી હતી પરંતુ હવે તો ઇલેક્ટ્રિક બૅન્જો આવી ગયા છે. કીબોર્ડ, વાયલિન અને ગિટાર જેવાં વાદ્યો પાછળ બૅન્જો કે મોરચંગ જેવાં દેશી વાદ્યો છુપાઈ ગયાં છે. નવી પેઢીને આ દેશી વાદ્યોમાં રસ લેતી કરવી છે અને એ માટે જ મેં સંસ્કૃતિ મ્યુઝિકલ ગ્રુપ બનાવ્યું છે. મારા પૂરા પ્રયત્ન છે કે યુવાનો આ વાદ્યમાં રસ લે અને શીખે. કચ્છી યુવા પ્રજાને મારી હાકલ છે કે જો તમને  સંગીતમાં રસ છે તો અમારી પાસે આવો. અમે તમને દિશાસૂચન કરીશું.’

columnists