શંકા, જિજ્ઞાસા, રોમાંચ અને રહસ્ય

21 July, 2019 12:26 PM IST  |  મુંબઈ ડેસ્ક | રાહુલ ભોળે

શંકા, જિજ્ઞાસા, રોમાંચ અને રહસ્ય

અંદર આર્મી દ્વારા સંશોધન જ્યાં થાય છે એ જગ્યા.

રહસ્યમય વાયકાઓ, આર્મીનાં ષડયંત્રો અને એલિયન્સના અસ્તિત્વમાં માનતા લોકો માટે એરિયા 51 નામ જાણીતું છે. વર્ષોથી અમેરિકાના લાસ વેગસથી ૧૩૦ કિમી દૂર આવેલો એરિયા 51 અનેક લોકોના મનમાં શંકા, જિજ્ઞાસા અને રોમાંચ જન્માવતો રહ્યો છે. ઉપરાંત શંકા અને રહસ્યની આ આગમાં ઘી હોમવામાં હૉલીવુડની ફિલ્મોથી લઈને ટાઇમપાસ માટે પણ હોબાળો કરવાના હેતુથી લખાયેલા બ્લૉગ્સ અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માગતા ‘સનસનીખેજ’ છાપ લેખકોનાં પુસ્તકોએ પણ કોઈ કસર બાકી રાખી નથી

લાસ વેગસ પાસે આવેલા નેવાડાના રણમાં અમેરિકન આર્મીની ગુપ્ત ગતિવિધિઓના કેન્દ્ર સમાન એરિયા 51ની સ્થાપના ૧૯૫૫માં રિસર્ચ અને પરીક્ષણના હેતુથી કરવામાં આવી હતી ત્યારથી લઈને આજની તારીખ સુધી આ એરિયા 51 વિવાદો અને શંકાશીલ પ્રવૃત્તિઓથી ઘેરાયેલો છે. ૨૯ લાખ એકરમાં પ્રસરેલી આ જમીન પર અમેરિકન આર્મી અને સરકાર છેલ્લાં ૬૫ વર્ષોથી શું ખીચડી રાંધી રહી છે એની ગંધ સુધ્ધાં કોઈ પણ પત્રકારથી લઈને જાહેર જનતા સુધી કોઈને નથી. એરિયા 51ની શરૂઆત થઈ એ પહેલાં નેવાડાનું રણ આમ પણ ઍટમ બૉમ્બનું ગુપ્ત પરીક્ષણ કરવા માટે કુખ્યાત હતું જ. હિરોિશમા અને નાગાસાકી પર બૉમ્બ ઝીંકતા પહેલાં દુનિયાના સૌથી પહેલા અણુબૉમ્બનું પરીક્ષણ પણ વિજ્ઞાનીઓએ આ રણમાં જ કર્યું હતું. કુલ ૫૦ જેટલાં પરીક્ષણ ૧૯૫૫ સુધી થયાં હતાં એટલે એરિયા 50 જેટલાં નામકરણ કરાયા પછી બાજુમાં પડેલા ખાલી પ્લૉટને એરિયા 51 આમ નામ આપી રખાયું હતું. હવે આર્મીએ એરિયા 51ને પોતાની ગુપ્ત ગિતિવધિઓ માટે વાપરવાનું પ્રેસિડન્ટ આઇઝનહોવરના નિર્દેશથી શરૂ કર્યું હતું. એરિયા 51નો પ્રથમ પ્રોજેક્ટ ‘એક્વાટોન’ના કોડ નામથી શરૂ થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ રશિયા પર
જાસૂસી નજર રાખી શકે એવાં વિમાનો વિકસાવવાનો હતો.
પણ વખત જતાં આ સીક્રેટ પ્રોજેક્ટમાં લોકો પોતાની કલ્પનાઓના રંગ રેડતા ગયા અને આજે વાત એ હદે પહોંચી છે કે બે મહિના પછી ૨૦ સપ્ટેમ્બરના ૨૦ લાખથી વધુ લોકો એરિયા 51 પર ધાવો બોલવાના છે - અંદર શું રંધાઈ રહ્યું છે એ જાણવા! જોકે અમેરિકન આર્મીએ જનતાને ચેતવણી આપી છે કે આમ કરવાથી કપરાં પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે!
પણ આવું તો શું છે એરિયા 51માં જે લાખો લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બન્યું? પ્રસ્તુત લેખમાં એરિયા 51ની
અતથી ઇતિ -
શરૂઆતમાં તો લોકોને ફક્ત એટલી શંકા હતી કે એરિયા 51માં આર્મી ગુપ્ત ન્યુક્લિયર પરીક્ષણ કરે છે, કારણ કે આ ટેસ્ટમાં વપરાતા ઘાતકી પદાર્થોથી આસપાસની વસ્તીમાં કૅન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધવા માંડ્યું હતું. અમેરિકન સરકારે આસપાસની વસ્તીને લાખો ડૉલર્સ આપીને જમીન વેચી સ્થળાંતર કરી જવાની ફરજ પાડી હતી, જેનાથી રહસ્ય વધુ ગૂંચવાવા માંડ્યું. ન્યુક્લિયર પરીક્ષણ સુધીની ઘટના તોય હજી ઠીક હતી, પણ રહસ્યમય વાતોએ વેગ ત્યારે પકડ્યો જ્યારે એરિયા 51ની આસપાસના રહીશોને આકાશમાં અજીબોગરીબ ઊડતી રકાબીઓ દેખાવા લાગી. લોકો આ દૃશ્યો એલિયન્સના આગમન સાથે જોડવા માંડ્યા અને એરિયા 51માં એલિયન્સની તૂટી પડેલી સ્પેસશિપથી લઈને એલિયન્સના શરીરનો અભ્યાસ એરિયા 51માં કરાય છે એવી વાયકાઓનો પવન ફૂંકાવા માંડ્યો.
એલિયન્સ અને સ્પેસશિપ વિશેની આ દંતકથાઓ કહો કે ગુપ્ત રાખવામાં આવતી સ્ફોટક માહિતી - આ બધી કૉન્સ્પિરન્સી થિયરીઓએ વેગ ૧૯૮૦ના દાયકામાં પકડ્યો હતો જ્યારે લાસ વેગસની એક ચૅનલ પર એરિયા 51માં કામ કરનારા બૉબ લાઝાર નામના એક ભાઈએ ઇન્ટરવ્યુ આપ્યો અને કહ્યું કે અમે નેવાડાના રણમાં એલિયન્સની તૂટી પડેલી સ્પેસશિપને જપ્ત કરી એની ટેક્નૉલૉજી પર સંશોધન કરી રહ્યા છીએ. લાઝારે ટીવી ચૅનલને ઝડપાયેલી સ્પેસશિપનું ચિત્ર પણ દોરી આપ્યું. લાઝારભાઈએ એક દાવો એવો પણ કર્યો હતો કે તે જે સ્પેસશિપ પર કામ કરી રહ્યો હતો એ ફિલ્મોમાં બતાવે છે તેમ નહીં પણ નીચેનો ભાગ આગળ રાખીને ઉડાન ભરે છે. લાઝારની આ વાત માનવી કે ગપ્પાં ગણવાં તેવી ચર્ચાઓ વચ્ચે વર્ષો પછી છેક ૨૦૧૭માં પેન્ટાગોને જયારે રહસ્યમય ઊડતી રકાબીઓના વિડિયો બહાર પાડ્યા ત્યારે એમાં પણ એ રકાબીઓ લાઝારના કહેવા પ્રમાણે ઊંધી રહીને ઉડાન ભરી રહી હતી. થયું એમ હતું કે અમેરિકાના પૂર્વી દરિયાઈ કિનારે તહેનાત રહેતા નેવીના અનેક પાઇલટ ૨૦૧૪થી લઈને માર્ચ ૨૦૧૫ સુધી આકાશમાં અમુક સંશય પમાડે એવાં જહાજ ઊડતાં રડાર પર ઝીલી રહ્યા હતા. અમેરિકન પાઇલટ જેમણે આ જહાજ જોયાં તેમના પ્રમાણે આ જહાજમાં એન્જિનનું કોઈ નામોનિશાન નહોતું અને ધુમાડા પણ નહોતા નીકળતા અને ક્ષણભરમાં તો ૩૦ હજાર મીટરની ઊંચાઈએ ઊડવા માંડતા. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જ્યારે પેન્ટાગોનને ફરજ પડી ત્યારે તેમને ૨૦૧૭માં ગીમ્બ્લ યુએફઓ (Unidentified Flying Object)નો વિિડયો જાહેર કરવો પડ્યો, જે લાઝારના વર્ણન સાથે મૅચ થતો હતો.
જોકે વર્ષો પછી જાણ થઈ કે બૉબ લાઝાર નામનો કોઈ માણસ એરિયા 51માં કામ નહોતો કરતો અને તેણે દાવો કરેલી તેની પોતાની કૉલેજ ડિગ્રી પણ ખોટી હતી. તે ફક્ત ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે જ આવા ઇન્ટરવ્યુ આપી રહ્યો હોવાના સરકારે દાવા કર્યા. પણ ગપશપની ચિનગારી ફેલાઈ ચૂકી હતી અને રહસ્યમય વાતોમાં જ પોતાનો માનસિક સંતોષ અને ખોરાક શોધતા લોકો માટે આટલી માહિતી જ પૂરતી હતી. આ ઘટના પછી એરિયા 51ને એલિયન્સ સાથે પણ જોડી દેવામાં આવ્યો અને લાખો લોકો આજે પણ માને છે કે આ સ્થળે સ્પેસશિપ્સ અને મૃત એલિયન્સના શરીરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ૨૦૧૪માં પોતાના મૃત્યુના બે જ મહિના પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં એક વરિષ્ઠ વિજ્ઞાનીએ કબૂલ્યું હતું કે તે એરિયા 51માં સિનિયર વિજ્ઞાનીની ફરજ બજાવી રહ્યા હતા અને તેમને એલિયનનો સંપર્ક
થયો હતો!
મજાની વાત તો એ છે કે આટલી હદે ગોપનીયતા જાળવતી અમેરિકન સરકારે એરિયા 51ની આસપાસ કોઈ વાડ કે બૉર્ડર બનાવી નથી. ફક્ત એક તકતી ટિંગાડી રાખી છે જેના પર લખ્યું છે કે આ અમેરિકન આર્મીના સંશોધનની
જગ્યા હોવાથી અહી મુલાકાતીઓને પ્રવેશ નિષેધ છે અને ઘૂસણખોરોને આકરી સજા કરવામાં આવશે.
૨૦૧૨માં બીબીસી ચૅનલની ટીમ એરિયા 51નો પર્દાફાશ કરવા કૅમેરા સાથે એરિયા 51માં ગુપ્તપણે જઈને શૂટિંગ કરી રહી હતી, જે આર્મીના હાથે ઝડપાઈ જતાં આખી બીબીસીની ટીમને બંદૂકની અણીએ મોઢું નીચે માટીમાં રાખી ૩ કલાક સુધી દંડવત કરાવ્યા હતા. આર્મીને જ્યારે ખાતરી થઈ કે આ બીબીસીના જ રિપોર્ટરો છે ત્યારે તેમને ચેતવણી આપીને છોડવામાં આવ્યા.
એરિયા 51માં કામ કરતા વૈજ્ઞાનિકો અને સિક્યૉરિટી ગાર્ડને ત્યાં સુધી પહોંચવા માટેની સુવિધા પણ ગુપ્ત રખાય છે. લાસ વેગસના ઍરપોર્ટ પર એરિયા 51માં કામ કરનારા લોકો માટે અલગથી ટર્મિનલ રાખવામાં આવ્યું છે, જેના પર ઊતરતાં વિમાનો પર પણ કોઈ કંપનીનું સ્ટિકર નથી અને કોઈ ગુપ્ત ઍરલાઇન ‘જેનેટ’ કંપનીનાં આ વિમાનો હોવાનું મનાય છે. ઍરપોર્ટ પર ફાળવવામાં આવેલો પાર્કિંગ લૉટ પણ જાહેર પાર્કિંગથી અલગ છે. ત્યાંથી ૧૩૦ કિલોમીટર દૂર એરિયા 51માં તેમને પ્રાઇવેટ ગાડીઓ લઈ જાય છે. ઉપરાંત એરિયા 51માં કામ કરનારા દરેક જણના પગાર પણ અત્યાર સુધી છેલ્લાં ૬૫ વર્ષમાં ફક્ત કૅશથી જ ચૂકવવામાં આવ્યા છે અને તેમની સૅલરી સ્લિપ પર પણ તેમનાં અસલ નામોને બદલે કોડ-નેમથી જ ઓળખવામાં આવે છે. સૅલરી સ્લિપ પર તેમને મળતા પૈસા કોઈ ‘બ્લૅક પ્રોજેક્ટ’ હેઠળ મળ્યા છે એવું લખવામાં આવે છે. બ્લૅક પ્રોજેક્ટ પણ અમેરિકન જાસૂસી સંસ્થા સી.આઇ.એ.ના એક ગુપ્ત પ્રોજેક્ટનું નામ છે.
ભૂતકાળમાં સિક્યૉરિટી ગાર્ડની ફરજ બજાવી ચૂકેલા એક ગુમનામ સૈનિકે એક ઇન્ટરવ્યુમાં એવી પણ કબૂલાત કરી હતી કે બિનઅધિકૃત પ્રવેશ કરનાર વ્યક્તિઓને જાનથી મારી નાખવાના ઑર્ડર્સ પણ સિક્યૉરિટી ટીમને સરકારે આપી રાખ્યા હતા. આસપાસના વિસ્તારો પર પણ મિલિટરી દ્વારા ચાંપતી નજર રખાય છે. દૂર-દૂરથી પસાર થતી ગાડીઓનાં સિગ્નલ પણ રોડ પર લગાવેલાં ચુંબકીય સેન્સર્સના કારણે મિલિટરીને મળી જાય છે. એરિયા 51ના દૂર-દૂર વિસ્તારોમાં હાઇ-ટેક કૅમેરા લગાડવામાં આવ્યા છે જે આસપાસ થનારી દરેક ગતિવિધિ પર નજર રાખે છે.
વાતોનાં વડાં કરવામાં માહેર માનવજાતને આટલાથી સંતોષ ન થયો હોય તેમ એરિયા 51 પર હજી એક કાવતરાનો આરોપ મૂકી દીધો અને આ આરોપ મુકવામાં તો બધી હદો વટાવી નાખી. ઘણા લોકો (ઘણાખરા અમેરિકનો પણ) એમ માને છે કે અમેરિકા ક્યારેય ચંદ્ર પર ગયું જ નથી અને નીલ આર્મસ્ટ્રૉન્ગ અને બઝ આલ્ડ્રિનના ચંદ્રના ફોટો એરિયા 51માં સ્ટુડિયો ઊભો કરી શૂટ કરવામાં આવ્યા છે. આર્મસ્ટ્રૉન્ગે ચંદ્ર પર પગ મૂક્યાનાં પાંચ જ વર્ષ પછી ૧૯૭૪માં બિલ કાયસિંગ નામના લેખકે એક પુસ્તક લખ્યું ‘વી નેવર વેન્ટ ટુ મૂન’ (આપણે ક્યારેય ચંદ્ર પર ગયા જ નથી), જેમાં તેણે દાવા કર્યા કે અમેરિકાએ ફક્ત રશિયાને નીચું દેખાડવા ચંદ્ર મિશનની કહાની ઉપજાવી નાખી છે. ‘૨૦૦૧: અ સ્પેસ ઓિડસી’ જેવી અવ્વલ દરજ્જાની સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવનાર સ્ટૅન્લી કુબરિકની પત્ની પોતે પણ કુબરિકના મોત પછી એક પુસ્તક લખી દાવા કરવા લાગી કે ‘૨૦૦૧: અ સ્પેસ ઓડિસી’ના સેટ પર જ ચંદ્ર મિશનનું શુટિંગ કરાયું હતું અને તેના પતિ સ્ટૅન્લીએ જ આખી ઘટના શૂટ કરી હતી. કહતા ભી દીવાના સુનતા ભી દીવાનાની જેમ શંકાશીલ લોકોએ આ વાત પણ સત્ય માની એરિયા 51 સાથે જોડી દીધી. (ચંદ્ર પર ગયા વિના એરિયા 51માં ચંદ્ર મિશન શૂટ કર્યાની વાત ભલે તદ્દન ખોટી હોય, પણ ચંદ્ર પરથી લાવેલો ૩૮૨ કિલોના પથ્થરોનો જથ્થો તો અમેરિકન સરકારે એરિયા 51માં જ મૂક્યો છે અને એના પર સીક્રેટલી અભ્યાસ કરવામાં આવે છે)
જોકે આ બધી વાતોને રદિયો આપતાં અમેરિકન ઍરફોર્સ તો ફક્ત એટલું જ કહે છે કે અમે દુશ્મન દેશો પર હુમલો કરતાં પહેલાં હેિલકૉપ્ટરથી લઈને ઍરોપ્લેનનું પરીક્ષણ એરિયા 51માં કરીએ છીએ.
૨૦૧૬માં જ્યારે હિલેરી ક્લિન્ટન પ્રેસિડન્ટ બનવાની રેસમાં ઊતરી હતી ત્યારે તેણે અમેરિકાની જનતાને વાયદો કર્યો હતો કે જો તે સત્તા પર આવશે તો તે એરિયા 51નાં બધાં રહસ્યો પરથી પડદો ઉઠાવી દેશે. તેણે એવું પણ કહ્યું હતું કે તેના પતિ િબલ ક્લિન્ટન જ્યારે પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે એલિયન્સ વિષેની બધી ફાઇલ અમેરિકન ગુપ્તચર સંસ્થા સી.આઇ.એ. પાસેથી મંગાવી હતી અને કોઈ પણ જાતના નક્કર પુરાવા હાથ લાગ્યા નહોતા.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

એરિયા 51ને લઈને આટલી બધી અટકળો હોવા છતાં અમેરિકન સરકાર અને એની જાસૂસી સંસ્થા સી.આઇ.એ. તો નફફટાઈપૂર્વક છેક ૨૦૧૩ સુધી આવા કોઈ સ્થાનનું અસ્તિત્વ જ નકારી રહી હતી. પણ ૨૦૦૫થી ૨૦૧૩ સુધી ફ્રીડમ ઑફ ઇન્ફ‍ર્મેશન ઍક્ટ હેઠળ જયારે જનતા જવાબ માગવા માંડી ત્યારે નછૂટકે સી.આઇ.એ.ને ૪૦૦ પાનાંના દસ્તાવેજ રજૂ કરવા પડ્યા જેમાં કોઈ રોચક કે સ્ફોટક માહિતી નહોતી. સી.આઇ.એ.એ એ દસ્તાવેજોમાં એલિયન્સ અથવા યુ.એફ.ઓ.નો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

columnists weekend guide