ઈશ્વર છે? નથી? ખબર નથી?

25 September, 2022 01:23 PM IST  |  Mumbai | Kana Bantwa

આઇન્સ્ટાઇનને સૌથી વધુ વખત પુછાયેલો પ્રશ્ન વિજ્ઞાનનો નહોતો, ધર્મનો હતો : તમે ઈશ્વરમાં માનો છો?

પ્રતીકાત્મક તસવીર

આઇન્સ્ટાઇન સર્વોત્કૃષ્ટ ભૌતિકશાસ્ત્રી હતા છતાં તેમને સૌથી વધુ પુછાનારા પ્રશ્નો વિજ્ઞાન વિશેના નહોતા. એક જ પ્રશ્ન વારંવાર તેમને પુછાયો છે, જે યુનિવર્સિટી કે કૉલેજમાં લેક્ચર આપવા ગયા ત્યાં પુછાયો છે, ચર્ચના પ્રતિનિધિ દ્વારા પુછાયો છે, નાસ્તિકો દ્વારા પુછાયો છે, આસ્તિકો દ્વારા પુછાયો છે. એ પ્રશ્ન છે : તમે ઈશ્વરમાં માનો છો?

કાકલૂદી કરવાનું અને છાતી પીટવાનું બંધ કરો.

આનંદમાં રહો. નાચો, ગાઓ, પ્રેમ કરો.

આ વિશ્વએ તમને જે આપ્યું છે એનો આનંદ લો.

હું નથી ઇચ્છતો કે તમે અંધારિયાં, ઉદાસ, ઠંડાં મંદિરોમાં જાઓ, જેને તમે મારું ઘર કહો છો.

મારો નિવાસ મંદિરોમાં નથી, બલ્કે પહાડોમાં, નદીઓમાં, ખીણોમાં, ઝરણાંમાં, જંગલોમાં, સમુદ્રતટોમાં છે. એ મારાં ઘર છે અને ત્યાં હું વ્યકત થઉં છું, પ્રેમરૂપે.

મારા વિશે લખાયેલા ગ્રંથોથી ભરમાશો નહીં.

જો તમે મને જોવા માગતા હો તો પ્રકૃતિનાં સુંદર સર્જનોને જુઓ, હવાની લહેરખીઓને મહેસૂસ કરો.

મને કશું પૂછશો નહીં, મારી પાસે તમારાજીવનને બદલવાની કોઈ શક્તિ નથી.

ડરતા નહીં, હું જજ નથી કે સજા આપતો નથી.

મને જે નિયમોમાં બાંધે છે તેમનો વિશ્વાસ કરતા નહીં. તેઓ માત્ર તમને આત્મગ્લાનિ જ કરાવવા માગે છે, તમને નિયંત્રણમાં રાખવા માગે છે.

એવું ન વિચારશો કે હું તમારા માટે નિયમો બનાવું છું.

તમે તમારા જીવનના માલિક છો, તમારે જ એના અંગે નિર્ણય કરવાના છે.

કોઈ ન કહી શકે કે મૃત્યુ પછી શું છે; પણ દરેક દિવસ પ્રેમ, આનંદ, શાંતિ માટેની છેલ્લી તક છે એમ માનીને જીવવાથી જીવન વધુ સારી રીતે જીવી શકાય.

હું અસ્તિત્વ ધરાવું છું એવું તમને કોઈ કહે એટલામાત્રથી મારા પર તમે શ્રદ્ધા રાખો એવું હું ઇચ્છતો નથી, પણ હું ઇચ્છુ છું કે તમે મને સતત તમારી અંદર અને આસપાસ મહેસૂસ કરો.

આ કવિતા કોણે લખી છે એ કોઈ જાણતું નથી, પણ એને બેરૂચ સ્પિનોઝાના નામે ચડાવી દેનારા ઘણા છે. ઘણા એને સ્પિનોઝાની ફિલોસૉફીને સૌથી સારી રીતે સમજાવનાર રચના માને છે. જોકે સ્પિનોઝાનો અભ્યાસ કરનારા આ રચનાને તેની અથવા તેનાં દર્શનને સટિક રજૂ કરનાર ગણી શકે એમ નથી. એમાંનું ઘણું સ્પિનોઝાના દૃષ્ટિકોણને અનુરૂપ છે, ઘણું નથી, ઘણું ખૂટે છે. સ્પિનોઝા સત્તરમી સદીમાં ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્સમાં થઈ ગયેલો દાર્શનિક હતો જે ઈશ્વરના ધાર્મિક સ્વરૂપનો ઇનકાર કરતો હતો. તે સર્વેશ્વરવાદમાં માનતો હતો. તેના કહેવા મુજબ ઈશ્વર જ બધું છે અને બધું જ ઈશ્વર છે. તેની આ માન્યતાને દ્રવ્યવાદ કહેવામાં આવે છે. જગતમાં જેટલું પણ જડ અને ચેતન દ્રવ્ય છે એ સઘળું ઈશ્વર છે. વિશ્વમાં જે કંઈ છે એ જ ઈશ્વર છે. કોઈ દિવ્ય પુરુષ ઈશ્વર નથી. ઈશ્વર સૃષ્ટિનું નિમિત્ત અને કારણ છે. સંપૂર્ણ સૃષ્ટિ ઈશ્વરની અનિવાર્ય અભિવ્યક્તિ છે એટલે ઈશ્વર પોતે અકારણ હોવા છતાં વિશ્વનો આધાર છે. ઈશ્વર સર્વમાં વ્યાપ્ત હોવા છતાં જગતની સીમામાં બંધાતો નથી. તે નિર્ગુણ, નિરાકાર, સ્વયંભૂ, અસીમિત, અવર્ણનીય, નિર્વ્યક્તિત્વપૂર્ણ, નિરપેક્ષ, પૂર્ણદ્રવ્ય છે. દ્રવ્ય અર્થાત્ સબ્સ્ટન્સ જ ઈશ્વર છે.

થોડું હિન્દુ દર્શન જેવું, ઉપનિષદ જેવું લાગ્યુંને ? થોડું એવું છે, થોડું નથી. હિન્દુ દર્શનમાં જે રીતે ઈશ્વરને જોવામાં આવ્યો એના થોડા ચમકારા સ્પિનોઝામાં જોવા મળે છે. જોકે સ્પિનોઝા વિશ્વના ધર્મો જે ઈશ્વરને પૂજે છે એનો સ્પષ્ટ ઇનકાર કરે છે. ઈશ્વરનું અલાયદું અસ્તિત્વ જ તે સ્વીકારતા નથી. ઈશ્વર અંગેની પ્રાચીન ગ્રીક વિચારધારામાંથી સ્પિનોઝાની ફિલોસૉફી ઊતરી આવી છે. ડચ યહૂદી કુટુંબમાં જન્મેલો સ્પિનોઝા ભણવામાં ખૂબ હોશિયાર હતો. સિનેગૉગમાં કરવામાં આવતી ધાર્મિક વિધિઓની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ યુવાનીમાં જ તેને ધર્મમાંથી હાંકી કઢાયો હતો. તે કોઈ ધર્મ સાથે જોડાયેલો ન હોવાથી જ ધર્મ અને ઈશ્વર અંગેની રૂઢ ધાર્મિક માન્યતાઓથી અળગો રહી શક્યો હતો અને પોતાની સ્વતંત્ર, મૌલિક વિચારધારા અપનાવી શક્યો હતો. તે કોઈ શિક્ષક, ધર્મગુરુ કે લેખક નહોતો. તે એક સામાન્ય કારીગર હતો જે કાચના લેન્સને પૉલિશ કરવાનું કામ કરતો. સ્પિનોઝાને આપણે નેધરલૅન્ડ્સનો કબીર કહી શકીએ. કબીર જેવી જ સાદગી તેનામાં હતી અને અમુક અંશે વિચારધારા પણ. તે આખી જિંદગી સાધુ જેવું સરળ, પ્રેમાળ, દયાળુ, અન્ય માટે કરી છૂટનાર તરીકેનું જીવન જીવ્યો એટલે કોઈ ધાર્મિક પંથ સાથે જોડાયેલો ન હોવા છતાં તેને અઢળક સન્માન મળ્યું હતું.

સ્પિનોઝાની વાત અહીં માંડવાનું કારણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે. આ યુગના મહાનતમ ભૌતિકશાસ્ત્રી અને વિચારક આઇન્સ્ટાઇન સ્પિનોઝાના ઈશ્વરને માનતા હતા? તેઓ નિરીશ્વરવાદી હતા? નાસ્તિક હતા? અજ્ઞેયવાદી હતા? ઈશ્વરનો ઇનકાર કરનાર હતા? આવા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. આઇન્સ્ટાઇન સર્વોત્કૃષ્ટ ભૌતિકશાસ્ત્રી હતા છતાં તેમને સૌથી વધુ પુછાનારા પ્રશ્નો વિજ્ઞાન વિશેના નહોતા. એક જ પ્રશ્ન વારંવાર તેમને પુછાયો છે, જે યુનિવર્સિટી કે કૉલેજમાં લેક્ચર આપવા ગયા ત્યાં પુછાયો છે, ચર્ચના પ્રતિનિધિ દ્વારા પુછાયો છે, નાસ્તિકો દ્વારા પુછાયો છે, આસ્તિકો દ્વારા પુછાયો છે. એ પ્રશ્ન છે : તમે ઈશ્વરમાં માનો છો?

સામાન્ય રીતે વિજ્ઞાનનો બંદો ઈશ્વર સંબંધિત માન્યતાઓને સ્વીકારનાર ન હોય. વિજ્ઞાન પુરાવાઓને માનનાર છે, ઈશ્વર પુરાવાઓથી પર છે. વિજ્ઞાનમાં બે વત્તા બે બરાબર ચાર જ થાય છે, દર્શનમાં એવું થતું નથી. આઇન્સ્ટાઇન જેવો મહાન વિજ્ઞાની જો એમ કહી દે કે હું ઈશ્વરમાં માનું છું તો ધર્મના ઠેકેદારોને મોજ પડી જાય. આઇન્સ્ટાઇનના દેહાવસાન પછી તેને ધાર્મિક સાબિત કરવાના ખૂબ પ્રયાસો થયા છે, પણ જીવતેજીવ આ વિજ્ઞાનીએ ક્યારેય ધર્મો જેને ઈશ્વર માને છે એ મુજબના ઈશ્વરને સ્વીકાર્યા નહોતા. તે સ્પિનોઝાના ઈશ્વરને જ માનતા હોય એવું પણ નથી. હા, તેમણે બે વખત એવું કહ્યું હતું કે તેને સ્પિનોઝાના વિચાર મુજબના ઈશ્વર ગમે છે, તેને માનવા ગમે છે. તમે નાસ્તિક છો કે નહીં એવો સીધો પ્રશ્ન તેમને જર્મન કવિ જ્યૉર્જ સિલ્વેસ્ટ વિરેકે પૂછ્યો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું નાસ્તિક નથી.

આઇન્સ્ટાઇનનો લખેલો એક પત્ર જે ગૉડ લેટરના નામે ઓળખાય છે એની ૨૦૧૮માં અઢી અબજ રૂપિયાની કિંમતે લિલામી થઈ. આઇન્સ્ટાઇને લેખક એરિક ગુરકિન્ડને આ પત્રમાં ઈશ્વર વિશે લખ્યું છે, ‘ઈશ્વર શબ્દ મારા માટે માનવીય નબળાઈની અભિવ્યક્તિ માત્ર છે. બાઇબલ આદિમ અને બાલિશ વાતોથી ભરેલું છે. ઈશ્વર અંગેનું કોઈ અર્થઘટન આને બદલી શકે એમ નથી.’ ગુરકિન્ડ અને આઇન્સ્ટાઇનના દૃષ્ટિકોણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ દિશાના હતા એવું આ પત્રમાં જણાઈ આવે છે.

આઇન્સ્ટાઇન નાસ્તિક કે આસ્તિકને બદલે અજ્ઞેયવાદી અર્થાત્ ઈશ્વર છે એવું કે ઈશ્વર નથી એ બેમાંથી કંઈ માનતા ન હોય એવા હતા એવું કહેવું વધુ ઉચિત છે. તેમણે પોતે પણ કહ્યું હતું કે હું પોતાને અજ્ઞેયવાદી કહેવડાવવાનું પસંદ કરીશ. તે કહેતા કે ‘મનુષ્યને સજા આપતા કે તેના પર કૃપા કરતા પર્સનલ ઈશ્વરને હું ક્યારેય સ્વીકારી શકું નહીં.’ માનવીય ગુણો ધરાવનાર કોઈ ઈશ્વરનું અસ્તિત્વ હોય એવું તેમણે ક્યારેય સ્વીકાર્યું નહોતું, પણ તેમણે ઈશ્વરનો ઇનકાર પણ નહોતો કર્યો. તેમણે કહ્યું હતું કે બ્રહ્માંડમાં જે અદ્ભુત વ્યવસ્થા છે, બધું જ નિયમસર ચાલે છે અને આ અફાટ નિયમોથી કોઈ પર નથી એ જોતાં લાગે છે કે કોઈ શક્તિ કામ કરી રહી છે. સ્પિનોઝાની ઈશ્વરની વિભાવના કોઈ પણ વિજ્ઞાનીને ગમી જાય એવી છે એટલે આઇન્સ્ટાઇનને પણ એ પસંદ આવે એ સ્વાભાવિક છે. જોકે જેમ-જેમ આઇન્સ્ટાઇનની ઉંમર વધતી ગઈ તેમ-તેમ તેમને ઈશ્વર વધુ ને વધુ રહસ્યમય લાગ્યો છે. તેઓ ઈશ્વરની પ્રશંસા કરતાં ગીતો પણ ગાતા, એને સંગીતથી મઢતા પણ ખરા. ઈશ્વર શબ્દને વારંવાર વિવિધ અર્થમાં વાપરતા રહેતા. ઈશ્વર આ બ્રહ્માંડમાં ચોપાટ રમનાર નથી એવું તેમણે કહ્યું હતું. યહૂદી કુટુંબમાં જન્મેલા આઇન્સ્ટાઇન શરૂઆતમાં ખૂબ ધાર્મિક હતા, પણ વિજ્ઞાનકથાઓ વાંચ્યા પછી માત્ર બાર જ વર્ષની વયે તેમનો ઈશ્વર પરથી અને ધર્મશાસ્ત્રોમાંની દંતકથાઓ પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એ ક્યારેય પૂરેપૂરો પાછો ન આવ્યો. આખી જિંદગી ભૌતિકશાસ્ત્રને સમજવાની જેટલી મહેનત તેમણે કરી એટલી જ ઈશ્વરને સમજવા માટે કરી અને અંતે કહ્યું કે ‘ઈશ્વર માનવીની સમજમાં આવે એવી સામાન્ય ચીજ નથી. એક નાનું બાળક વિશાળકાય લાઇબ્રેરીમાં પ્રવેશે અને પુસ્તકોને જુએ ત્યારે તેની જે સ્થિતિ થાય એ ઈશ્વર વિશે વિચારતા મનુષ્યની થાય. તે બાળકને આ પુસ્તકોની ભાષા વાંચતાં ન આવડે. તેને સમજ હોય કે આ કોઈએ લખ્યાં છે; પણ એમાં શું લખાયું છે એ સમજી ન શકે, એની ગોઠવણ અને એના વિષયો વિશે જાણી ન શકે એવું ઈશ્વર માટે માનવીનું છે. ગમે એટલો બુદ્ધિશાળી કે સુસંસ્કૃત માણસ પણ ઈશ્વરને સમજી શકતો નથી.’ નેતિ નેતિ.

columnists kana bantwa