મનમાં રહે સદા એક ભાવ : શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

24 March, 2023 10:18 AM IST  |  Mumbai | Manoj Joshi

વિજ્ઞાનની એક નવી શાખા ડેવલપ થઈ રહી છે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં બનતા બનાવોની પાછળનું હાર્દ સમજવાની કોશિશ કરે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

થોડા સમય પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સ વિશે સાંભળ્યું.

વિજ્ઞાનની એક નવી શાખા ડેવલપ થઈ રહી છે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં બનતા બનાવોની પાછળનું હાર્દ સમજવાની કોશિશ કરે. આપણે ત્યાં જે સિદ્ધિઓની ચર્ચા થઈ છે એ સિદ્ધિઓ પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે એની વાત એમાં થાય. એમાં જ ઉલ્લેખ થયો હતો એ ‘બટરફ્લાય ઇફેક્ટ’ વિશે પણ વાંચ્યું. અમુક ફ્રીક્વન્સીમાં પતંગિયાનો ફફડાટ જે પ્રકારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે એ ધ્વનિ તરંગોથી લાંબા ગાળે ભૂકંપ પણ આવી શકે એવો વૈજ્ઞાનિકોનો તર્ક છે. કહેવાનો અર્થ એવો કે અમુક સાવ નાનકડી ઍક્શનની પણ બહુ મોટી અસર થઈ શકે છે. પૃથ્વીના કોઈ એક ખૂણે સાતત્યતાપૂર્વક બનતી ઘટના આખા બ્રહ્માંડને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવી શકે છે.

ક્વૉન્ટમ ફિઝિક્સ એ રીતે આવા ધ્વનિ તરંગો થકી આવી શકતાં ઘણાં જુદાં-જુદાં પરિબળોનો અભ્યાસ કરી રહ્યું છે; જેમ કે મંત્રની શક્તિ, હકારાત્મક વિચારોની શક્તિ, શબ્દોની શક્તિ. કદાચ એક પ્રયોગ વિશે તમે સાંભળ્યું પણ હશે. થોડા સમય પહેલાં જપાનમાં થયેલો એ પ્રયોગ છે.

એકસરખા બે કુંડા લેવામાં આવ્યા. બન્નેમાં સમાન ગુણવત્તા ધરાવતું બીજ, માટી અને ખાતર ઉમેરવામાં આવ્યાં. બન્નેને પાણી અને સૂર્યનો પ્રકાશ પણ સરખા પ્રમાણમાં જ મળે એની પણ ચોકસાઈ રાખવામાં આવી. બસ એક ડિફરન્સ હતો. એક કુંડાની સામે બહુ બધી નકારાત્મક વાતો કહેવામાં આવી. ગુસ્સામાં અપશબ્દો બોલવામાં આવ્યા, જ્યારે બીજા કુંડાની સામે ખૂબ જ પ્રેમાળ ભાષામાં હકારાત્મક શબ્દો બોલવામાં આવ્યા. એક મહિના પછી જ્યારે બન્ને કુંડાનું નિરીક્ષણ થયું ત્યારે ધ્યાનમાં આવ્યું કે માટી, ખાતર, બીજની ગુણવત્તા બધું એકસરખું હોવા છતાં જે કુંડાની સામે ખૂબ જ નકારાત્મક ભાષાનો પ્રયોગ થયો હતો એ અલ્પવિકસિત હતું. એમાં પાંદડાં જે થોડાં ઘણાં હતાં એ કરમાયેલાં હતાં અને બીજી બાજુ પ્રેમાળ અને હકારાત્મક શબ્દોનો પ્રયોગ થયો હતો એ છોડ સોળે કળાએ ખીલ્યું હતું. સાહેબ, વિચાર કરો કે જો શબ્દોની, ભાષા અને ભાવની અસર નાજુક છોડ પર થતી હોય તો પાંચેપાંચ ઇન્દ્રિયોથી સંપન્ન આપણા પર કેવો જબરો પ્રભાવ પાડી શકે. અમારા ઘરમાં આ નિયમ મેં બનાવ્યો છે કે ગમે એટલો ગુસ્સો આવ્યો હોય, કોઈના માટે ઘટતું બોલવું નહીં. કોઈનું અહિત કરવાના શબ્દો જબાન પર ન જ આવવા જોઈએ. એક વાત હું સ્પષ્ટતા સાથે માનું છું કે સારું ન થાય કોઈનું તો કંઈ નહીં, આપણા થકી જાણતાં કે અજાણતાં પણ ખરાબ તો ન જ થવું જોઈએ. કોઈ ફિશિયારી નથી આ અને કોઈ હોશિયારી પણ નથી આ. બહુ જ પ્રૅક્ટિકલ વાત કરું છું. કોઈ ફિલોસૉફી પણ નથી.

બ્રહ્માંડને જો તમે એક સિંગલ યુનિટ ગણતા હો, જે અંદર છે એ જ બહાર છે એવું તમે પણ માનતા હો તો કોઈકનું ખરાબ બોલીને કે પછી કોઈનું ખરાબ ઇચ્છીને, ખરાબ કરીને આપણે સુખી થઈ શકવાના નથી જ નથી. યેનકેન પ્રકારેણ એ આપણી તરફ આવશે જ તો પછી શું કામ આપણે સૌનું શુભ થાય એવું ન વિચારીએ? તમે જ વિચારજો અને વિચાર્યા પછી બસ એ જ વાત કહેજો, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

columnists manoj joshi