એક લીડ બેસ્ટ મળે એટલે બીજા બધા ઍક્ટર તમારે બેસ્ટ જ લાવવા પડે

23 June, 2022 01:14 PM IST  |  Mumbai | JD Majethia

‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં એવું જ થયું. કરુણા પાંડે જેવી સધ્ધર ઍક્ટ્રેસ મળી ગયા પછી અમારા માટે ચૅલેન્જ એ વાતની હતી કે અમારે કરુણાના કૅરૅક્ટરને નિખાર મળે એવા સાથી-કલાકારો શોધવાના હતા

કરુણા પાંડે

કૉસ્ચ્યુમ સાથે એ વ્યક્તિનું ઑડિશન જોઈ લીધા પછી તેની સાથે જોડાયેલાં અલગ-અલગ પાત્રો સાથે ફરીથી સીન કરવાનો. જેમ કે મા સાથે, ગર્લફ્રેન્ડ સાથે, બીજાં ભાઈ-બહેન સાથે, જેથી કૉમ્બિનેશનમાં આવેલા એ ઑડિશનના આધારે ખબર પડે કે ઍક્ટર આમ જોડીમાં કેવો લાગે છે અને એના આધારે પર્ફેક્શન આવે.

આપણે વાત કરીએ છીએ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને એના કાસ્ટિંગની. પુષ્પાના લીડ રોલ માટે એવાં મોટાં-મોટાં નામ સામે આવ્યાં, જેણે સામે ચાલીને કૉન્ટૅક્ટ કર્યો કે અમારે આ શો કરવો છે, પણ અમારી પણ કેટલીક લિમિટેશન હતી એટલે અમે બીજાં ઑડિશન પણ ચાલુ રાખ્યાં. આ જે પુષ્પાનું કૅરૅક્ટર છે એમાં બે-ચાર નહીં, બહુબધા સેડ્સ છે તો ડ્રામા, ઇમોશન્સથી માંડીને હ્યુમર, ફન જેવા દરેક પ્રકારનું મનોરંજન છે એટલે અમને એવી ઍક્ટ્રેસ જોઈતી હતી જે આ બધું અદ્ભુત રીતે નિભાવે. 

ઑડિશન ચાલુ હતાં અને એક દિવસ અમે એક ઑડિશન જોયું અને થયું કે આ ઑડિશન, આ વ્યક્તિ પર્ફેક્ટ છે. તમને કહ્યું એમ, ૧૧૦ ઑડિશન પછી અમને આ નીવડેલી ‘પુષ્પા’ મળી. આ પુષ્પા એટલે કરુણા પાંડે. તમને કહ્યું એમ, એનએએસડી રેપેટોરીમાંથી એનએએસડી રેપેટોરી શું છે એ સમજવું જોઈએ. આ એનએએસડીનો એક ડિપ્લોમા કોર્સ છે, જેમાં બીજા બધા કલાકારોની ટ્રેઇનિંગ પણ ચાલતી રહે. આ રેપેટોરીમાંથી પ્રોફેશનલ ઍક્ટર હાયર કરે અને પછી એનએસડીનાં નાટકો દેશભરમાં જાય. આ પ્રકારે સિલેક્ટ થયેલી કરુણા પાંડે પુષ્પા બની અને અમારી મા ફાઇનલ થઈ ગઈ, પણ વાત ત્યાં પૂરી નથી થતીને સાહેબ, વાત તો અહીંથી શરૂ થાય છે.

કલાકારોમાં કેવું હોય એ તમને સમજાવું. બેસ્ટ લીડ ઍક્ટર તમને મળી જાય એટલે વાત પૂરી નથી થતી. એ બેસ્ટ ઍક્ટરની સામે ટક્કર સાથે ઊભા રહે એવા ઍક્ટરોની પણ જરૂર પડે, જે આખો સીન નિખારી દે અને તમારી સ્ક્રીન ભરી દે. 

કરુણા પાંડે પછી તો અમારે માટે ચૅલેન્જ વધી ગઈ હતી કે અમારે તેની સામે તેના જેવો જ પર્ફોર્મન્સ આપે એવા કલાકાર શોધવાના હતા અને મા પછી હવે અમારે તેનાં સંતાન શોધવાનાં હતાં. 
સંતાનોની વાત કરીએ તો પહેલાં વાત કરીએ મોટા દીકરા અશ્વિનની. આ અશ્વિન એકદમ ડાહ્યો અને ઠરેલ, ઠરેલ. આ શબ્દ મને ગમે છે. ઠરેલ જ નહીં, ડાહ્યો શબ્દ પણ મને બહુ ગમે છે. મોટો દીકરો ઠરેલ છે, તો નાનો વંઠેલ છે. આ વંઠેલ પણ સરસ શબ્દ છે. માત્ર એક શબ્દમાં આખી વાત સમજાઈ જાય. ઍનીવેઝ, અમને એક ઠરેલ જોઈતો હતો અને એક વંઠેલ જોઈતો હતો એટલે અમારી એ મુજબની શોધખોળ શરૂ થઈ તો એની સાથોસાથ નાની દીકરીની શોધખોળ પણ અમે શરૂ કરી. આ નાની દીકરી ચબરાક છે, ચબરાક. આ શબ્દ પણ કેવો સરસ છે. તમે જુઓ, એક જ શબ્દ આખું કૅરૅક્ટર તમને સમજાવી જાય. બીજી ભાષામાં આ બધા શબ્દો કઈ રીતે બહાર આવે એની મને ખબર નથી, પણ આપણી ગુજરાતીની તો આ જ મજા છે અને આ મજા આપણે ખોવી ન જોઈએ.

લખવા-વાંચવામાં તો આ શબ્દો જોવા નથી મળતા, પણ આજકાલ આપણી ચર્ચાઓમાંથી પણ આ શબ્દો ખોવાઈ ગયા છે. હું કહીશ કે આપણું શબ્દ-ભંડોળ ખોવાતું જાય છે અને એની પાછળનું કારણ વાંચન છે. વાંચન ઓછું થઈ ગયું છે એટલે વૉકેબ્લરીમાં આવા ભરાવદાર શબ્દો રહ્યા નથી. બધું સરળ અને સપાટ થઈ ગયું છે. સારું વાક્ય પણ ભાગ્યે જ કોઈના મોઢે સાંભળવા મળે અને સારું વાક્ય લખાણમાં પણ જ્વલ્લે જ વાંચવા મળે. બે, ત્રણ અને ચાર શબ્દોથી વાક્યો બને છે અને એ વાક્યો વપરાશમાં પણ આવે છે. આવું બને ત્યારે ખરેખર ગુજરાતી ભાષાની દયા આવી જાય છે.

અમે તો અમારી ટીમમાં ગુજરાતી રાઇટર-ડિરેક્ટર હોય તો એનો પૂરતો લાભ લઈએ. એકાદ-બે શબ્દોમાં જ વાત કહેવાઈ જાય અને એનું આખું કૅરૅક્ટર પણ ફટાક દઈને સમજાઈ જાય. એક જ શબ્દ ઘણુંબધું કહી જાય અને અસરકારકતા પણ રહે.

ઠરેલ, વંઠેલ અને ચબરાક. 

આ ત્રણ સંતાનોની અમને શોધ હતી. અશ્વિનના પાત્રમાં બે છોકરાઓ એકદમ ફાઇનલ થઈ ગયા. છોકરી પણ એની સામે એવી જ જોઈએ જે હિરોઇન લાગે. સુંદર અને આજના સમયની છોકરી, પૈસાવાળા ઘરની લાગે એવી. વાર્તા તો બધાને હવે ખબર જ છે કે એક બહુ જ પૈસાવાળાના ઘરની છોકરીને અશ્વિન સાથે અફેર છે અને તે પુષ્પા જ્યાં રહે છે એ ચાલમાં આવે છે. અહીં આવીને તેણે બહુબધું જોવાનું, સમજવાનું, સાંભળવાનું અને ભોગવવાનું આવે છે, પણ છોકરી બહુ ડાહી છે. તેને આવનારી આ પરિસ્થિતિની ખબર છે, તે સંજોગોથી વાકેફ છે. બહુ ડાહી, સમજદાર અને હોશિયાર એવી દીકરી પોતાનાં માબાપને મનાવે છે કે પૈસો આજે નથી તો કાલે આવી જશે, પણ ત્યારે મને ગમતી વ્યક્તિ નહીં હોય તો હું શું કરીશ, કોની સાથે રહીશ? 
લવ-મૅરેજને બહુ સ્ટ્રૉન્ગ્લી સપોર્ટ કરતો વિચાર અને આવા જ અનેક વિચારોને સતત લોકોનાં મન સુધી પહોંચાડવાનું કામ કરતું રહે એવા લુક સાથેનું કાસ્ટિંગ. અશ્વિનમાં મળેલાં બે પાત્રોમાંથી નવીન પંડિત અમને પર્ફેક્ટ લાગ્યો એટલે અમે લુક ટેસ્ટ શરૂ કરી અને એ પછી કમ્બાઇન્ડ ઑડિશન શરૂ કર્યાં.

આ પ્રોસેસ શું છે એ જરા સમજાવું.

કૉસ્ચ્યુમ સાથે એ વ્યક્તિનું ઑડિશન જોઈ લીધા પછી તેની સાથે જોડાયેલાં અલગ-અલગ પાત્રો સાથે ફરીથી સીન કરવાનો; જેમ કે મા સાથે, ગર્લફ્રેન્ડ સાથે, બીજાં ભાઈ-બહેનો સાથે, જેથી કૉમ્બિનેશનમાં આવેલા એ ઑડિશનના આધારે ખબર પડે કે ઍક્ટર આમ જોડીમાં કેવો લાગે છે અને એના આધારે પર્ફેક્શન આવે. નવીન બધી રીતે પર્ફેક્ટ લાગ્યો એટલે અમે અશ્વિનને ફાઇનલ કરીને આગળ વધ્યા.

હવે વાત હતી અમારે જોઈતી હતી એ ચબરાક છોકરીની. ખૂબ ઑડિશન કર્યાં, પણ અમને મજા નહોતી આવતી, કારણ કે શરૂઆતનાં બે-ત્રણ-ચાર ઑડિશનમાં જ અમારો જીવ હતો. એ ઑડિશનમાં દેશનાનું ઑડિશન અમને બહુ ગમ્યું હતું. દેશના ઇન્દોરની છે, હવે તે મુંબઈ સેટલ થઈ છે. તેના સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ. ફાઇનલ થઈ ગયું, પણ ત્યાં બીજા જ દિવસે દેશનાનાં મમ્મી-પપ્પાએ બૉમ્બ નાખ્યો, ‘દેશના ઇન્દોર છે.’ 

એક્ઝામ, ભણવાનું એ બધું તેણે પૂરું કરવાનું હતું એટલે દેશનાને તેમણે ઇન્દોર સેટલ કરવાનું નક્કી કરી લીધું હતું. અમે અટક્યા. મીટિંગો કરી, તેમને મસજાવ્યાં અને સમહાઉ તેઓ માની પણ ગયાં અને દેશનાને અમે મુંબઈમાં રોકી લીધી. વધુ એક ટેન્શન ઘટ્યું એટલે હવે વાત આવી ચિરાગની. મતલબ કે પેલા વંઠેલ છોકરાના પાત્રના કૅરૅક્ટરની.

ઑડિશનમાં અમને દર્શન ગુર્જરનું કામ ગમ્યું, પણ દર્શન સબ ટીવીના જ બીજા એક શોમાં હતો અને એમાં તેનું અમુક દિવસોનું કમિટમેન્ટ હતું. ફાઇનલી નક્કી કર્યું કે દર્શન માટે આપણે સબ ટીવીને જ કહીએ. અમે સબ ટીવીને કહ્યું અને એ જ લોકો દર્શનને પેલા શોમાંથી છોડાવીને આ શોમાં લઈ આવ્યા. 

તમે જુઓ તો ખરા, બધાની પોતપોતાની કેવી જર્ની છે, કેવી રીતે બધા એકબીજા સાથે કનેક્ટ થતા 

હોય છે, ભેગા થયા છે અને એકબીજાનો સથવારો કેવો લઈને આગળ વધતા જાય છે. કાસ્ટિંગની આ જ ચર્ચા હજી લાંબી ચાલવાની છે, કારણ કે એટલું મોટું કાસ્ટિંગ આ શોનું છે અને એવી-એવી વાતો એમાં સંકળાયેલી છે કે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ જોવાની તમને જેવી મજા આવે છે એવી જ અને એટલી જ મજા તમને આ બધું વાંચવામાં આવશે. ગૅરન્ટી.
મળીએ, આવતા ગુરુવારે, આ જ વાતને કન્ટિન્યુ કરતાં.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia