એક નાનકડા નગરમાં મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

05 December, 2021 07:41 AM IST  |  Mumbai | Shailesh Nayak

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

મહિલાઓ દ્વારા ચાલતું પ્રિન્ટિંગ પ્રેસ

પ્રિન્ટિંગના ટેક્નિકલ કામમાં સ્ત્રીઓને વળી શું સમજ પડે? એ પણ ગામડાની અને ખૂબ જ ઓછું ભણેલી મહિલાઓ આમાં કંઈ ન કરી શકે એવું માની લેવું સહજ છે. આ માન્યતા વીસનગરના એક નાનકડા પ્રિન્ટિંગ પ્રેસની અંદર ઘૂસતાં જ ભાંગીને ભુક્કો થઈ જાય એમ છે. અહીં ૩૦૦ જેટલી સ્ત્રીઓ કામ કરે છે. અહીંની ખાસિયત એ છે કે પ્રિન્ટિંગના દરેક તબક્કાનું કામ માત્ર મહિલાઓ જ કરે છે. વાત ચાલી રહી છે શ્રી વીસનગર મહિલા મુદ્રણાલય અને ઉત્પાદક સહકારી મંડળીના મહિલાઓ દ્વારા ચાલતા પ્રિન્ટિંગ પ્રેસની. શરૂઆત થઈ ત્યારે કોઈ જ અનુભવ કે જ્ઞાન નહોતું, પણ આજે જે કૉન્ફિડન્સ અને સૂઝબૂઝથી આ કામ સંભાળે છે એ કાબિલેદાદ છે. 
નવું શીખવાનું હોય એટલે અડચણો તો આવે જ, પણ એને સ્ટેપિંગ સ્ટોન બનાવીને મહિલાઓએ પ્રિન્ટિંગનાં દરેક પાસાં શીખી લીધાં અને મહામહેનતે ઊભી કરેલા આ પ્રિન્ટિંગ પ્રેસને સફળતાનો સ્વાદ ચખાડ્યો. આ સહકારી મંડળીની જેમ કામ કરતું પ્રેસ સેંકડો બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભર બનવાનું માધ્યમ બની ગયું છે. 
કોઈ પણ નાનું-મોટું સારું કામ કરવા માટે તમે ગામમાં રહેતા હો કે પછી મોટા શહેર કે કૉસ્મોપૉલિટન સિટીમાં રહેતા હો એનાથી ખાસ કોઈ ફરક પડતો નથી. હા, ખાલી તમારામાં કામ કરવાની ધગશ જરૂરી છે. અનુભવ ભલે ન હોય, પરંતુ કંઈક નવું શીખવાની તત્પરતા હોય, વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ કામ કરવાની તાલાવેલી હોય અને પરિવારને ટેકો આપવાની ખ્વાહિશ હોય તો તમારા માટે કંઈ અશક્ય નથી એ વાત ઉત્તર ગુજરાતના વીસનગર જેવા નાનકડા નગર અને એની આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ સાર્થક કરી બતાવી છે. આજથી ૩૦ વર્ષ પહેલાં વીસનગરનાં શકુંતલા પટેલે અન્ય બહેનોને સાથે રાખીને જ્યારે પુરુષોના વર્ચસવાળા ગણાતા પ્રિન્ટિંગના ધંધામાં પગલાં માંડેલાં.  એ વખતે તેમની પાસે કોઈ અનુભવ કે આવડત નહોતાં, પણ હામ ખૂબ હતી. 
વર્ષો પહેલાં એક નાના નગરમાં કેવી રીતે પ્રિન્ટિંગના વ્યવસાયમાં મહિલાઓએ કદમ માંડ્યાં એની વાત કરતાં આ સહકારી મંડળીનાં પ્રમુખ ૬૧ વર્ષનાં શકુંતલા પટેલ કહે છે, ‘અમે જ્યાં રહેતાં હતાં ત્યાં બાજુમાં મારી બહેનપણીના પપ્પાનું પ્રિન્ટિંગ પ્રેસ હતું. અમે ત્યાં આંટો મારવા જતાં હતાં. ત્યાં પ્રિન્ટ થતી બધી વસ્તુઓ જ્યારથી જોઈ હતી ત્યારથી એ મારા મગજમાં ઘર કરી ગયેલી. મને એમ થયું કે આ કંઈક સારું કામ છે. ૧૯૯૦માં મેં પ્રિન્ટિંગલાઇનમાં કામ શરૂ કર્યું. એ વખતે પાંત્રીસેક મહિલાઓ સાથે હતી. આ કામ શરૂ કર્યું ત્યારે મુશ્કેલી તો પડી જ, કેમ કે પુરુષસમોવડો ધંધો હોય અને મહિલાઓએ શીખવાનું અને પરિવારને પણ સાચવવાનો હોય એ ઉપરાંત બીજી જવાબદારીઓ પણ ખરી છતાં અમે વિચાર કર્યો કે આ નવો ધંધો છે અને એના થકી વધુ બહેનોને રોજગારી આપી શકાય એમ છે. પુરુષસમોવડિયા આ ધંધામાં મહિલાઓ પણ પાછી નથી પડતી એવું સાબિત કરવા અમે આ બધી કામગીરી કરીએ છીએ.’ 
શ્રી વીસનગર મહિલા મુદ્રણાલય અને ઉત્પાદક સહકારી મંડળી તેમ જ શ્રી મહિલા સ્ટેશનરી ઉત્પાદક અને વેચાણ સહકારી મંડળી સ્થાપીને આ મંડળીની મહિલાઓએ દિવસ-રાત જોયા વગર મહેનત કરી, આવડત ન હોવાથી મુશ્કેલીનો સામનો કર્યો, અનેક અવરોધ ઉકેલીને એક પછી એક કામ શીખતી ગઈ અને એવી તો તૈયાર થઈ કે આજે સફળતાપૂર્વક પ્રિન્ટિંગનો બિઝનેસ કરી રહી છે. કદાચ આ વાત જાણીને અચરજ થશે કે ઉત્તર ગુજરાતના એક નાનકડા નગરમાં બેસીને આ મહિલાઓ વર્ષેદડાહે બે કરોડથી વધુ રૂપિયાનું ટર્નઓવર કરે છે! 
શરૂઆતના એ દિવસોને યાદ કરતાં શકુંતલા પટેલ કહે છે, ‘આ વ્યવસાય અમારા માટે નવો હતો. શરૂઆતમાં અમે કાગળ પકડીએ તો સાઇઝની ખબર ન પડે અને સાઇઝ વાળવા જઈએ તો કાગળ વાળતાં ન ફાવે. ગ્રામ જોવા જઈએ તો એમએમ અને ઇંચમાં પણ ભૂલ થઈ જતી, પણ આજે અમને કોઈ પણ કાગળ કે કોઈ પણ સાઇઝ આપો તો અમે મશીન પર ચડાવીને કામ કરીને રિઝલ્ટ આપી દઈએ છીએ. આઠમા ધોરણ સુધી ભણી છું. એ ઉપરાંત પ્રિન્ટિંગલાઇનનું કંઈ ભણી નથી કે નથી કોઈ ટ્રેઇનિંગ લીધી. બધું જ ઑર્ડર લઈને ટ્રાયલ અને એરર દ્વારા જાતે જ શીખી છું. અમારે ત્યાં પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ, સ્ટેશનરીનું કામ બહેનો જ કરે છે. સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ, સ્કૂલ–કૉલેજોને લગતી તમામ પ્રકારની સ્ટેશનરી બનાવવા માટે જરૂરી પ્રિન્ટિંગનું કામ અમે કરીએ છીએ. અમારે ત્યાં વર્ષે બે કરોડથી ઉપરનું ટર્નઓવર થાય છે.’ 
આ મંડળીમાં ક્યાં-ક્યાંથી મહિલાઓ આવે છે અને તેમને કેવી રીતે કામ શીખવવામાં આવે છે એ મુદ્દે શકુંતલા પટેલ કહે છે, ‘અમારે ત્યાં વીસનગર તેમ જ નજીકમાં આવેલાં કમાણા, સદુથલા, કાંસા, ગુંજા સહિત આસપાસનાં પાંચ-દસ કિલોમીટરનાં ગામની બહેનો તેમ જ મહેસાણા–વડનગરથી પણ બહેનો આવે છે. તો ઘણી બહેનો અહીંથી કામ લઈ જઈને તેમના ઘરે રહીને પણ કામ કરે છે. અમારે ત્યાં ચોથા ધોરણથી માંડીને ગ્રૅજ્યુએટ થયેલી બહેનો કામ કરવા આવે છે. એવી પણ બહેનો આવે છે જેને સહી કરતાં પણ નથી આવડતું એવી બહેનોને પણ કામ આપીએ છીએ. આ વ્યવસાય એવો છે કે ઓછું ભણ્યા હો તો પણ કામ કરી શકાય છે. અમે મહિલાઓને પ્રિન્ટિંગ મશીનનું કામ શીખવીએ છીએ. તાલીમ આપીએ છીએ. કટિંગ-બાઇન્ડિંગ કરતાં શીખવીએ છીએ.પહેલાં તો ટ્રેડલ મશીન હતાં, હવે ઑફસેટ મશીન આવી ગયાં છે. એ ઉપરાંત કટિંગ મશીન, નંબરિંગ મશીન, દાબ તેમ જ ક્રીઝ મશીન સહિતની મશીનરીનું કામ કરતાં શીખવીએ છીએ.’ 
વીસનગરના આ પ્રિન્ટિંગ પ્રેસમાં મહિલાઓને કામ અપાય છે, ભાઈઓને કેમ નહીં? એ મુદ્દે ફોડ પાડતાં શકુંતલાબહેન કહે છે, ‘ભાઈઓ તો કામ કરે જ છે, પણ અમારો ઉદ્દેશ એ છે કે વધુ ને વધુ બહેનો આમાં જોડાય અને તેમને આર્થિક મદદ મળી રહે. તેઓ સ્વાવલંબી બને. કામ કરતાં શીખે તો તેમને રોજગારી મળી રહે. મોટા ભાગે જરૂરિયાતવાળી બહેનો અમારે ત્યાં કામ કરે છે. હાલમાં અમારે ત્યાં ૩૦૦ જેટલી બહેનો ટ્રેઇન થઈ છે અને તેમને રોજગારી મળી રહી છે. હું તો બધી બહેનોને સંદેશ આપું છું કે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે સારું કામ આવડે એ કરો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાય એવાં કામ કરો.’ 
ટેન્ડરિંગનું કામ પણ...
પ્રિન્ટિંગ કામ, બૅન્કિંગ કામ અને ટેન્ડરિંગના કામ સહિતનાં તમામેતમામ કામ અહીં બધી મહિલાઓ જ કરી રહી છે. બૅન્કિંગ અને ટેન્ડરિંગનું કામ સંભાળતાં પિન્કી પટેલ કહે છે, ‘હું છેલ્લાં ૨૦ વર્ષથી અહીં મંડળીનાં મંત્રી તરીકે કામ કરું છું. બિલ બનાવવાનાં, ટેન્ડર ભરવાનાં, એને માટે કલેક્ટર કચેરી કે જિલ્લા પંચાયતમાં જવાનું કે પછી અન્ય ઑફિસોમાં જવા જેવાં કામ હું કરી રહી છું. હું જે કામ કરી રહી છું એનો મને કોઈ અનુભવ નહોતો. મારે બૅન્કમાં જઈને શું કરવું, કઈ લાઇનમાં ઊભાં રહેવું, કેવી રીતે ડીલિંગ કરવું, પૈસા ભરવા, ડ્રાફ્ટ કઢાવવો, શું વાત કરવી એની કશી ખબર નહોતી, પણ અહીં આવ્યા પછી મને આ બધાં કામ આવડ્યાં અને ધીરે-ધીરે અનુભવથી બધું શીખતી ગઈ. મને શકુંતલાબહેને બધું શીખવાડી દીધું.’  
અત્યારે તો આ બહેનોને શ્વાસ લેવાનીય ફુરસદ નથી, કેમ કે ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી છે. ચૂંટણીને લગતા અઢળક સાહિત્યના પ્રિન્ટિંગનો ખડકલો તેમની પાસે છે. આ મહિલામંડળી પાસે મહેસાણા અને પાટણ જિલ્લાની ચૂંટણીને લગતું બૅલટપેપર સુધીનું કામ ગુપ્તતા જળવાય એ રીતે થાય છે. મહિલાઓ સાથે મળીને એકબીજાના સહકારથી કામ કરે તો કેવાં મીઠાં પરિણામ આવી શકે છે અને બહેનોની જિંદગી કેવી ખુશખુશાલ બની જાય છે એ વીસનગરની આ મહિલા મંડળીની બહેનો બતાવી રહી છે.

બાળકો સચવાઈ ગયાં અને પરિવારને ટેકો થઈ ગયો

વીસનગરમાં રહેતાં અને બીમારીને કારણે પતિ ગુમાવી ચૂકેલાં જ્યોત્સના પટેલને તેમનનાં બે બાળકોની ચિંતા સતાવતી હતી, પરંતુ તેમને મહિલામંડળીમાં કામ મળ્યું અને તેમના અટકી પડેલા જીવનની ગાડી પાટે ચડી ગઈ. જ્યોત્સનાબહેન કહે છે, ‘હું અહીં છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું. આટલાં વર્ષ દરમ્યાન અહીં કામ કરતાં મારા જીવનમાં બદલાવ આવ્યો છે. હું ૧૦ ધોરણ સુધી ભણી છું. મારા પતિ બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. એક દીકરી અને એક દીકરાની જવાબદારી આવી પડી હતી. એવા સમયે હું આ મંડળીમાં કામ કરવા જોડાઈ. ધીરે-ધીરે કામ શીખતી ગઈ અને આજે પ્રિન્ટિંગ, કટિંગ, બાઇન્ડિંગ સહિતનાં કામ હું કરું છું. અહીંથી મને રોજગારી મળી રહેતાં મને એનાથી સંતોષ છે અને એને કારણે મારાં બાળકો સચવાઈ ગયાં છે. હું બાળકોને અભ્યાસ કરાવી શકી છું. હું તો મારા જેવી બીજી બહેનોને કહેવા માગું છું કે શરમ છોડીને કામ કરવું જોઈએ. કામ શીખીને આગળ વધો. રોજી કમાવાથી પરિવારને પણ ટેકો થઈ રહેશે.’ 

columnists shailesh nayak