તકદીર કે ખેલ સે નિરાશ નહીં હોતે, ઝિંદગી મેં ઐસે કભી ઉદાસ નહીં હોતે

24 May, 2023 05:08 PM IST  |  Mumbai | Pravin Solanki

કહે છેને કે ભાગ્ય એવો એક બંધ કબાટ છે, એને ઉઘાડવાની ચાવી પુરુષાર્થ છે. મન હોય તો માળવે જવાય. સફળતાનો આધાર મક્કમ નિર્ધાર છે

યશસ્વી જૈસવાલ

૨૦૨૩ની આઇપીએલનો યશસ્વી હીરો બની ગયો છે. કલકત્તા નાઇટ રાઇડર્સના જે બોલરોને તેણે ધોઈ નાખ્યા એ બોલરોની એ રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ૧૩ બૉલમાં અડધી સદી અને ૪૭ બૉલમાં ૯૮ રન બનાવીને તે બધાની આંખનો તારો બની ગયો.

તકદીર કે ખેલ સે નિરાશ નહીં હોતે, 
ઝિંદગી મેં ઐસે કભી ઉદાસ નહીં હોતે
હાથોં કી લકીરોં પર ક્યોં ભરોસા કરતે હો, તકદીર ઉનકી ભી હોતી હૈ જિનકે હાથ નહીં હોતે

ભારત એક વિશાળ દેશ છે. દેશને ખૂણે-ખૂણે અનેક વિશાળ પ્રતિભાઓ તકના અભાવે, સાધન-સગવડના અભાવે, આર્થિક ક્ષમતા એટલે કે ગરીબીને કારણે નિ:સાસા નાખતી ગુમસુમ પડી રહી છે. આપણે ઘણી વાર ટીવી પર આવતા ગીત-સંગીત, નૃત્યના રિયલિટી શોમાં આ બધા અભાવને પુરુષાર્થથી, આત્મવિશ્વાસથી, મક્કમ ઇરાદાથી પાર કરીને ઝળહળતી ફતેહ પામનારા નજરે જોયા છે. ક્રિકેટક્ષેત્રના આવા જ એક પુરુષાર્થી યશસ્વી જયસ્વાલની વાત આજે માંડવી છે. 

યશસ્વીનો જન્મ ૨૦૦૧ની ૨૪ ડિસેમ્બરે યુપીના ભદોહી ગામમાં થયો હતો. પિતાનું નામ ભૂપેન્દ્ર, માતાનું નામ કંચન. અત્યંત સાધારણ પરિવાર. યશસ્વીને નાનપણથી જ ક્રિકેટનું ઘેલું!! શિક્ષણની પાટી-પેન કરતાં ક્રિકેટના બૉલ-બૅટમાં તેનું વધારે ધ્યાન. યુપીના ગામડામાં રહીને ક્રિકેટર નહીં બનાય એની જાણ યશસ્વી અને તેના પિતાને હતી. એ વખતે યશસ્વીની ઉંમર ૧૦ વર્ષની હતી, પણ અક્કલ પ્રૌઢની હતી. મુંબઈ આવવા તેનું મન થનગની રહ્યું હતું, પણ રહેવું ક્યાં? સગાંવહાલાં તરફ નજર દોડાવી. એક ભેંસના તબેલાના માલિક એવા સગાએ તેને શરતી આશરો આપવાની તૈયારી બતાવી. શરત એ હતી કે સવારે તબેલાની સાફ-સફાઈ કરવાની, દૂધ વહેંચવા જવાનું, બપોરે ઘરનાં નાનાં-મોટાં કામ કરવાનાં ને સાંજે ક્રિકેટની પ્રૅક્ટિસમાં જવાનું. ઉત્સાહી અને ક્રિકેટઘેલા યશસ્વીએ શરતો માન્ય રાખી. 

થોડો વખત બધું ઠીકઠાક ચાલ્યું, પણ તબેલાના માલિકની જોહુકમી વધવા માંડી. યશસ્વીએ હિંમત કરીને તબેલો છોડી દીધો. તેણે આઝાદ મેદાનમાં લાગેલા એક ટેન્ટમાં સૂવાની વ્યવસ્થા કરી લીધી અને સાંજે પ્રૅક્ટિસ પત્યા પછી મેદાનની બહાર પાણીપૂરી-ચાટ વેચવાની રેંકડી ઊભી કરી લીધી. 

એક ઇન્ટરવ્યુમાં યશસ્વીએ કહ્યું કે ‘આ એટલું આસાન નહોતું. મારી જિંદગી અસ્તવ્યસ્ત હતી, ટેન્ટમાં એક ચટાઈ પર સૂતો, મચ્છરોનો ત્રાસ, ચોમાસામાં તો હાલત બદતર, નહીં લાઇટ, ન પંખો, એક ઢોર કરતાં પણ વધારે ખરાબ મારી હાલત હતી. અધૂરામાં પૂરું, મેદાનના માળીની ભયંકર કનગડત, સૂવાના પૈસા માગે, પૈસા ન મળે તો માર પણ પડે, પણ હું હિંમત હાર્યો નહીં, ક્રિકેટ ખાતર મેં બધું સહન કરી લીધું. મનમાં હતું જ એક દિન અપના ટાઇમ ભી આયેગા...’ અને એ ટાઇમ આવ્યો. તેની મુલાકાત ગોરખપુરથી આવેલા એક ક્રિકેટર કોચ જ્વાલા સિંહ સાથે થઈ. એ કોચે રમાકાન્ત આચરેકર (તેન્ડુલકરના ગુરુ) પાસે તાલીમ લીધેલી. જ્વાલા સિંહ યશસ્વીની રમતથી ખૂબ પ્રભાવિત થયા અને પોતાના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી. લોહીની સગાઈ કરતાં ક્રિકેટમાં દાખવેલી નિષ્ઠાની સગાઈ કામ આવી. 

 જ્વાલા સિંહે કહ્યું કે ‘૨૦૧૩થી ૨૦૨૨ સુધી તે મારી સાથે રહ્યો. એ પછી મુંબઈ ક્રિકેટ અસોસિએશન અને પછી રાજસ્થાન રૉયલ્સનો તેને સહારો મળ્યો. રણજી ટ્રોફીમાં તેને રમવાની તક મળી, પરંતુ લોકોની નજરમાં આવે એ રીતની રમત ન રમી શક્યો, પણ મુંબઈની ટીમે તેને જાળવી રાખ્યો એ મહત્ત્વની વાત બની.’

યશસ્વી પણ કહે છે કે ‘મારી સફળતા પાછળ જ્વાલા સિંહનો સિંહફાળો છે. તેમણે મને સગા દીકરાની જેમ પ્રોત્સાહન આપ્યું, ઘરમાં રાખ્યો, ક્રિકેટ કિટ અપાવી, મારી રમતને નિખારી, ગુરુકર્મ નિભાવ્યું. જ્વાલા સિંહને કારણે જ દાદર યુનિયન ક્લબમાં રમવા મળ્યું, દિલીપ વેન્ગસરકર સાથે રમવા મળ્યું, એ કારણે જ ઇંગ્લૅન્ડ જવા મળ્યું. વિચાર કરો કે આઝાદ મેદાનની ફુટપાથ પર પાણીપૂરી વેચનારો છોકરો છેક ઇંગ્લૅન્ડ પહોંચી ગયો. પોતાની મહેનત અને જીદને સહારે.’ 

એ પછી તો તેણે અન્ડર-૧૬, ૧૯, ૨૧ની ભારતીય ટીમ સાથે રમવા મળ્યું. પરાકાષ્ઠા તો ત્યાં આવી ગઈ કે વિજય હઝારે ટ્રોફીમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો રેકૉર્ડ તેણે કર્યો. બસ, ત્યારથી તેનું નામ ક્રિકેટજગતમાં ગુંજવા લાગ્યું. લોકો કહેતા કે ૧૭ વર્ષનો એક છોકરો શિખર ધવન જેવો દેખાય છે, એટલું જ નહીં, પણ તેના જેવી જ ફટકાબાજી કરે છે. એ દરમ્યાન રાહુલ દ્રવિડની નજર તેના પર પડે છે અને અન્ડર-નાઇન્ટીનની ટીમમાં તે સામેલ થાય છે અને યશસ્વી બને છે. પાંચ અર્ધશતકથી બધાનું ધ્યાન તેની તરફ જાય છે અને આખરે આઇપીએલમાં રાજસ્થાન રૉયલની ટીમ તેને બે કરોડ ચાલીસ લાખ રૂપિયામાં ખરીદે છે!! અને એ પછીનો ઇતિહાસ તો આપણા સૌની સામે છે. 

૨૦૨૩ની આઇપીએલનો યશસ્વી હીરો બની ગયો છે. કલકત્તા નાઇટ રાઇડર્સના જે બોલરોને તેણે ધોઈ નાખ્યા એ બોલરોની એ રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ૧૩ બૉલમાં અડધી સદી અને ૪૭ બૉલમાં ૯૮ રન બનાવીને તે બધાની આંખનો તારો બની ગયો. મુંબઈ સામેના ૧૨૪ રન પણ લોકો હજી યાદ કરે છે. 

યશસ્વીનું લાડકું નામ ‘મોન્ટી’ છે. પિતા ભૂપેન્દ્ર કહે છે કે ‘યશસ્વીના ક્રિકેટ પાછળના ગાંડપણ સામે ઝૂકી જઈને અમારે ૧૩ વર્ષની ઉંમરે તેને એકલો મુંબઈ જવા દેવો પડ્યો. અમારા સંબંધીઓએ તો અમને ખૂબ વાર્યા હતા, મુંબઈ માયાવી નગરી છે, દીકરો ગુમાવશો. આજે હું એ બધાની સામે માથું ઊંચું કરીને ચાલી શકું છું. યશસ્વીએ પણ એક મુલાકાતમાં પોતાની જીદ કરતાં પિતાની હિંમતને બિરદાવી છે.’ 

ઘણાને સવાલ થશે કે મુંબઈ આવીને આઝાદ મેદાનમાં રમવાનું કેવી રીતે મળી ગયું? જે નામી ક્રિકેટરો આઝાદ મેદાનમાં રમવા આવતા તેની રમત યશસ્વી ઊભાં-ઊભાં નિહાળતો, પછી ફટકા મારેલા બૉલને દોડીને લઈ આવી પાછો આપતો. આ સિલસિલો તેણે ચાલુ રાખી ખેલાડીઓનો સંપર્ક કેળવ્યો. પોતાને પણ ક્રિકેટમાં રસ છે એની વાત કરી. તેની રમત જોઈને પ્રભાવિત થયેલા ખેલાડીઓએ સાથે રમવાની તક આપી. આજે ભારતીય ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટ માટે તે દાવેદાર બની ગયો છે, એટલું જ નહીં, યશસ્વી યુવા ખેલાડીઓની પ્રેરણા બની ગયો છે. મુશ્કેલીઓને મહેફિલમાં જે ફેરવી શકશે તેને સફળતાના હકદાર બનતાં કોઈ રોકી નહીં શકે.

સમાપન
 
મંઝિલેં ઉન્હીં કો મિલતી હૈ 
જિનકે સપનોં મેં જાન હોતી હૈ 
 પંખ સે કુછ નહીં હોતા,
હૌંસલોં સે ઉડાન હોતી હૈ!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists rajasthan royals Pravin Solanki