અનેકતા મેં એકતા હી હમારી શાન હૈ ઇસ લિએ હમારા ભારત દેશ મહાન હૈ!

22 February, 2023 05:07 PM IST  |  Mumbai | Pravin Solanki

એક જમાનો હતો કે બિસ્મિલ્લા ખાનની શરણાઈ, પન્નાલાલ ઘોષનું બાંસૂરીવાદન, સિતારાદેવી કે બિરજુ મહારાજનું નૃત્ય, રવિશંકરની સિતાર સાંભળવા લોકો મોંઘા ભાવની ટિકિટ ખર્ચીને પણ જતા.

પ્રતીકાત્મક તસવીર

સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એ કોઈ પણ સમાજની ભીતર વ્યાપ્ત ગુણોના સમગ્ર સ્વરૂપનું નામ છે; જે એ સમાજના વિચાર, વાણી, કલા, સાહિત્ય, સંગીત, રહેણીકરણીના પ્રતિબિંબને પ્રગટ કરે છે. એ ‘કૃ’ ધાતુથી બની છે. આ ધાતુથી ત્રણ શબ્દ બીજા પણ બને છે; પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ! આ ત્રણેય શબ્દોને આવરી લઈને વિનોબાજીએ ભારતીય સંસ્કૃતિની એક ઉત્તમ આધ્યાત્મિક વ્યાખ્યા કરી છે. 

‘ભૂખ લાગે ત્યારે ખાવું એ મનુષ્યની પ્રકૃતિ છે. ભૂખ શમ્યા પછી કે ભૂખ ન હોય છતાં ખાવું એ વિકૃતિ છે, પણ પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું એ ભારતીય સંસ્કૃતિ છે.’

 સંસ્કૃતિના બે પ્રકાર છે, ભૌતિક અને અભૌતિક. સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે પાતળી ભેદરેખા એ છે કે સભ્યતા સુખ, સુવિધા જેવી બાહ્ય વસ્તુને સ્પર્શે છે, જ્યારે સંસ્કૃત આંતરિક ગુણોને. ટેલર (TYLOR)ના કહેવા મુજબ એ જટિલ સમગ્રતા છે; જેમાં જ્ઞાન, વિજ્ઞાન, કલા, આચાર-વિચાર, કાનૂનપ્રથા અને એવા બીજા અનેક આદર્શોનો સમાવેશ થાય છે, જેમાં માનવ સભ્યતાનાં લક્ષણોનાં દર્શન થાય છે. 

ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે દેશભરમાં ઘણી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીજીએ સ્થાપેલું ભારતીય વિદ્યા ભવન પ્રમુખ સ્થાને છે. દેશ-વિદેશમાં એની શાખા છે. શિક્ષણથી લઈને કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, જ્યોતિષ વિદ્યા, યોગ વગેરે અનેક ક્ષેત્રે એનું યોગદાન રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૩નો મહિનો એનું શ્રેષ્ઠ ઉદાહરણ રહ્યું છે. 
ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરી દ્વારા પાંચમી ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી ૧૨ દિવસ LLDC નાટ્યસ્પર્ધાનું આયોજન થયું તો ઇન્ફોસિસ ફાઉન્ડેશન અને ભારતીય વિદ્યા ભવન મુંબઈ, બૅન્ગલોર દ્વારા ૧૮થી ૨૭ ફેબ્રુઆરી સુધી સતત ૯ દિવસ વિવિધતામાં એકતા વિષયક સંસ્કૃતિ મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે; જેમાં મ્યુઝિક, ડાન્સ, નાટકો, ફિલ્મ વગેરે અનેકવિધ ક્રાયક્રમોનો સમાવેશ છે. 

હવે મૂળ વાત પર આવું કે મને પેટમાં શેનું દુખે છે? 

મુંબઈમાં ભારતીય વિદ્યા ભવન કે ભવન્સ કલ્ચરલ સેન્ટર નિયમિત રીતે સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કરતી રહી છે, બીજી અનેક સંસ્થાઓ પણ. તકલીફ શું છે? કલા છે, પણ ભોક્તા નથી; જમવાનું છે, પણ જમનારા નથી; કલાકારો છે, પણ પ્રેક્ષકો નથી. છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે લોકોને સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ પ્રત્યે આભડછેટ લાગી ગઈ છે. લોકોનાં ટોળેટોળાં ધાર્મિક કાર્યક્રમમાં ઊમટે છે, ફૂડ ફેસ્ટિવલમાં લોકો હોંશે-હોંશે દોડે છે, ક્રિકેટ મૅચમાં મોંઘા ભાવની ટિકિટ હોવા છતાં પડાપડી થાય છે, ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રત્યે ઉદાસીનતા કેમ? 

આ પણ વાંચો: ક્યા રખ્ખા હૈ કિસી કી ધડકન બન જાને મેં મઝા તો હૈ કિસી કી ધડકન વાપસ લાને મેં!

એક જમાનો હતો કે બિસ્મિલ્લા ખાનની શરણાઈ, પન્નાલાલ ઘોષનું બાંસૂરીવાદન, સિતારાદેવી કે બિરજુ મહારાજનું નૃત્ય, રવિશંકરની સિતાર સાંભળવા લોકો મોંઘા ભાવની ટિકિટ ખર્ચીને પણ જતા. આઇએનટી, નાટ્ય સંપદા કે લાલુ શાહનાં નાટકો છલકાતાં, મરીઝ, બરકત વીરાણી કે સૈફ પાલનપુરીના મુશાયરા ગાજતા, ગુલામ અલી કે જગજિત સિંહની ગઝલો સાંભળવી એ એક લહાવો ગણાતો. ‘કહાં ગયે વો દિન?’ પ્લીઝ... પ્લીઝ... મહેરબાની કરીને એવી દલીલ ન કરતા કે હવે ક્રાયક્રમનું પહેલાં જેવું ધોરણ રહ્યું છે ક્યાં? હકીકત એ છે કે પહેલાં જેવા પ્રેક્ષકો નથી રહ્યા. 

કલા, સાહિત્ય, સંસ્કૃતિ એ બધા શબ્દો પોતાનું જ વજન ગુમાવી રહ્યા છે. સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાનાં પૂરક હતાં એ જુદાં થઈ ગયાં છે. વિજ્ઞાન સંસ્કૃતિ પર હાવી થઈ ગયું છે. યુવાનોની સભ્યતા અલગ-અલગ ગૅજેટ્સમાં વહેંચાઈ ગઈ છે. સંગીતના ક્લાસ સૂના પડ્યા છે, રમવાનાં મેદાનો પાર્કિંગ ઝોનમાં પલટાઈ ગયાં છે, કલા યોગ નહીં, ભોગ બની ગઈ છે. પ્રકૃતિનું ભ્રમણ રોમમાં રસપૂરી અને પૅરિસમાં પાત્રા જેટલું મર્યાદિત થઈ ગયું છે. આ ચિંતાનો વિષય તો છે જ, પણ ચિંતા છે કોને? કરશે કોણ? મારા જેવો પણ લખીને છૂટી જશે, ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહનું તે સમે તે જ થાશે.’ 

જરૂરી નહીં કોઈ બાત હી ચૂભે 
બાત ન હોના ભી ચૂભતા હૈ!

 અહીં વાત જ નહીં, માણસ આખો ને આખો નથી રહ્યો. જાવેદ ખાન નથી રહ્યો એ વાત મને ખૂંચી જ નથી. મારી રગેરગની આરપાર નીકળીને મને હચમચાવી ગઈ છે. તેના વિશે જે અખબારોમાં લખાયું છે એનાથી વિશેષ હું જાણું છું, કેમ કે મારી કારકિર્દીના આરંભના સમયથી તે મારો મિત્ર હતો. તે મને ગુરુ માનતો, પણ હકીકતમાં તે મારો ગુરુ હતો. દેશભરમાં એકાંકી ક્ષેત્રે મારું નામ ઉજાળવામાં તેનો સિંહફાળો હતો. 

૧૯૭૧ની આસપાસની વાત છે. અલાહાબાદમાં આંતરરાષ્ટ્રીય અને આંતરભાષીય એકાંકી સ્પર્ધાનું આયોજન હતું. દેશભરની જુદી-જુદી ભાષાનાં ૭૫ નાટકોની એન્ટ્રી આવી હતી. ખાલસા કૉલેજ તરફથી મારા લખેલા એકાંકી ‘ધ માસ્ક’ (હિન્દી) એકાંકીનો પણ એમાં સમાવેશ હતો. નાટકનું દિગ્દર્શન પણ મારું હતું, જાવેદ ખાન એમાં હીરો હતો. 

ખાલસાનું અમારું ગ્રુપ સ્ટ્રૉન્ગ ગણાતું. રમેશ તલવાર (પ્રખ્યાત ફિલ્મ-દિગ્દર્શક), રમણ કુમાર (‘તારા’ ફેમ દિગ્દર્શક), કુલદીપ સિંગ (પ્રખ્યાત મ્યુઝિક-ડિરેક્ટર), સુષમા પૌડવાલ મારા નાટકની હિરોઇન અને ગાયિકા અનુરાધા પૌડવાલની નણંદ વગેરે ઘણાં નામી કલાકારો હતાં. અલાહાબાદની સ્પર્ધામાં મારા નાટકને પ્રથમ ઇનામ મળ્યું ને દેશભરમાં મારું નામ ગાજ્યું. 

બસ ત્યારથી મારા અને જાવેદના સંબંધો ગાઢ-અંગત રહ્યા. અમે નિયમિત મળતા. એક વર્ષની તેની બીમારી પહેલાં ભવન્સ અંધેરીમાં તે મને મળવા અવારનવાર આવતો અને તેની અંગત વાત શૅર કરતો. એ ફિલ્મલાઇનથી નારાજ હતો. આર્થિક રીતે સધ્ધર નહોતો. બીજા કેટલાક કૌટુંબિક પ્રશ્ન હતા. છેલ્લે-છેલ્લે નિર્વાહ માટે એ શિક્ષક તરીકે ઇસ્લામ ધર્મનું શિક્ષણ આપતો. 
ઈશ્વર તેના આત્માને શાંતિ આપે.

સમાપન

૨૦૨૩ની ૧ માર્ચે સાંજે ૭ વાગ્યે ભવન્સ ચોપાટીમાં LLDC નાટ્યસ્પર્ધાનો ભવ્ય ઇનામ વિતરણ સમારંભ એક નોખા-અનોખા મનોરંજન કાર્યક્રમ સાથે આયોજિત થવાનો છે. 

વહેલો તે પહેલોના ધોરણે આપ સૌને આમંત્રણ છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki