હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

22 March, 2023 06:14 PM IST  |  Mumbai | Pravin Solanki

માણસની શ્રદ્ધા વાસી બાબતો પર વધારે હોય છે. પરિણામે ધર્મની સતત વહેતી સરિતામાં તરવાને બદલે તે પંથોના તળાવમાં ડૂબવાનું વધારે પસંદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

જવાહર બક્ષીની આ પંક્તિઓ અનેક અર્થમાં લઈ શકાય છે. માણસ બોદો થઈ ગયો છે. તે કોઈ કામનો નથી રહ્યો. દાંડી પીટવાના પણ. તે અન્યાય સામે લડી નથી શકતો, ધર્મને અનુસરી નથી શકતો, ફરજને સમજી નથી શકતો, સત્યને પારખી નથી શકતો, કુટુંબને નિભાવી નથી શકતો, સમાજને ઉપયોગી નથી થઈ શકતો કે દેશ માટે ફના નથી થઈ શકતો. જીવવા માટે તેની પાસે કોઈ કારણ નથી રહ્યું. એક દિવસ મરવાનું છે એ જ કારણે તે જીવી રહ્યો છે. 

દુનિયાનું ચક્ર અવળું ફરી રહ્યું છે. સત્ય જન ઘાણીમાં પીલાઈ રહ્યા​ છે અને નાગા-નૂગરા મોજ કરે છે. ઈમાનદારો આંધીમાં સપડાઈ રહ્યા છે અને બેઈમાનો બાદશાહની જેમ ઘૂમી રહ્યા છે. ધર્મીના ઘરે ધાડ પડે છે અને અધર્મી એશ કરે છે. ડાહ્યા દીવાના લાગે છે અને પાગલ પંડિત લાગે છે. આપણે જે દુનિયા જોઈ રહ્યા છીએ એ દુનિયાનું દૂરબીન ઊંધું છે, પણ આપણને એની ખબર જ નથી અને એટલે જ વાંક સેલનો હોય છે અને થપ્પડ રિમોટ ખાધા કરે છે.

 આપણી સંવેદનાને પક્ષાઘાત થઈ જાય એવા સમાચારો રોજ વાંચવા કે સાંભળવા મળે છે, પણ આપણે સળવળતા જ નથી. લાગણીને પગ નથી છતાં એને વારંવાર ઠેસ કેમ લાગે છે એ પ્રશ્ન મનમાં કેમ ઊઠતો નથી? માણસ ચાડિયો બની ગયો છે. તેને કંઈ સ્પર્શતું નથી, ખૂંચતું નથી. તે જોયા કરે છે એવો આપણને ભાસ થાય છે, પણ હકીકતમાં તે કશું જોતો નથી. સુંદરમ જેવો કવિ ક્યાં શોધવો જે પોકારી-પોકારીને કહે કે ‘ઘણું-ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા’. મેઘાણી જેવા કવિએ આજે કબૂલવું પડત કે ઘણ બોલતું નથી અને એરણ સાંભળતી નથી.

ધર્મ અને ધર્મગુરુ બંને અવિશ્વસનીય બની રહ્યા છે એ હકીકત હોવા છતાં એમાં કોઈને અજુગતું લાગતું નથી. એક સમાચારે મારું ચિત્તતંત્ર ખળભળાવી મૂક્યું કે ‘શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાને ચરણસ્પર્શ કરવાના હવે ૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવશે’. વળી આ રકમ હંગામી છે, સમય જતાં ૧૦૦૦ રૂપિયા પણ થઈ શકે છે. 

આને સમાચાર ગણવા કે અત્યાચાર? દુરાચાર? મને તો આ બંને શબ્દો મોળા લાગે છે. શ્રદ્ધાનું મૂલ્ય આંકીને ધર્મનું અવમૂલ્યાંકન થતું ભાસે છે. 

 કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ કે મૂર્તિનાં ચરણ પખાળે, એને સાષ્ટાંગ નમન કરે કે એનાં ચરણોમાં આળોટે એ તેની મરજીનો, આસ્થાનો સવાલ છે. તેને કોઈ અટકાવી ન શકે. 
સવાલ એ છે કે કાશી વિશ્વનાથ જેવા વિશ્વવિખ્યાત મંદિરના બાબાને પાયલાગણ કરવા માટે ૫૦૦ રૂપિયા ચૂકવવાના? શું કામ? કારણ કે મફત ચરણસ્પર્શ કે દર્શન કરવામાં અવ્યવસ્થા સર્જાતી હતી. ભક્તોની સગવડ ખાતર આ ચાર્જ લગાડવામાં આવ્યો છે. 

 આ દલીલ સરાસર તર્કહીન છે. વાત છે ‘ધંધા’ની. આજકાલ ધર્મ ધંધો બની ગયો છે. ચારેય દિશામાંથી સદવિચારો પ્રવેશો એવી પ્રાર્થનાને બદલે ચારેય દિશામાંથી આવકનો સ્રોત પ્રવેશો એવી પ્રશાસકની ભાવના કામ કરતી હોય છે. 

અનાદિકાળથી ધર્મસ્થાનકોની જાહોજલાલી રાજા-રજવાડાં કરતાં જરાય ઊતરતી રહી નથી. હજારો ટન સોનું અને અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતાં ધર્મસ્થાનકો વર્ષોથી ચર્ચામાં રહ્યાં છે. કાર્લ માર્ક્સ કહેતા કે કાયર, ભીરુ અને ડરપોક પ્રજા જ ધર્મસ્થાનકોની આવકનો સ્રોત છે. એ બહુમતીમાં છે. એને લઘુમતીમાં લાવવાના પ્રયાસ કરનારો, ધર્મ નામના અફીણના ઘેનમાંથી જગાડનારો ક્રાંતિવીર ક્યારે પાકશે એની કાળ રાહ જુએ છે.

એક જમાનો હતો જ્યારે ધંધામાં ધર્મને પ્રાધાન્ય હતું. આજે ધર્મ જ ધંધો બની ગયો છે. આજે દર્શન ખરીદાય છે, પ્રસાદ ખરીદાય છે. અરે, આસ્થા અને શ્રદ્ધા તો ઠીક, ખુદ ભગવાન પણ ખરીદાય છે. નાથદ્વારામાં ‘ભેટ હાથમાં રાખો અને સન્મુખ દર્શન કરો’ના નારા સાંભળવા મળે તો તિરુપતિમાં કિંમત પ્રમાણે દર્શનનો સમય મળે. દરેક ઠેકાણે ભેટની રકમ પ્રમાણે પ્રસાદ મળે! જેટલી મોંઘી ભેટ એટલાં જલદી દર્શન. 

આ પણ વાંચો: હમારે જીને કા અંદાઝ હમારે ઝોર સે નહીં, દુશ્મન કે શોર સે પતા ચલતા હૈ

પ્રસાદ! અરે હા, તાજેતરમાં એક સમાચારે એક વધુ આંચકો આપ્યો. યાત્રાધામ અંબાજીમાં પ્રસાદમાં વર્ષોથી મોહનથાળ અપાતો એને બદલે ચિક્કી આપવાનું નક્કી થયું અને ભડકો થયો. કોઈએ કહ્યું કે કોઈ ચોક્કસ વ્યક્તિના લાભાર્થે ચિક્કીનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સામા પક્ષે દલીલ થઈ કે મોહનથાળ જલદી બગડી જાય છે અને ઉપવાસમાં ખવાતો નથી એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે! તો આટલાં વર્ષોથી મોહનથાળ બગડતો નહોતો? 

 મારા એક મિત્રે કટાક્ષ કર્યો કે રોજ વારાફરતી વાર પ્રમાણે તાજા પ્રસાદની પ્રથા પાડો. રવિવારે રબડી, સોમવારે સુખડી, મંગળવારે પિત્ઝા, બુધવારે બર્ગર, ગુરુવારે વડાપાંઉ, શુક્રવારે સક્કરપારા અને શનિવારે શીરો! 

 દાગ હેમરશીલ્ડે સાચું જ કહ્યું છે ‘માણસની શ્રદ્ધા વાસી બાબતો પર વધારે હોય છે. પરિણામે ધર્મની સતત વહેતી સરિતામાં તરવાને બદલે તે પંથોના તળાવમાં ડૂબવાનું વધારે પસંદ કરે છે.’ 

તા.ક. : ૧૬ માર્ચ ૨૦૨૩ના રોજ ‘માણસ એક રંગ અનેક’ને સાત વર્ષ પૂરાં થયાં. આઠમા વર્ષનો શુભારંભ. 

વાચકોનો હૃદયપૂર્વક આભાર.

બે જગ્યા અત્યંત દુર્લભ ગણાય છે : હૃદય મૂકવાની અને હૃદય ખોલવાની. આ બંને જગ્યા પૂરી પાડનાર ‘મિડ-ડે’ પરિવારને તો કેમ ભૂલી શકાય? સ્વૈરવિહાર કરવા મને આકાશ મળ્યું તો મનગમતી પતંગ ચગાવી શક્યો. આભાર!

સમાપન

એક ભક્ત વિષ્ણુ ભગવાનનાં દર્શને ગયો, પણ પડદો પડી ગયો હતો. દર્શન બંધ થઈ ગયાં હતાં અને ભગવાન સૂઈ ગયા હતા. ભક્તે પૂજારીને ૫૦૦ રૂપિયાની નોટ દેખાડી અને પૂજારીએ પડદો ખોલી નાખ્યો. ભક્તે શાંતિથી દર્શન કરી લીધા પછી પૂજારીને કહ્યું, ‘મંદિરમાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર?’ પૂજારીએ કહ્યું, ‘હે વત્સ, શાસ્ત્રોનું તને જ્ઞાન નથી લાગતું. આમ પણ વિષ્ણુને હંમેશાં લક્ષ્મીજી જ જગાડે છે.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style columnists Pravin Solanki