હમારે જીને કા અંદાઝ હમારે ઝોર સે નહીં, દુશ્મન કે શોર સે પતા ચલતા હૈ

15 March, 2023 05:51 PM IST  |  Mumbai | Pravin Solanki

ઐયાશી અને સ્ત્રીમોહને કારણે જ તેણે જીવ ખોયો. તેના એક સાથીના મૃત્યુ પછી તેની ખૂબસૂરત વાઇફના ચક્કરમાં તે ફસાયો. વાઇફના ભાઈને આ ગમતું નહોતું. પોલીસે એનો લાભ લઈને ભાઈને સાધ્યો.

મીનાકુમારી

અમૃતલાલ કિસ્મતના જોરે ગોપી-ગૅન્ગનો લીડર બની ગયો. થોડો વખત આડેધડ-બેફામ લૂંટફાટ-મારધાડ કરી, પણ પછી કંટાળી ગયો. સાલું, એકનું એક ક્યાં સુધી કર્યે જવાનું? તેનું શાતિર મગજ કંઈક નવું કરવા, પૈસા કમાવાનો શૉર્ટકટ શોધવામાં લગાવ્યું ને એમાં સફળતા પણ મળી. 

એવું કહેવાય છે કે કોઈ માલદાર વ્યક્તિનું અપહરણ કરી ફિરોતી-ખંડણી માગવાનો વિચાર તેને પહેલવહેલો આવ્યો હતો. એ લોકોની ભાષામાં આ પ્રવૃત્તિને ‘પકડ’ કહેવાતી. ઝાઝી કોઈ ઝંઝટ નહીં, કોઈ માલદાર વ્યક્તિને પકડો, જાસો મોકલો, રકમ મેળવો ને જલસા કરો. બીજી કોઈ માથાકૂટ જ નહીં. તેણે મનોમન રકમ પણ નક્કી કરી લીધી. લાખ રૂપિયાથી ઓછી રકમ પરવડે નહીં એવા બકરા પર હાથ જ ન નાખવો. એ વખતના લાખ રૂપિયા વિચારો, કેટલા થયા? 

તેનો આ પ્લાન સફળ થયો. ઘણા ખરા લોકોને જે મેળવવા લાંબી મજલ કાપવી પડે છે એ કેટલાક નસીબદારોને રસ્તો ક્રૉસ કરતાં જ મળી જાય છે. જોતજોતામાં તેણે ૫૦ લાખ રૂપિયા ‘પકડ’માં કમાઈ લીધા. પોલીસની દોડધામ ચાલુ થઈ ગઈ. ચતુર શિયાળ અમૃતલાલ દરેક વખતે પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો. 

એક કિસ્સામાં તો તેણે હદ કરી. શિવપુરીમાં ગીચ જંગલમાં એક પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટા-મોટા લોકો માનતા માનવા આવે છે. એક વાર ૪૦ ધનાઢ્યનું ગ્રુપ બસ લઈને મંદિરમાં આવ્યું, જેની જાણ પહેલેથી જ અમૃતલાલે મેળવી લીધી હતી. તેની હિંમત જુઓ. આખેઆખી બસ તેણે કિડનૅપ કરી લીધી. ચારેકોર હાહાકાર મચી ગયો. 

અમૃતલાલને આ સાહસ વધારે પડતું લાગ્યું. પોલીસના ઘેરા વચ્ચે આ બધાને છુપાવવા ક્યાં? ‘શેઠિયા’ લોકો ચંબલની ઘાટીમાં ચડ-ઊતર કેટલી કરી શકે? આખરે મહિલા, અશક્ત ૧૪ જણને તેણે અધવચ્ચે છોડી દેવાં પડ્યાં. બાકીનાને ૧૫ દિવસ આમતેમ ઘુમાવ્યા. એટલું જ નહીં, ૬૦ લાખ રૂપિયા જેટલી રકમ પણ મેળવીને જંપ્યો. સરકારી તંત્ર ધ્રૂજી ઊઠ્યું. અમૃતલાલની ધાકે કોઈએ કબૂલ ન કર્યું કે અમારું અપહરણ થયું હતું. 

આ લૂંટ અને કામયાબી પછી અમૃતલાલનો અહંકાર આસમાને ગયો. હવે તે પોતાના દુશ્મનોને શોધી-શોધીને તેમની આડેધડ હત્યા કરવા માંડ્યો. હવે પૈસાની તેને પરવા નહોતી, માત્ર બદલાની જ ખેવના હતી. આડેધડ હત્યાકાંડ આદરતાં હથિયારો ખૂટી પડ્યાં. માથાફરેલ અમૃતલાલને ખબર પડી કે શિવપુરીની પોલીસચોકીમાં ચિક્કાર હથિયાર પડ્યાં છે તો તેણે બેઝીજક આખી પોલીસચોકી લૂંટી પોલીસની રહીસહી ઇજ્જત પર પાણી ફેરવી દીધું. 

લૂંટ પછી જલસા કરવા શહેરમાં લટાર મારવાનો સિલસિલો હજી ચાલુ જ હતો. તે એક વાર આગરાથી દિલ્હી આવતો હતો ત્યારે પોલીસને કંઈક શંકા ગઈ. પકડીને તેને પોલીસચોકીમાં લાવવામાં આવ્યો. ત્યાં એક પોલીસે તેને ઓળખી લીધો ને આખું પોલીસ સ્ટેશન સાબદું થઈ ગયું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુપી એમ ત્રણેય રાજ્યોમાંથી તેનાં કારનામાં બહાર આવવા માંડ્યાં. કોર્ટમાં કેસ ચાલ્યો અને તેને ૧૮ વર્ષની સજા ફરમાવવામાં આવી, પણ એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરતી વખતે આ ચતુર શિયાળ આબાદ નાસી છૂટ્યો.
થોડાં વર્ષો પછી બીજી વાર તે ગ્વાલિયરથી પકડાયો તો ગ્વાલિયરની જેલમાંથી પણ તે પલાયન થઈ ગયો. જેલમાંથી ભાગી છૂટવું એ તેને માટે રમતવાત બની ગઈ હતી. કારણ? તેની પાસેનો અઢળક પૈસો. પોલીસથી માંડીને કેદીઓ સુધી બધાને તે પૈસાથી ખરીદી તેનું કામ પતાવી લેતો. 

અમૃતલાલના એક-બે કિસ્સા તો ખૂબ લોકજીભે ચડ્યા છે. મધ્ય પ્રદેશના ઉમરી ગામના રાજાને ત્યાં મારવાડી વેપારીના સ્વાંગમાં રાજમહેલમાં ઘૂસી છડેચોક તેણે રાજાને પણ લૂંટ્યો, એટલું જ નહીં, લૂંટનાં પોટલાં રાજાના કર્મચારીઓ પાસે ઊંચકાવીને લઈ જતો હતો ત્યાં રાણી અને તાજેતરમાં પરણીને પહેલી વાર પિયર આવેલી રાજકુંવરી સામે મળ્યાં. રાણીએ કરગરતાં, રડતાં-રડતાં, અમૃતલાલના પગે પડીને કહ્યું, ‘મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે, લૂંટમાં દીકરીનાં સાસરિયાંઓએ ચડાવેલા દાગીના પણ છે, મહેરબાની કરી દયા કરો.’ અમૃતલાલે એ જ વખતે પોટલાં છોડાવી એમાં રાજકુંવરીના જે દાગીના હતા એ પાછા કર્યા. આ બનાવથી અમૃતલાલ લોકનજરમાં હીરો બની ગયો.’ 

આ પણ વાંચો: તુમ બસ પૈસા બનાઓ, રિશ્તા બનાને કે લિએ તો લોગ તૈયાર બૈઠે હૈં!

બીજો એક રસપ્રદ કિસ્સો. ‘પાકીઝા’ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના ચંબલ પાસે ચાલતું હતું. એક દિવસ શૂટિંગ મોડું પૂરું થયું. મોડી રાતે બે ગાડી શહેરમાં જવા નીકળી. એકમાં મીનાકુમારી હતી અને બીજીમાં કમાલ અમરોહી. રાત હતી અને ઘનઘોર જંગલ હતું, જંગલી જાનવરો અને જીવતા અસૂરોનો ભય હતો; એટલે બન્ને ગાડી સાથે ચાલતી હતી. અચાનક કમાલસાહેબની ગાડી ખોટકાઈ, પેટ્રોલ પણ ખૂટી ગયું હતું. બધા મૂંઝાયા. ન પૂછવા માટે કોઈ ઠેકાણું હતું કે ન કોઈ જવાબ દેનારું. કમાલસાહેબે રાત ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. 

થોડા સમય પછી અમૃતલાલની ગૅન્ગ કમાલસાહેબની કારને ઘેરી વળી. પૂછ્યું, ‘કોણ છો તમે?’ કમાલસાહેબે ડરતાં-ડરતાં કહ્યું, ‘અમે ફિલ્મના શૂટિંગ માટે આવ્યા છીએ.’ 

‘કૌન સી ફિલ્મ?’ 
‘પાકીઝા.’ 
‘ક્યા પાકીઝા? હિરોઇન કહાં હૈ?’ 
‘બાજુ કી ગાડી મેં.’ 

મીનાકુમારીને જોઈને અમૃતલાલ પાણી-પાણી થઈ ગયો. ૧૦ મિનિટની અંદર તેણે તંબુ તણાવી દીધા. ખાવા-પીવા માટે મોટું જશન ગોઠવી દીધું. ગાડી રિપેર થઈને આવી ગઈ. સવારે ભાવભરી વિદાય પણ આપી દીધી. કઈ રીતે? મીનાકુમારી પાસે પોતાના હાથ પર ચાકુથી ઑટોગ્રાફ લઈને. શહેરમાં પહોંચ્યા પછી મીના-કમાલને ખબર પડી કે તે તો ડાકુ અમૃતલાલ હતો. 
ઐયાશી અને સ્ત્રીમોહને કારણે જ તેણે જીવ ખોયો. તેના એક સાથીના મૃત્યુ પછી તેની ખૂબસૂરત વાઇફના ચક્કરમાં તે ફસાયો. વાઇફના ભાઈને આ ગમતું નહોતું. પોલીસે એનો લાભ લઈને ભાઈને સાધ્યો, તેની ગૅન્ગમાં ભેળવ્યો અને ફિલ્મી સ્ટાઇલે તેના જ હાથે અમૃતલાલનું ખૂન કરાવ્યું અને એનો જશ પોલીસે લીધો. 

સમાપન

વક્ત સબ કો મિલતા હૈ , ઝિંદગી બદલને કે લિએ 

પર ઝિંદગી દોબારા નહીં મિલતી , વક્ત બદલને કે લિએ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki