તુમ બસ પૈસા બનાઓ, રિશ્તા બનાને કે લિએ તો લોગ તૈયાર બૈઠે હૈં!

08 March, 2023 06:03 PM IST  |  Mumbai | Pravin Solanki

એ સમયે ચંબલની ઘાટીમાં ‘ગોપી ગૅન્ગ’ મશહૂર હતી. ગોપી ગૅન્ગના કેટલાક માણસોની નજરમાં હાથમાં બે રાઇફલ સાથે ફરતો અમૃતલાલ આવી ગયો. બધાએ તેને ઘેરી લીધો, પકડીને સરદાર પાસે લઈ આવ્યા.

પ્રતીકાત્મક તસવીર

અમૃતલાલ! કેવું સરળ, સીધુંસાદું નામ! જાણે કોઈ માસ્તરનું નામ, પ્રિન્સિપાલનું નામ, પત્રકારનું નામ, વેપારી કે કોઈ સંનિષ્ઠ કર્મચારીનું નામ. કોઈ પણ દૃષ્ટિ કે ઍન્ગલથી લાગે કે અમૃતલાલ કોઈ ડાકુનું નામ હોઈ શકે, એ પણ કોઈ ખુંખાર ડાકુનું નામ! ન લાગેને? પણ છે! હતું. 

૫૦ના દાયકામાં ચંબલની ઘાટીના એક ખતરનાક ડાકુનું નામ અમૃતલાલ હતું. આ અમૃતલાલ એ ડાકુ હતો જેણે એ સમયની મશહૂર અભિનેત્રી મીનાકુમારી સાથે એક રાત ગાળી હતી, તેની ખાતરબરદાસ્ત કરી હતી. આ એ ડાકુ હતો જેણે કિડનૅપિંગ, અપહરણ કરીને પૈસા પડાવવાની શરૂઆત કરી હતી. આ એ ડાકુ હતો જે ભણેલો-ગણેલો હતો, એટલું જ નહીં, શિક્ષક પણ હતો. આ એક એવો ડાકુ હતો જેણે ચાર દાયકા સુધી બેખોફ બેતાજ બાદશાહ બનીને ચંબલની ઘાટીમાં રાજ કર્યું હતું. 

અમૃતલાલ ચાલાક-ચબરાક હતો. પોલીસની ફાઇલમાં તેના નામનો ઉલ્લેખ ચતુર શિયાળ તરીકે થયેલો. તે ઘર ભાંગતો, ગામ લૂંટતો. રાજાના મહેલમાં ત્રાટકતો, અરે પોલીસચોકી સુધ્ધાં તેણે છોડી નથી. તેની લૂંટનો અંદાજ પણ અનોખો હતો. લૂંટ કરી થોડા દિવસ તે મોટા શહેરમાં પલાયન થઈ જતો; જેમ કે મુંબઈ, દિલ્હી, લખનઉ. ત્યાં સામાન્ય નાગરિક તરીકે પૅન્ટ, શર્ટ, કોટ, ટાઈ પહેરીને બિન્દાસ ફરતો, એશ કરતો. ફિલ્મો, દારૂ, જુગારખાનાનો શોખીન હતો. મન ભરીને મોજ માણ્યા પછી ફરી પાછો તે ધંધે લાગી જતો, એટલે કે ચંબલની ઘાટીમાં પહોંચી જતો. 

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના એક નાનકડા ગામમાં તેનો જન્મ થયો હતો. પિતાનું નામ ભગવાનલાલ હતું. કહેવાય છે કે આ ગામ અમૃતલાલના બાપ-દાદાએ જ વસાવ્યું હતું. ગામમાં મોટા ભાગનાં ખોરડાં તેના પરિવારનાં જ હતાં. વળી એ સમયમાં અમૃતલાલ આઠ ધોરણ સુધી ભણ્યો હતો. ભણવામાં પણ હોશિયાર હતો એટલે જ બાળમંદિરના નાનાં છોકરાંવને ભણાવવાની નોકરી પણ તેને મળી હતી. 

એક ખેડૂતનો દીકરો ડાકુ કેવી રીતે બની ગયો એની દિલચસ્પ કહાની છે. સામાન્ય રીતે વ્યક્તિ સાથે ઘોર અન્યાય થાય એનો બદલો લેવા ડાકુ બની જતા હોય છે. અમૃતલાલના કેસમાં સાવ એવું નહોતું. મૂળ કારણ પૈસાદાર થવાની અને પૈસા વડે મોજમજા મનાવવાની લાલચ હતી. 

ઘરેથી જ્યાં તે વિદ્યાર્થીને ભણાવવા જતો એ રસ્તામાં એક મોટી દુકાન આવતી. અમૃતલાલની આંખમાં આ દુકાન ખૂંચવા લાગી, કેમ કે આખા ગામમાં આ દુકાન સમૃદ્ધ હતી. એક કાળ ચોઘડિયે અમૃતલાલને વિચાર આવ્યો કે આ દુકાનનો રોજનો વકરો ખૂબ મોટો હશે. તિજોરીમાં મોટો દલ્લો પણ હશે - એને લૂંટવી જોઈએ. તેણે તેના કેટલાક મિત્રોને તેનો વિચાર જણાવ્યો. મોટા ભાગના તેના મિત્રો તેનાથી ઊંચી જાતના ને મોટા બાપના હતા, પણ પૈસાની લાલચ અને યુવાનીના જોમે બધા પીગળી ગયા. દુકાનમાં લૂંટ કરી, પણ બધા પકડાઈ ગયા.

પોલીસચોકીમાં બધાએ અમૃતલાલને બલિનો બકરો બનાવી દેતાં કહ્યું કે આ આઇડિયા તો અમૃતલાલનો જ હતો. બધા વગદાર અને ઉચ્ચ જાતિના હોવાથી પોલીસે તેમને છોડી દીધા. અમૃતલાલ સામે કેસ નોંધાયો. આ અન્યાયથી અમૃતલાલનું મસ્તક ફરી ગયું. તેણે એક પોલીસ પર હુમલો કર્યો. એટલું જ નહીં, બે રાઇફલ લઈને ત્યાંથી નાસી ગયો. વાતનું વતેસર થઈ ગયું. આમ તો ઘટના મામૂલી હતી, પણ પોલીસ પર હુમલો અને રાઇફલ ચોરીને ભાગી જવાના અપરાધથી ગુનાનું સ્વરૂપ મોટું બની ગયું. 

આ પણ વાંચો: અનેકતા મેં એકતા હી હમારી શાન હૈ ઇસ લિએ હમારા ભારત દેશ મહાન હૈ!

ચંબલની ઘાટી એ ગુનેગારોનું તીર્થધામ હતું. દરેક નાનામોટા ગુનેગારોને અહીં આશ્રય-સહારો મળી રહેતા. અમૃતલાલે એ આશ્રયસ્થાન જ પસંદ કર્યું. તેને અહેસાસ તો થઈ જ ગયો કે આવેશમાં તે મોટી ભૂલ કરી બેઠો છે અને હવે પાછા વળી જવાનો કોઈ રસ્તો નથી. વળી માણસમાત્રમાં એક વૃત્તિ હોય છે કે ભૂલ કર્યાનો અહેસાસ થવા છતાં પોતે સાચો છે, પોતાને અન્યાય થયો છે એવું મનમાં થતું જ હોય છે. પોતે ગરીબ હતો, નીચી જાતિનો હતો એટલે ગુનેગાર ઠર્યો અને બાકીના માલદાર, મોટી જાતિના હતા એટલે છૂટી ગયા એ અન્યાયનો બદલો મારે લેવો જ જોઈએ એવું મનોમન ઠસાવીને ચંબલનાં ચરણોમાં ઝૂકી ગયો. 

એ સમયે ચંબલની ઘાટીમાં ‘ગોપી ગૅન્ગ’ મશહૂર હતી. ગોપી ગૅન્ગના કેટલાક માણસોની નજરમાં હાથમાં બે રાઇફલ સાથે ફરતો અમૃતલાલ આવી ગયો. બધાએ તેને ઘેરી લીધો, પકડીને સરદાર પાસે લઈ આવ્યા. 

ગોપી સરદારે અમૃતલાલને ધારી ધારીને જોયો. યુવાન હતો, આંખમાં ચમક હતી, ચહેરા પર આક્રોશ હતો, બાવડાં મજબૂત હતાં, પગમાં જોમ હતું. ગોપીએ પૂછ્યું, ‘કોણ છે તું? તારું નામ શું છે? ક્યાંથી આવે છે? કયો અપરાધ કરીને આવ્યો છે?’ અમૃતલાલે નિર્ભયપણે કહ્યું, ‘સરદાર, મારી રામકહાણી હું આપને એકલાને જ જણાવવા માગું છું...’ અને પછી અમૃતલાલે ગોપી એકલાને જ પોતાની આપવીતી કહી સંભળાવી. 

અમૃતલાલની વાત કરવાની અદાથી ગોપી અંજાઈ ગયો અને તેને ગૅન્ગમાં સમાવી લીધો. કહેવાય છેને કે તેની પરવા ન કરો જેનો ભરોસો સમયની સાથે બદલાઈ જાય. પરવા તેની કરો કે તમારો સમય બદલાઈ જાય છતાં તેનો ભરોસો કાયમ રહે. અમૃતલાલે એ જ કર્યું. જોતજોતામાં તે ગોપીનો જમણો હાથ બની ગયો. ગોપીને ધાડ પાડવા માટે પદ્ધતિસરના પ્લાનિંગની નીતિ શીખડાવી. શિસ્ત અને સમયસૂચકતાના પાઠ શીખવાડ્યા, આયોજનની આવશ્યકતા સમજાવી. 

વર્ષો વીત્યાં. હવે અમૃતલાલના હાથમાં કંઈક મોટું અને નામ થઈ જાય એવું કરવાની ચળ ઊપડી હતી. તેણે એક મોટી અને ચકચારભરી લૂંટનો પ્લાન બનાવ્યો. એવો પ્લાન કે આ લૂંટનો અહેવાલ દેશના દરેક છાપાએ છાપવો પડે. સરદાર પોતે પણ આ પ્લાનનો અમલ કરવા તલપાપડ થઈ ગયો, પણ ગોપી ગૅન્ગનો એક સાગરીત, જેને અમૃતલાલ આંખમાં કણાની માફક ખૂંચતો હતો તેને આ પ્લાન તોપના મોઢામાં કબૂતર માળો બાંધે એવો જોખમી લાગતો હતો. તે ફૂટી ગયો. પોલીસનો બાતમીદાર બની ગયો. પરિણામસ્વરૂપ ગોપી ઝડપાઈ ગયો! અમૃતલાલ છટકવામાં કામયાબ રહ્યો. 

ગોપીને લાંબી સજા થઈ અને એનો ફાયદો અમૃતલાલને થયો. હવે અમૃતલાલ ગૅન્ગ-લીડર બની ગયો, સર્વ-સત્તાધીશ... અને પછી જે તેણે પરાક્રમ કર્યાં એનાથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ મળીને ત્રણ-ત્રણ પ્રાંતની પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ. કઈ રીતે? આવતા સપ્તાહે...

સમાપન
ઇન્સાન ખ્વાહિશોં સે બંધા હુઆ એક ઝિદ્દી પરિંદા હૈ 
ઉમ્મીદોં સે હી ઘાયલ, ઉમ્મીદોં પર હી ઝિંદા હૈ!!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki