અહીંથી તે પેલ્લી દુનિયા લગ વિકલ્પ તેનો ક્યાં? મા માગીને ઈશ્વર પણ આપો તો કહી દઉં ‘ના’! મા એટલે મા

03 May, 2023 04:30 PM IST  |  Mumbai | Pravin Solanki

નિકુંજ આખી રાત સૂઈ ન શક્યો. મનમાં બબડતો રહ્યો, ‘મેં અક્ષમ્ય ભૂલ કરી છે. ના ભૂલ નહીં, અપરાધ કર્યો છે. માણસને દુભાવો તો ભૂલ કહેવાય, ઈશ્વરને દુભાવો તો ગુનો જ કહેવાય. દેવી સમી મારી માને મેં દૂભવી છે એનું પ્રાયશ્ચિત્ત હું કઈ રીતે કરું?’

પ્રતીકાત્મક તસવીર

મા-માતા વિશે દુનિયામાં એટલું બધું લખાયું છે કે એ બધું વાંચતાં કદાચ આપણને સાત જન્મ લાગે અને ભવિષ્યમાં પણ એટલું બધું લખાતું રહેશે કે એ વાંચવા માટે આઠમો જન્મ મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી. મેં આ જન્મમાં માતા વિશે ઘણું બધું વાંચ્યું છે. વાર્તા, નિબંધ, સુવાક્યો, કવિતા. એમાંથી કેટલીક વાર્તા હૈયાસરસી ઊતરી ગઈ છે. એમાંની એક વાર્તા જેવી અને જેટલી યાદ છે એ આલેખું છું. 

નિકુંજનો આજનો દિવસ ખૂબ આનંદમાં ગયો. લેસ્ટરના લગભગ તમામ ગુજરાતીઓએ તેને જન્મદિવસનાં અભિનંદન આપ્યાં. જેણે નથી આપ્યાં એ તેની પ્રેમિકા આસ્થાના ફોનની રાહ જોતો રાતે બે વાગ્યે પથારીમાં પડખાં ફેરવતો હતો. તે ફૅમિલી સાથે ટૂર પર હોવાથી ફોન કરવાનો ચાન્સ શોધતી હશે એવું માની જાગરણનું વ્રત નિભાવતો હતો. ત્યાં અચાનક મોબાઇલની રિંગ રણકી, નિકુંજ સફાળો ઊભો થઈ ગયો, ચીલ ઝડપથી ફોન હાથમાં લીધો, પહેલાં છાતીસરસો ચાંપ્યો, પછી મીઠાશથી બોલ્યો, ‘હેલો’ ત્યાં શબ્દો સંભળાયા, ‘જુગ જુગ જીવો દીકરા... જન્મદિનના ખોબેખોબે વધામણાં. આજે બેટા, તને ૨૪મું પૂરું થશે, ૨૫મું બેસશે, મારો લાલ હવે ભાયડો થઈ ગયો.’ 

નિકુંજના ચહેરાની રેખા બદલાઈ ગઈ. તેણે કર્કશ ને થોથવાતા અવાજમાં જવાબ આપ્યો, ‘થૅન્ક યુ... થૅન્ક યુ... મા... તું પણ કમાલ છે. સવારે ફોન ન કરી શકત? ભરઊંઘમાંથી તેં મને ઉઠાડ્યો. હું સવારે તને નિરાંતે ફોન કરીશ...’ કહીને ફોન કટ કરી નાખ્યો. ત્યાં થોડી વાર પછી પાછી ફોનની ઘંટડી રણકી ‘મા’નો જ હશે એમ ધારીને ગુસ્સામાં તેણે હેલો કહ્યું અને ડરી ગયો. પપ્પાનો ફોન હતો, ‘બેટા, હૅપી બર્થ-ડે, પણ મેં એટલા માટે ફોન નથી કર્યો, તારી માના વર્તન બદલ માફી માગવા માટે કર્યો છે. મેં ઘણી ના પાડી કે અત્યારે મધરાત હશે... રહેવા દે... તો તાડૂકીને બોલી, ‘માની લાગણીઓને ઘડિયાળના કાંટા ન નડે...’ શું છે બેટા, તું લંડન ગયો ત્યારથી જ તેનું ફટકી ગયું છે - કોઈ વાર-તહેવાર આવે એના બે-ત્રણ દિવસ પહેલાં જ તારી સાથે કેમ ઉજવણી કરવી એના પ્લાન ઘડવા માંડે... એ ભૂલી જાય છે કે તું અહીં નથી.’

બાપના અવાજમાં એક ડૂસકું સંભળાયું, ‘બેટા, એ કેટલી પાગલ છે એની તને હું શું વાત કરું? ત્રણ દિવસ પહેલાં તારા જન્મદિવસની કેક બનાવી રાખી છે. મને કહે કે આનું પાર્સલ કરો ને તેને કહો કે ત્યાં વિડિયોમાં કેક કાપે અને આપણે અહીં તાળી પાડીએ. તને ખબર છે, શાક સમારતાં તેની આંગળીમાં કાપો પડ્યો હતો તોય તેણે પોતાના હાથે કેક બનાવી. કોઈનું કંઈ માનતી જ નથી. તું એક જ હતો જેનું તે માનતી હતી. હવે તું પણ નથી રહ્યો. મને તો તે ગાંઠતી જ નથી.’ 

‘એવું કેમ બોલો છો પપ્પા?’ 

‘બેટા, ન બોલું તો શું કરું? બે દિવસથી અન્નનો એક દાણો મોઢામાં નાખ્યો નથી. કહે છે કે નિકલાને વિશ કરી, કેક ખવરાવીને પછી જ હું ખાઈશ. બોલ, આને મારે કેમ સમજાવવી?’ 
 નિકુંજનું પણ હૈયું ભરાઈ આવ્યું. તે ઇચ્છતો હતો કે ફાધર વધારે ન બોલે, ફોન જલદી પૂરો કરે, પણ આજે બાપની લગામ પણ તૂટી હતી, ‘તને ખબર નથી બેટા, તારી મા આમ તો પહેલેથી જ ગાંડી હતી. તારા જન્મ વખતે જબરું કૉમ્પ્લીકેશન ઊભું થયું હતું. ડૉક્ટરે બધાની વચ્ચે કહી દીધું હતું કે અત્યારે અમને એક જ ઉપાય સૂઝે છે કે કાં માતા બચાવી શકીશું, કાં સંતાન. તમે નક્કી કરો કે તમારે શું જોઈએ છે? બધાએ નક્કી કર્યું કે માતા, પણ તારી માને એ મંજૂર નહોતું. તે બધાની ઉપરવટ ગઈ, ડૉક્ટર સાથે ઝઘડી, ઘણી દલીલો થઈ અને અંતે તેણે પોતે લેખિત આપ્યું કે મને મારા જીવની પરવા નથી, મારે મારરું સંતાન જોઈએ છે, મારો જીવ ન બચે તો એની જવાબદારી મારી જ હશે, હું સ્વેછાએ આ નિર્ણય લઉં છું.’ 

હવે નિકુંજ ભાંગી પડ્યો. પિતા પણ ડૂસકું ખાળી ન શક્યા. તેમણે બોલવાનું ચાલુ રાખ્યું, કદાચ એમ પણ મનમાં વિચાર્યું હશે કે દીકરા સાથે કદાચ આ છેલ્લો સંવાદ છે, ‘દીકરા, કુદરતની કરામત. જોકે તું ને તારી મા બન્ને બચી ગયાં, પણ તારી માને તેના બચ્યાના આનંદ કરતાં તું બચી ગયો એનો હજાર ગણો આનંદ હતો. આખા મહોલ્લામાં તેણે પતાસાં વહેંચ્યાં હતાં, બધાને પકડી પકડીને કહેતી હતી, ‘ભગવાને મારી લાજ રાખી, મારા ઘડપણની લાકડીનું તેણે મને વરદાન આપ્યું!!’ સારું થયું કે એ બાપડીનો ભ્રમ ભાંગ્યો. જે દીકરો માત્ર ઊંઘ બગડવાથી હેરાન થઈ જતો હોય તે તેનું ઘડપણ કેવી રીતે પાળશે એટલી અક્કલ ભગવાન તેને આપી દે એટલું જ ઇચ્છું છું. લે ત્યારે, તબિયતનું ધ્યાન રાખજે અને તારી માને માફ કરી દેજે...’ કહીને પિતાએ ફોન કટ કર્યો. 

નિકુંજ આખી રાત સૂઈ ન શક્યો. મનમાં બબડતો રહ્યો, ‘મેં અક્ષમ્ય ભૂલ કરી છે. ના ભૂલ નહીં, અપરાધ કર્યો છે. માણસને દુભાવો તો ભૂલ કહેવાય, ઈશ્વરને દુભાવો તો ગુનો જ કહેવાય. દેવી સમી મારી માને મેં દૂભવી છે એનું પ્રાયશ્ચિત્ત હું કઈ રીતે કરું?’

બે મહિનામાં જ લંડનનું બધું કામ આટોપીને તેણે ભારત આવવાનું પ્લેન પકડ્યું. મુંબઈ ઍરપોર્ટથી ઘર આવતાં તેનું હૈયું ધડકતું હતું. મનમાં વિચારતો હતો કે માને હું કઈ રીતે મોઢું બતાવું? માંડ-માંડ ઘરે પહોંચ્યો ત્યાં તેનું દિલ ધબકારો ચૂકી ગયું. બહાર સગાંવહાલાંઓનું ટોળું વળ્યું હતું. પિતા નિકુંજને જોઈને એકદમ આશ્ચર્ય પામ્યા. તે દોડીને નિકુંજને ભેટીને બોલ્યા કે ‘સારું થયું તું આવ્યો. તારી મા છેલ્લા શ્વાસ લે છે, મોઢામાં બસ તારા નામનું જ રટણ છે.’ 

 નિકુંજ ઝડપથી માની રૂમમાં ગયો. માના પગ પકડીને ડૂસકે-ડૂસકે રડવા લાગ્યો. લોકોએ તેને પકડીને ઊભો કર્યો અને માના મોઢામાં ગંગાજળ પીવડાવવા હાથમાં ચમચી આપી. નિકુંજ હાથમાં ચમચી લઈને માને એકીટસે જોઈ રહ્યો. મોટેથી બોલ્યો, ‘મા...’ અને ચમત્કાર થયો. માએ ધીમે-ધીમે આંખો ખોલી. થોથવાતા અવાજે બોલી, ‘મારો લાલ... આવી ગયો... મને હતું જ કે તું આવશે...’ અને તેનામાં પ્રાણસંચાર થયો. નિકુંજને ઊભી કરવા ઇશારો કર્યો... નિકુંજે ધીમે-ધીમે તેને બેઠી કરી... માએ તેને બાથમાં જકડી લીધો. 
મા-દીકરા બન્નેની આંખોમાં અશ્રુધારા હતી.
બન્નેને નવું જીવન મળ્યું હતું. 

શીર્ષક પંક્તિ : કિરીટ ગોસ્વામી

સમાપન

જે રાહ જુએ છે તે મા હોય છે
 જે ચિંતા કરે છે તે મા હોય છે 
 જે જતન કરે છે તે મા હોય છે 
જે ક્ષમા કરે છે તે મા હોય છે 
બાળકને વઢે ને પછી રડે તે મા હોય છે

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists