પ્લાસ્ટિક-બૅન : ખબર છે તમને, પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરવામાં આપણે બીજા નંબરે છીએ?

01 July, 2022 09:21 PM IST  |  Mumbai | Manoj Joshi

વાત જો કરવી પડે તો એ આપણા દેશની છે. કહ્યું એમ, અમેરિકા પોતાના નિર્ણયને વળગી રહેશે, પણ આપણે એવું કશું કરતા નથી. નિયમો તોડવા એ આપણો હાર્દિક અધિકાર માનીએ છીએ અને એ કામ કરતી વખતે આપણને જરાસરખોય સંકોચ પણ નથી થતો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હા, પ્લાસ્ટિક-બૅન પછી પણ આ જ પરિસ્થિતિ છે. આજે આપણે દુનિયામાં બીજા નંબરના એવા દેશના સ્થાન પર છીએ જે દર વર્ષે પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે. અમેરિકા પહેલા નંબર પર છે અને આ બાબતની અમેરિકાએ ગંભીરતાથી નોંધ લીધી છે, જેને લીધે છેલ્લા એક વર્ષમાં અમેરિકાએ કચરો જનરેટ કરવામાં ધરખમ ઘટાડો કર્યો છે, પણ એમ છતાં એ હજી નંબર વનના સ્થાને છે એ એટલું જ સાચું છે. અલબત્ત, એ અમેરિકાની વાત છે અને અમેરિકા અમુક બાબતોમાં જો વળગી પડે તો એ કોઈની પણ સાડાબારી રાખ્યા વિના પણ પોતાના નિર્ણયને વળગી રહે છે.
અમેરિકા છેલ્લા એક વર્ષમાં ૬૧ ટકાથી નીચે આવીને પ્લાસ્ટિક કચરો પેદા કરવાની બાબતમાં છેક ૪૨ નંબરે આવ્યું છે. આ જે આંકડા છે એ મિલ્યન મેટ્રિક ટનના છે એટલે તમે વિચાર કરી શકો કે વપરાશ કેવો હતો અને તમે વિચાર કરી શકો કે એ આંકડાને નીચે લાવવા માટે કેવી મહેનત કરવામાં આવી હશે. અલબત્ત, અહીં વાત પૂરી નથી થતી.
એક જ વર્ષમાં અને આ એક જ વર્ષમાં આવેલા ધરખમ ફેરફાર પછી પણ અમેરિકા હજી એમાં ચેન્જ કરવાના મૂડમાં છે. વાત જો કરવી પડે તો એ આપણા દેશની છે. કહ્યું એમ, અમેરિકા પોતાના નિર્ણયને વળગી રહેશે, પણ આપણે એવું કશું કરતા નથી. નિયમો તોડવા એ આપણો હાર્દિક અધિકાર માનીએ છીએ અને એ કામ કરતી વખતે આપણને જરાસરખોય સંકોચ પણ નથી થતો. જરા વિચાર કરો કે મુંબઈમાં વન-ટાઇમ યુઝ્‍ડ પ્લાસ્ટિક પર બૅન આવ્યાને કેટલાં વર્ષ થયાં અને એ પછી પણ આજે ખુલ્લેઆમ વન-ટાઇમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક ખુલ્લેઆમ આપવામાં આવે છે અને કોઈ ઍક્શન પણ લેવાતી નથી. જુલાઈથી તો આખા દેશમાં આ પ્રકારના પ્લાસ્ટિક પર બૅન આવશે, પણ એ બૅનની અમલવારી કેવી રીતે થાય છે એ જોવાનું છે અને એ જોવા માટે તમારે બહુ સારી રીતે સમજવાનું છે કે આપણે કાયદાના પાલનમાં જરા પણ વિશ્વાસ ધરાવતા નથી.
વિનાસંકોચ આપણે નિયમો તોડીએ છીએ અને શરમની વાત એ છે કે આપણને એમાં પણ ગર્વનો અનુભવ થતો રહ્યો છે. એ જાણીએ છીએ કે પ્લાસ્ટિક વાપરવા પર આવેલા પ્રતિબંધથી કોઈ નુકસાન નથી થવાનું, એમ છતાં, આપણે આપણી સગવડને ધ્યાનમાં રાખીને પાપ કરતા રહીએ છીએ. હા, પાપ; ભારોભાર પાપ.
સૃષ્ટિના વિનાશમાં જો અત્યારે સૌથી હાનિકર્તા કોઈ હોય તો એ પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિકની બાબતમાં આપણે સૌથી વધારે બેદરકાર છીએ. જો તમે એ બેદરકારીમાં જરા પણ સમજણ વાપરવાની શરૂ ન કરી તો એક તબક્કો એવો આવશે કે આ દેશની ધરતીમાં કોઈ અન્ન ઊગતું નહીં હોય. હા, આ તબક્કો બહુ દૂર નથી અને જો આંકડાને સાચા માનો તો આવતાં આઠ વર્ષમાં એટલે કે ૨૦૩૦ સુધીમાં બની શકે છે કે આપણે ત્યાં પ્લાસ્ટિકના કારણે ખેતપેદાશમાં ૪૦ ટકા જેવો ઘટાડો નોંધાય. જરા વિચાર કરો કે આ આંકડો નાનો નથી. ઘઉં અને બટાટાના ભાવને દસ ગણા વધારી દેવા માટે આ આંકડો કાફી છે.

columnists manoj joshi