ઑર્ડર, ઑર્ડર:લોકો પૂછે છે કે કૃષિ ધારો રદ થયો એના વિશે તમે કેમ કશું લખ્યું નહીં?

26 November, 2021 08:34 AM IST  |  Mumbai | Manoj Joshi

હવે બન્ને પોતપોતાની રીતે નવેસરથી વિચારશે અને એ વિચારણા પછી નવેસરથી સંસાર આગળ વધારશે અને સંસાર આગળ વધશે એ નક્કી છે.

પ્રતીકાત્મક તસવીર

પહેલી વાત, આમ તો આને મોઢામાં આંગળાં નાખીને બોલાવવામાં આવેલી નીતિ કહેવાય, પણ જો લોકોને એ જ ફાવતું હોય તો આપણે એનો વિરોધ પણ ન કરી શકીએ.
બન્યું એમાં એવું કે કૃષિ ધારો પાછો ખેંચવાનો કેન્દ્ર સરકાર દ્વારા ઑર્ડર કરવામાં આવ્યો કે તરત જ કેટલાક મિત્રોના મેસેજ આવવાના શરૂ થઈ ગયા કે હવે આના પર કશુંક લખો. સ્પષ્ટતા કરવાનું મન થયું કે જ્યારે એ ધારો આવ્યો ત્યારે પણ એ વિષય પર લખવાનું ટાળવામાં આવ્યું હતું, કારણ બહુ સ્પષ્ટ હતું કે એના વિશે સામાન્ય વાચક બહુ જાણતો નથી અને વાત વિવાદની છે તો એ વિવાદમાં સરકારની તરફેણ કે પછી એનો વિરોધ કરીને પણ કશું મળવાનું નથી તો બહેતર છે કે આવા સમયે ચૂપ રહેવું વધારે હિતાવહ છે, પણ કૃષિ ધારો પાછો ખેંચાયો એ સમયે ફરીથી એ જ મિત્રો જાગ્યા, જેને કારણવિનાની ખૂજલી ચડતી હતી અને ઉંગલી કરવાની માનસિકતા હતી. કેટલાકે તો એવું પણ પૂછ્યું કે આ તો સરકારની પીછેહઠ કહેવાયને?
ભૂલવું ન જોઈએ કે આગેકૂચ કરવા કરતાં પણ પીછેહઠ માટે વધારે હિંમત જોઈએ અને એ હિંમત ત્યારે જ આવે જ્યારે માણસમાં સાચા પડવાની જીદ નથી હોતી. તમે સાંભળો વડા પ્રધાનની એ સમયની સ્પીચ. એ સાંભળ્યા પછી પણ જો તમારી અંદર તમારો અહમ્ બચકાં ભરતો હોય કે નહોર મારતો હોય તો માનજો કે તમારી પાસે જમીનનો એક ટુકડો તો શું, તમે કાગળ પર ખેડૂત નથી અને એટલે જ તમને આ સમયે એવી વાતો સૂઝે છે જે કર્તા અને ક્રિયાકાર બેમાંથી કોઈને સૂઝતી નથી. પીછેહઠ નથી જ આ અને જો પીછેહઠની માનસિકતા હોત તો આટલો સમય પણ સરકારે ખેંચ્યો ન હોત. જરા વિચાર કરો કે કૃષિ ધારો સંસદમાં પસાર થયાના કેટલા સમય પછી એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જો લગ્નનાં બેચાર વર્ષ પછી ડિવૉર્સ થતા હોય અને દુનિયા એ ડિવૉર્સને સ્વીકારી શકતી હોય તો કિસાન અને કેન્દ્ર સરકાર વચ્ચે એક વર્ષ પછી થયેલા આ ડિવૉર્સને સ્વીકારવામાં પેટમાં શૂળ શાનું ઊભું થવું જોઈએ. હવે બન્ને પોતપોતાની રીતે નવેસરથી વિચારશે અને એ વિચારણા પછી નવેસરથી સંસાર આગળ વધારશે અને સંસાર આગળ વધશે એ નક્કી છે.
વાત રહી પીછેહઠની, તો સાહેબ, કહેવાનું માત્ર એટલું કે ઇમર્જન્સીમાં વાંકગુના વિના નસબંધી દ્વારા આખેઆખા વંશ ઉજાડી દેવાનું પાપ કરનારાઓને ખબર હતી કે ભૂલ નહીં, પોતે પાપ કરે છે અને એ પાપ પ્રત્યે પણ સંકોચ રાખવામાં નહોતો આવ્યો, પણ અહીં એ સંકોચ પણ હતો કે હજી પણ અમુક વર્ગને આ ધારાનો સ્વીકાર નથી થયો અને સંકોચ જ માણસમાં માનવતાને અકબંધ રાખતો હોય છે. જે સંકોચના આધારે કૃષિ ધારો પાછો ખેંચાયો એ સંકોચે જ માનવીય સરકારનાં દર્શન કરાવ્યાં છે અને એ સંકોચે જ દર્શાવ્યું છે કે સાચું-ખોટું કે સારું-ખરાબ નહીં, પણ કોઈક વાર તમારે માણસની ભાવના પણ સમજવી જોઈએ. સમજાયેલી ભાવનાઓનું આ પરિણામ છે અને આ જ પરિણામના આધારે લોકલાગણી અને સાથોસાથ લોકપ્રિયતાનું સર્જન થતું હોય છે.

columnists manoj joshi