ચાલો કરીએ ચોવિહાર

27 August, 2019 02:45 PM IST  |  મુંબઈ | પર્યુષણ સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

ચાલો કરીએ ચોવિહાર

ચોવિહાર

૩૦ વર્ષ પહેલાં એક શ્રાવકે તળ મુંબઈમાં દૂર-દૂરથી ધંધાર્થે આવતા જૈનો માટે ચોમાસાના ચાર મહિના ચોવિહાર કરવાની વ્યવસ્થા શરૂ કરી અને શરૂ થયો વિશ્વમાં પ્રથમ વખત ચોવિહાર હાઉસનો કન્સેપ્ટ. એ સમયે નૉન-પ્રૅક્ટિકલ કાર્ય ગણાતું ચોવિહાર હાઉસ આજે આખા મુંબઈમાં ૫૦થી વધુ જગ્યાએ ધમધમે છે ને હજારો લોકો એનો લાભ લે છે એટલું જ નહીં; હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ચેન્નઈ, બૅન્ગલોર, કલકત્તા અને અન્ય મેટ્રો સિટીમાં પણ આ વ્યવસ્થા શરૂ થઈ છે

જૈન ધર્મમાં રાત્રિભોજન નરકમાં જવાનું પ્રથમ દ્વાર ગણાય છે. જિન શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત થયા બાદ આહાર ગ્રહણ કરવામાં મોટા પાયે હિંસા થાય છે, જે અનેકગણાં પાપ બંધાવે છે. આ કર્મબંધનથી મુક્ત થવા મહાવીર સ્વામી ભગવાને કાયમી ચોવિહાર કરવાનું જણાવ્યું છે. આજથી ચાર-પાંચ દાયકાઓ પહેલાં મોટા ભાગના શ્રાવકોના ઘરમાં ચોવિહારની પ્રથા પળાતી હતી.  પરંતુ જીવનશૈલી ફાસ્ટ થતાં સૂર્યાસ્ત પહેલાં જમવાનો નિયમ સાઇડમાં મુકાઈ ગયો. ઘરમાં રહેતા વડીલો-વયસ્કો વહેલા જમી લે, પણ ધંધાર્થે ઘરથી લાંબે જતા પુરુષો રાત્રિભોજન કરતા. આ પુરુષોને ચોવિહારનો લાભ મળે એ હેતુસર ૧૯૮૯માં શશીકાંતભાઈ શાહે ૧૦ જૈન મિત્રોના સહકાર સાથે મસ્જિદબંદર વિસ્તારમાં પોતાની ઑફિસની ઉપર લોહાણા મહાજનની વાડી ચોમાસાના ચાર મહિના માટે ભાડે લઈ રસોઈયાઓ રાખી ચોવિહાર હાઉસ શરૂ કર્યું.

શાસન સમ્રાટ શ્રી નેમિસૂરિજી ચોવિહાર ફાઉન્ડેશન અંતર્ગત નરસિંહ નાથા સ્ટ્રીટ પર ચાલતા સ્થાપક શશીકાંતભાઈની દીક્ષા બાદ ૨૫ વર્ષથી ચોવિહાર હાઉસનો  કાર્યભાર સંભાળતા શશીકાંતભાઈના પુત્ર રમેશભાઈ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચોવિહાર હાઉસ શરૂ થતાં પહેલા વર્ષે પર્યુષણ સુધી ૬૦ વ્યક્તિઓ અહીં ચોવિહાર કરવા આવતી, જે પર્યુષણ પછી ફક્ત વીસ થઈ ગઈ. સગાંસંબંધી, જાણીતા અનેક લોકોએ પપ્પાને સલાહ આપી કે આ બંધ કરો. મુંબઈ શહેરમાં પ્રૅક્ટિકલી ચોવિહાર કરવા પૉસિબલ નથી. તમારાં સમય અને શક્તિ આની પાછળ વેડફવાનો કોઈ અર્થ નથી, પરંતુ પપ્પાએ પીછેહઠ ન કરી. ચોમાસાના ચાર મહિના બાદ તેમણે ચોવિહાર  હાઉસની માહિતી આપતાં ચોપાનિયાં છપાવ્યાં. એ દરેક પેપરને પોતાના હાથે પૂંઠાં પર ચોંટાડી મુંબઈભરનાં દેરાસરોમાં લગાવવા સંબંધીઓને, ઓળખીતા-પાળખીતાને આપતા. એ સાથે જ દરેક  સમુદાયના સાધુમહારાજને મળવા ગયા અને લોકોને ચોવિહાર કરવાની પ્રેરણા આપવાનું  કહ્યું. ૩૦ વરસ પહેલાં સોશ્યલ મીડિયા તો હતું જ નહીં કે નહોતો ફ્લેક્સ અને બૅનરનો જમાનો.  લોકો સુધી ચોવિહાર હાઉસની  જાણકારી આ રીતે જ  પહોંચાડવાની હતી.’

અને શશીકાંતભાઈની અથાગ મહેનત રંગ લાવી. બીજા જ વર્ષે ઑપેરા હાઉસમાં હીરાબજારના વેપારીએ આવું જ  ચોવિહાર હાઉસ  શરૂ કર્યું. 

વેલ, વેલ, વેલ. ત્રણ દસકા બાદ આ કન્સેપ્ટ જૈન શ્રાવક-શ્રાવિકાઓએ એવો વધાવી લીધો છે  કે ભારતનાં અનેક શહેરોમાં ઉપરાંત મુંબઈમાં વસઈથી ખેતવાડી, મસ્જિદ બંદરથી થાણેમાં ૨૩ જૈન ભોજનશાળામાં ચોવિહાર થાય છે. આઠ સ્થળે કાયમી ચોવિહાર હાઉસ ચાલે છે. ચાર ઠેકાણે ચાતુર્માસના ચાર મહિના પર્યંત  ચોવિહારની વ્યવસ્થા છે. ચોમાસાથી પર્યુષણ સુધીના દોઢ મહિના સુધી ચાર સ્થળોએ સોમથી શનિ ચોવિહાર હાઉસ કાર્યરત રહે છે તો પર્યુષણના આઠ દિવસ દરમિયાન પાંચ જગ્યાઓએ જૈન શ્રાવકો માટે ચોવિહારની  સગવડ કરાય છે. મજાની વાત એ છે કે કોઈ પણ ધંધાદારી હેતુ ન હોવા છતાં દર વર્ષે ચોવિહાર હાઉસની સંખ્યા વધતી જ જાય છે એ સાથે જ ચોવિહાર કરનારની.

ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા રમેશભાઈ શાહ કહે છે, ‘પચીસ-ત્રીસ વર્ષ પહેલાં જૈન સમાજમાં ધર્મની ગ્રિપ ઓછી થઈ ગઈ હતી, જે છેલ્લાં પાંચ-સાત વર્ષોમાં વધુ મજબૂત થઈ છે. યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ધર્મ સાથે સંલગ્ન છે જેનું ડાયરેક્ટ રિઝલ્ટ એ છે કે દરેક ચોવિહાર હાઉસમાં મોટા પ્રમાણમાં યુવાનોની સંખ્યા દેખાય છે. કૉર્પોરેટ હાઉસમાં કાર્યરત યંગસ્ટર્સ પણ ચોવિહાર હાઉસમાં  આવે છે તો મોટી ઇન્ડસ્ટ્રીઝ સંભાળતા જુવાનિયા પણ ચોમાસામાં શરૂઆતનો દોઢ મહિનો કે ઍટ લીસ્ટ પર્યુષણના દિવસોમાં અચૂક  રાત્રિભોજનનો ત્યાગ કરે છે.’   

આજે મસ્જિદ બંદર વિસ્તારના ઘણા કામકાજના એકમો અન્ય એરિયામાં શિફ્ટ થઈ ગયા છે. છતાં તેમને ત્યાં રોજ ૫૦થી ૭૦ ટિફિનો, ચોમાસાની શરૂઆતનો દોઢ મહિનો દરરોજ ૬૦૦, પાંચમ, બે આઠમ, બે ચૌદશ એમ પાંચ તિથિના દિવસે ૮૦૦, ચોમાસા બાદ કાયમી ધોરણે ૩૦૦ અને મોટી તિથિઓના દિવસે ૮૦૦ની આસપાસ જૈન ભાઈબહેનો ચોવિહાર કરવા આવે છે. બે શાક, બે ફરસાણ, રોટલી, ભાખરી કે પરોઠાં, દાળભાત કે કઢીખીચડી ઉપરાંત દૂધ અને પાંચ તિથિઓના તેમ જ બેસતા મહિનાના દિવસે મિષ્ટાન સાથેનું સાત્ત્વિક ભોજન અહીં ૬૦ રૂપિયામાં અનલિમિટેડ અપાય છે. તો ક્યારેક ફાસ્ટ ફૂડ અને ફૅન્સી ફૂડ પણ બને છે. રમેશભાઈ કહે છે, ‘અમે ૪ રવિવાર છોડી ૧૦૦૦ રૂપિયામાં મન્થલી પાસ પણ આપીએ છીએ. સાંજે પાંચ વાગ્યાથી શરૂ થતું  ચોવિહાર હાઉસ સૂર્યાસ્તની વીસ મિનિટ પહેલાં બંધ કરાય છે. અહીં ચોખ્ખી જગ્યામાં ટેબલ-ખુરશી ઉપર ને બિયાસણા માટે પાથરણાં-બાજોઠ પર બેસવાની વ્યવસ્થા છે. પાંચ રસોઈ કરનારા મહારાજ, અન્ય ૨૩ વ્યક્તિનો સ્ટાફ ઉપરાંત અનંતભાઈ, હર્ષદભાઈ, કીર્તિભાઈ, ધીરેનભાઈ, નરેન્દ્રભાઈ, નીતિનભાઈ, મહેન્દ્રભાઈ, બિપિનભાઈ  સેવાભાવ અને દાતાની રૂએ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. દાનવીરો અને કાર્યકરોની પરાયણતાને કારણે આ સગવડ એક પણ દિવસ અટક્યા વગર અવિરતપણે ચાલી શકી છે. એ ઉપરાંત ગુરુ મહારાજના આશીર્વાદથી ક્યારેય ફૂડ-પૉઇઝનિંગ કે બીમારીના બનાવો બન્યા નથી. આ સેવાભાવી કાર્યકરો વહેલી બપોરથી અહીં આવી જાય છે અને પોતાની દેખરેખ હેઠળ દરેક વાનગી જૈન શાસ્ત્રના નિયમ મુજબ બનાવડાવે છે.’

૨૯ વર્ષ પહેલાં હીરાનો વેપાર કરતા પ્રકાશભાઈ ઝવેરીને ધંધાર્થે અવારનવાર વિદેશમાં રહેવું પડતું. ત્યાં રાત્રિભોજન થતું. એનું પ્રાયશ્ચિત્ત કઈ રીતે કરવું એવું ગુરુ મહારાજને પૂછતાં ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબે પ્રકાશભાઈને કોઈને ચોવિહાર કરવામાં સહાયક બનવાનું સૂચવ્યું અને પ્રકાશભાઈએ મિત્ર લલિતભાઈ કોઠારી સાથે મળી ઑપેરા હાઉસમાં હૉલ ભાડે રાખી ચોવિહાર હાઉસની શરૂઆત કરી. ચુસ્તપણે જૈન ધર્મ વાર્તા પાળતા ડાયમન્ડના વેપારીઓને આ વ્યવસ્થા ગમી અને પહેલા જ વર્ષે મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા. જયણાપૂર્વક બનતા ભોજનમાં દરરોજ મીઠાઈ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલીની પૂર્ણ થાળી ૪૦ રૂપિયામાં પીરસાતી. ૩ વર્ષ પહેલાં ઑપેરા હાઉસથી બીકેસીની ડાયમન્ડ માર્કેટમાં શિફ્ટ થયેલા પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત વર્ધમાન સંસ્કાર ધામ મુંબઈ દ્વારા આયોજિત આ ચોવિહાર હાઉસ સાથે સંકળાયેલા રમેશભાઈ મોદી ‘મિડ-ડે’ને કહે છે, ‘અહીં ચોમાસા દરમિયાન દરરોજ ૨૦૦ ટિફિન, ૮૦૦થી ૧૦૦૦ વ્યક્તિઓ અને બાકીના ૮ મહિના ૪૦૦ શ્રાવકો ચોવિહાર કરવા આવે છે.  આમ તો અહીં ૧૨૦૦ રૂપિયાનો મન્થલી પાસ છે, પણ જરૂરિયાતમંદ સાધર્મિકોને ૫૦૦ રૂપિયામાં તો કોઈ કેસમાં ફ્રીમાં પણ જમાડીએ છીએ. આ કાર્યમાં અમારો કોઈ બિઝનેસ અભિગમ છે જ નહીં. નથી કોઈ સંપ્રદાયનો બાધ કે નથી ફિરકાનો બાધ. અમારો એક જ આશય છે કે વધુ ને વધુ જૈનો ચોવિહાર કરે.

વિશ્વભરમાં આ સેન્ટરમાં  સૌથી વધુ સંખ્યામાં ચોવિહાર થાય છે એ દૃષ્ટિએ તો આ   ચોવિહાર હાઉસ અવ્વલ છે સાથે જયણાપાલનમાં એનો જોટો જડે એમ નથી. બપોરના ૧૨ વાગ્યાથી કાંદિવલીથી અહીં સેવાર્થે પહોંચી જતા રમેશભાઈ મોદી આગળ કહે છે, ‘અમે અહીં જ અમારી દેખરેખ હેઠળ બારે મહિનાના મસાલા, વિવિધ અનાજ દળાવીએ છીએ. એ સાથે જ ફરસાણ, નાસ્તા, મીઠાઈ પણ અહીં જ બને છે. બરાબર કાળનું ધ્યાન રાખીને. કોઈ પણ પ્રકારનું કાર્ય સવારના સૂર્યોદયે શરૂ કરીએ અને સૂર્યાસ્ત સુધીમાં કમ્પ્લીટ કરી દઈએ છીએ.

હવે અહીં બારે મહિના બપોરે એકાસણાં અને આયંબિલની  વ્યવસ્થા પણ ચાલુ છે જે બપોરે બારથી ચાર-સાડાચાર વાગ્યા સુધી રહે છે. સાથે વર્ષીતપ કે અન્ય દીર્ઘ તપના બિયાસણ માટે જમવાની અલગ વ્યવસ્થા ઉપરાંત મેનુ પણ અલગ હોય છે.’

જો તમે એમ માનતા હો કે ચોવિહારમાં દરરોજ શાક સાથે રોટલી-ભાખરી જેવું બોરિંગ ખાવાનું હોય તો વેઇટ અ મિનિટ! ‍અહીં દર શનિવારે ચાઇનીઝ, મેક્સિકન, પીત્ઝા, પંજાબી, સાઉથ ઇન્ડિયન જેવી ફૅન્સી ડિશિઝ બને છે. આ ચોવિહાર હાઉસ સાથે સંકળાયેલ નવીનભાઈ વોરા કહે છે, આ બધી જ વરાઇટી સંપૂર્ણ જૈન આહાર પ્રણાલી મુજબ જ બનાવાય છે. ટેસ્ટ માટે કે દેખાવ માટે અમે કોઈ બાધિત ચીજનો ઉપયોગ નથી કરતા. અમે અહીં કાચું સૅલડ પણ નથી પીરસતા ને ભીંડા, કોબી, મેથી, તાંદળજાની ભાજી પણ નથી લાવતા,  કારણ કે એમાં જીવાત હોવાની શક્યતાઓ વધુ હોય છે.’

અહીં કેટલાય શ્રાવકો છે જેઓ ૨૦-૨૫ વરસથી સાંજે અહીંનું જ જમે છે, ક્યારેય ઘરનું ખાવાનું ને મિસ નથી કરતા. ઇન ફૅક્ટ એવું કહે છે કે ઘર કરતાં અહીં વધુ વાનગીઓ બને છે. ચોવિહાર હાઉસમાં સેવા આપતા રોહિતભાઈ ધામી ઉમેરે છે, ‘દેવ ગુરુ ધર્મની કૃપાથી અમને કોઈ તકલીફ નથી આવી. અનેક નામી-અનામી દાતાઓ સામેથી ફાળો આપે છે.’

સુરેશભાઈ શાહ કહે છે, ‘અમારું આ સેન્ટર બીકેસીમાં જી ટાવરની સામે છે. ૭૦૦૦ ફીટ જેટલી જગ્યા છે જેમાં રસોડું અને જમવાનું ચાલે છે. બસો માણસોને એકસાથે  બેસાડીને જમાડી શકાય.  ભાડા પેટે લીધેલી આ જગ્યાનું વાર્ષિક ભાડું પણ મોટું છે. સાથે જ અહીંના સ્ટાન્ડર્ડ પ્રમાણે સફાઈ અને ફાયર-સેફટી વગેરેના નિયમો પાળીએ છીએ.’

કાલબાદેવી અને લુહાર ચાલમાં ચાલતા ચોવિહાર હાઉસમાં પણ રોજના સેંકડો ભાવિકો આવે છે. આ તો થયા પ્રૉપર મુંબઈના વિસ્તારના ચોવિહાર હાઉસ, જ્યાં હજારો જૈનોના ધંધાધાપા છે. પરંતુ બાકીની જગ્યાઓએ શું? ધારો કે કોઈનું કામકાજ દાદરમાં હોય તેને ચોવિહાર કરવો હોય તો તે ધંધો છોડી જમવા તો ન જઈ શકે. પર્યુષણના દિવસોમાં પણ સૂર્યાસ્ત પછી જમવું પડે. આ પ્રૉબ્લેમનું સોલ્યુશન લાવ્યા દાદરસ્થિત ભૂમિ પ્લાઝાના વેપારીઓ. અહીંના ચોવિહાર હાઉસ સાથે સંકળાયેલા દામજીભાઈ બુરીચા ‘મિડ-ડે’ને કહે છે, ‘દાદરમાં રેડીમેડ ગાર્મેન્ટની બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે જેમાં વિવિધ કોમના જૈનધર્મીઓ કાર્યરત છે. ઉપરાંત હવે તો ઍલ્ફિસ્ટનમાં અનેક કૉર્પોરેટ હાઉસ શરૂ થયાં છે જેમાં મોટા પ્રમાણમાં જૈન યુવાનો જૉબ કરે છે. આ બધા જ અમારે ત્યાં ભૂમિ પ્લાઝાના પાર્કિંગ લૉટમાં ચોવિહાર કરવા આવે છે. દરરોજ ૧૧૦૦-૧૨૦૦ જૈનો એનો લાભ લે છે. નરસિંહભાઈ રીટા, મયૂરભાઈ મહેતા, દીક્ષિત ગડા, શાનુ ગડા, પંકજભાઈ મહેતા, પ્રદીપભાઈ સાવલા, નીતિનભાઈ નાગડા, હરિભાઈ ગડા સતત નવ દિવસ તન-મન-ધનથી આ કાર્ય સુપેરે પાર પાડવા એમાં જોડાઈ જાય છે.’ 

આ પણ વાંચો : પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ

એક પણ રૂપિયો લીધા વગર અહીં પીરસાતા આ ભોજનમાં બે મીઠાઈ, બે ફરસાણ, દાળ-ભાત, શાકપૂરી હોય છે જે જૈન આચાર મુજબ બનાવવામાં આવે છે. એકાસણાં, બિયાસણાં કરનાર માટે બેસવાની અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરાય છે. અન્યો માટે બુફેની અરેન્જમેન્ટ રહે છે. દામજીભાઈ કહે છે, ‘જૈનોમાં જીવદયા બહુ મોટું કર્તવ્ય ગણાય છે. આ દિવસોમાં અમે જીવદયા  માટે એક ડબ્બો રાખીએ છીએ, જેમાં ભાવિકો પોતપોતાની શક્તિ મુજબ ફાળો નાખે છે. પછી એ ડબ્બાની બોલી બોલીએ છીએ જેમાં ગયે વર્ષે ૧૧ લાખ રૂપિયા ભેગા થયા હતા જે અમે વિવિધ પાંજરાપોળને મોકલ્યા હતા. એ સાથે જ દરરોજ અહીં પ્રતિક્રમણ કરાવાય છે. કોઈ જૈનો ખૂબ લાંબે રહેતા હોય, ઘરે પહોંચતાં મોડું થઈ જાય આથી પ્રતિક્રમણ ન કરી શકે તેઓ માટે અહીં પાર્કિંગ લૉટમાં જમ્યા બાદ શ્રાવકો દ્વારા પ્રતિક્રમણ ભણાવાય છે જેમાં ૧૦૦થી ૧૨૫ ભક્તો જોડાય છે.’

columnists