Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ

પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ

26 August, 2019 03:06 PM IST | મુંબઈ
પર્વાધિપર્વ - પદ્‍મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ

પર્યુષણ

પર્યુષણ


રડ્યાં-ખડ્યાં વાદળોને પોકારે છે : ‘હે મેઘ, જળ આપ, શીતળતા આપ, દાવાગ્નિમાં જલું છું. અંતર મારે હરિયાળી રહી નથી.’

બળ્યો-જ્ળ્યો માનવી બાહ્ય પ્રવૃત્તિઓની ઘટમાળ છોડીને નિવૃત્તિને નિમંત્રણ આપે છે, ‘હે પર્વાધિરાજ, અહીં આવો, શાંતિ આપો, ચેન આપો! વેરાગ્નિમાં જીવનભર બળ્યો છું. અંતરે લેશ પણ હરિયાળી રહી નથી. આનંદરૂપ જીવન ખુદ બોજારૂપ બન્યું છે. વેર, દ્વેષ અને સ્વાર્થની મારી તલવાર જબ્બર છે, પણ એ અહિરાવણ-મહિરાવણ જેવી છે. જેટલા શત્રુ સંહારે છે એટલા જ સર્જે છે!’



શત્રુતાનો સુંદર નિકાલ માગીએ છીએ, હે પર્વાધિરાજ, તારી પાસે. દ્વેષની વાદળીઓ નિવારી દેવા માગીએ છીએ, હે તીર્થંકર, તારી સમીપ. સ્વાર્થની વેલ પર હવે પરમાર્થનાં ફળ નીપજાવવા ઇચ્છીએ છીએ.


આજે ચોતરફ ભય, હિંસા અને આતંકનું પ્રાધાન્ય સ્થપાઈ ગયું છે. સંસારની સમગ્ર શક્તિઓ અને સંપત્તિઓનો મોટો ભાગ ભય ઉપજાવવામાં અને હિંસા કેળવવા પાછળ ખર્ચાઈ રહ્યો છે. એક બૉમ્બ લાખો ગરીબોનું એક ટંકનું જમણ જમી જાય છે. એ બંધ થાય તો જ દુનિયા સુખી થાય. એક ઝનૂની માનવી અનેક નિર્દોષોની ક્રૂર હત્યા કરે છે.

આ ભય અને હિંસા સામે પ્રેમ અને અહિંસા મૂકવાનાં છે, પણ નબળા હાથે એ રજૂ થઈ શકે એમ નથી, કારણ કે એ વીરોની વસ્તુઓ છે. દરવાજા હાથીઓ તોડી શકે છે. ઊંટ તો આડા ધરાય છે.


આ સંસારનું ચિત્ર એક ભયંકર આગનું છે. ક્યાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે, ક્યાંક મોટાઈની અને સત્તાની આગ છે. આજે કોઈ દેશ કે માનવી ગમે એટલો આગળ વધ્યો હોય તોય શીતળતાનો અનુભવ કરતો નથી. દરેક સ્થળે ત્રાહિમામ ને ત્રાહિમામ સંભળાય છે. એ તમામ હાયકારાઓમાંથી છુટકારાનો ઉપાય આત્માની ખોજમાં છે. પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે.

સંસારનો સંગ્રામ તો સંતાપ આપે એવો છે. સતત પ્રવૃત્તિ એ જ માનવીનું જીવન બન્યું છે. એને શાંતિ નથી, એને વિરામ નથી, ક્યાંય ચેન નથી, યંત્ર પણ પળ-વિપળ ધમધમતું બંધ થતું હશે, પણ માનવીના મનને કોઈ વિરામ નથી. એ ચાલતું દેખાતું નથી, છતાં સતત ચાલ્યે જ જાય છે. એ ઊભું નજરે પડે છે, છતાં દોડતું હોય છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો દરેક જૈનનો પ્રયત્ન હોય છે. નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી.

આ પર્વને અને આત્માના આનંદને પિછાણો! જે આ પર્વધિરાજને અંતરના ઉમળકાથી ઊપસશે એને માટે સંસાર કુંભારનો ધગધગતો નિભાડો નહીં, પણ

કોઈ શીતલ સમીર લહેરાવતું સરોવર બની રહેશે!

પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ. જેમ વાતાવરણમાં પ્રદૂષણ થાય છે, હવામાં કે પાણીમાં પ્રદૂષણ થાય છે એ રીતે માનવીના ચિત્તના પ્રદૂષણે દૂર કરવાનું કામ પર્યુષણ પર્વના દિવસોમાં કરવાનું હોય છે. આજે બાહ્ય પ્રદૂષણોનો ઘણો વિચાર ચાલે છે. ટોક્યોના અમુક વિસ્તારમાં એટલાબધા ધુમાડા હોય છે કે માસ્ક પહેરીને ફરવું પડે છે. બાહ્ય પ્રદૂષણોનો સામનો કરવા વિશે વિજ્ઞાન વિચારે છે, પરંતુ માનવીના મનના પ્રદૂષણ વિશે પર્યુષણ વિચારે છે. આ દિવસોમાં આત્માને ભોજન આપવાનો વિચાર કરવામાં આવે છે. શરીરનો આધાર ભોજન પર છે, પણ આત્માનું ભોજન તો દિવ્ય વિચારો અને ઉમદા ક્ષમાયુક્ત વર્તન છે. પર્યુષણમાં ભૌતિક ભોજન છોડીને આત્માને તુષ્ટિ અને પુષ્ટિ મળે એવા ભોજનનો વિચાર કરવામાં આવે છે.

પર્યુષણનો બીજો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું’. એટલે કે સાધુજનોને ઉદ્દેશીને ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિર વસવાટ કરીને ધર્મની આરાધના કરવી, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું’. આત્માને જીતવા માટે એ આત્માને જાણવો જરૂરી બને છે.

એ આત્મતત્ત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ.

આત્માની સમીપ રહેવું એટલે શું? અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૂપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુઃખ, કંકાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.

પર્યુષણ વર્ષાઋતુમાં આવે છે, જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય છે. સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે સાધનાનો સમય આવે છે.

આ પણ વાંચો : એ મુસીબત, આટલી ઝિંદાદિલીને દાદ દે...

આજે તો ચોમેર દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિની મુર્છામાંથી જગાડતું પર્વ એ પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 03:06 PM IST | મુંબઈ | પર્વાધિપર્વ - પદ્‍મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK