પારાયણ પેરન્ટ્સ અને ચૅનલની:પૈસા વસૂલ કરવાની આ માનસિકતા છે કે, મજબૂરીનું પરિણામ?

17 June, 2021 11:17 AM IST  |  Mumbai | Manoj Joshi

જજ અને ઍન્કર કહે ત્યારે ઊભા થઈને ગાવા પણ માંડે અને કહેવામાં આવે તો ઊભા થઈને હાસ્યાસ્પદ રીતે ડાન્સ પણ કરી લે. કહ્યું એમ, હેતુ એક જ, બાળકનું ભવિષ્ય સચવાયેલું રહે.

મિડ-ડે લોગો

કોઈ પણ રિયલિટી શો જોઈ લો તમે. અત્યારના જ નહીં, પહેલાંના રિયલિટી શો પણ જોવાની વાત છે આમાં. પહેલાં રિયલિટી શોમાં પેરન્ટ્સને ક્યાંક ને ક્યાંક મર્યાદા સાથે રજૂ કરવામાં આવતા હતા, પણ છેલ્લા થોડા સમયમાં તો પેરન્ટ્સ જાણે કે ચાર્લી ચૅપ્લિન હોય એ રીતે તેને પ્રેઝન્ટ કરવામાં આવે છે. કોઈ પણ ચૅનલ જોઈ લો અને કોઈ પણ રિયલિટી શો જોઈ લો. એકથી વધારે પેરન્ટ્સને કે પછી પાર્ટિસિપન્ટ્સના રિલેટિવને એવી રીતે ઑડિયન્સ સામે મૂકવામાં આવે જાણે હસી-મજાકનું એ સાધન હોય, કૉમેડીનું એ માધ્યમ હોય. રીતસર લાગે કે પેરન્ટ્સ કે પછી એ રિલેટિવની હાંસી ઉડાડવામાં આવી રહી છે. બનતું પણ એવું જ હશે એવું કહીએ તો ખોટું નહીં કહેવાય. જજના મનોરંજન માટે હોય કે પછી ઑડિયન્સના આનંદ માટે, પણ આ યોગ્ય નથી થતું.
કબૂલ કે એકાદ-બે એવા રિલેટિવ નીકળે પણ ખરા, જેને એવું બધું કરવામાં મજા આવતી હોય, પણ બધા માટે એવું ધારી લેવાની જરૂરી નથી. કન્ટેસ્ટન્ટ શોમાં હોય એટલે પેરન્ટ્સ પણ બિચારા બાળકોના ભવિશ્ય ખાતર એવા બધા ખેલ કરવા રાજી થઈ જતા હોય છે, પણ હકીકત એ પણ છે કે મનમાં તો તેમને ખચકાટ થતો જ હોય છે, પણ બાળકો જોડાયેલાં હોય એટલે મન મારીને, ઇચ્છાઓને મારીને, હૈયા પર પથ્થર મૂકીને બાળક ટકી રહે એવા ભાવથી ખેલ કરી લે છે. જજ અને ઍન્કર કહે ત્યારે ઊભા થઈને ગાવા પણ માંડે અને કહેવામાં આવે તો ઊભા થઈને હાસ્યાસ્પદ રીતે ડાન્સ પણ કરી લે. કહ્યું એમ, હેતુ એક જ, બાળકનું ભવિષ્ય સચવાયેલું રહે.
ચૅનલે આ દિશામાં ખરેખર થોડું સમજદાર બનવાની જરૂર છે. કૉમેડી આવશ્યક છે જીવનમાં, પણ એ દેખાડવાની જગ્યા અને એ દર્શાવવાની રીત વાજબી હોવી જોઈએ. કોઈની મજાક થાય કે પછી કોઈને ઉતારી પાડીને હસવાનું કાર્ય થાય એ ખોટી વાત છે. એમાં કૉમેડીનું અપમાન છે અને આ અપમાનને સૌકોઈએ તરછોડવું જોઈએ.
રિયલિટી શો કૉમેડીને કારણે જોવાય છે એવું જેણે પણ ચૅનલને કહ્યું હોય એ સૌને ખરેખર ચૅનલે પોતાના ઇનર-સર્કલમાંથી હાંકી કાઢવા જોઈએ. સિન્ગિંગ કૉન્ટેસ્ટ છે તો ત્યાં ગાયકીને જ પ્રાધાન્ય મળવું જોઈએ. તમારે હસાવવાનું કામ કરવું હોય તો તમે એ કામ તમારા ઍન્કર પાસે કરો અને જો ઍન્કરને પોતાના એ કાર્ય માટે ત્રાહિતની જરૂર પડતી હોય તો મહેરબાની કરીને એમાં કન્ટેસ્ટન્ટના ફૅમિલી-મેમ્બરનો ઉપયોગ કરવાનું બંધ કરો. એ જરૂરી છે જ નહીં અને એ જોવા માટે ઑડિયન્સ બેસતું પણ નથી. ઑડિયન્સ રિયલમાં તમે જે ટૅલન્ટ શોધી લાવ્યા છો એને માટે જ બેઠું છે અને એ જ જોવા ઇચ્છે છે. ‘ઇન્ડિયન આઇડલ’થી માંડીને ‘સારેગામાપા’ કે પછી ડાન્સના કોઈ પણ શો કે પછી અન્ય ટૅલન્ટના શો એ ટૅલન્ટ પર જ ચાલવા જોઈએ. ટૅલન્ટના એ શોના શરૂઆતના એપિસોડ જુઓ તમે, તમને ક્યાંય આવી બીભત્સ, હા, હું આને બીભત્સ જ કહીશ, ચેષ્ટા જોવા નહીં મળે અને એનું કારણ પણ છે. એ સમય ટૅલન્ટનો હતો. ચૅનલનું સંચાલન જવાબદાર વ્યક્તિઓના હાથમાં હતું, પણ હવે એવું રહ્યું નથી અને એટલે જ પેરન્ટ્સે આ તવાઈનો ભોગ બનવું પડે છે.

columnists manoj joshi