રાષ્ટ્રપતિ ભવનની ચોથી મુલાકાત નક્કી, પણ ક્યારે એ સમય કહેશેઃપંકજ ઉધાસ

10 April, 2019 09:21 AM IST  |  | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

રાષ્ટ્રપતિ ભવનની ચોથી મુલાકાત નક્કી, પણ ક્યારે એ સમય કહેશેઃપંકજ ઉધાસ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પંકજ ઉધાસ

દસમી જાન્યુઆરીની સાંજની પાંચ વાગ્યાની અપૉઇન્ટમેન્ટ કન્ફર્મ થઈ એટલે અમે દસમી જાન્યુઆરીએ વહેલી સવારે દિલ્હી પહોંચી ગયા.

આ બધી મીટિંગ અને વીઆઇપી હંમેશાં ટાઇમમાં ખૂબ પન્ક્ચયુઅલ હોય છે એ હંમેશાં યાદ રાખવું. સામાન્ય રીતે આપણે પાંચ-દસ મિનિટ મોડા પડતા હોઈએ અને આપણને એનો રંજ પણ હોય. જોકે હું મોડો નથી પડતો અને એનું કારણ કૉન્સર્ટ છે. અમારી કોન્સર્ટ સિંગલ કળાકારની કોન્સર્ટ હોય એટલે તમે મોડા પડો તો બધાને સાચવી રાખવાનું કામ થોડું અઘરું થઈ જાય અને સાથોસાથ ખરાબ પણ લાગે.


દિલ્હીમાં અમે રાષ્ટ્રપતિ ભવનની નજીક આવેલી મૅરેડિયન હોટેલમાં જ ઊતર્યા અને દિલ્હીના અકલ્પનીય ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વહેલા જ રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થઈ ગયા. પાંચ વાગ્યાની મીટિંગ હતી, પણ અમે સાડાચાર વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા. પહેલેથી જ અમારી ગાડીની ડીટેલ રાષ્ટ્રપતિ ભવનમાં આપી દેવામાં આવી હતી એટલે સિક્યૉરિટીમાં વધારે હેરાન થવું ન પડ્યું અને અમે બધું ક્રૉસ કરીને આગળ વધ્યા. રાષ્ટ્રપતિ ભવનના એન્ટ્રન્સ પર અમને રાષ્ટ્રપતિજીના સ્ટાફે આવકાર્યા અને પછી એસ્ર્કોટ કરીને અમને વેઇટિંગ રૂમમાં લઈ ગયા. એ વેઇટિંગ રૂમમાં બેસતાં પહેલાં સિક્યૉરિટી પર્પઝથી અમે મોબાઇલ જમા કરાવી દીધા અને પછી ત્યાં બેઠા.

એ જે સમય હતો એ સમય દરમ્યાન મારી આંખ સામે ૧૯૯૪થી ૨૦૧૯ સુધીનો આખો સમયગાળો પસાર થઈ ગયો. મારી પ્રોફેશનલ કરીઅરથી માંડીને મારી પર્સનલ લાઇફ આંખ સામે આવી ગઈ તો બાજુમાં બેઠેલી દીકરી નાયાબની પણ લાઇફ આંખ સામે આવી ગઈ. પહેલી વખત રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યો ત્યારે મારી સાથે નાયાબ હતી, મારી બીજી દીકરી રેવા નહોતી, બીજી વખત આવ્યો ત્યારે રેવા હતી અને નાયાબ નહોતી અને હવે ત્રીજી વખત નાયબ હતી, પણ રેવા સાથે નહોતી. ૧૯૯૪માં તો નાયાબ સાવ નાની હતી અને હવે તે એવડી થઈ ગઈ છે કે જ્યારે તે તેની ઉપરાંત મારી અને મારી વાઇફ ફરીદા બન્નેની જવાબદારી ઉપાડી શકે છે. એક સકસેસફુલ ઇવેન્ટ કંપનીને હેડ કરે છે. સમયને જતાં વાર નથી લાગતી એવી લાગણીઓ સાથે હું એ રૂમમાં બેઠો હતો. વચ્ચે-વચ્ચે નાયાબ સાથે વાતો પણ ચાલતી હતી અને એ વાતો વચ્ચે યાદોની આ સફર પણ અકબંધ હતી.

લગભગ પોણાપાંચ વાગ્યા ને રાષ્ટ્રપતિજીના સેક્રેટરી મારી પાસે આવ્યા. આવીને તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની આગલી મીટિંગ પૂરી થઈ ગઈ છે, તે હવે આપને બોલાવે છે. અમે તેમની પાછળ એ રૂમમાં ગયા જ્યાં રાષ્ટ્રપતિજી દુનિયાભરના વીઆઇપી અને મહાનુભાવોની સાથે મીટિંગ કરતા હોય છે. રાષ્ટ્રપતિજી સામેની ખુરશી પર બેઠા હતા. અમે તેમને મળ્યા. થોડી ફૉર્મલ વાતો થઈ. તેમણે ચા-કૉફી માટે પૂછ્યું અને અમે એની ના પાડી. ફૉર્માલિટી પૂરી થયા પછી તેમણે જ વાતનો દોર ચેન્જ કરતાં કહ્યું કે ૨૫મી ડિસેમ્બરના પ્રોગ્રામમાં ખૂબ મજા આવી ગઈ. ખાસ કરીને તમારા કંઠે પાયોજી મૈને, રામ રતન ધન પાયો... સાંભળીને આનંદ આવી ગયો.

સ્વાભાવિક રીતે આ વાત સાંભળીને મને આનંદ થયો, પણ એનાથી પણ વધારે ખુશી ત્યારે થઈ જ્યારે તેમણે વાજપેયીજીની કવિતાને યાદ કરીને કહ્યું કે એ કવિતા તો અમારા સૌ માટે સરપ્રાઇઝ પૅક હતું. અમે ધાર્યું પણ નહોતું કે આ રીતે વાજપેયીજીની રચના અમારી સામે આવશે. મેં પણ કહ્યું કે એ કવિતાને ખાસ એ દિવસ માટે જ મેં તૈયાર કરી હતી અને એની ધૂન માટે ઑલમોસ્ટ પંદર દિવસ એકાંતમાં પસાર કર્યા હતા. મેં તેમને કહ્યું કે મારી ઇચ્છા છે કે વાજપેયીજીની કવિતાઓ ખૂબ સુંદર છે, હું એને સંગીતબદ્ધ કરવા માગું છું.

રાષ્ટ્રપતિજી વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. તેમણે તરત જ કહ્યું કે આપ કરો જ. વાજપેયીજીની રચના ખૂબ સરસ છે, એને જો મ્યુઝિક સાથે લાવવામાં આવશે તો એ ખૂબ સુંદર બનશે અને વાજપેયીજી માટે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ બનશે. મેં પણ કહ્યું કે હા, હું આ કરીશ અને એને વ્યવસ્થિત રિલીઝ પણ કરીશ, જેથી નાનામાં નાના માણસ સુધી પહોંચે.

મને ખબર નહોતી કે રામનાથ કોવિંદજી પણ મ્યુઝિકના શોખીન હશે, તેમને પણ સાહિત્ય પ્રત્યે લગાવ હશે. આની જાણ મને એ મુલાકાત સમયે જ થઈ. તેમણે મને કહ્યું કે છેલ્લાં ત્રીસ વર્ષથી તમને અમે સાંભળીએ છીએ, તમારી રચનાઓ અને તમારો કંઠ અમને સૌને રિલૅક્સ કરવામાં ખૂબ ઉપયોગી બન્યો છે. તેમણે પોતાની જૂની વાતો કરી અને મેં મારી જૂની વાતો કરી. જૂની વાતોમાં મેં જ તેમને કહ્યું કે હું પહેલી વખત શંકરદયાળ શર્માજી રાષ્ટ્રપતિ હતા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યો હતો અને એ પછી અમે એક પ્રોગ્રામ પણ કર્યો હતો. કોવિંદજીને મેં મારા નાનપણની અને રાજકોટમાં ભણતો હતો એ બધી વાતો પણ કરી અને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન જોવું એ મારે મન સપનું હતું અને આ સપનું એક વાર નહીં, પણ ત્રણ-ત્રણ વાર પૂરું થયું છે.

આ પણ વાંચોઃ મોબાઇલ અવગણો નહીં, પણ એનો દુરુપયોગ બંધ કરો

તેમણે સહજ રીતે સ્મિત સાથે કહ્યું કે ત્રણ વાર નહીં, આ સપનું ચાર વાર પૂરું થશે. મને વાત સમજાઈ નહીં એટલે તેમણે જ કહ્યું કે આપણે રાષ્ટ્રપતિ ભવનમાં તમારી કૉન્સર્ટ કરીએ અને બધા સાથે માણીએ. ના પાડવાનો તો કોઈ પ્રfન જ નહોતો. જોકે તેમણે કહ્યું પણ ખરું કે આપણે આ કૉન્સર્ટ આ વર્ષના એન્ડમાં જ કરી શકીશું, કારણ કે મે સુધી તો ઇલેક્શન રહેશે અને એ પછી નવી સરકાર આવશે એટલે એની તૈયારીઓ ચાલુ થશે. નૅચરલી એમાં મારો કોઈ વિરોધ હતો નહીં અને આમ મુલાકાત પૂરી થઈ. છૂટા પડતાં પહેલાં તેમને મેં ગુલઝારસાહેબની રચનાઓવાળું ‘નાયાબ લમ્હેં’ અને અન્ય આલબમો ભેટ આપ્યાં અને તેમણે રાષ્ટ્રપતિ ભવનના ઑફિશ્યિલ ફોટોગ્રાફરને બોલાવીને અમારી સાથે ફોટોગ્રાફ પડાવીને અમને એ રીતે ગિફ્ટ આપી.

અમે ફરી હોટેલ પર અને મોડી રાતે મુંબઈ પરત આવી ગયા. સવારના હું જાગું અને ફ્રેશ થાઉં એ પહેલાં જ મને ફોન આવવાના શરૂ થઈ ગયા અને બધા કૉન્ગ્રેચ્યુલેશન કહીને કહે કે વધુ એક વાર તમે રાષ્ટ્રપતિ ભવન જઈ આવ્યા. મને નવાઈ લાગી કે આવું તે કેવી રીતે બને, મેં તો હજુ કોઈને કહ્યું પણ નથી અને નાયાબ પણ આવી વાત કોઈને કરે નહીં. એ પછી મને ખબર પડી કે રાષ્ટ્રપતિ ભવનનું પોતાનું ઑફિશ્યિલ ટ્વિટર હૅન્ડલ છે એના પર આ ન્યુઝ ફોટોગ્રાફ સાથે અનાઉન્સ કરવામાં આવ્યા છે એટલે બધાનું ધ્યાન એના પર ગયું છે. એમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિજી ગઈ કાલે એક પ્રાઇવેટ મીટિંગમાં ખ્યાતનામ ગઝલ સિંગર પંકજ ઉધાસને મળ્યા. મેં રિટ્વિટ કરીને તેમનો આભાર માન્યો અને સાથોસાથ ઑફિશ્યિલ પરમિશન લઈને મેં મારા ઑફિશ્યિલ ફેસબુક અને ટ્વિટર પેજ પર મારા અને કોવિંદજીના ફોટોગ્રાફ પણ શૅર કર્યા.

આ પણ વાંચોઃ વાજપેયીજી નિમિત્ત બન્યા રાષ્ટ્રપતિ ભવનની મારી ત્રીજી મુલાકાતમાં

મિત્રો, હું દેશના ત્રણ રાષ્ટ્રપતિને નિરાંતે મળ્યો છું અને એટલે એ કહેવા માટે સત્તાવાર મને હક છે કે આપણો દેશ રાષ્ટ્રપતિની બાબતમાં ખૂબ નસીબદાર રહ્યો છે. રાષ્ટ્રપતિજી આપણને એવા વિદ્વાન મળ્યા છે, સાહિત્ય અને સંગીતના જાણકાર મળ્યા છે કે તમે ખરેખર ખુશ થાવ. વિનમ્રતા તેમનામાં ભારોભાર દેખાઈ અને એ ઉપરાંત તેમનામાં સૌજન્યશીલતા પણ એ જ સ્તરની દેખાઈ. આવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે નસીબદાર હો. આપણો દેશ નસીબદાર છે કે આપણને શંકર દયાલ શર્મા, અબ્દુલ કલામજી અને રામનાથ કોવિંદજી જેવા સૌજન્યશીલ રાષ્ટ્રપતિ મળ્યા છે. હું ખુશનસીબ છું કે મને તેમની સાથે પર્સનલી બેસવા મળ્યું છે અને તેમની સાથે વાતો કરવાની તક મળી છે. રાજકોટમાં રહેતો એક છોકરો આવી વિરલ હસ્તીઓને મળી શકે એનું નામ કુદરત, એનું નામ નસીબની બલિહારી.
જયહિન્દ.

pankaj udhas columnists