મોબાઇલ અવગણો નહીં, પણ એનો દુરુપયોગ બંધ કરો

Published: Apr 03, 2019, 10:17 IST

રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાનનું ઘર અને અન્ય VIP જગ્યાઓએ સિક્યૉરિટી પર્પઝથી મોબાઇલ જમા કરાવી દેવા પડે છે, પણ મોબાઇલથી દૂર રહેવાનો આ એક સરસ રસ્તો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દિલ સે દિલ તક

૨૫ ડિસેમ્બરે સ્મૃતિ સ્થળ પર જ્યાં વાજપેયીજીની સમાધિ છે ત્યાં શિયાળાની કડકડતી ઠંડીમાં કાર્યક્રમ થયો અને એની વાત આપણે ગયા હપતે કરી. બધા મહાનુભાવો પણ મળ્યા જેમાં નરેન્દ્ર મોદી, અડવાણીજી, મનમોહન સિંહ, રવિશંકર પ્રસાદજી અને આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી. કોવિંદજીને મેં વાત કરી કે આપને મળીને ખૂબ જ આનંદ થયો. તેમણે પણ કહ્યું કે આપણે નિરાંતે મળીએ. સાવ સાચું કહું તો મને એમ જ હતું કે આટલી વ્યસ્ત વ્યક્તિ કે જેમની પાસે એક મિનિટનો પણ સમય ન હોય તેમણે અત્યારે આવું કહ્યું હોય, પણ તેમને યાદ પણ નહીં રહે કે હું તેમને મળ્યો હતો. રાષ્ટ્રપતિજીનું શેડ્યુલ કેટલું ટાઇટ હોય એ તમે પણ સમજી શકો. વિદેશથી આવતા મહેમાનોને મળવાથી માંડીને તેમનાં રોજબરોજનાં કામ અને એમાં પણ નીતિવિષયક ચર્ચાઓ અને મીટિંગો સતત ચાલતાં રહે. આ બધા વચ્ચે તેમને ક્યાંથી સમય મળવાનો?

એ પ્રોગ્રામ પછી હું મુંબઈ આવી ગયો અને મારા કાર્યમાં હું ફરીથી વ્યસ્ત થઈ ગયો. મારું કામ પણ એવું છે કે એક વાર સ્ટુડિયોમાં દાખલ થઈ જઈએ એટલે યાદ કશું રહે નહીં. સ્ટુડિયોની દુનિયા ક્રીએટિવ દુનિયા છે. આ રચનાત્મક કાર્યની મજા જ એ છે કે એમાં ઇન્વૉલ્વમેન્ટ આવી જાય એટલે બહાર શું ચાલી રહ્યું છે એની કશી તમને ખબર હોય જ નહીં. ડેટ્સ પણ તમે આપી રાખી હોય એટલે કૉન્સર્ટ પણ એકધારી ચાલુ હોય. ડિસેમ્બર અને પછી જાન્યુઆરીનો મહિનો. આ પિરિયડને કૉન્સર્ટ સીઝન કહેવાય એટલે ખૂબબધી પ્રવૃત્તિઓ ચાલતી હોય. મારા મનમાંથી સ્વાભાવિક રીતે આ વાત નીકળી ગઈ, પણ રામનાથ કોવિંદજી માટે એવું નહોતું.

મારી મોટી દીકરી નાયાબ એક ઇવેન્ટ કંપની ચલાવે છે. આ કંપનીનું નામ જ ‘ધી ઇવેન્ટ કંપની’ છે. બહુ નાની ઉંમરે નાયાબે પોતાના આ કામમાં ખૂબ સારી નામના કમાઈ છે. નાયાબ કન્સેપ્ટ બેઝ્ડ ઇવેન્ટ્સ કરે છે. તેણે ઑર્ગેનાઇઝ કરેલી ક્લાસિકલ અને બીજી ઇવેન્ટ્સ લોકોને ખૂબ ગમે છે. તમને એક વાત કહું, નાયાબે ડ્રમ-ડેના દિવસે માત્ર ડ્રમ આધારિત એક કૉન્સર્ટ ડિઝાઇન કરી છે જે મોટા ભાગે ડ્રમ-ડેના દિવસે જ કરવામાં આવે. આ કૉન્સર્ટમાં ભારતના બહુ પ્રખ્યાત ડ્રમર્સ ભેગા થાય અને ડ્રમ પર કૉન્સર્ટ કરે. આ કૉન્સર્ટ જેવી અનાઉન્સ થાય કે એ તરત જ હાઉસફુલ થઈ જાય અને લોકો ખુશી-ખુશી એ જોવા માટે, માણવા માટે આવે. હું ટૂર પર હતો અને મને ચોથી તારીખે નાયાબનો ફોન આવ્યો કે રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન હતો અને તેમણે તમને મળવા આવવાનું ઇન્વિટેશન આપ્યું છે. મળવાની તારીખ પણ નક્કી કરી લેવામાં આવી છે. દસમી જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યે તમારે રાષ્ટ્રપતિ ભવન જવાનું છે.

મને ખૂબ આશ્ચર્ય થયું કે રાષ્ટ્રપતિજી આટલી નાની અમસ્તી વાતને પણ આટલા ધ્યાનથી યાદ રાખે. આમ જોઈએ તો આ વાતને આપણે સૌકોઈએ જીવનમાં ઉતારવી જોઈએ કે જે મોટા માણસો છે, મહાનુભાવો છે તે હંમેશાં નાની-નાની વાતને પણ મહત્વની ગણતા હોય છે અને એટલે જ તે જીવનમાં આટલા આગળ વધ્યા હોય છે. ૨૫ ડિસેમ્બરની સવારે થયેલી વાતને યાદ રાખી એ વાતની નોંધ ઑફિસમાં કરાવવી અને એ પછી મેસેજ મોકલવો કે આપણે આ તારીખે આટલા વાગ્યે મળીએ એ ખરેખર ખૂબ સારી અને મોટી વાત કહેવાય. નસીબ પણ કેવા કહેવાય મિત્રો કે એ દિવસે મારો કોઈ કાર્યક્રમ નહોતો કે કોઈ જાતનું રેકૉર્ડિંગ પણ નહોતું રાખ્યું એટલે એ દિવસે આમ જોઈએ તો હું બિલકુલ ફ્રી હતો. મેં નાયાબને કહ્યું કે તું કન્ફર્મ કરી દે કે હું ચોક્કસ આવીશ અને તેમને મળીશ.

મેં એ જ ફોનમાં નાયાબને કહ્યું કે તું તેમને રિક્વેસ્ટ કરજે અને યાદ અપાવજે કે ૨૦૦૬માં મને જ્યારે પદ્મશ્રી મળ્યો ત્યારે તારી એટલે કે નાયાબની ટેન્થની એક્ઝામ હતી અને એને લીધે મારી વાઇફ ફરીદા અને નાની દીકરી રેવા મારી સાથે આવી શક્યાં હતાં, પણ નાયાબ આવી નહોતી શકી. એ સમયે નાયાબને બહુ વસવસો હતો. મેં નાયાબને કહ્યું કે તું આ વાત યાદ કરાવીને રાષ્ટ્રપતિજીને કહેજે કે પંકજજી સાથે હું પણ રાષ્ટ્રપતિ ભવનમાં આવું જો આપ પરવાનગી આપો તો. મેં તમને કહ્યું એમ, નાયાબને એ વાતનો બહુ અફસોસ હતો કે પપ્પાને પદ્મશ્રી મળ્યો એ ફંક્શનમાં હું હાજર રહી ન શકી અને તેને અફસોસ હતો એ વાતનું મને બહુ દુ:ખ હતું. હું જ ઇચ્છતો હતો કે નાયાબને એક વખત હું એ માહોલમાં ફરી લઈ જઉં અને તેનો વસવસો અને મારું દુ:ખ એમ બન્નેને સહિયારી રીતે કાપી નાખું અને મને સંતોષ થાય કે હું દીકરીને લઈ ગયો. નાનકડા રિવાઇન્ડ સાથે તમને યાદ અપાવી દઉં કે પહેલી વખત નેવુંના દશકમાં હું જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ગયો ત્યારે નાયાબ મારી સાથે હતી અને એ સમયે રેવા એક્સપેક્ટેડ કિડ હતી તો સેકન્ડ વિઝિટમાં પદ્મશ્રી વખતે મેં કહ્યું એમ રેવા સાથે હતી અને નાયાબ નહોતી આવી શકી.

નાયાબે રાષ્ટ્રપતિ ભવન પર કન્ફર્મ કર્યું અને મેં કહ્યું હતું એ રીતે નાયાબે રજૂઆત કરી એટલે રાષ્ટ્રપતિ ભવન પરથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું કે આપ પણ સાથે આવો અને અમારા મહેમાન બનો.

દસમી જાન્યુઆરીની સાંજની પાંચ વાગ્યાની અપૉઇન્ટમેન્ટ કન્ફર્મ કરવામાં આવી અને દસમીએ વહેલી સવારની ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યાં અને રાષ્ટ્રપતિ ભવન પાસે આવેલી મેરિડિયન હોટેલમાં અમે ઊતયાર઼્. સાંજે અમે વહેલાં જ નીકળી ગયાં. ટ્રાફિક દિલ્હીનો આપણા મુંબઈ જેવો જરા પણ નથી. મુંબઈના ટ્રાફિકને તમે સહન કરી શકો, પણ દિલ્હીનો ટ્રાફિક અકલ્પનીય છે અને એનું વર્ણન પણ શક્ય નથી. દિલ્હીનો ટ્રાફિક નડતર બને નહીં એ માટે હું અને નાયાબ વહેલાં નીકળીને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં. અગાઉ મેં તમને કહ્યું હતું એમ રાષ્ટ્રપતિ ભવનમાં પુષ્કળ ચેકિંગ હોય અને એ સ્વાભાવિક હોય છે પણ અમારી મુલાકાત પહેલાં અમારી ગાડીની ડીટેલ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગઈ હતી એટલે સિક્યૉરિટી ચેકિંગમાંથી અમે ઝડપભેર પસાર થઈ ગયાં અને અમે એન્ટ્રન્સ સુધી પહોંચી ગયાં. ભવનના એન્ટ્રન્સ પર જ રાષ્ટ્રપતિજીના સ્ટાફે અમને આવકાર્યાં તે અમને એસ્કૉર્ટ કરીને અમને વેઇટિંગ રૂમમાં લઈ ગયા. આ રૂમમાં બધા ગેસ્ટે રાહ જોવાની હોય. હું અને નાયાબ અમે બન્ને બેઠાં. અમને પૂછવામાં આવ્યું કે તમે ચા કે કશું પીશો. આ એન્ટ્રન્સ એરિયા પાસે જ એક કાઉન્ટર છે, એ કાઉન્ટર પર જ અમારા મોબાઇલ લઈ લેવામાં આવ્યા. મિત્રો, તમને કહી દઉં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની ઑફિસ કે તેમના ઘરમાં બહારથી આવેલી વ્યક્તિઓને મોબાઇલ લઈ જવાની મનાઈ હોય છે. આપણે ત્યાં અનેક VIPઓને ત્યાં આ નિયમ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કદમ મિલા કે ચલના હોગા, ચલના હોગા

અમારા પણ મોબાઇલ જમા કરી લેવામાં આવ્યા. આવું કરવાનું કારણ સિક્યૉરિટી રીઝન છે. મોબાઇલ જમા કરાવી દેવાનો એક ફાયદો એ થાય કે તમે અંદરના વાતાવરણને સાચી રીતે અને વાજબી રીતે માણી શકો. આજના સમયમાં મોબાઇલ એવું દૂષણ બની ગયું છે કે એ તમારા હાથમાં હોય જ હોય. એ હાથમાં હોય એટલે તમે પણ એમાં વ્યસ્ત રહ્યા જ કરો. હું તો ઘણી વખત જોતો હોઉં છું કે લોકો કૉન્સર્ટમાં આવ્યા પછી પણ પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહે છે અને જે કાર્યક્રમ માણવાની ઇચ્છા લાંબા સમયથી મનમાં રાખી રહ્યા હોય એ કાર્યક્રમને માણી નથી શકતા. આજના સમયમાં મોબાઇલને તમે અવગણી ન શકો, પણ એને કાબૂમાં રાખવાની કળા તમારે શીખવી પડે એવો તો સમય આવી ગયો છે. હું જ્યારે પણ કોઈ એવી જગ્યાએ જાઉં કે જ્યાં મોબાઇલ મૂકી દેવાનો હોય ત્યારે ખુશ થતો હોઉં છું. મારી આજુબાજુમાં તો આવી અનેક જગ્યાઓ છે જેમાંની એક જગ્યા છે રેકૉર્ડિંગ સ્ટુડિયો. સ્ટુડિયોમાં મોબાઇલ લઈ જવાની મનાઈ હોય છે, તમે સાઇલન્ટ મોડ પર રાખીને પણ ફોન અંદર ન લઈ જઈ શકો.

(મોબાઇલ જમા કરાવીને રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થયા પછી શું બન્યું એની વાતોનો અંતિમ એપિસોડ વાંચીશું આવતા વીકમાં)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK