ખાને મેં ક્યા હૈ?

02 February, 2019 10:37 AM IST  |  | પલ્લવી આચાર્ય

ખાને મેં ક્યા હૈ?

બની ચાઉ અને મોચી જૅપનીઝ આઇસક્રીમ

શાદી મેં ઝરૂર આના 

લગ્નમાં મજા આવી કે નહીં? ફલાણાનાં લગ્ન તો યાદ રહી જાય એવાં હતાં વગેરે જેવી જે કમેન્ટ્સ આવતી હોય છે એ ૫૦ ટકા એનું ફૂડ કેવું હતું એના પર નિર્ભર હોય છે. આવું કેમ ન હોય? આ હકીકતને સમર્થન આપતું એક સંસ્કૃત સુભાષિત આપણે ત્યાં છે કે કન્યા વરયતે રૂપમ્, માતા વિત્તમ્, પિતા શ્રુતમ્, બાંધવા કુલમિચ્છન્તિ, મિક્ટાન્નમ્ ઇતરે જના:Ð એટલે કે લગ્નસંબંધમાં કન્યા મુરતિયાના રૂપને પ્રાધાન્ય આપે છે, માતા તેની સંપત્તિને અને પિતા તેની કીર્તિને પ્રાધાન્ય આપે છે. ભાઈઓ કુળને અને બાકીના લોકોને તો મિષ્ટાન્નમાં જ રસ હોય છે. કેટલીક વાર એવું પણ બને કે લગ્નમાં મંડપ, ડેકોરેશન, વ્યવસ્થા, વર-કન્યાની એન્ટ્રી વગેરે અફલાતૂન હોય; પણ જો ભોજન સારું ન હોય તો લગ્ન સક્સેસ નથી થતાં! લગ્ન સમારંભમાં પધારેલા મહેમાનોને સ્વાદ દાઢમાં રહી જાય એવું ભોજન આપવાનો શોખ હવે લોકોમાં વધ્યો છે અને તેમના આ શોખને લઈને જ ભોજન સમારંભોમાં અવનવી વાનગીઓ ઉમેરાઈ રહી છે.

આ રંગબેરંગી, ચટપટી અને સ્વાદિષ્ટ માહિતીનો સ્વાદ માણીએ મુંબઈના ટોચના કેટરર્સની સાથે.

અનેક વેસ્ટર્ન ડિશો

લગ્ન સમારંભમાં ગુજરાતી, અસલ દેશી અને જાતજાતની ભારતીય ડિશો હોય એ વાત હવે ઘણી જૂની થઈ ગઈ છે. મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ અને થાઇ ફૂડ પણ હવે મુંબઈનાં લગ્નોમાં જૂની વાત છે. ટોચના ગાલા કેટરર્સે આ વખતે કોરિયન, અરેબિયન, ટર્કિશ, સ્વિસ, લેબનીઝ, ઓરિએન્ટલ અને વિયેટનામની ડિશો મૂકી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બ્રેડ, ચીઝ અને કૉર્નની બનેલી કેટલીક લેટિન અમેરિકન ડિશો તો આપે જ છે એટલું જ નહીં; વધુપડતી સ્પાઇસી નહીં એવી આ ડિશો જૈન પણ હોય છે. આ ઉપરાંત તેઓ ઑઇલ-ફ્રી અને લો-કૅલરીવાળી, સ્પાઇસી અને વેજિટેબલ્સમાંથી બનેલી ગ્રીક વાનગીઓનું કાઉન્ટર બનાવે છે. આ ઉપરાંત તેઓ અરેબિયન વાનગીઓ અને ઇટાલિયન ફ્યુઝન વાનગીઓ પણ આપે છે એવું ગાલા કેટરર્સના ડિરેક્ટર અતુલ ગાલાનું કહેવું છે.

ટોચના તૃપ્તિ કેટરર્સે આ વખતે સાઉથ આફ્રિકન ચારથી પાંચ ડિશો મૂકી છે જેમાંની એક બની ચાઉ ઘણી પૉપ્યુલર બની છે. બ્રેડના રોલમાં સ્ટફિંગ કરી બેક કરેલી આ ડિશ લોકોને બહુ પસંદ પડી છે એમ જણાવતાં તૃપ્તિ કેટરર્સના ડિરેક્ટર ચિંતન સૂચક કહે છે, ‘પોતાનો પ્રસંગ યાદગાર બનવા માટે લોકો હંમેશાં નવી અને અત્યાર સુધી કોઈએ ન આપી હોય એવી ડિશો આપવા કહે છે.’

તૃપ્તિ કેટરર્સ જે ઇથિયોપિયન ફૂડ વરાઇટી આપે છે એમાં કરી બે ટાઇપની હોય છે. એક ઇન્ડિયન ટેસ્ટની અને બીજી ગુજરાતીઓની ફૂડ-હૅબિટને ધ્યાનમાં રાખીને ગુજરાતી ટાઇપની હોય છે. ડોરો વોટ અને શીરો વોટ એ બે બેસનની કરી તેઓ આપે છે તો બીજી કરી તેઓ કાંદા અને સોયાની આપે છે. આ બધી કરી સાથે ઇન્જેરા એટલે કે નાચણીના લોટના ઢોસા જેવી રોટલી સાથે બર્ગર અને સૅલડ આપે છે.

મોચી જૅપનીઝ આઇસક્રીમ જેવી નવી ડિશ સાથે જ્યોતિ કેટરર્સ આ વખતે જૅપનીઝ અને થાઇ નવી ડિશો લઈ આવ્યા છે. જ્યોતિ કેટરર્સના ડિરેક્ટર હેમંત છેડા કહે છે, ‘ટેપયાન્કી, સુશી જેવી સ્પાઇસી જૅપનીઝ ડિશ અને કોકાઝ વાઇટ, મોન્ઝા, વરાઇટી પાસ્તા જેવી સ્પૅનિશ આઇટમ મળીને સાતેક ડિશો જ્યોતિ કેટરર્સની પૉપ્યુલર બની છે.’

કેવું ફ્યુઝન થાય છે?

ઇડલીને કુલ્ફીની જેમ ખાઈ શકાય? સામાન્ય રીતે એની કલ્પના પણ ન કરી શકીએ, પણ જ્યોતિ કેટરર્સે કુલ્ફી ઇડલી બનાવી છે.

ગાલા કેટરર્સે વેસ્ટર્ન અને ઇન્ડિયન જ નહીં, જુદા-જુદા પ્રાંતની ઇન્ડિયન આઇટમ્સનું પણ ફ્યુઝન કર્યું છે. સાઉથ ઇન્ડિયન ડૉનટ, વૉફલ ઢોસા અને વૉફલ ઇડલી, ઇટાલિયન પાંઉભાજી જેમાં બ્રૉકલી વગેરેની ભાજી વાઇટ સૉસમાં બને છે. એની સાથે હોય છે ગાર્લિક બ્રેડ. એ જ રીતે ઇટાલિયન સેવપૂરી, જેમાં પૂરી પર સાલ્સા જેવી ઇટાલિયન વસ્તુ હોય છે. નાચોઝ આઇસક્રીમ, થાઇ રોલ આઇસક્રીમ, ડીમ સીમ બાર્બેક્યુ (મોમોઝ) જેવી લોકોના ટેસ્ટ મુજબની ફ્યુઝન આઇટમ્સ બનાવી છે. આ ઉપરાંત શેઝવાન પૂડલા, શ્રીલંકન કરી, થેપલાં કસારીલા, ઢોકળા ભાજી જેવી ઇન્ડિયન ફ્યુઝન વાનગીઓ તેઓ આપે છે.

તૃપ્તિ કેટરર્સે મૉલેક્યુલર ગૅસ્ટ્રોનોમી ડિશ બનાવી છે જે લિક્વિડ નાઇટ્રોજન યુઝ કરીને બનાવવામાં આવેલું ડિઝર્ટ છે. સ્પાઇસી આઇટમોને તમે સ્મૉગી ટેસ્ટ આપો એ સમજાય, પણ તમે કદી આઇસક્રીમને સ્મૉગી ટેસ્ટમાં ખાધો છે? તૃપ્તિ કેટરર્સે ચારકોલ એટલે કે કોયલામાંથી બનેલો આઇસક્રીમ બનાવ્યો છે એમ જણાવતાં ચિંતન સૂચક કહે છે, ‘આ કોયલા ખાઈ શકાય એવા હોય છે. કોયલામાંથી બનેલો આઇસક્રીમ કાળો જરૂર હોય, પણ આ આઇસક્રીમને તમે ચૉકલેટ કે કોઈ પણ ફ્રૂટની ફ્લેવરનો બનાવો તો એને સ્મૉગી ટેસ્ટ મળે છે, જે અદ્ભુત લાગે છે.’

રાજસ્થાનમાં બાટીનો સ્વાદ અને મુંબઈના કોઈ રસોયાએ બનાવેલી દાળબાટીના સ્વાદમાં બહુ ફરક આવે છે. ઉત્તર પ્રદેશના ભૈયાઓ જેવી ભેળ બીજું કોઈ ન બનાવી શકે. જે-તે પ્રદેશની વાનગીનો ટેસ્ટ જે-તે પ્રદેશના લોકો બનાવે તો જ પર્ફેક્ટ બને એ દીવા જેવું સત્ય છે. આ કારણથી જ મુંબઈના કેટરર્સ જે-તે પ્રદેશની વાનગીનો અસલ ટેસ્ટ લાવવા માટે એ પ્રદેશના જ રસોઇયા બોલાવે છે એટલું જ નહીં, વિદેશી ચીજો બનાવવા માટે પણ ત્યાંથી જ શેફ બોલાવે છે અથવા તો પોતાના માણસોને ત્યાં જઈને ટ્રેઇન કરે છે. ઉપરાંત તેઓ વિદેશી ડિશોનો ટેસ્ટ જાળવી રાખવા માટે ઘણીબધી આઇટમો વિદેશથી મગાવે છે.

તૃપ્તિ કેટરર્સ ઇઝરાયલથી ખાસ શેફ મગાવે છે. હૈદરાબાદી ડિશ બનાવવા માટે ત્યાંના ખાસ લોકોને બોલાવે છે જેઓ સ્ટોન કુકિંગ એટલે કે પથ્થર પર કુકિંગ કરીને ખાસ ડિશ બનાવે છે. આઇસ ભેળ બનાવવા માટે તેઓ ગોરધન મહારાજની ચટણી ખાસ રાજકોટથી મગાવે છે. આ ચટણી બહુ તીખી હોય છે અને એનો ચોક્કસ ટેસ્ટ હોય છે. ફ્રૂટ્સ તેઓ હૈદરાબાદથી જ મગાવે છે.

અવધિ આઇટમ બનાવવા માટે જ્યોતિ કેટરર્સ અવધથી સ્પેશ્યલ માણસ બોલાવે છે તો ગાલા કેટરર્સ કાશ્મીરી કાવો કે જે કાશ્મીરનું ચા જેવું ડ્રિન્ક છે એ બનાવવા માટે ખાસ કાશ્મીરથી માણસો બોલાવે છે. વીસ પ્રકારની જડીબુટ્ટીઓ અને કેસર વગેરે નાખીને આ ડ્રિન્ક તૈયાર કરવામાં આવે છે. લંડન કેરીનો આઇસક્રીમ ગાલા કેટરર્સે ખાસ દુબઈથી મગાવ્યો હતો. પોંકની કચોરી, ઉંબાડિયું, સફેદ અને પીળા લોચા માટે સુરતથી અને મકાઈ રોટી તથા બેંગન ભારત માટે તલેગાંવથી માણસ બોલાવે છે. ફણસનાં પાનમાં બેક કરીને બનાવેલી પોન્ડુ ઇડલી જેવી વિવિધ સાઉથ ઇન્ડિયન ડિશ માટે માણસો મુંબઈથી જ મળી જાય છે અને મિડલ ઈસ્ટનું ફૂડ બનાવવા માટે અમારી પાસે સ્પેશ્યલ ટીમ છે એમ અતુલ ગાલાનું કહેવું છે.

રસોઈનો અસલ ટેસ્ટ જાળવવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે છે એની વાત કરતાં ગાલા કેટરર્સના અતુલ ગાલા કહે છે, ‘રસોઈના ટેસ્ટ માટે પાણી અતિ મહkવનું છે. ગામેગામ પાણી બદલાય એમ રસોઈનો ટેસ્ટ બદલાઈ જાય છે. તેથી અમે દેશના કોઈ પણ સ્થળે જવું હોય ત્યારે હજારો લીટર પાણી મુંબઈથી સાથે લઈ જઈ એ છીએ.’

આ પણ વાંચો : લૉર્ડ ઑફ ધ લાસ્ટ બેન્ચ

વિદેશી ચીજો બનાવવા માટે બધા જ કેટરર્સ ચીઝ અને સૉસ સ્વિટ્ઝરલૅન્ડથી જ મગાવે છે.

columnists