કૉલમ : દેહદાન કરવાની ઇચ્છા છે? તો આ રહ્યું એનું સંપૂર્ણ માર્ગદર્શન

24 April, 2019 12:50 PM IST  |  | પલ્લવી આચાર્ય

કૉલમ : દેહદાન કરવાની ઇચ્છા છે? તો આ રહ્યું એનું સંપૂર્ણ માર્ગદર્શન

મૃતદેહ (પ્રતીકાત્મક તસવીર)

બોરીવલીમાં રહેતાં લતાબહેન ૭૩ વર્ષનાં છે. તેમના પતિ મુકુંદભાઈ ૭૮ વર્ષના છે. પતિ-પત્ની એકલાં જ રહે છે. એવું નથી કે તેમને સંતાનો નથી. દીકરાએ તેમની પાસેથી પૈસા અને બધી પ્રૉપર્ટી પડાવી લીધી પછી હવે તેમને દીકરો કે વહુ સાચવતાં નથી કે નથી સારસંભાળ લેતાં. તેમનું મન ખાટું થઈ ગયું છે. આ દંપતીને દેહદાન કરવું છે, પણ આ માટે શું કરવું, કોનો અને ક્યારે સંપર્ક કરવો, દેહદાન તેઓ કરી શકે કે નહીં, એની પ્રોસિજર શું હોય છે જેવી કોઈ માહિતી તેમની પાસે નથી. આ માટે તેમણે લાગતા-વળગતા લોકોને ફોન કરી જોયા, પણ વિગતવાર અને ચોક્કસ માહિતી ક્યાંયથી પણ ના મળી શકી. લતાબહેન અને મુકુંદભાઈ જેવી મૂંઝવણ અનેક લોકોને દેહદાન માટે છે. આમ થવાનું કારણ દેહદાન અંગે અવેરનેસ નથી. આજે દેહદાન વિશે A to Z માહિતી આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

દેહદાન એટલે શું?

મૃત્યુ પછી દેહનું સંપૂર્ણ દાન એટલે દેહદાન. મૃત્યુ પછી દેહને રાખ કરવાના બદલે દેહદાન માટે નિયુક્ત કરેલી ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં મેડિકલ રિસર્ચ અને એજ્યુકેશન માટે સુપરત કરવામાં આવે તે.

દેહદાન શું કામ?

પ્રાણપંખેરું ઊડી જાય પછી ડેડ બૉડીને રાખ કરી દેવામાં આવે છે અથવા દાટી દેવામાં આવે છે. મુન્નાભાઈ MBBS ફિલ્મમાં સંજય દત્તનો એક ડાયલૉગ તમને યાદ હશે. મુન્નાભાઈ સર્કિટને કહે છે કે એક બૉડી આસપાસ કેટલાબધા સ્ટુડન્ટ વીંટળાયેલા છે એમાં એને શું દેખાય? આ બાબત હકીકત છે. ઍનૅટૉમી - શરીરરચનાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને શરીરરચના અંગે રિસર્ચ કરનારા અભ્યાસુઓ માટે મૃતદેહ મુખ્ય ટીચિંગ સ્ટૂલ એટલે કે આધાર છે. અભ્યાસ માટે હૉસ્પિટલોને અન ક્લેઇમ્ડ એટલે કે જે મૃતદેહ માટે કોઈએ ક્લેમ ના કર્યો હોય એના પર આધાર રાખવો પડે છે. બીજી બાજુ અનેક મૃતદેહો રાખ થઈ જાય છે કે દાટી દેવામાં આવે છે એના બદલે જો એનું દાન થાય તો શરીરરચનાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ પર મોટો ઉપકાર થઈ શકે.

દેહદાન કોણ અને ક્યારે કરી શકે?

દેહનું દાન વ્યક્તિ મૃત્યુ પછી જ કરી શકે, હા, એ માટે તમે પહેલાં રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવી શકો. દેહદાન મૃત્યુના ૫થી૬ કલાકની અંદર કરવું પડે. દેહદાન માટે ઉંમર, સેક્સ; સ્ત્રી કે પુરુષ, કાસ્ટ, ધર્મ કે તેનું સોશ્યલ સ્ટેટસ કોઈ જ વસ્તુ બાધિત નથી. ભૂતકાળમાં કોઈ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કે સ્ટેન્ટ કે પેસમેકર મુકાવ્યું હોય તો પણ તે બાધિત નથી, તમે દેહદાન કરી શકો છો. મૃત્યુ પછી તમે આંખો અને ત્વચાનું દાન કરી પછી દેહદાન કરી શકો.

દેહદાન કોનું સ્વીકાર્ય ના હોય?

વ્યક્તિનું મૃત્યુ કુદરતી ના હોય એટલે કે તેનું મર્ડર થયું હોય કે આત્મહત્યા કરી હોય, ઑટોપ્સી કે પોસ્ટમૉર્ટમ થયું હોય એનું દેહદાન ના કરી શકાય.

આંખો અને ત્વચા સિવાયનાં બાકીનાં અંગોનું દાન કર્યું હોય તો દેહદાન ના કરી શકો, જોકે બધાં અંગોનું દાન બ્રેઇન ડેડ વ્યક્તિ જ કરી શકે. કુદરતી મૃત્યુ પછી તમે માત્ર આંખો, ચામડી અને આખા દેહનું દાન કરી શકો.

૧૮ વર્ષથી નીચેની વ્યક્તિનું દેહદાન સ્વીકાર્ય નથી. સામાન્ય રીતે દેહદાન માટે વ્યક્તિની ઉંમરનો કોઈ બાધ નથી, પણ ૭૦ વર્ષ પછી એનું બ્લડ પૅરામિટર ચકાસ્યા પછી દાન લેવાય છે.

વ્યક્તિને કૅન્સર, HIV કે એઇડ્સ, સૅપ્ટિસેમિયા કે કોઈ પણ ઇન્ફેક્શનવાળો રોગ હોય, વ્યક્તિના શરીર પર કોઈ પણ ઑપરેશન તાજું હોય કે બરડામાં ચાંદાં પડી ગયાં હોય તો દેહદાન સ્વીકાર્ય નથી.

વ્યક્તિ ઓવરવેઇટ હોય (૮૦ કિલો કે તેથી વધુ) કે વધુ ક્ષીણ હોય તો પણ દેહદાન ના કરી શકે.

ક્યાં કરશો દેહદાન?

દેહદાન સ્વીકારવાની બધી હોસ્પિટલોને પરમિશન નથી હોતી. મુંબઈમાં કુલ ૫ મેડિકલ કૉલેજ ઍન્ડ હોસ્પિટલ; જે. જે હૉસ્પિટલ, કેઈએમ હૉસ્પિટલ, લોકમાન્ય તિલક હૉસ્પિટલ સાયન, રાજીવ ગાંધી હૉસ્પિટલ કળવા અને એમજીએમ હૉસ્પિટલ નવી મુંબઈ છે, જે દેહદાન સ્વીકારે છે. આ હૉસ્પિટલનો ઍનૅટૉમી વિભાગ દેહદાન સ્વીકારે છે. આ વિભાગમાં મૃતદેહને કેમિકલ ઇન્જેક્ટ કર્યા પછી અભ્યાસ માટે જાળવી રાખવામાં આવે છે, જેના પર લગભગ ૬ મહિના સુધી અભ્યાસ થઈ શકે છે. આ વિભાગમાં માનવઅંગોનું એક મ્યુઝિયમ પણ હોય છે.

રજિસ્ટ્રેશન જરૂરી નથી

દેહદાન કરવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. તમારી આ ઇચ્છા પત્ની, પતિ, દીકરા, દીકરી, પુત્રવધૂ કે જમાઈ કે કોઈ પણ સંબંધીને કહી રાખી હોય તો તેઓ એ મુજબ કરી શકે. અગાઉથી ના કહ્યું હોય તો પણ તમારા મૃત્યુ પછી પરિવારને દેહદાનનો વિચાર આવે તો પણ તે કરી શકે. આ માટે પહેલાં તરત આઇ ડોનેશન માટે આઇ બૅન્કનો સંપર્ક કરવો. ૭૦ વર્ષ પછી આંખનું દાન નથી થઈ શકતું એ વાત યાદ રહે. આઇ ડોનેશન માટે તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો ત્યાં અથવા કોઈ આઇ બૅન્કનો નંબર તમારી પાસે હોય તો ત્યાં નહીં તો ૧૯૧૯ નંબર (લોકલ સેવાભાવી સંસ્થા) પર સંપર્ક કરી લેવો.

આઇ ડોનેશન કરવા ચાહતા હો તો દેહ છૂટે કે તરત માથા નીચે તકિયો રાખી દેવો અને આંખો ખુલ્લી હોય તો બંધ કરીને આંખો પર ભીનાં પોતાં મૂકવાં. પંખો ચાલુ હોય તો બંધ કરી લેવો અને ઍર-કન્ડિશન ચાલુ રાખવું.

તે પછી સ્કિન ડોનેશન માટે નૅશનલ બર્ન સેન્ટરનો સંપર્ક કરવો. આ સેન્ટર એરોલીમાં છે, તેઓ તાત્કાલિક આવી જશે. સાથળ અને બરડામાંથી જ તેઓ ચામડીનું પાતળું પડ લે છે. ત્વચાદાન પણ કરી લો.

અંતિમક્રિયા અને અંતિમયાત્રા પણ થઈ શકે

દેહદાન માટે ૫થી ૬ કલાકમાં બૉડી હૉસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા પરિવારે કરવી પડે છે. આ સમય દરમ્યાન તમે મહારાજને બોલાવીને અંતિમક્રિયા કરાવી શકો. બૉડી હૉસ્પિટલમાં લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ મગાવી લો. અને ઘરથી સો ફૂટના અંતર સુધી અંતિમયાત્રા પણ કાઢી શકો છો.

ફૉર્માલિટી શું છે?

ડેડ બૉડી સાથે બે વ્યક્તિએ દેહદાન સ્વીકારતી હૉસ્પિટલમાં જવું. સાથે ડૉક્ટરે ઇશ્યુ કરેલા ડેથ સર્ટિફિકેટની ઑરિજનલ અને ઝેરૉક્સ કૉપી લઈ જવી. ઍનૅટૉમી વિભાગને દેહદાન માટે કહો ત્યાર પહેલાં જ એ તમને કૉઝ ઑફ ડેથ પૂછે છે અને તેના ક્રાઇટેરિયામાં હોય તો જ સ્વીકારે છે. ઍનૅટોમી ડિપાર્ટમેન્ટ ચાલુ દિવસે ૧૦થી ૩ વાગ્યા સુધીમાં, શનિવારે ૧૦થી ૧૨ની વચ્ચે બૉડી સ્વીકારે છે. તમને પ્રશ્ન થાય કે શું મૃત્યુ આ સમય જોઈને થોડું આવે છે? એવું ના જ હોય. આ માટે હૉસ્પિટલ ૨૪ કલાક ચાલુ હોય છે. બૉડી ઍનૅટૉમી વિભાગને આપો ત્યાં સુધી બૉડીને એર-કન્ડિશન મોર્ગમાં રાખવાની વ્યવસ્થા કરે છે. દેહદાન કર્યા પછી ઍનૅટૉમી વિભાગ તમને આભારપત્ર આપે છે. સંપૂર્ણ રિસ્પેક્ટ સાથે દેહને સ્વીકારવામાં આવે છે. તે અને ડેથ સર્ટિફિકેટનું ઑરિજિનલ મ્યુનિસિપાલિટીમાં સબમિટ કરો તો ત્યાંથી ડેથ સર્ટિફિકેટ મળે છે. ઍનૅટૉમી વિભાગ બૉડીને અભ્યાસ માટે રહી શકે એટલો સમય જાળવી રાખે છે, પછી જરૂરી અંગોને તેના મ્યુઝિયમમાં જાળવે અને બાકીનું શરીર દાટી દે અથવા તો બાળી નાખે છે, પણ પરિવારના સભ્યોને અસ્થિ આપવાનું શક્ય નથી હોતું.

તમે મુંબઈની બહાર હોવ અને તમારી આસપાસ દેહદાન સ્વીકારતી કોઈ હૉસ્પિટલ ના હોય અને ૬ કલાકમાં બૉડી મુંબઈની હૉસ્પિટલમાં લાવી શકો એમ હોવ તો તમારે ડેડ બૉડી લાવવા માટે ત્યાંના પોલીસ-સ્ટેશનમાંથી રોડ પરમિશન લેવી જરૂરી છે.

સામાજિક કાર્યો કરતી સંસ્થાઓની મદદ

સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ તમને દેહદાનમાં મદદ કરે છે. દેહદાનની ફોર્માલિટીની કોઈ ઝંઝટમાં ના પડવું હોય તો મૃત્યુ પછી આ સંસ્થાઓનો સંપર્ક કરવો, જે તમને હૉસ્પિટલ બૉડી સ્વીકારે ને આભારપત્ર આપે ત્યાં સુધીની બધી ફૉર્માલિટી કરાવી આપશે. આંખ અને ત્વચાના દાન માટે પણ મદદ કરશે. દેહદાન માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એમાં પણ મદદ કરશે.

આ પણ વાંચો : કૉલમઃવૃદ્ધતા સાથે વધુ સમૃદ્ધ બને છે ભાઈ-બહેનનો નાતો

ફોન ક્યાં કરશો?

ફેડરેશન ઑફ ઑર્ગન ઍન્ડ બૉડી ડોનેશન

કુલીન લુથિયા -૯૮૨૦૦૩૯૪૬૯ (માનવજ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટ)

વિનોદ હરિયા -૯૮૨૦૦૫૨૯૩૬ (સુમતિ સંસ્થા)

હરખચંદ સાવલા -૯૫૯૪૪૬૪૦૦૦

(આ લોકો રાત-દિવસ કોઈ પણ સમયે ફોન રિસીવ કરે છે અને જો ના કરી શકે એમ હોય તો સામેથી ફોન કરી લે છે.)

ડિરેક્ટર ઑફ હેલ્થ સર્વિસિઝ, ગવર્નમેન્ટ ઑફ મહારાષ્ટ્રના સહકારથી ફેડરેશન ઑફ ઑર્ગન ઍન્ડ બૉડી ડોનેશન બન્યું છે. આ ફેડરેશન સાથે મહારાષ્ટ્રમાં ઘણી સંસ્થાઓ કામ કરે છે. મુંબઈમાં પણ લગભગ ૫૦ સંસ્થાઓ કામ કરે છે.

columnists