પિસ્તાલીસ વર્ષે ફરી એક વાર શરૂ કર્યું પેઇન્ટિંગ

16 June, 2021 12:50 PM IST  |  Mumbai | Ruchita Shah

દહિસરમાં રહેતા અતુલ રણછોડદાસ નેગાંધીને સ્કૂલમાં જે શોખ હતો એ ફરી એક વાર સેકન્ડ લૉકડાઉનમાં જાગ્યો અને જુઓ એને અનુસરીને તેમણે કેટલાં સુંદર ચિત્રો બનાવ્યાં છે

પિસ્તાલીસ વર્ષે ફરી એક વાર શરૂ કર્યું પેઇન્ટિંગ

માણસ ધારે તો કોઈ પણ ઉંમરે રીસ્ટાર્ટ કરી શકે છે અને અધૂરાં સપનાંઓને પૂરાં કરી શકે છે. દહિસરમાં રહેતા અને પચીસ વર્ષ રિલાયન્સમાં કામ કરનારા અતુલ નેગાંધીએ છેક હવે પોતાના સુષુપ્ત અવસ્થામાં રહેલા શોખને ફરી જીવવાનું શરૂ કર્યું છે. નાનપણથી પેઇન્ટિંગ પ્રત્યે વિશેષ પ્રીતિ પરંતુ ત્યારે તો ભણવું અને આગળ વધવું એ એક જ લક્ષ્ય હોય ત્યારે એ શોખને અભરાઈ પર મૂકી દેવાયો હતો, જે આ લૉકડાઉનમાં ફરી બહાર આવ્યો. આ બધું શરૂ કેવી રીતે થયું એ વિશે અતુલભાઈ કહે છે, ‘રિટાયર થયા પછી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. જોકે લૉકડાઉનમાં એ પણ કામ બંધ થઈ ગયું. હવે શું કરું? ગયા લૉકડાઉનમાં તો ખાસ કંઈ ન થઈ શક્યું, પરંતુ આ વખતે થયું કે કંઈક કન્સ્ટ્રક્ટિવ કરવું છે. મને પેઇન્ટિંગનો નાનપણમાં ગાંડો શોખ હતો. એવા પેઇન્ટિંગ બનાવતો કે એને સ્કૂલમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવતાં. હાથમાં પેન્સિલ લીધી અને દોરવાનું શરૂ કર્યું. છ મહિનામાં પચીસેક પેઇન્ટિંગ બનાવ્યાં. મિત્રવર્તુળમાં તેના ફોટો શૅર કર્યા તો અકલ્પનીય અપ્રિશિએશન પણ મળ્યું. ઇન ફૅક્ટ, આ અરસામાં હું મધુબની, જેન્ટેન્ગલ આર્ટ વગેરે શીખ્યો પણ છું. હજીયે નવાં આર્ટફૉર્મને એક્સપ્લોર કરી રહ્યો છું.’
પિસ્તાલીસ વર્ષ પહેલાં જેને છોડી દીધું હતું એને ફરી શરૂ કરવાનો અનુભવ આગળ વધારતાં અતુલભાઈ કહે છે, ‘હજી સુધી વૉટર કલરનો ઉપયોગ શરૂ કર્યો નથી. જે પણ કરું છું એ માત્ર પેન્સિલ કલર અને સ્કેચ પેનનો જ ઉપયોગ કરું છું. ૬૨ વર્ષે પેઇન્ટિંગ કરવાની મજા પડે છે. એક પેઇન્ટિંગ કરવામાં લગભગ સાતથી આઠ કલાકનો સમય જાય છે, પરંતુ આ સમય પસાર કરવાની મજા પડે છે. જીવનમાં જાણે નવું જોમ આવ્યું છે અને હું ખરેખર આ સમયને ખૂબ જ એન્જૉય કરું છું.’

columnists ruchita shah