જે પ્રેમમાં અવરોધ ઊભો કરે તે પરમાત્મામાં અવરોધ ઊભો કરે

30 December, 2021 02:58 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમમાં બાધક બને એવી બાબતોમાં સૌથી પહેલાં આવે છે ક્રોધ

પ્રતીકાત્મક તસવીર

પ્રેમમાં બાધાઓ કઈ આવે?
આ સવાલનો જવાબ મેળવવા માટે એના મૂળમાં જવું પડે અને મૂળ શોધો તો દેખાઈ આવે કે આપણે પ્રેમની વાતો ભલે કરીએ, પરંતુ દેહવાદ જ્યાં સુધી ભરેલો છે ત્યાં સુધી પ્રેમ સંભવ નથી. એ આસક્તિ છે, મોહ છે. પ્રેમ કદી ઘટે નહીં. તમને કોઈ વ્યક્તિ માટે પ્રેમ હોય, પણ એ વ્યક્તિ અતિશય રોગી થઈ જાય તો તમારો પ્રેમ ઘટવા લાગે. આવું જ અન્ય બાબતોમાં થતા પ્રેમનું છે. વ્યક્તિ ઉંમરલાયક થાય એટલે તેનું રૂપ અસ્ત થવાનું શરૂ થાય અને એ અસ્ત થવા માંડે એટલે આકર્ષણ ઓછું થઈ જાય. તમે રોગી થાઓ, તમારું આકર્ષણ ભોગ પ્રતિ ઓછું થઈ જાય. પરિસ્થિતિ કેવી બદલાય છે એ જુઓ. ક્ષણે-ક્ષણે બધું બદલાતું જાય છે માટે જે ક્યારેય ન બદલાય એવા હરિને પકડો, ઈશ્વરનો હાથ ઝાલો. બાકી પ્રત્યેક ક્ષણે જે સરકતો જાય એનું નામ જ સંસાર છે.
પ્રેમ અકારણ હોવો જોઈએ, પ્રેમ આસાધારણ હોવો જોઈએ, પ્રેમ અનાવરણ હોવો જોઈએ. જો પ્રેમમાં કારણ આવ્યું, જો મદ આવ્યો તો પ્રેમ સાધારણ જાય અને જો દંભ આવે તો પ્રેમ આવરણયુક્ત થઈ ગયો કહેવાય. પ્રેમ સતત વહેતી ધારા હોય, પણ એના માર્ગમાં કશોક આડબંધ આવી જાય તો? કઈ બાબતો છે જે પ્રેમમાં બાધક બને છે? હવે આપણે એ ચર્ચા કરવાના છીએ.
પ્રેમમાં બાધક બને એવી બાબતોમાં સૌથી પહેલાં આવે છે ક્રોધ.
વ્યક્તિનો ક્રોધ પ્રેમધારાને પ્રગટ કરવામાં બાધક છે. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે પ્રેમધારાનો પ્રવાહ સ્થગિત થઈ જાય છે. પ્રેમમાં કામ અને લોભ કરતાં ક્રોધ વધારે અવરોધક છે. કોધને તો માફ કરી જ ન શકાય. ક્રોધની શિલાને હટાવવી જ પડે. પછી જ તમારા પ્રેમનું ઝરણું વહેશે. ક્રોધને દૂર કરવાનો સહુથી સારો ઉપાય એની સાથે સંઘર્ષ ન કરવો એ છે. સંઘર્ષ થવાથી ચંદનમાંથી પણ અગ્નિ પ્રગટ થાય છે. જરા અરીસામાં જોજો કે તમે કેવા લાગો છો. શું માતા-પિતાએ તમને આવો જન્મ આપ્યો હતો? પ્રેમને જે રોકે છે એ ક્રોધને દૂર કરો. પ્રેમમાં અવરોધ એટલે પરમાત્મામાં અવરોધ. 
આ સીધું ગણિત છે. જે પ્રેમમાં અવરોધ ઊભો કરે છે તે પરમાત્મામાં અવરોધ ઊભો કરે છે. ક્રોધ તમારી પાસે આવશે જ, પણ તમે એને આવકારો ન આપતા. એનો અતિથિસત્કાર નહીં કરો તો તે જતો રહેશે. આવકારો નહીં આપો અને પથારી નહીં પાથરી આપો તો ક્રોધ પાસે રહેતો નથી. કેટલો વખત એ ઊભો રહેશે તમારી પાસે? એક સલાહ છે - ક્રોધ આવે ત્યારે કોઈ નિર્ણય ન કરવો જોઈએ.
પ્રેમમાં બાધક બનતા અન્ય બાધકની વાતો કરીશું આપણે હવે પછી.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia