વૅક્સિન વાઇબ્સ: કોઈએ મનમાં એક પણ અવઢવ રાખ્યા વિના વૅક્સિન અચૂક લેવાની છે

08 May, 2021 01:05 PM IST  |  Mumbai | Manoj Joshi

સોશ્યલ મીડિયાનો ઉપયોગ જેટલો વાજબી રીતે થાય છે એટલો જ એનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે

ફાઈલ તસવીર

વૅક્સિન બાબતે અત્યારે સવિશેષ પ્રમાણમાં અવઢવ શરૂ થઈ છે. સોશ્યલ મીડિયા પર એક વર્ગ એવો ઊભો થયો છે જે સતત એવું કહ્યા કરે છે કે વૅક્સિન લીધા પછી કોવિડ થવાની શક્યતા વધી ગઈ છે. એવા પણ અનેક દાખલા ટાંકવામાં આવે છે કે ફલાણા ભાઈને વૅક્સિન પહેલાં કંઈ નહોતું અને એ પછી વૅક્સિન લીધી અને કોવિડે એનો ભોગ લઈ લીધો. આ બધી માન્યતાઓ છે, કપોળકલ્પ‌િત કલ્પનાઓ છે અને આવી કલ્પ‌િત વાતો કરનારાઓની સામે કાયદેસર રીતે પગલાં પણ લેવાં જોઈએ એવું પણ દૃઢપણે સૂચન છે.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ જેટલો વાજબી રીતે થાય છે એટલો જ એનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. જૂના વિડિયો ફૉર્વર્ડ કરીને આજની ઘટના હોય એવી વાતો પણ એમાં દર્શાવવામાં આવે છે અને વૅક્સિનનો સ્પેલિંગ પણ સાચો ન આવડતો હોય એવા લોકો વૅક્સિન લેવાના ગેરફાયદા વર્ણવવા બેસી જાય છે અને વૅક્સિનનું નામ પણ ખબર ન પડતી હોય એવા લોકો વૅક્સિનના ગેરલાભ કહેવા બેસી જાય છે. સોશ્યલ મીડિયાના આ ઉપાડવામાં આવતા આવા ગેરફાયદા સામે હવે પોલીસે, સરકારે અને પ્રશાસને લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે. જેમ ઇન્જેક્શનનાં કાળાબજાર અને ઑક્સિજનની સંઘરાખોરી ગુનો ગણવામાં આવે છે એ જ રીતે વૅક્સિન કે મેડિકલ સાયન્સ વિશે લવારી કરનારાઓ સામે પણ ગુનો દાખલ કરવાનો સમય આવી ગયો છે.

ઑલ્ટરનેટ થેરપી જ બેસ્ટ એવી વાત પણ અયોગ્ય છે અને મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા સૌકોઈ ખોટા છે એવું કહેવું પણ આજના સમયમાં તો ક્રાઇમથી જરાય ઊતરતું નથી. મહામારીના સમયમાં માણસનાં મન નાનાં થયાં છે, અને નાના થયેલા માણસના એ મનમાં શંકા સવિશેષ પ્રમાણમાં સંઘરાયેલી છે. સંઘરાયેલી આ શંકામાં ઉમેરો કરવો, નવા સંદેહનું વાવેતર કરવું માનવીય દૃષ્ટિએ પાપ છે તો સાથોસાથ સામાજિક દૃષ્ટિકો‌ણથી એ ગુનો પણ છે. જેનું જ્ઞાન તમારી પાસે નથી કે પછી જેનું અધકચરું જ્ઞાન છે એ વિષય પર બોલવાનો તમને કોઈ હક નથી અને એ પછી પણ તમે જો તમારા પોતાના કાબૂમાં ન હો તો તમારે તૈયારી રાખવી પડે કે સરકાર તમારી સામે પગલાં લે. ભલે પછી વિરોધીઓ એને વાણીસ્વતંત્રતા પરની તરાપ ગણાવે.

બેહદ, હદ બહાર વધી ગઈ છે આ પ્રક્રિયા અત્યારે. વૅક્સિનના નામે એટલી અવઢવ છે કે માણસ ખરેખર ગભરાઈ જાય. આ અવઢવ મનમાંથી કાઢી નાખજો. અડધી દુનિયા અત્યારે વૅક્સિનના જોરે જ આગળ વધે છે અને ક્ષેમકુશળ ઝોનમાં પ્રવેશતી પણ જાય છે. જો તમે પણ ક્ષેમકુશળ રહેવા માગતા હો અને તમે પણ જો કોરોના પછીની દુનિયા જોવા માગતા હો તો તમારે વૅક્સિન લેવાની તૈયારી રાખવી પડશે. આજે જગતમાં સૌથી સેફ દેશની યાદીમાં ઇઝરાયલ પહેલા નંબરે છે. કારણ, વૅક્સિનેશનની સફળતા. આપણે ત્યાં વૅક્સિન લેનારાઓ કરતાં વૅક્સિન વિશે લવારી કરનારાઓ વધી ગયા છે. આ લવારી કરનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે પણ વૅક્સિન લેવી અનિવાર્ય અને જરૂરી છે. કોઈ જાતની ચિંતા અને ‌કોઈ જાતની અવઢવ રાખ્યા વિના, પહેલું કામ વૅક્સિન લેવાનું થવું જોઈએ.

columnists manoj joshi