એક જમાનામાં આપણા દેશમાં બધી મોટર ઇમ્પોર્ટેડ જ હતી

02 July, 2022 12:21 PM IST  |  Mumbai | Deepak Mehta

મુંબઈમાં એ વેચાતી દાદાજી ધાકજીના શોરૂમમાં. ‘રાવસાહેબ’ તરીકે ઓળખાતા ધાકજી મૂળ તો થાણેના વતની. જાતે પાઠારે પ્રભુ. આ પાઠારે પ્રભુ મૂળ પાટણના વતની?

દાદાજી ધાકજીનો શોરૂમ

ધાકજી દીવાન તેમની પ્રામાણિકતા, રાજ્ય પ્રત્યેની વફાદારીને કારણે કેટલાકને આંખના કણાની જેમ ખૂંચતા હતા પણ કર્નાક આગળ તેમનું કશું ઊપજતું નહીં. પણ નવા રેસિડન્ટ આવતાં જ આવા વિરોધીઓએ તક સાધી.

આજે જેમની ઉંમર સિત્તેરેક વરસની હશે તેવા ઘણા મુંબઈગરાઓને યાદ હશે આ જગ્યા. રૉયલ ઑપેરા હાઉસથી ચોપાટી જવું હોય તો સૅન્ડહર્સ્ટ બ્રિજ પર થઈને જવું પડે. આજનું નામ મામા વરેરકર પુલ. ડાબી બાજુએ ત્રણ માળનું એક ફાંકડું મકાન. એના ભોંયતળિયે દાદાજી ધાકજીનો વિશાળ શોરૂમ. આજે ફૉરેન કાર હોવી એ સ્ટેટસ સિમ્બૉલ મનાય છે પણ એક વખત એવો હતો કે દેશમાં જેમની પણ પાસે મોટર હતી એ બધા પાસે ‘ઇમ્પોર્ટેડ’ મોટર જ હતી. કારણ? કારણ એ વખતે બીજી ઘણી વસ્તુઓની જેમ દેશમાં મોટર બનતી જ નહોતી. બધી મોટર પરદેશથી જ આવતી. અને મુંબઈમાં એ વેચાતી દાદાજી ધાકજીના શોરૂમમાં. પણ પછી ૧૯૫૭થી દેશમાં મોટર બનવા લાગી. પહેલાં આવી ‘ઍમ્બૅસૅડર’ અને પછી ૧૯૯૭માં આવી ફિયાટ, જે પાછળથી બની પદ્મિની. બીજી બાજુ આયાતી કાર પર કમરતોડ આયાતવેરો લાદવામાં આવ્યો. થોડો વખત તો ‘દેશી’ મોટરો પણ વેચી પણ પછી છેવટે એ લૅન્ડમાર્ક શોરૂમ બંધ થયો. 

ના, ભાઈ ના. દેશી કે પરદેશી કોઈ મોટરની જાહેરાત કરવા આ લખ્યું નથી. વાત તો કરવી છે દાદાજી ધાકજીની અને એમના ખાનદાનની. ‘રાવસાહેબ’ તરીકે ઓળખાતા ધાકજી મૂળ તો થાણેના વતની. ધંધો ખેતીવાડીનો પણ પછી ત્યાંનાં અંજળપાણી ખૂટ્યાં હશે એટલે ઈ. સ. ૧૭૧૫માં ઠાણે છોડી આવ્યા મુંબઈ. જાતે પાઠારે પ્રભુ. એક જ દીકરો, નામે દાદાજી. જન્મ ઈ. સ. ૧૭૪૦, મુંબઈમાં. તેમના ચાર દીકરાનાં નામ : સૌથી મોટા ધાકજી દાદાજી. પછીના ત્રણ તે રઘુનાથ, પાંડુરંગ અને બાલકૃષ્ણ. એમાં ધાકજીનો જન્મ ૧૭૬૦માં, મુંબઈમાં. ધાકજીએ કારકિર્દીની શરૂઆત પોલીસ ખાતામાં નોકરીથી કરી. પણ પછી કઈ રીતે એ તો કોને ખબર, પણ એક અંગ્રેજ વેપારી પેઢીમાં જોડાયા. બસ, ત્યારથી શરૂ થયો એમનો ભાગ્યોદય. 

થોડા વખત પછી રિવેટ વિલ્કિન્સન નામની નવી શરૂ થયેલી પેઢીના દલાલ બન્યા. પૈસાની રેલમછેલ. ઘરમાં ત્રણ-ત્રણ દીકરા : વિનાયકરાવ, હરિચંદ અને મોરેશ્વર. ઉપરાંત ત્રણ દીકરી. એ જમાનામાં દીકરીઓનાં નામ તો કોણ નોંધે? પછી જેમ્સ રિવેટ કંપનીના વેપાર ખાતાના વડાએ ધાકજીનો હાથ ઝાલ્યો. તેમની કુશળતાથી એ પૂરેપૂરા વાકેફ. એટલે કપાસની જથ્થાબંધ ખરીદી કરવાનું કામ ધાકજીને સોંપ્યું. વળી મુંબઈના બારામાં નાંગરતાં વહાણોને જરૂરી માલસામાન પૂરો પાડવા માટે આડતિયા તરીકે પણ તેમની નિમણૂક કરી. એ વખતના હોર્નબી રોડની પાછળ આવેલી રઘુનાથ દાદાજી સ્ટ્રીટમાં તેમણે પોતાને માટે રહેણાકનું મોટું મકાન બાંધ્યું. જાહોજલાલી વધ્યા પછી કાલબાદેવી રોડ પર મોટી જગ્યા લઈ ત્યાં આલિશાન ‘વાડો’ બાંધ્યો અને ત્યાં રહેવા ગયા. સરકારે ગ્રાન્ડ જ્યુરીમાં દેશીઓની નિમણૂકની શરૂઆત કરી ત્યારે પહેલી યાદીમાં ધાકજીશેઠનું નામ હતું અને શરૂઆતના જસ્ટિસ ઑફ પીસ (જેપી)માંના પણ તેઓ એક. 

ફરી એક વાર ભાગ્યચક્ર ફર્યું. વડોદરા રાજ્યના દીવાન ગંગાધર શાસ્ત્રી પંઢરપુરની યાત્રાએ ગયેલા ત્યાં કોઈ દુશ્મનના દગાથી માર્યા ગયા. ત્યારે વડોદરા રાજ્યના રેસિડન્ટ કૅપ્ટન જેમ્સ રિવેટ કર્નાકની નજર ધાકજી શેઠ પર પડી. વડોદરા રાજ્યનાં દીવાનની ખાલી પડેલી ખુરસી માટે તેમણે ધાકજીની સિફારિશ કરી. ઈ. સ. ૧૮૧૬માં પોતાનો બધો વેપાર નાના દીકરા મોરેશ્વરને સોંપીને વડોદરા રવાના થયા. ચાર-પાંચ વરસમાં તો ધાકજી દીવાને વડોદરા રાજ્યમાં ઘણા સુધારા દાખલ કર્યા. ખુશ થઈને રાજાએ મુંબઈના ગવર્નર સર ઇવાન નેપિઅનને આભારનો પત્ર લખ્યો જેમાં ધાકજી દીવાનનાં ઘણાં વખાણ કર્યાં. રાજાએ ધાકજીને ૬૦ હજાર રૂપિયાનું વાર્ષિક સાલિયાણું બાંધી આપ્યું. ઉપરાંત વરસે ૩૦ હજારની ઊપજ થાય એવી જાગીર વંશપરંપરા આપી. અંગ્રેજ સરકારે પણ આ બાબતે મંજૂરી આપી. 

પણ પછી ભાગ્યચક્ર ફર્યું ઊલટી દિશામાં. કૅપ્ટન કર્નાક સ્વદેશ પાછા જતાં તેની જગ્યાએ આવ્યા મિસ્ટર વિલિયમ્સ. ધાકજી દીવાન તેમની પ્રામાણિકતા, રાજ્ય પ્રત્યેની વફાદારીને કારણે કેટલાકને આંખના કણાની જેમ ખૂંચતા હતા પણ કર્નાક આગળ તેમનું કશું ઊપજતું નહીં. પણ નવા રેસિડન્ટ આવતાં જ આવા વિરોધીઓએ તક સાધી. વડોદરા રાજ્યના દીવાન થયા પછી પણ ધાકજીની પેઢીનો ધીખતો વેપાર તો ચાલુ જ હતો. વિરોધીઓએ રાજાને ફરિયાદ કરી કે આ ધાકજી તો બડો લાંચિયો છે અને રાજ્યનાં ઘણાં કામ તો તે આડકતરી રીતે પોતાની પેઢીને જ સોંપે છે. કહેવત છેને કે રાજા, વાજા ને વાંદરા, ત્રણેનો ભરોસો નહીં. રાજાએ ફરિયાદ નવા રેસિડન્ટના કાને નાખી. કાચા કાનના રેસિડન્ટે ફરિયાદ સાચી માની લીધી. અને બન્નેએ મળીને રાતોરાત ધાકજીને દીવાનપદેથી છુટ્ટા કર્યા! એટલે વર્ષાસન તો બંધ થયું પણ વંશપરંપરા જે જાગીર આપેલી એ પણ જપ્ત કરી! એ માટે બહાનું એવું કાઢ્યું કે ધાકજી દીવાનની જેમ વર્તવાને બદલે ઘણી વાર પોતે રાજા હોય એમ વર્તતા હતા અને આ તો ‘રાજદ્રોહ’નો ગુનો થયો! બીજી બાજુ રેસિડન્ટે એવો હુકમ જારી કીધો કે લાંચરુશ્વત લીધાની સજા તરીકે ધાકજીએ તાબડતોબ રાજાને સાડાસાત લાખ રૂપિયાનો દંડ ભરી દેવો! ધાકજીએ દંડ ભરી દીધો. છતાં ન વર્ષાસન પાછું મળ્યું, ન મળી વંશપરંપરા આપેલી જાગીર.

તાકડે બરાબર એ જ વખતે મુંબઈમાં ધાકજીના દીકરા મોરેશ્વર ગંભીર માંદગીમાં પટકાયા. દેશી તો ઠીક અંગ્રેજ મિત્રોએ પણ કહ્યું કે દીકરાનું મોઢું જોવું હોય તો વહેલી તકે મુંબઈ આવી જાઓ. એટલે વડોદરાનું ગૂંચવાયેલું કોકડું પડતું મૂકીને ધાકજી દોડ્યા મુંબઈ. તેઓ મુંબઈ પહોંચ્યા એ પછી મોરેશ્વરનું અવસાન થયું. બે મોટા દીકરા તો એ પહેલાં જ મૃત્યુ પામેલા હતા. ધાકજીશેઠે પોતાના બધા વેપારનો વીંટો વાળી દીધો. ફક્ત કેટલીક બ્રિટિશ કંપનીના આડતિયાનું કામ ચાલુ રાખ્યું. બટક્યા ખરા ધાકજીશેઠ, પણ તૂટ્યા નહીં. આવા કપરા સંજોગોમાં પણ ૧૮૩૧માં મહાલક્ષ્મી ખાતે ‘ધાકલેશ્વર’નું શિવ મંદિર બંધાવ્યું જે હજી આજેય ઊભું છે. ઢળતી ઉંમરે વારસ વિનાના ધાકજી શેઠે પોતાની વચલી દીકરીના દીકરા કાશીનાથને વિધિસર દત્તક લીધા. 
બીજી બાજુ વડોદરા રાજ્યમાં થયેલા અન્યાય વિશે ધાકજીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરો પાસે ધા નાખી, એક વાર નહીં પણ ચાર વાર. પણ દર વખતે મુંબઈ સરકાર અને ગાયકવાડ સરકાર લંડનનાં ચુકાદાને ઘોળીને પી જતી. છેવટે  લંડનના સાહેબો મુંબઈ સરકાર પર બગડ્યા. તેમણે સીધું કલકત્તાની વડી સરકારને આગલા ચુકાદાનો તાબડતોબ અમલ કરવા લખી જણાવ્યું (એ વખતે હિન્દુસ્તાનની રાજધાની કલકત્તા હતું અને ત્યાંની સરકાર ‘કેન્દ્રીય સરકાર’ ગણાતી). છેવટે અઢાર વરસની લડત પછી ગુમાવેલી જાગીર પેટે ગાયકવાડ સરકારે વગર વ્યાજે નવ લાખ રૂપિયા ચૂકવવાનું સ્વીકાર્યું અને વંશપરંપરાગત ગામ પાછાં સોંપ્યાં. 

નવ લાખમાંથી ચાર લાખ નેવું હજાર રૂપિયા ચૂકવ્યા પણ ખરા ગાયકવાડે. પણ ત્યાં તો ગવર્નર કર્નાક માંદા પડ્યા અને સ્વદેશ ભેગા થઈ ગયા. આ ખબર મળતાં જ બાકીની રકમ ધાકજીને ચૂકવવી નહિ એવો હુકમ ગાયકવાડે બહાર પાડ્યો! આટલું ઓછું હોય તેમ ધાકજી પર એક નવો આરોપ મૂક્યો: તેઓ જે લાંચ લેતા હતા તે હકીકતમાં રેસિડન્ટ કર્નાક વતી લેતા હતા, અને લાંચની અડધી રકમ તેમને આપી અડધી પોતે રાખતા હતા! ધાકજીના મુંબઈના બંગલા પર ધાડ પાડવામાં આવી. તેમના બધા હિસાબી ચોપડા તપાસાયા. પણ ક્યાંય એક પૈસો પણ ખોટી રીતે આવ્યો કે ગયો હોય એવું જોવા ન મળ્યું. ફરી ધાકજીએ લંડન ધા નાખી. ઇનામી જમીન ધાકજીને પાછી સોંપવાનો હુકમ. છેવટે જાગીર ને જમીન ધાકજીને પાછી મળી. આથી ધાકજીએ હાશકારો અનુભવ્યો, પણ થોડા વખત માટે જ. ઈ.સ. ૧૮૪૬માં ધાકજીશેઠે આ ફાની દુનિયા છોડી દીધી. 

આ દાદાજી ધાકજી હતા પાઠારે પ્રભુ જમાતના. મુંબઈના મૂળ વતનીઓ તો કોળીઓ. પણ પછી જુદી જુદી જાત-જમાતના લોકો મુંબઈ આવવા લાગ્યા, ઠરીઠામ થવા લાગ્યા. તેમાંના એક આ પાઠારે પ્રભુ. પણ મુંબઈ આવ્યા ક્યાંથી? એ વિષે જાણકારોમાં મતભેદ છે. ઘણા કહે છે કે આ પાઠારે પ્રભુ તે મૂળ તો ગુજરતના પાટણ શહેરના વતની. એટલે જ કેટલાક પાટાણે પ્રભુ તરીકે ઓળખતા. તો કેટલાક કહે છે કે આ લોકો મૂળ રાજસ્થાના વતની. ત્યાંથી ગયા પાટણ અને ત્યાંથી આવ્યા મુંબઈ. પણ એ પાટણ તે કિયું? કારણ ગુજરાતમાં બે પાટણ છે – એક અણહિલપુર પાટણ અને બીજું સોમનાથ કે પ્રભાસ પાટણ. પણ વધુ મોટી મુશ્કેલી તો એ છે કે ગુજરાતના રાજાઓની વંશાવળીમાં ક્યાંય ‘બિંબદેવ’ નામના રાજાનું નામ જોવા મળતું નથી. આના જવાબમાં કહેવાય છે કે આ બિંબદેવ તે પ્રસિદ્ધ રાજા ભીમદેવ. ભલે, પણ કયો ભીમદેવ? કારણ આ નામના બે રાજા ગુજરાતમાં થઈ ગયા. પણ એ બેમાંથી એકે ભીમદેવ મુંબઈ તો જવા દો, મહારાષ્ટ્ર તરફ આવ્યો હોય એવો એક પણ ઉલ્લેખ ગુજરાતના ઇતિહાસમાં જોવા મળતો નથી. 

બિંબદેવ અને મુંબઈને લગતી કેટલીક દંતકથા પણ પ્રચલિત છે. મુંબઈ તરફ આવેલા બિંબદેવે પોતાની રાજધાની મહિકાવતી ખાતે સ્થાપેલી. અને આ મહિકાવતી તે આજનું માહિમ. રાજાના માતંગ કહેતાં હાથીઓને બાંધવા માટેના તબેલા જ્યાં હતા એ બન્યું માતંગાલય, આજનું માટુંગા. રાજાની અદાલત જ્યાં આવેલી એ સ્થળ ઓળખાતું ન્યાયગ્રામ તરીકે. એ જ આજનું નાયગાંવ. પણ આ બધી વાત કપોલકલ્પના જ છે, કારણ કે બિંબદેવ નામનો એક રાજા જે આ તરફ આવેલો તે આજના માહિમ સુધી નહીં, પણ મુંબઈની ઉત્તરે આવેલા કેળવે-માહિમ સુધી જ આવેલો. એટલે કે પાઠારે પ્રભુ જમાત વિશે આજે કશું ખાતરીથી કહી શકાય એમ નથી. સિવાય કે તેમણે મુંબઈમાં બંધાવેલાં બે મંદિરો. એક પ્રભાદેવીનું, બીજું ગિરગામની નવી વાડીમાં આવેલું માહેશ્વરી માતાનું મંદિર.

આવતા અઠવાડિયે બીજી કોઈ જમાતના બીજા કોઈ કુટુંબ-કબીલાની વાત.

columnists deepak mehta