હોમિયોપથીથી હાશકારો

10 April, 2021 03:13 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે વર્લ્ડ હોમિયોપથી ડે નિમિત્તે આ ઑલ્ટરનેટિવ ઉપચાર પદ્ધતિ સાથે સંકળાયેલા સેવાભાવ પર વાત કરીએ

હોમિયોપથીથી હાશકારો

વર્ષોથી મુંબઈમાં કેટલાક ઠેકાણે હોમિયોપથીનાં ક્લિનિક નિઃશુલ્ક અથવા નજીવા દરે ચાલે છે જેથી નબળામાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતી વ્યક્તિ પણ સાચી સારવારથી વંચિત ન રહે. આજે વર્લ્ડ હોમિયોપથી ડે નિમિત્તે આ ઑલ્ટરનેટિવ ઉપચાર પદ્ધતિ સાથે સંકળાયેલા સેવાભાવ પર વાત કરીએ

દર મહિનાના બીજા અને ચોથા રવિવારે છેલ્લાં ૪૦ વર્ષથી હોમિયોપથીના ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. સરોશ એન્જિનિયર એક પણ રૂપિયો ફી લીધા વિના સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધી કાંદિવલીમાં કામબાર દરબાર ક્લિનિકમાં પેશન્ટને કન્સલ્ટેશન અને દવા આપે છે. વર્ષો સુધી અહીં ફ્રીમાં દરદીઓને દવા અપાતી હતી. જોકે પછી ૧૦ રૂપિયા અને હવે અઠવાડિયાની દવાના માત્ર ૨૦ રૂપિયા લેવામાં આવે છે. એક પણ જાતની પબ્લિસિટી વિના કાંદિવલી-વેસ્ટમાં ભુરાભાઈ આરોગ્ય ભવનની સામે આવેલા આ ક્લિનિકમાં નબળી સ્થિતિ ધરાવતા લોકોમાં આ ક્લિનિક પૉપ્યુલર છે. કાંદિવલીમાં આવું જ બીજું પણ એક ક્લિનિક છે. નામ છે સાર્વજનિક હોમિયોપથી ડિસ્પેન્સરી. પારેખ લેનમાં આવેલી કમલા વિહાર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પહેલા માળે નજીવા દરે હોમિયોપથીનું ક્લિનિક ચાલે છે. ૪૪ વર્ષ પહેલાં પ્રીતમ પારેખ નામના કાંદિવલીના અગ્રણી સમાજસેવકે પોતાના કેટલાક મિત્રો સાથે મળીને આ સંસ્થાની શરૂઆત કરી હતી. સેવાભાવી ડૉક્ટરોની સહાયથી આ ક્લિનિક ચાલે છે જેમાં એક દિવસની દવાનો ચાર્જ ૧૦ રૂપિયા લેવાય છે. આ તો કાંદિવલીની જ બે સંસ્થાની વાત કરી, પણ આવી મુંબઈમાં ઘણી સંસ્થાઓ છે જે હોમિયોપથીના પ્રચાર અને પ્રસાર દ્વારા દરદીઓની દશા સુધારવાના, તેમને રોગમુક્ત કરવાના પ્રયાસોમાં લાગી છે. હોમિયોપથીને સામાજિક સ્તરે વધુ ને વધુ સંસ્થાઓ પ્રસાર કરવાના પ્રયાસ કરે એ જરૂરી શું કામ છે એનાં કારણ આપતાં ડૉ. સરોશ કહે છે, ‘મારું પોતાનું પર્સનલ ક્લિનિક પણ છે છતાં સમય મળે અથવા મારી પાસે દરદીઓ આવે તો તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો દવાથી તેઓ વંચિત ન રહી જાય એવા પ્રયાસ હું કરું છું. અત્યારના સમયમાં હોમિયોપથીની આવશ્યકતા પહેલાં કરતાં અનેકગણી છે. નિરુપદ્રવી કહી શકાય એવી આ દવાઓ રોગને મૂળમાંથી કાઢવા માટે જાણીતી છે. આડઅસર નથી અને અમુક ઍલર્જી, બ્રૉન્કાઇટિસ, જૉઇન્ટ્સ પેઇન જેવી બીમારીમાં દરદીઓને લાભ થતા જોયા છે. ઘણા કેસમાં દરદીઓની સર્જરી પણ હોમિયોપથીની રાઇટ મેડિસિનથી ટાળી શકાય છે. ભારત જેવા દેશમાં ગરીબી વધારે છે. દવાનો ખર્ચ અને કેટલીક દવાની આડઅસરોને કારણે ઊલમાંથી ચૂલમાં પડવાની સંભાવના વધારે હોય છે, મેડિક્લેમની વ્યવસ્થા હોય એવા દરદીઓની સંખ્યા પણ ઓછી છે ત્યારે તો આ સારવાર પદ્ધતિને વધુ ને વધુ લોકો સુધી હજીયે પહોંચાડાય એવા પ્રયત્ન થવા જોઈએ.’
વાત તો સાચી છે. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે મહારાષ્ટ્રમાં કુલ ૪૨ હોમિયોપથી કૉલેજિસ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ફરી એક વાર ઑલ્ટરનેટિવ થેરપી તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે ત્યારે એની અકસીરતાની ચકાસણી પણ થતી રહે અને વધુ ટૅલન્ટેડ ડૉક્ટરો જો ઉચિત નિદાનથી આ થેરપીથી પેશન્ટની સારવાર કરશે તો એની અસર માત્ર વ્યક્તિગત હેલ્થ એક્સપેન્સ પર નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે હેલ્થ-ઇન્ડેક્સ પર પણ પડશે. 
મેડિકલ કૉલેજમાં પ્રોફેસર તરીકે સક્રિય અને મુંબઈભરમાં હોમિયોપથી પ્રત્યે લોકોમાં જાગૃતિ માટે મથી રહેલા ડૉ. રાકેશ ગુપ્તા આ સંદર્ભે કહે છે, ‘હું ૨૦૦પમાં હોમિયોપથી પાસ કર્યા પછી લગભગ ૨૦૧૨ સુધી પાલઘર પાસેના આદિવાસી એરિયામાં રહ્યો હતો અને ત્યાં જ પ્રૅક્ટિસ કરતો હતો. ગ્રામીણ સ્થળોએ હોમિયોપથી પહોંચે એવા પ્રયાસો બહુ ઓછા સ્તરે થયા છે જેના પ્રયત્ન વધવા જોઈએ. હવે મુંબઈમાં પાર્લાની ચંદાબહેન મોહનભાઈ પટેલ હોમિયોપથી કૉલેજમાં ફૉરેન્સિક મેડિસિન વિભાગમાં હેડ છું. અત્યારે હું વિદ્યાર્થીઓ પાસે નિયમિત કૅમ્પ કરાવું છું, કારણ કે હોમિયોપથીને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના પ્રયાસો  થવા જૉઈએ. અમારી એક સંસ્થા સત્ત્વ ચૅરિટેબલ ટ્રસ્ટ વતી અમે સોશ્યલ મીડિયા અને અન્ય મિડિયાના સહયોગથી હોમિયોપથીની અકસીરતા પર અવેરનેસ લાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણા ઇમર્જન્સી પેશન્ટ્સને પણ અમે અમારી હૉસ્પિટલમાં હોમિયોપથીની સારવારથી સાજા કર્યા છે. આખા મુંબઈમાં અમે દર રવિવારે નિઃશુલ્ક ઓપીડી રન કરીએ છીએ, જેમાં વધારેમાં વધારે પેશન્ટ્સને હોમિયોપથી અંતર્ગત દવા અને કન્સલ્ટેશન અપાય છે.’
ડૉ. રાકેશ ગુપ્તાની સંસ્થા દ્વારા ટ્રેઇનિંગ, વેબિનાર અને સેમિનાર પણ યોજાય છે જે અવેરનેસ માટે ખૂબ ઉપયોગી સાબિત થયાં છે. તેઓ કહે છે, ‘તમાકુ, દારૂ કે ડ્રગ જેવા વ્યસનથી મુક્તિ અપાવવા માટે પણ હોમિયોપથી દ્વારા અમારા ડૉક્ટરો કામ કરી રહ્યા છે. મુંબઈ પોલીસ અને મુંબઈ ટ્રાફિક પોલીસ માટે અમે હેલ્થ કૅર ઍક્ટિવિટી રાખી હતી. અમે ઘણા કોવિડ પેશન્ટ્સને પણ આઇસોલેશન ટાઇમે દવા અને ગાઇડન્સ દ્વારા સપોર્ટ કરી રહ્યા હતા. હોમિયોપથીનું સ્પેક્ટ્રમ ખૂબ મોટું થઈ ગયું છે હવે. ન્યુમોનિયા, ડેન્ગી, યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન, ગૅન્ગરીન અને ટાઇફૉઇડમાં પણ અમને હોમિયોપથીના ઇફેક્ટિવ પરિણામ મળ્યાં છે. હોમિયોપથી એટલે સ્લો ઉપચાર પદ્ધતિ તરીકે એ પૉપ્યુલર થઈ છે, પરંતુ એ વાસ્તવિકતા નથી એ વાત અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ.’

દરદીને તમે ભગવાનનો દરજ્જો આપો. દરેક દરદીને સરખું સન્માન આપો આ અને આવી અઢળક વાતો શીખવનારાં ડર્બનનાં હોમિયોપથી પ્રૅક્ટિશનર સ્વામી નારાયણી પાસેથી ડૉ. રવીન્દ્ર કાપડિયા, ડૉ. સરોશ એન્જિનિયર જેવા કેટલાક મિત્ર ડૉક્ટરોએ શીખીને લગભગ ૪૦ વર્ષ પહેલાં હોમિયોપથીનું નિઃશુલ્ક‌ ક્લિનિક શરૂ કરેલું. ક્લિનિકનું કોઈ નામ નથી. આજ પ્રેરણાનું પ્રતિબિંબ એટલે બોરીવલી-વેસ્ટમાં પ્લૅટફૉર્મ-બે અને ત્રણની પાસે આવેલું મથુરા ભુવનનું ક્લિનિક. ડૉ. રવીન્દ્ર કહે છે, ‘સ્વામી નારાયણીને અમે માતાજી કહેતા. ગરીબ હોય કે અમીર તેમને માટે બધા સમાન હતા. તેમણે હોમિયોપથીની ઇફેક્ટિવનેસ ઓછા સમયમાં વધે એ આશયથી કેટલાંક કૉમ્બિનેશન્સ બનાવ્યાં હતાં. આજે એ જ કૉમ્બિનેશન્સ સાથે અમે દવા આપીએ છીએ. દર શુક્રવારે સંપૂર્ણ ફ્રી અને બાકીના દિવસોમાં પણ પેશન્ટ પ્રેમથી જે જે આપે તે. ભગવાનની કૃપા છે કે આ ઢબથી ચાલતું હોવા છતાં ક્યારેય ક્લિનિકનું કામ અટક્યું નથી. ક્લિનિકમાં મેડિસિન્સ માટે કેટલાંક વિશેષ મશીન છે. અમને પેશન્ટ્સના આશીર્વાદ અને ક્લિનિકનો નિભાવખર્ચ કેટલાક સધ્ધર પેશન્ટ્સ સ્વેચ્છાએ આપી દે છે. ઘણાં ઑટિસ્ટિક બાળકોમાં આ દવાનું અદ્ભુત પરિણામ મળ્યું છે.’  

 ન્યુમોનિયા, ડેન્ગી, ગૅન્ગરીન અને ટાયફોઇડમાં પણ અમને હોમિયોપથીના ઇફેકિટવ પરિણામ મળ્યા છે. હોમિયોપથી હવે સ્લો ઉપચાર પદ્ધતિ નથી એ વાત અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ -ડૉ. રાકેશ ગુપ્તા

columnists ruchita shah