Teachers Day : સાચો શિક્ષક વિચારો વહેંચતો નથી, પણ પોતાની જાતે વિચારતાં શીખવે છે

04 September, 2023 05:44 PM IST  |  Mumbai | Deepak Mehta

Teachers Day : શિક્ષક દિન નિમિત્તે મુંબઈની કેટલીક નોખી સ્કૂલો અને અનોખા શિક્ષક વિશે થોડી વાતો

પ્યુપિલ્સ ઓન સ્કૂલના સ્થાપક જહાંગીરજી વકીલ અને જ્યાં એ સ્કૂલની મુંબઈમાં શરૂઆત થઈ એ મોર બંગલો. (ફોટો સૌજન્ય: આ સ્કૂલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ખેવના દેસાઈ)

Teachers Day : વીસમી સદીના ત્રીજા દાયકામાં દેશની આઝાદી માટેની લડત એના છેલ્લા તબક્કામાં દાખલ થઈ રહી હતી ત્યારે સારા નસીબે મુંબઈને કેટલીક એવી સ્કૂલ મળી જે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલી હતી અને શિક્ષણનાં ઊંચાંમાં ઊંચાં ધોરણોને તાકવા મથતી હતી. શિક્ષક દિન નિમિત્તે મુંબઈની કેટલીક નોખી સ્કૂલો અને અનોખા શિક્ષક વિશે થોડી વાતો

‘સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.’ જેમનો જન્મદિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઊજવાય છે તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. અને તેમની સાચી ઓળખ એટલે એક મહાન ફિલસૂફ અને શિક્ષણશાસ્ત્રી. આપણા દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા, બીજા રાષ્ટ્રપતિ હતા એ તો પ્રમાણમાં ગૌણ ઓળખ. આ લખનારનું સારું નસીબ કે તેને શાળામાં આવા સાચા શિક્ષકો મળ્યા. શિક્ષક દિન નિમિત્તે મુંબઈની કેટલીક નોખી સ્કૂલો અને એક અનોખા શિક્ષક વિશે થોડી વાતો.

વીસમી સદીના ત્રીજા દાયકામાં દેશની આઝાદી માટેની લડત એના છેલ્લા તબક્કામાં દાખલ થઈ રહી હતી ત્યારે સારા નસીબે મુંબઈને કેટલીક એવી સ્કૂલ મળી જે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલી હતી અને શિક્ષણનાં ઊંચાંમાં ઊંચાં ધોરણોને તાકવા મથતી હતી. આળસ મરડીને બેઠું થતું મુંબઈનું એક પરું તે સાંતાક્રુઝ. અને ત્યાં ૧૯૨૭માં શરૂ થઈ એક નાનકડા, ભાડાના મકાનમાં પોદાર સ્કૂલ. આ સ્કૂલની શરૂઆતથી દાયકાઓ સુધીના એના વિકાસના પાયામાં રહ્યું રામભાઈ બક્ષીનું સારસ્વત તપ. આ સ્કૂલ શરૂ થઈ એ પહેલાં રામભાઈ ધોબી તળાવ નજીકની સરકારી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં શિક્ષક. માત્ર મુંબઈ શહેરની નહીં પણ આખા મુંબઈ ઇલાકાની એ સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્કૂલ. રાજીનામું લખી રામભાઈ અંગ્રેજ પ્રિન્સિપાલને આપવા ગયા. પહેલાં તો સ્કૂલ ન છોડવા સમજાવ્યા. ભવિષ્યમાં સરકારી નોકરીમાં કેવી ઊજળી તકો છે એ કહ્યું. પણ રામભાઈ એકના બે ન થયા. પ્રિન્સિપાલ કહે : મિસ્ટર બક્ષી! એક-બે વરસ પછી અહીં પાછા ફરવાની ઇચ્છા હોય તો એ પ્રમાણે કાગળિયાં કરું. જવાબ : સાહેબ, હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કરું એ પછી જ અહીં પાછા ફરવાનો વિચાર કરી શકું. સ્કૂલ શરૂ થતાં પહેલાં શેઠ આનંદીલાલ પોદારે દરખાસ્ત મૂકી કે આ સ્કૂલમાં છોકરા-છોકરીને મફત શિક્ષણ આપવું. ત્યારે રામભાઈએ કહ્યું કે ના, ભલે ઓછી પણ ફી તો લેવી જ જોઈએ. પોદારશેઠ : પણ કેમ? તમે જાણો છો કે આ સ્કૂલ હું કમાણી કરવા શરૂ નથી કરતો. રામભાઈ : ફી આપતા હોય તો વાલીઓ આપણી ભૂલો બતાવી શકે, આપણને સૂચનો કરી શકે. જો મફત હોય તો જે મળે એ મૂંગા મોઢે સ્વીકારી લે. અને તો આપણી સ્કૂલનો વિકાસ ન થાય. રામભાઈએ વાવેલો એ છોડ આજે તો વટવૃક્ષ બની ગયો છે.

ભરૂચ જિલ્લાના રાજપીપળાના બે યુવાનો ચંદુભાઈ અને મગનભાઈ વ્યાસ. ૧૯૨૨માં બન્ને ભાઈઓએ શુક્લતીર્થમાં આશ્રમ પદ્ધતિની શાળા શરૂ કરી. ડૉક્ટર જ્યૉર્જ અરુન્ડેલની અસર નીચે બન્ને આવ્યા. અરુન્ડેલનું સૂચન માનીને મગનભાઈ લંડન સ્કૂલ ઑફ એજ્યુકેશનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. ૧૯૨૪થી ૧૯૨૭ સુધી ત્યાં અભ્યાસ કરીને પાછા મુંબઈ આવ્યા. ત્યાં સુધી મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એજ્યુકેશનના હોદ્દા પર કોઈને કોઈ અંગ્રેજની જ નિમણૂક થતી. પણ મગનભાઈને એ હોદ્દો આપવાની સરકારે દરખાસ્ત કરી જેનો તેમણે સવિનય અસ્વીકાર કર્યો, કારણ કે તેમની ઇચ્છા શિક્ષણક્ષેત્રે સક્રિય કામ કરવાની હતી. ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે મગનભાઈ ન્યુ એજ્યુકેશન ફેલોશિપ નામની શિક્ષણની ચળવળના સંપર્કમાં આવ્યા હતા. મુંબઈ પાછા આવ્યા ત્યારે રતનલાલ મોરારજી નામના ઉદ્યોગપતિએ મુંબઈમાં એક નવી સ્કૂલ શરૂ કરવા જણાવ્યું. અને ૧૯૨૭માં શરૂ થઈ ફેલોશિપ સ્કૂલ. પણ થોડા જ વખતમાં બીજા સાથીઓ સાથે કેટલીક બાબતમાં મતભેદ થયા અને મગનભાઈ અને તેમનાં પત્ની સરોજબહેને ફેલોશિપ છોડી. સાથે નક્કી કર્યું કે હવે જે સ્કૂલ શરૂ કરવી એ એકલા હાથે કરવી.

ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશિપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં વ્યાસ દંપતી અને ચંદુભાઈએ શરૂ કરી ન્યુ ઈરા સ્કૂલ. ઇંગ્લૅન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો એ અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી.

એક જમાનામાં ખાર નામના પરાનું અલગ અસ્તિત્વ નહોતું. વાંદરા તરીકે ઓળખાતા મોટા વિસ્તારનો એક ભાગ. ૧૯૨૪માં ‘ખાર રોડ’ સ્ટેશન શરૂ થયું ત્યારથી વિકાસ ઝડપી થયો. આ ખારમાં આજે આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલ મુંબઈની એક અગ્રણી સ્કૂલ. એની શરૂઆત ખારમાં નહીં, પુણેમાં થઈ હતી, ૧૯૨૯માં. આ સ્કૂલ એટલે ગાંધીજી અને ગુરુદેવ ટાગોરના રંગે રંગાયેલાં પારસી દંપતી જહાંગીરજી અને કુંવરબાઈ વકીલનું સપનું. અને ત્યારના એના વિદ્યાર્થીઓમાંનાં કેટલાકનાં નામ : ઇન્દિરા ગાંધી, કમલનયન બજાજ, વિજયાલક્ષ્મી પંડિતની બે દીકરી. ૧૯૩૩માં પુણેમાં પ્લેગનો રોગ ફેલાયો ત્યારે એ સ્કૂલ પુણેથી આવી વિલે પાર્લે ઈસ્ટમાં આવેલા ભવ્ય મોર બંગલામાં. ખાર આવી એ તો છેક ૧૯૪૬માં. અને ચોથી સ્કૂલ તે એ વખતે ગુજરાતીઓના ગઢ તરીકે ઓળખાતા ‘સી’ વૉર્ડમાં સિક્કાનગર ખાતે ૧૯૩૬માં શરૂ થયેલી મૉડર્ન સ્કૂલ. રમણભાઈ વકીલ અને તેમનાં પત્ની પુષ્પાબહેન વકીલ એના પાયાના પથ્થર.

પણ આ બધી સ્કૂલોમાં આ લખનારની પોતીકી સ્કૂલ એ તો ન્યુ ઈરા, ના, ‘ધન્ય ન્યુ ઈરા’ જે હવે ભૂતકાળ બની ગઈ છે. ૧૯૪૭થી ૧૯૫૭નાં દસ વરસ ત્યાં ભણવા મળ્યું એ મોટું સદ્ભાગ્ય. ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’ એ સ્લોગન તો ઘણાં વરસ પછી પ્રચારમાં આવ્યું. પણ ન્યુ ઈરાએ તો દાયકાઓ પહેલાં એ અમલમાં મૂકેલું. જેટલું મહત્ત્વ અભ્યાસનું એટલું જ મહત્ત્વ અન્ય પ્રવૃત્તિઓનું. સંગીત, નૃત્ય, નાટક, વક્તૃત્વ, ચિત્રકામ, કાંતણ. અને હા, રમતગમત તો ખરી જ. સ્કૂલનું વાતાવરણ મુક્ત, પણ સંયમી. અવારનવાર કોઈ ને કોઈ મહેમાન વક્તા આવે જ. સાહિત્ય, સંગીત, નૃત્ય, અને બીજી કલાઓના કેટલા ધુરંધરોને સાંભળવાની, જોવાની, જાણવાની તક મળી એ દસ વરસમાં! પહેલું લખાણ પ્રગટ થયું એ સ્કૂલના ‘ઉષા’ નામના વાર્ષિકમાં – કવિ સુન્દરમની મુલાકાતનો અહેવાલ.

એ અરસામાં અહીં ભણેલા કોઈ પણ વિદ્યાર્થીને સૌથી પહેલાં યાદ આવે જરબેન ગ્યારા, પ્રાથમિક વિભાગનાં વડા. શિસ્તનાં અતિશય આગ્રહી. પણ કાળજું કપોતના જેવું. સોમભાઈ, ઈશ્વરભાઈ અને વરધભાઈ પટેલની ત્રિપુટી. દોલતભાઈ દેસાઈ અને સુશીલાબહેન વાંકાવાળા. શાસ્ત્રીય સંગીત શીખવા મળ્યું જોગળેકર સર પાસેથી તો સંસ્કૃત શીખવા મળ્યું ગાડગિળ સર પાસેથી. આજ સુધી જેમાં ગતાગમ નથી પડી એ વિજ્ઞાન શીખવે જામ્ભેકર સર. પહેલાં મધુભાઈ પટેલ અને પછી દિનેશભાઈ શાહ જેવા જાણીતા કલાકારો શીખવતા છતાં ચિત્રકામ ન જ આવડ્યું.

પણ ન્યુ ઈરાના શિક્ષકોમાંથી સૌથી વધુ પ્રભાવ પડ્યો એ તો પિનુભાઈનો. આ પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. સાહિત્ય, સંગીત, અન્ય કળાઓનો જીવ. શાંતિનિકેતનમાં રહી ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. એક વાર ટ્રેનમાં ટાગોર સાથે કલકત્તાથી મુંબઈ આવતા હતા ત્યારે આખે રસ્તે ગુરુદેવનાં ગીતો ગાઈને ગુરુદેવને સંભળાવેલાં. હંમેશ શ્વેતવસ્ત્રાવૃત – જાણે સરસ્વતીનો પુરુષદેહી અવતાર. કવિતા હોય કે નાટક, વાર્તા હોય કે નિબંધ; ભણાવતી વખતે એમાં પોતે તલ્લીન અને વિદ્યાર્થીઓ પણ તલ્લીન. પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ ભણાવતી વખતે ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય અને સમજાવતા જાય. હથેળી વડે ટેબલ પર થાપ મારીને તાલ પણ શીખવે. રાગ-રાગિણી વિશે વાત કરે. કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ તો ઘણા અનુવાદકોએ કર્યા. પણ સમગેય અનુવાદ કર્યા તે મુખ્યત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: ‘પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો (એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે એ જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીઓની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે ને તેમણે કરેલા તરજુમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજુમામાં જે નીપજ્યું છે એ છે બંગાળીકરણ.’    

પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ : મુંબઈની સેન્ટ ઝૅવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. એ જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત  એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો તે પૂરા બે કલાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે ને વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈના એ ગાયેલા ગીતની છેલ્લી પંક્તિઓ છે :

ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!
કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!

ગુરુ, શિક્ષક એ એક ચિંતામણિ છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો-સો જ નહીં, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, તેમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.

columnists deepak mehta teachers day mumbai mumbai news